બલરામનું મૃત્યુ અને એક અધૂરી ફિલ્મ
આપણા સમયના મહાન કવિ અને વાર્તાકાર ગુલઝાર સા’બ અને લેજેન્ડરી ફિલ્મ સર્જક બિમલ રૉયનો ભેટો કઈ રીતે થયેલો એ પાછળ એક રસપ્રદ વાત છે. વર્ષ 1963મા રિલીઝ થયેલી ‘બંદીની’ ફિલ્મના એક ગીત માટે ગુલઝારજી બિમલ રૉયને મળે પછી બિમલ’દા ગુલઝાર પાસે ગેરેજની મજૂરીનું કામ છોડાવી દે છે અને પોતાના આસ્ટિસ્ટન્ટ તરીકે અપોઈન્ટ કરે છે. રાધર એમ પણ કહી શકાય કે, બિમલ’દા ગુલઝારને પોતાની પાસે રાખી લે છે. ‘બંદીની’ ફિલ્મનું એ ગીત કયું હતું એ વિશે તમે ગુગલ પર જાણી શકો છો. તો ગુલઝાર અને બિમલ રૉયની પહેલી મુલાકાત અને ત્યારબાદના એમના સહિયારા કામ વિશેની રસપ્રદ વાતો નસરીન મુન્ની કબીરના મજેદાર પુસ્તક ‘ઈન ધ કંપની ઑફ પોએટ’માં વાંચી લેવી. હું તો કહીશ જો ફિલ્મો કે ફિલ્મ પર્સનાલિટીઝ વિશે જાણવા-વાંચવામાં રસ હોય તો નસરીન મુન્ની કબીરના બધા પુસ્તકો વસાવી લેવા અને એમણે તૈયાર કરેલી તમામ ડૉક્યુમેન્ટરી યુટ્યુબ પર જોઈ લેવી. એકદમ ઑથેન્ટિક અને રસપ્રદ હોય છે એમની કન્ટેન્ટ!
આપણે બિમલ રૉયની એક અધૂરી ઈચ્છા અને અધૂરી ફિલ્મ વિશે વાત કરવી છે, જેના વિશે ગુલઝાર સા’બે રસપ્રદ વાતો આલેખી છે. બિમલ રૉયને પૂર્ણ કુંભ મેળામાં જે જોગસ્નાન થાય એને કેન્દ્રમાં રાખીને એક ફિલ્મ તૈયાર કરવાની વર્ષો જૂની ઈચ્છા હતી. ફિલ્મનું નામ પણ બિલમ’દાએ નક્કી કરી રાખેલું અને ‘અમૃત કુંભ કી ખોજ’ નામના એમના ડ્રિમ પ્રોજેક્ટ માટે એમણે વર્ષો સુધી ખૂબ રિસર્ચ પણ કરી હતી. ગુલઝાર સા’બ એમની રિસર્ચ વિશે લખે છે કે, જે પુસ્તક પરથી તેઓ ફિલ્મ બનાવવાના હતા એ પુસ્તકના પાનાં પર એમણે એટલી બધી પાદટીપો નોંધેલી અને કાગળો પર એટલા રેફ્રન્સ ચોટાડેલા કે, એવું લાગતું હતું એ પુસ્તકનું પેટ ઉભરી આવ્યું હોય! એવું લાગતું હતું જાણે કુંભ વિમલ’દાની નસોમાં દોડી રહ્યો છે અથવા કોઈએ એમની સિસ્ટમમાં કુંભનો પ્રોગ્રામ ફિટ કરી દીધો છે!
અલહાબાદમાં ગંગા, યમુના અને સરસ્વતી નદી જ્યાં મળે છે એ ત્રિવેણી સંગમ પર કુંભ મેળા દરમિયાન છેલ્લા નવ દિવસ અત્યંત મહત્ત્વના હોય છે. એમાંય નવમાં દિવસે થતા ‘જોગસ્નાન’નો મહિમા સૌથી નોખો હોય છે. શાસ્ત્રો મુજબ દર બાર વર્ષે એક વાર ગ્રહોનો વિશિષ્ટ યોગ(જોગ) સર્જાતો હોય છે અને એ દિવસે જો ત્રિવેણી સંગમ પર ‘જોગસ્નાન’ કરવામાં આવે તો મનુષ્યના તમામ રોગો દૂર થાય, એમના સર્વપાપોનો નાશ થાય અને માણસ શતાયુ બને!
