લાખો પાઠકોના પ્રિય પાઠક
હિન્દી ભાષાના પલ્પ ફિક્શન અથવા લુગદી સાહિત્યમાં સુરેન્દ્ર મોહન પાઠક વિરાટ કદ ધરાવતું નામ છે. અર્થપૂર્ણ સાહિત્યમાં પ્રેમચંદ કે કમલેશ્વર જેવા લેખકોના જે માન-સન્માન છે એવા માન-સન્માન સુરેન્દ્ર મોહન પાઠક પલ્પ ફિક્શનના ક્ષેત્રમાં મેળવે છે. પચાસના દાયકામાં પોતાના લેખનની શરૂઆત કરનારા આ લેખકને નામે અઢીસોથી વધુ પુસ્તકો બોલાય છે. જોકે, સુરેન્દ્ર મોહન પાઠકે માત્ર નવલકથાઓ જ નથી લખી, એમણે કેટલાક વિદેશી પુસ્તકોનાં અનુવાદો કર્યાં છે અને જોક્સ બુક્સ પણ લખી છે. અલબત્ત, એમને ખરી લોકપ્રિયતા ક્રાઈમ ફિક્શન અથવા મિસ્ટરી રાઇટિંગે જ અપાવી.
સુરેન્દ્ર મોહન પાઠકની નવલકથાઓ રેલવે અને બસ સ્ટેશનોના બુક સ્ટોર્સમાં ખૂબ વેચાય છે, એરપોર્ટ પરના એરકન્ડિશન્ડ બુક સ્ટોરમાં એમની નવલકથાઓ શોધીને મરી જાઓ તોય નહીં જડે. આ ઑબ્ઝર્વેશન પરથી આપણે એવું તારણ નહીં કાઢવાનું કે, દેશનો પૈસાદાર વર્ગ સુરેન્દ્ર મોહન પાઠકની લુગદી નવલકથાઓ નથી વાંચતો. પણ આ પરથી તારણ એવું નીકળે કે, સુરેન્દ્ર મોહન પાઠક દેશના આમ આદમીના લેખક છે. શિષ્ટ સાહિત્યની સમજમાં જ ન આવે એવી એની ભાંજગડમાં પડવા કરતા ટ્રેન અને બસોમાં પસીને રેબઝેબ થતો સામાન્ય માણસ પોતાની નજીવી કમાણીમાંથી થોડા રૂપિયા આ નવલકથાઓ પાછળ ખર્ચે છે અને એ વાંચીને મનોરંજન મેળવે છે.
પોતાની કારકિર્દીમાં બસો જેટલી ક્રાઇમ ફિક્શન લખી, એમાં સુરેન્દ્ર મોહન પાઠકે સુનીલ, સુધીર અને વિમલ સિરીઝની સૌથી વધુ નવલકથાઓ લખી. આ ત્રણેય સિરીઝમાં પણ ‘સુનીલ’ સિરીઝમાં એમણે સૌથી વધુ 121 નવલકથાઓ લખી. આ સિરીઝનો હીરો સુનીલ એક પત્રકાર હોય છે, જે જાતજાતની ક્રાઇમ મિસ્ટરીઝ ઉકેલતો રહેતો હોય છે. સુનીલ સિરીઝ શરૂ થયેલી ત્યારે સિત્તેરનો દાયકો ચાલતો હતો અને આ દાયકામાં એક પત્રકાર કોઈ નોવેલ સિરીઝનો હીરો હોય અને પાછો એ કોમ્પ્લિકેટેડ મિસ્ટરીઝ સોલ્વ કરતો હોય એ વાત બીજાને તો ઠીક પણ ખૂદ પત્રકારોને પણ હજમ નહીં થયેલી.
