દેવ આનંદ, સુરૈયા અને એમની લવ સ્ટોરી

29 Sep, 2015
12:15 AM

mamta ashok

PC:

દેવ આનંદ સિરીઝનો આજે આ છેલ્લો લેખ. જીવનમાં એકવિધપણું ભલભલાને બોર કરી દે છે. એ જ બાબત આપણને દેવ આનંદ સિરીઝ માટે પણ લાગુ પડે છે. બોલિવુડના આ કલાકાર વિશે અનેક એવી રસપ્રદ વાતો છે, જેની અહીં માંડણી કરીએ તો હજુ એક મહિનો નીકળી જાય. પરંતુ નવી-રસપ્રદ વાતો જાણવાની મળતી હોવા છતાં સતત એક જ વિષયની વાતો થતી રહી તો માથે હથોડા ઝીંકાતા હોય એવી લાગણી થઈ આવે. એટલે આવતા અઠવાડિયેથી કોઈ નવી વાત.

‘જિદ્દી’ ફિલ્મ પછી દેવ આનંદ બોલિવુડમાં નામના મેળવી રહ્યા હતા. શરૂઆતની એક બે ફિલ્મોમાં નોંધપાત્ર કામ કરવા છતાં એમણે કોઈ મોટી અભિનેત્રી સાથે કામ નહોતું કર્યું. પણ એમનું એ સપનું પણ સાકાર થયું અને એમને સુરૈયા સાથે ‘વિદ્યા’ ફિલ્મની ઓફર થઈ. દેવ આનંદે જ્યારે પહેલી વાર કેમેરાની સામે સ્ક્રીન ટેસ્ટ આપેલો ત્યારે જેટલા નર્વસ ન હતા, એના કરતા બે ગણા તેઓ નર્વસ હતા સુરૈયા સાથે કામ કરવાની બાબતે! એ સમયે નૂરજહા અને સુરૈયાની બોલિવુડમાં બોલબાલા હતી. જોકે ભારતના વિભાજન વખતે નૂરજહાએ પાકિસ્તાનની વાટ પકડી એટલે સુરૈયાનું વજન ઈન્ડસ્ટ્રીમાં આપોઆપ વધી ગયેલું.

દેવ આનંદ આત્મકથામાં નોંધે છે એમ સુરૈયા જ્યારે સેટ પર આવે ત્યારે સેટ પરનું દરેક જણ પોતાની જગ્યાએ ઊભુ થઈ જાય અને થોડા સમય માટે બધા પોતપોતાના કામો પડતા મૂકીને સુરૈયાની આગતાસ્વાગતામાં મંડી પડે. સુરૈયાનો આવો રૂઆબ જોઈને દેવ આનંદ ઔર ગભરાય છે અને સેટના એક ખૂણે બેસીને આવી મોટી સ્ટાર સાથે પોતે કઈ રીતે ગોઠવાશે એનો તેઓ વિચાર કરે છે.

એવામાં ફિલ્મના દિગ્દર્શક દેવની ઓળખાણ કરાવવા માટે સુરૈયાને એમની પાસે લઈને આવે છે. પિયાનો પર સીનની તૈયારી કરતા દેવ સુરૈયાને પોતાના તરફ અવતી જોઈને ઊભા થઈ જાય છે અને દિગ્દર્શક ઓળખાણ કરાવે એ પહેલા કોઈને પણ ઈમ્પ્રેસ કરવાની વિશિષ્ટ આવડત ધરાવતા દેવ પોતે જ પોતાની ઓળખાણ આપે છે.

‘અહીં બધા મને દેવ કહીને બોલાવે છે. તમે શું કહીને બોલાવવાનું પસંદ કરશો?’

સુરૈયાએ કહ્યું, ‘હું પણ તમને દેવ જ કહીશ.’ ત્યારે આ યુવાન અભિનેતાની છટાથી સુરૈયા ઘણી પ્રભાવિત થઈ ગયેલી. પહેલી વાતચીત દરમિયાન દેવ આનંદ સુરૈયાની આંખોમાં ટગર ટગર જોવા માંડ્યાં અને પછી પોતાની લાક્ષણિક શૈલીમાં સુરૈયા તરફ જોઈને એમણે સ્મિત વેર્યું. દેવની આ હરકતથી સુરૈયાને આશ્ચર્ય થયું અને તેમણે પૂછ્યું કે, ‘આમ શું જુઓ છો મારા તરફ?’ તો દેવ કહે, ‘એ હું તમને પછી કહું.’ આમ કરીને દેવ આનંદે ફ્લર્ટિંગ શરૂ કરી દીધું.

પછી તો દેવ અને સુરૈયાએ ભેગા મળીને એમનું પહેલું શૂટ પણ પતાવ્યું. પરંતુ સુરૈયાનું ધ્યાન દેવની પેલી વાતમાં હતું. ડિરેક્ટરે સીન ઓકે કર્યો એટલે એ તુરંત દેવ પાસે પહોંચી અને દેવને પૂછ્યું, ‘તમે મને કંઈક કહેવાના હતા.’ દેવને તો ભાવતું હતું ને સુરૈયાએ કીધું જેવો ઘાટ થયો. દેવે તરત જ બાજી પોતાના હાથમાં લઈ લીધી અને સુરૈયાને કહ્યું કે, ‘તમારી આંખો અત્યંત સુંદર છે. કોઈ મહારાણીના ચહેરા પર ચમકતા હિરા જેવી!’ દેવની વાત સાંભળીને સુરૈયા થોડું હસી.