ગુલઝાર સા’બને આવી બધી ધાર્મિક બાબતોમાં ઝાઝો રસ નહીં, પરંતુ બિમલ’દાને આમાં શ્રદ્ધા ખરી. બાર વર્ષે યોજાતા આ જોગસ્નાન માટે દેશભરમાંથી કરોડો લોકો અલહાબાદ પહોંચતા હોય છે. વર્ષ 1952ના આવા જ એક જોગસ્નાન પહેલા અલહાબાદના મહાકુંભમાં ભાગદોડ મચી ગયેલી, જેમાં એક લાખથી વધુ લોકોના મૃત્યુ થયેલા. સમરેશ બાબુ નામના એક બંગાળી લેખકે આ ઘટનાને કેન્દ્રમાં રાખીને ‘અમૃત કુંભ કી ખોજ’ નામની નવલકથા લખી હતી, જેનાથી પ્રભાવિત થઈને બિમલ’દાએ એ વાર્તા પર ફિલ્મ તૈયાર કરવાનું નક્કી કરેલું.
મજાની વાત એ હતી કે, આ ફિલ્મની તૈયારી શરૂ કરી ત્યાં સુધી ગુલઝાર બિમલ’દા સાથે એમના આસ્ટિસ્ટન્ટ તરીકે કામ કરતા અને જરૂર પડે તો એમની કોઈક ફિલ્મ માટે ગીત પણ લખી આપતા. પરંતુ આ ફિલ્મ માટે બિમલ’દાએ ગુલઝારને સ્ક્રિનપ્લે લખી આપવાનું કામ સોંપ્યું. પોતાના ડ્રિમ પ્રોજેક્ટસમી આ ફિલ્મના સ્ક્રિનપ્લેનું કામ ગુલઝારને સોંપવા પાછળનું એક કારણ એ પણ હતું કે, સમરેશ બાબુની મૂળ નવલકથા બંગાળીમાં હતી, જેનું એડપ્શન હિન્દી ફિલ્મ તરીકે કરવાનું હતું અને ગુલઝારજી બિમલ’દા સાથેના એકમાત્ર એવા માણસ હતા, જેઓ બંગાળી અને હિન્દી બખૂબી જાણતા હતા અને સાથોસાથ લેખન અને વાર્તાકળા સાથે પણ એમનો ઉત્કટ નાતો હતો.
ગુલઝારજીના મતે મૂળ નવલકથામાં પ્લોટ જેવું કશું હતું નહીં, પરંતુ વાર્તાના પાત્રો અત્યંત જીવંત હતા. મૂળ નવલકથામાં એવું દર્શાવાયું છે કે, જોગસ્નાન માટે આવેલા હજારો યાત્રાળુઓથી ખચોખચ ટ્રેન પ્રયાગ સ્ટેશનથી અલહાબાદ તરફ આગળ વધે છે. પ્રયાગ સ્ટેશન પસાર થાય એ પછી કલાકોથી ટ્રેનની સફર કરી રહેલા યાત્રીઓ અચાનક ઉત્સાહમાં આવી જાય છે કારણ કે, હવે થોડી જ મિનિટોમાં એમની યાત્રા પૂરી થવાની હતી, તેઓ ત્રિવેણી સંગમ પર પહોંચવાના હતા અને થોડા જ કલાકોમાં મહા સ્નાન પણ કરવાના હતા
ઉત્સાહમાં આવી ગયેલા ટ્રેનમાંના સેંકડો લોકો ભજનો ગાવાનું શરૂ કરી દે છે તો ટ્રેનની છત પર બેઠેલા લોકો પણ ઉત્સાહમાં બૂમબરાડા કરે છે અને મા ગંગા તેમજ ભગવાન શિવની જયજયકાર કરે છે. હજુ તો ટ્રેન અલહાબાદ સ્ટેશન પહોંચે જ છે ત્યાં અફરાતફરી મચી જાય છે અને ભાગદોડમાં અનેક લોકો પોતાનો જીવ ગુમાવે છે.