સુનીલનું પાત્ર ઊભું કરવા પાછળ સુરેન્દ્ર મોહન પાઠક એમ તર્ક આપે છે કે, એમને હંમેશાં પત્રકાર બનવાની ઇચ્છા હતી પરંતુ પોતે પત્રકાર નહીં બની શક્યા એટલે એમણે આવું એક પાત્ર ઊભું કરી નાંખ્યું, જે પાત્ર ભલભલું કોકડું ઉકેલી નાંખતું હોય અને રીઢા ગુનેગારોને જેલભેગા કરાવતું હોય! આ ઉપરાંત સુરેન્દ્ર મોહન પાઠકે ડિટેક્ટિવ સુધીર કોહલીનું પાત્ર પણ ઘડેલું. ડિટેક્ટિવ સુધીર કોહલી પાછો ફિલોસોફર પણ હોય છે, જે ગુનેગાર અને એના ગુનાને કંઈક ફિલોસોફિકલ વેમાં સોલ્વ કરતો. આ સિરીઝમાં પાઠકે 21 નવલકથાઓ લખી. જોકે, એ બધામાં સૌથી લોકપ્રિય બની વિમલ સિરીઝ જે સિરીઝને શરૂઆતમાં વાચકોનો અત્યંત મળો પ્રતિભાવ મળેલો અને એક તબક્કે તો પાઠકના પ્રકાશકોએ પણ એમને આ સિરીઝ બંધ કરવાનું કહીને કંઈક નવું આપોની માગણી કરેલી.
વિમલ સિરીઝને શરૂઆતમાં મોળો પ્રતિસાદ મળવાનું કારણ એક જ હતું કે, નવલકથાનો હીરો વિમલ પોતે જ કાળાકારનામા કરવામાં માહેર હતો, જેને દેશનાં સાત રાજ્યોની પોલીસ શોધી રહી હતી! જોકે, આ સિરીઝની ચારેક નવલકથાઓ પ્રકાશિત થઈ પછી લોકોને વોન્ટેડ વિમલ પસંદ પડવા માંડ્યો અને જોતજોતામાં ક્રિમિનલ વિમલની લોકપ્રિયતા એટલી બધી વધી ગઈ કે, પાઠકની અન્ય બે સિરીઝ તેમજ અન્ય નવલકથાઓ કરતાં વિમલ સિરીઝનાં પુસ્તકોનું વેચાણ ટોચ પર પહોંચી ગયેલું. વિમલ સિરીઝમાં પણ એમણે અધધધ કહી શકાય એટલી 42 નવલકથાઓ લખી નાંખી અને હાલમાં તેઓ જીત સિરીઝની નવલકથાઓ લખી રહ્યા છે.
આ પ્રકારની નવલકથાઓ અત્યંત લોકપ્રિય હોવા છતાં વર્ષો સુધી લુગદી સાહિત્ય અને લુગદી સાહિત્યના લેખકોને હાંસિયામાં રખાયા છે. માત્ર પૈસાને ખાતર આ પ્રકારની મનોરંજક નવલકથાઓ લખનારા અનેક હિન્દી લેખકોએ ઘોસ્ટ રાઈટર તરીકે આ ક્ષેત્રમાં કામ કર્યું છે અને પોતાના મૂળ નામને આ પ્રકારના સાહિત્યથી દૂર રાખ્યું છે. સુરેન્દ્ર મોહન પાઠક આ બાબતે નોખી માટીના પુરવાર થાય છે, જેમણે પોતાની ટેલિફોન વિભાગની સન્માનનીય નોકરી હોવા છતાં પોતાની ઇમેજની પરવા નહીં કરી અને પોતાના જ નામથી આ પ્રકારની નવલકથાઓ લખી. એ વાત જુદી છે કે, એમને પલ્પ ફિક્શનના ક્ષેત્રમાં સારી એવી નામના મળી અને એમનો પોતાનો મોટો ચાહક વર્ગ મળ્યો. પણ સાથે એ સવાલ પણ થાય કે, આટલું ચિક્કાર પલ્પ ફિક્શન લખનાર લેખકને લોકચાહના અને લોકસ્વીકૃતિ ન મળી હોત તો? જોકે, હવે તો સ્થિતિ એ હદે સુધરી છે કે, હાર્પરકોલિન્સ જેવા પ્રકાશકોને સુરેન્દ્ર મોહન પાઠક જેવા લુગદી કિંગમાં રસ પડ્યો છે અને આવું નામચીન પ્રકાશનગૃહ સુંદર ડિઝાઇન અને સારી ક્વોલિટીના પાનાં સાથે પાઠકના જૂના, આઉટ ઑફ પ્રિન્ટ પુસ્તકોને રિપ્રિન્ટ કરી રહ્યું છે.