ટ્રેનમાંથી બલરામ નામનો ક્ષયરોગનો દર્દી પણ સ્ટેશન પર ઉતરે છે, જે પોતાનો ક્ષયરોગ મટાડવા અને સો વર્ષની ઉંમર પામવા જોગસ્નાન માટે આવ્યો હોય છે. જોકે બલરામનું નસીબ જ પાધરું નથી હોતું એટલે સ્ટેશન પરની ભાગદોડમાં જ એ કચડાઈ મરે છે અને એની સો વર્ષ સુધી નિરોગી જીવન જીવવાની ઈચ્છાનું પણ એની સાથે અવસાન થાય છે.
જોકે બિમલ'દાને બલરામના મૃત્યુ બાબતે થોડી ફરિયાદો હતી. ગુલઝારજી સાથે બિમલ’દા આ નવલકથાની ચર્ચા કરતા ત્યારે બિમલ’દા હંમેશાં કહેતા કે, ફિલ્મના માધ્યમ માટે બલરામનું મૃત્યુ થોડું વહેલું કહી શકાય. તેઓ કહેતાઃ બલરામના મૃત્યુને જેટલું પાછળ ઠેલાય એટલું ઠેલો!
જોકે અન્ય ફિલ્મોની વ્યસ્તતાને કારણે ગુલઝાર અને બિમલ’દા બંને જ કુંભવાળી સ્ક્રિપ્ટ પર કામ નહીં કરી શક્યા અને એમ ને એમ ત્રણ વર્ષ વીતી ગયા. અલબત્ત, આ સમયગાળા દરમિયાન એમની વચ્ચે ફિલ્મ સંબંધિત વાતો થતી રહેતી, પરંતુ ન તો સ્ક્રિપ્ટ ફાઈનલ થતી હતી કે નહીં એ ફિલ્મનું શૂટિંગ શરૂ થતું.
એવામાં 1962ના વર્ષમાં બિમલ’દાની તબિયત બગડી અને એમણે ઑફિસ આવવાનું બંધ કર્યું. બિમલ’દા માટે એવું કહેવાતુ કે, એમણે ફિલ્મો સાથે લગ્ન કરી લીધા છે અને જો એમના તકિયામાં રૂ ની જગ્યાએ ફિલ્મોની રિલ ભરી દેવામાં આવે તો જ એમને ઉંઘ પણ આવે! ફિલ્મો માટે આટલો લગાવ હોય એવી વ્યક્તિ અચાનક ઑફિસ આવવાનું બંધ કરી દે એટલે સ્વાભાવિક જ એમની સાથે કામ કરતા લોકોને ચિંતા થાય કે, જરૂર કશુંક ગંભીર હોવું જોઈએ!
એમની ટીમના સિનિયર કેમેરામેન કમલ બોઝ સાથે ગુલઝાર બિમલ’દાને ઘરે ગયા તો તેઓ ઘરની બહાર બેઠા બેઠા ચ્હા અને સિગારેટની મજા લઈ રહ્યા હતા. ગુલઝારે એમની તબિયત પૂછી તો પોતાની તબિયત વિશે કશું નહીં કહ્યું અને સીધા કુંભવાળી ફિલ્મની ચર્ચા લઈને બેઠા. ગુલઝારજીને કહે હું અલહાબાદ આવી શકું એમ નથી, પરંતુ તમે ત્યાં જાઓ અને કેટલાક શૉટ્સ લઈ આવો. ગુલઝાર આ માટે કહે, ''એમને કુંભની આખી સ્ક્રિપ્ટ મોઢે હતી અને એ સ્ક્રિપ્ટના હિસાબે જ તેઓ અમને કયા પ્રકારના શૉટ્સ લેવા એ વિશે એક કલાક સુધી સમજાવતા રહ્યા.'
બિમલ’દા પાસે બ્રિફ લઈને ગુલઝાર તો થોડા દિવસોમાં અલહાબાદ જવા રવાના થયા, પણ એ દરમિયાન એમને જાણવા મળ્યું કે, બિમલ’દાને કેન્સર છે! અલહાબાદના ત્રિવેણી સંગમ પર દર વર્ષે માહ મહિનામાં મેળો ભરાતો હોય છે અને ગુલઝાર એ મેળામાં જ કુંભના કેટલાક શૉટ્સ લેવા ગયેલા. શૂટિંગ દરમિયાન બિમલ’દાની બ્રિફ મુજબનું કામ જરૂર થતું રહ્યું હતું પરંતુ એમના કેન્સરના સમાચારે ગુલઝાર સહિતના તમામ યુનિટ મેમ્બર્સને ક્ષુબ્ધ કરી દીધા હતા. બધાને એ વાતનો ખ્યાલ આવી ગયો હતો કે, બિલમ રૉય હવે થોડા જ દિવસોના મહેમાન રહ્યા છે!
અલહાબાદમાં શૂટિંગ ચાલુ હતું એ દરમિયાન એક સાંજે કેમેરામેન કમલ બોઝ ગુલઝારજીને પૂછે છેઃ બિમલ’દા આ ફિલ્મ કેમ બનાવવા ઈચ્છે છે?
તો ગુલઝારજી કહેઃ એક સિટિંગ દરમિયાન મેં પણ બિમલ’દાને આ પૂછેલું તો એમણે કહેલું, નવલકથાનું એક પાત્ર, જે અમૃતની શોધમાં નીકળ્યું છે એ પાત્ર હું જ હોઉં એવું મને લાગે છે! કારણ કે, મને પણ અમૃતની જ શોધ છે.’
‘તો શું તમારે સો વર્ષ જીવવું છે?’ ગુલઝારજીએ પૂછ્યું.
‘હમમમ…’ બિમલ’દાએ જવાબ આપ્યો. બિમલ’દાના આ હમમમ વિશે ગુલઝારે એકથી વધુ વખત લખ્યું છે કે, એમના એક હમમમમાં અનેક અર્થો સમાયેલા હોય છે.
એ સિટિંગ દરમિયાન એ વાત ત્યાં જ અટકી ગયેલી. પરંતુ બીજી કોઈ સિટિંગ વખતે બિમલ’દાએ ગુલઝાર સમક્ષ ચોખવટ કરેલી કે, અમૃતની શોધ કરીને એમણે માણસ તરીકે અમરત્વ નથી પામવું, પરંતુ તેઓ કલાકાર તરીકે અમર થવા ઈચ્છતા હતા!
ગુલઝાર અને કમલ બોઝ અલહાબાદથી શૂટિંગ પતાવીને મુંબઈ આવ્યા તો એમને ખબર મળી કે, બિમલ’દાએ ‘સહારા’ નામની કોઇ નવી ફિલ્મનું આયોજન કર્યું છે અને આજકાલ તેઓ એ ફિલ્મના કામમાં ખૂંપેલા છે. સાથોસાથ એમની બિમારી પણ દિવસે ને દિવસે વધતી જતી હતી. મુંબઈ પહોંચીને ગુલઝારે એમને કુંભની ફિલ્મ વિશે પૂછ્યું તો એમણે કહ્યું એ કામ તો ચાલતું રહેશે. હવે બે વર્ષ પછી એટલે કે 1964મા ફરી પૂર્ણ કુંભ ભરાશે એટલે એ દરમિયાન જ આપણે આ ફિલ્મ વિશે કશુંક નક્કર કરીશું.
બિમલ’દાને પણ હવે ખ્યાલ આવી ગયો હતો કે એમને કેન્સર થયું છે અને આ બિમારીમાંથી તેઓ હવે ઉગરી શકે એમ નથી. આ કારણે જ ઈલાજ માટે એમને લંડન લઈ જવાયેલા ત્યારે એમણે ઈચ્છા વ્યક્ત કરેલી કે, હું મારા ઘરે જ મરવા માગું છું!