થોડા દિવસો પહેલાં મેં હાર્પરકોલિન્સે ગયા વર્ષે પ્રકટ કરેલી વિમલ સિરીઝની પાંચ નવલકથા ખરીદી, જેમાંની બે તો ચાર દિવસના અંતરમાં જ વંચાઈ ગયેલી. બીજી ત્રણ પણ વાંચી નાંખવાનું મન થયું, પણ પછી બીજાં વાચન અને લેખનને અસર પડતી હતી એટલે બીજી ત્રણ ‘વાંચવાના બાકી’ પુસ્તકોના અલાયદા વિભાગમાં મૂકી દીધી. અશ્વિની ભટ્ટ, હરકિસન મહેતા કે ચેતન ભગતની નવલકથાઓ વાંચતી વખતે જેવી ફીલિંગ થાય અને વાર્તા પતે નહીં ત્યાં સુધી પુસ્તક બંધ કરવાનું મન નહીં થાય કંઈક એવી જ ફીલિંગ આપણને સુરેન્દ્ર મોહન પાઠકની નવલકથાઓ વાંચતા થાય. એમની નવલકથાઓમાં કથનશૈલી અત્યંત રસપ્રદ હોય છે અને ઘટનાનું પ્લાનિંગ એવું જોરદાર હોય છે કે તમે જો કથા સાહિત્યના ફેન હો તો તમે દાંતો તલે ઉંગલીયા ચબા જાઓગે… આવી જ એક ઘટનાની ગૂંથણીને પોતાનો આદર્શ બનાવીને એક ચોરે દિલ્હીમાં યુટીઆઈ બેંકમાં ખાતર પાડેલું અને મજાની વાત એ છે કે, ચોર પકડાયેલો ત્યારે એણે પોતે જ આ વાતનો ખુલાસો કરેલો કે, બેંક રોબરીનો આઇડિયા અને પ્લાનિંગ એણે પાઠકજીની ‘ઝમીર કા કેદી’ નવલથાના પ્લોટમાંથી કરેલું!
સુરેન્દ્ર મોહન પાઠકની નવલકથાઓ વાંચતી વખતે મને કેટલાક સવાલો પણ થયાં. મને થયું કે, આ લેખકે ત્રણસો જેટલી નવલકથાઓ લખી છે તો તેઓ એક વર્ષમાં કેટલી નવલકથાઓ લખતા હશે? વળી, આટલી બધી નવલકથાઓ લખવા માટે તેઓ પ્લોટ કઈ રીતે વિચારતા હશે અને પ્લોટ માટે રિચર્ચ કયા પ્રકારની કરતા હશે? હવે તો એમની ઉંમર પણ ઘણી થઈ ગઈ છે, છતાં એમની નવી નવલકથાઓ પ્રકાશિત થાય છે તો તેઓ આ ઉંમરે કેટલા કલાકો સુધી લખતા હશે?