બીજી તરફ પેલી ‘સહારા’ નામની ફિલ્મનું કામ પણ માળિયે ચઢી ગયું હતું અને બિમલ’દા સહિત સૌ કોઈ એમના મૃત્યુની રાહ જોવા માંડ્યું હતું. ગુલઝાર આ વિશે લખે છેઃ एक अजब-सा माहौल था… सब जानते थे, किसी भी वक्त बिमलदा की मौत की खबर आयेगी… ये खौफ भी था और इन्तजार भी…’
એવામાં એક દિવસ બિમલ’દાએ ગુલઝારને એમના ઘરે બોલાવ્યા અને કુંભની સ્ક્રિપ્ટ પર ચર્ચા છેડી. સ્ક્રિપ્ટ પર કામ શરૂને કર્યાને વર્ષો થયા હતા અને કામ બંધ કર્યાને પણ વર્ષો થયેલા એમ કહી શકાય. કારણ કે, અલહાબાદના શૂટ પછી સ્ક્રિપ્ટ કે ફિલ્મમાં કશું જ નવું કામ નહોતું થયું. પરંતુ બિમલ રૉયને રહી રહીને એવી ઈચ્છા હતી કે, આ ફિલ્મ તૈયાર થાય.
એમને હજુ પણ મૂળ બલરામના મૃત્યુના સિનથી સંતોષ નહોતો. તેઓ એમની દલિલ પર અડગ હતા કે, ફિલ્મ જેવા માધ્યમમાં ફિલ્મના પાત્રનું મૃત્યુ આટલું વહેલું ન હોઈ શકે. એમણે ગુલઝારને સલાહ આપી કે, બલરામના મૃત્યુને કુંભના મેળા સુધી લઈ આવો. અને જ્યારથી પેલા પવિત્ર નવ દિવસની પૂજા શરૂ થાય ત્યારે પહેલા દિવસે એને મારો!
એ સિટિંગ પછી ગુલઝાર બિમલ’દાને નિયમિત મળતા રહ્યા અને કુંભની સ્ક્રિપ્ટમાં સુધારા વધારા કરતા રહ્યા. બિમલ’દાની એવી ઈચ્છા હતી કે, આ વર્ષે (1964) પૂર્ણ કુંભ ભરાય એ પહેલા આ સ્ક્રિપ્ટ ફાઈનલ કરી દેવી છે. એ વર્ષે 31 ડિસેમ્બરથી પેલા પવિત્ર નવ દિવસની પૂજા થવાની હતી અને 8 જાન્યુઆરી 1965ના દિવસે ‘જોગસ્નાન’ થવાનું હતું.
પવિત્ર સ્નાનના પહેલા દિવસે બલરામનું મૃત્યુ કરવા ગુલઝારે સ્ક્રિપ્ટમાં ફરી સુધારો કર્યો અને સુધારેલી સ્ક્રિપ્ટ લઈને બીજા દિવસે બિમલ’દા પાસે ગયા અને એમને સ્ક્રિપ્ટ સંભળાવી. જોકે બિમલ’દાને તો હજુ પણ બલરામનું મૃત્યુ જરા વહેલું લાગતું હતું. એમણે કહ્યું,
‘બલરામ કી મૌત ઔર આગે લે જાઓ… યે ભી જલદી હૈ…’
ગુલઝાર આ બાબતે થોડી દલિલ કરે છે, પરંતુ બિમલ’દાને હજુ સંતોષ નથી થતો એટલે તેઓ બલરામને પવિત્ર પૂજાને પાંચમે દિવસે મારવાનું નક્કી કરે છે. પણ આ શું? ગુલઝાર ત્રણેક દિવસ પછી એમને ફરી મળવા જાય છે તો એમને ખબર પડે છે કે, બલરામને હજુ એકાદ દિવસની જિંદગી મળી ગઈ છે. આમ ને આમ બેએક મહિના સુધી બલરામના મૃત્યુનો દિવસ બદલાતો રહ્યો અને બલરામને જાણે નફામાં થોડા શ્વાસ મળતા રહ્યા!