જોકે, વાચક હોવાની સાથે ઈશ્વરે આપણને પત્રકાર હોવાનું પણ વરદાન આપ્યું છે એટલે થયું આ પ્રશ્નોને મનમાં ધરબી નથી દેવા પણ સુરેન્દ્ર મોહન પાઠકને જ પૂછીને એનું નિરાકરણ આણીએ. વળી, બે વાત જાણવા મળશે અને આવા મોટા લેખક સાથે ઇન્ટરેક્ટ કરવા મળે એ નફામાં! એમનાં પુસ્તકોમાં એમનું ઈમેલ આઈડી જડી ગયું એટલે તરત ઇન્ટરવ્યુની પરવાનગી માગતો એમને મેઇલ કર્યો. વળતામાં એમણે પણ હાનો જવાબ મોકલ્યો, પણ રૂબરૂ આવી જવા અથવા ઈમેલ દ્વારા ઇન્ટરવ્યુ કરવાની એમણે પરવાનગી આપી. એક નાનકડા ઇન્ટરવ્યુ મટે છેક દિલ્હી સુધી જઈ શકાય એવું ન હતું એટલે આખરે મેં મારા પ્રશ્નો ઈમેલ કર્યા, જે વિશે એમણે વિસ્તૃત જવાબો મોકલી પણ આપ્યા.
મેં એમને પ્રશ્ન કરેલો કે, આ પ્રકારનું ક્રાઇમ ફિક્શન લખતાં પહેલાં તમે રિસર્ચ કયા પ્રકારની કરો છો? પાઠકજી આ સવાલના ઉત્તરમાં કહે છે કે, ‘આટલી બધી મિસ્ટરી નોવેલ્સ લખ્યા બાદ હવે ઝાઝી રિસર્ચ કરવાની જરૂર નથી પડતી. અમારા જેવા લેખકો પાસે એક બહુ મોટી બેંક હોય છે, એ બેંકમાંથી જ કેટલાક આઈડિયાઝ લઈને અમે નવી નવી નવલકથાઓ લખતા રહેતા હોઈએ છીએ. જોકે, મોટે ભાગે તો નવલકથા લખતી વખતે જ અમુક બાબતો સૂઝતી હોય છે.’
મેં એમ પણ પૂછેલું કે આટલો બધો અનુભવ હોવા છતાં એક નવલકથા લખવામાં તમને કેટલો સમય લાગે છે? પાઠકજી કહે છે કે, આજે પણ એક નવલકથા લખતી વખતે બેથી ત્રણ મહિના તો લાગે જ છે. આ બાબતે આપણા નવલકથાકારો વિનેશ અંતાણી અને ધીરુબહેન પટેલ પાઠકજી કરતા આગળ નીકળી જાય છે. વિનેશ અંતાણીએ ‘પ્રિયજન’ અને ‘આસોપાલવ’ એમ બે નવલકથાઓ એક જ અઠવાડિયામાં લખેલી. તો ધીરુબહેન પટેલે પણ એક ઇન્ટરવ્યુમાં જણાવેલું કે, એમને એક નવલકથા લખવમાં એક અઠવાડિયા જેટલો સમય લાગે છે.
પછી સુરેન્દ્ર મોહન પાઠકને મેં એમ પૂછ્યું કે, લેખનનું માધ્યમ મિસ્ટરી નોવેલ્સ જ કેમ? નવલકથાના કોઈ બીજા પ્રકાર પર હાથ કેમ નહીં અજમાવ્યો? તો પાઠકજી કહે, ‘શરૂઆતમાં અન્ય પ્રકારોની નવલકથાઓ પણ લખી જોયેલી, પણ પછી મિસ્ટરી રાઇટર તરીકેની ઈમેજ બની ગઈ એટલે બાદ મેં ફીર મિસ્ટરી કા હી દામન થામ લીઆ.’ હાલમાં સુરેન્દ્ર મોહન પાઠક એમના જીવનના સાતમા દાયકામાં જીવી રહ્યા છે, ચાર વર્ષ પછી તેઓ એંસી વર્ષના થશે પરંતુ આજે પણ તેઓ દિવસના પાંચથી છ કલાકો લખે છે અને બાકીના બે-ત્રણ કલાકો વાંચે છે.