એક રાત્રે જ્યારે ગુલઝાર બિમલ’દા પાસે ગયા તો તેઓ અત્યંત ખુશ જણાયા અને ગુલઝારને આવકારતા જ એમણે કહ્યું, હવે પેલા સિન માટે પરફેક્ટ સિચ્યુએશન મળી ગઈ છે. એમણે ગુલઝારને જણાવ્યું કે, ‘જોગસ્નાનના દિવસે જ્યારે પહો ફાટશે ત્યારે જ બલરામનું મૃત્યુ થશે.'
આ સિચ્યુએશન ખરેખર ફિલ્મી હતી, જ્યાં ક્ષયરોગનો દર્દી પોતાનો રોગ મટાડવા લાખ વાનાં કરીને જોગસ્નાન માટે આવે છે ત્યાં જોગસ્નાન શરૂ થાય એ પહેલા જ એનું મૃત્યુ થાય! ગુલઝારજીને પણ એ વાત ગળે ઉતરી ગઈ અને એમણે એ મુજબ સ્ક્રિપ્ટમાં સુધારો કરી દીધો.
આમ ને આમ સુધારા-વધારા કરતા 1964નું એ વર્ષ પૂરું થઈ જાય છે અને વર્ષ 1965નો જાન્યુઆરી મહિનો શરૂ થાય છે આ એ જ દિવસો હતા, જ્યારે અલહાબાદમાં કુંભ પણ ભરાયો હતો. એક દિવસ વહેલી સવારે ગુલઝારજીને ખબર મળે છે કે, બિમલ’દાનું મૃત્યુ થયું છે. જોગાનુજોગ એ હતો કે, એ સવાર 8 જાન્યુઆરી 1965ની સવાર હતી, જે દિવસે મુંબઈથી માઈલો દૂર અલહાબાદના પૂર્ણ કુંભ મેળામાં જોગસ્નાન થવાનું હતું!
બલરામની જેમ જ બિમલ’દા પણ જોગસ્નાન થવાનું હતું એ સવારે અહીંથી વિદાય લે છે, જે સાથે જ કુંભ પર આધારિત ફિલ્મ તૈયાર કરવાનું એમનું સપનું અધૂરું રહે છે, જે સપનું પૂરું કરવા ગુલઝારજીએ થોડા પ્રયત્નો પણ કર્યા, પરંતુ ફિલ્મની નિયતિ જ કદાચ એ હતી… એક ફિલ્મી હસ્તીનું અવસાન તો ફિલ્મી ઢભે થયું જ પણ એક ફિલ્મ પણ ફિલ્મી ઢભે અધૂરી રહી…
ફીલ ઈટ
विमल राय
शाम के कोहरे में बहता हुआ ख़ामोश नदी का चेहरा
गंदुमी* कोहरे में जलते हुए आँखों के चिराग़
इक लगातार सुलगता हुआ सिगरेट का धुआँ
नींद में डूबी हुई दूर की मद्धम आवाज़
अजनबी ख़्वाबों के उड़ते हुए सायों के तले
नक़्श चेहरे के, पिघलती हुई मोम की मानिन्द
हर नये ख़्वाब की धुन सुन के बदल जाते हैं
ऐसा लगता है न सोयेगा, न जागेगा, न बोलेगा कभी
शाम के कोहरे में बहता हुआ ख़ामोश नदी का चेहरा
- गुलज़ार
गंदुमी = गेहुँआ
(ગુલઝારે બિમલ રૉય વિશે લખેલી એક કવિતા)
પ્રિય વાચકો,
હાલ પૂરતું મેગેઝીન સેક્શનમાં નવી એન્ટ્રી કરવાનું બંધ છે, દરેક વાચકોને જૂનાં લેખો વાચવા મળે તેથી આ સેક્શન એક્ટિવ રાખવામાં આવ્યું છે.
આભાર