પોતે આટલી બધી ક્રાઇમ ફિક્શન લખી હોવા છતાં પાઠકજીના પસંદીદા લેખકોમાં કૃશ્ન ચંદર, ઈશ્મત આપા, ખ્વાજા અહમદ અબ્બાસ, રાજેન્દ્ર સિંહ બેદી, વાજિદા તબસ્સુમ અને તારા શંકર બંધોપાધ્યાય જેવા લેખકોનો સમાવેશ થાય છે. વિદેશી લેખકોમાં તેઓ અલ સ્ટેનલે ગાર્ડનર, પીટર ચીની, સિડની શેલ્ટન અને જેમ્સ હેડલી ચેઝ જેવા લેખકોને વાંચવાનું પસંદ કરે છે.
હાર્પર કોલિન્સે છાપેલી એમની નવલકથાઓમાં લેખક પરિચયમાં એમ લખવામાં આવ્યું છે કે, સુરેન્દ્ર મોહન પાઠકની ત્રણસો નવલકથાઓ પ્રકાશિત થઈ છે. જોકે, હજુ સુધી એમણે 293 નવલકથાઓ લખી છે એટલે આવનારા સમયમાં તેઓ ત્રણસો નવલકથાઓનો આંકડો આરામથી પાર કરી દેશે. એમની બે નવલકથાઓ તો નજીકના ભવિષ્યમાં જ પ્રકાશિત થઈ રહી છે એટલે આ વર્ષે જ એ આંકડો 295 એ પહોંચશે.
લુગદી સાહિત્ય ઉપરાંત પાઠકજીને જોક્સ લખવાનું ખૂબ ગમે છે અને જોક્સનાં પણ એમણે 26 પુસ્તકો પ્રકાશિત કર્યાં છે. જોક્સ વિશે તેઓ એમ કહે છે કે, નવલકથાઓ એમણે વાચકો માટે લખી છે, પણ જોક્સ એમણે માત્ર પોતાના માટે લખ્યાં છે. ગુજરાતીમાં પણ કોલક અને કનુ ભગદેવ જેવા લેખકોએ આ પ્રકારની રોમાંચક નવલકથાઓ લખી છે. જોકે, ગુજરાતના શિષ્ટ સાહિત્યની જે વલે થઈ એ જ વલે આ પ્રકારના સાહિત્યની પણ થઈ, જેના કારણે આ બધું સાહિત્ય અને લેખકો બહુ નાના વર્ગ સુધી સીમિત રહી ગયા.
ફીલ ઈટઃ
સામાન્ય રીતે પ્રોફેશનલ લેખકો અને પત્રકારો એમ કહેતા હોય છે કે, તેઓ કોઈ પણ જગ્યાએ, કોઈ પણ સ્થિતિમાં લખી શકે છે, પરંતુ સુરેન્દ્ર મોહન પાઠક આ બાબતે એમ માને છે કે, એમને એમના સ્ટડી ટેબલ પર જ વાર્તાઓ સૂઝે છે! બીજે ક્યાંક લખવાની વાત તો દૂર, બીજે ક્યાંક તેઓ વાર્તા વિશે વિચારી પણ નથી શકતા. આ કારણે જ તેઓ ફિલ્મોના સ્ક્રીન પ્લે કે ડાયલોગ્સ લખી શકતા હોવા છતાં તેઓ મુંબઈ નહીં ગયા. મુંબઈ સ્થાયી ન થવા પાછળનું એમનું એક બીજું કારણ એ છે કે, પાઠકને દિલ્હીના પોતાના ઘર પ્રત્યે ઘણું મમત્વ છે, જે કારણે જ તેઓ દિલ્હી છોડીને બીજે ક્યાંય નહીં ગયા.
પ્રિય વાચકો,
હાલ પૂરતું મેગેઝીન સેક્શનમાં નવી એન્ટ્રી કરવાનું બંધ છે, દરેક વાચકોને જૂનાં લેખો વાચવા મળે તેથી આ સેક્શન એક્ટિવ રાખવામાં આવ્યું છે.
આભાર