‘પણ… આ તમારું નાક, જે આમ તો સુંદર છે પરંતુ થોડું લાંબુ છે!.’ સુરૈયા પણ દેવની વાત સાથે સહમત થઈ. પછી દેવે કહ્યું કે, ‘તમારા નાકને કારણે મને તમારું એક હુલામણું નામ રાખવાનું મન થાય છે.’ સુરૈયા પૂછે છે, ‘શું રાખશો મારું હુલામણું નામ?’ તો દેવ કહે, ‘નોઝી’ દેવે આપેલું પોતાનું હુલામણું નામ સુરૈયાને પણ ઘણું પસંદ આવે છે અને એ દિવસથી શરૂ થાય છે બોલિવુડની એક ચર્ચાસ્પદ લવ સ્ટોરી!

આને દેવ આનંદનો ચાર્મ કહો તો ચાર્મ અને ફ્લર્ટ કરવાની આવડત કહો તો એ, પરંતુ પોતે એક નવા અને ઓછા જાણીતા અભિનેતા હોવા છતાં તેમણે બોલિવુડમાં ખૂબ નામના મેળવી ચૂકેલી સુરૈયાને પહેલી જ મુલાકાતમાં પ્રેમમાં પાડી દીધેલી!

આ મુલાકાતના બીજા દિવસે ફિલ્મનું આઉટ ડોર શૂટિંગ હતું. સુરૈયાએ આગલી આખી રાત દેવ આનંદ વિશે જ વિચારેલું કે શું કોણ જાણે, પરંતુ બીજા દિવસે દેવ આનંદ દેખાતા જ સુરૈયાએ એમને ઝાલ્યા, ‘તમે ખબર છે તમે કોના જેવા દેખાઓ છો?’ દેવ પૂછે છે, ‘કોના જેવો?’ તો સુરૈયા કહે કે, ‘તમે ગ્રેગરી પેક જેવા દેખાઓ છો.’ સુરૈયા પહેલા પણ કેટલાક લોકોએ દેવ આનંદની ગ્રેગરી પેક સાથે સરખામણી કરી હતી. એમને આ સરખામણી પસંદ ન હતી એટલે દેવે સુરૈયાને કોઈ બીજું નામ પસંદ કરવા કહેલું.

આટલી વાત થઈ એટલામાં ડિરેક્ટરે એ બંનેને શૉટ માટે બોલાવી લીધા. ડિરેક્ટરે નક્કી કરેલા સીન મુજબ સુરૈયાએ ફુલોની બિછાત પાસે જઈને ઊભા રહેવાનું હતું, જેની પાછળથી દેવ આનંદ આવે અને પછી ફૂલના ઝૂમખામાંથી એક ફૂલ કાઢીને સુરૈયાને આપીને એક ડાયલોગ બોલે. આ સીન માટે દેવ-સુરૈયાએ એવું નક્કી કર્યું કે, તેઓ આ સીન માટે રિહર્સલ નહીં કરે અને પોતાની મેળે જ એ સીન શૂટ કરાવશે.

કેમેરા રોલ થયો એટલે સુરૈયા ફૂલની બિછાત પાસે જઈને ઊભી રહી અને પાછળથી દેવ સાહેબ આવ્યાં. અહીં સુધી તો ડિરેક્ટરે કહેલું એ મુજબનું જ થયું. પછી દેવે ફૂલોના ઝૂમખામાંથી એક ફૂલ કાઢ્યું પણ ખરું, પણ સુરૈયાને એ ફૂલ આપવાની જગ્યાએ દેવે એ ફૂલ થોડું હવામાં ઉછાળ્યું અને પછી એને પોતાના બે હોઠો વચ્ચે ઝીલી લીધું. તક ઝડપીને સુરૈયાએ એ હળવેકથી દેવના હોઠો વચ્ચેથી એ ફૂલ ખેંચ્યું અને પછી એ ફૂલને એક કિસ કરી!

આવો અદ્દભુત શૉટ મળવાને કારણે ડિરેક્ટર તો રાજીનો રેડ થઈ જ ગયા પરંતુ આ શૉટ બાદ દેવ અને સુરૈયા એકબીજાની વધુ નજીક આવ્યા. એમની વચ્ચેના પ્રેમને એમણે પણ સ્વીકારી લીધો. એમની લવ સ્ટોરીની ગોસિપ દેશભરના ફિલ્મી મૅગેઝિન, અખબારોમાં પૂર બહારમાં છપાવા માંડી અને આવી બધી ગોસિપ બંનેને ભરપૂર પબ્લિસિટી અપાવી રહી હતી.

એ ગાળામાં ચેતન આનંદની ફિલ્મ ‘નીચા નગર’ રિલિઝ થયેલી. બીજા વિશ્વયુદ્ધ પછીનો એ સમય હતો અને વિશ્વયુદ્ધ પછી તરત યોજાયેલા કાન્સ ફિલ્મ ફેસ્ટિવલમાં ‘નીચા નગર’ ખૂબ વખણાયેલી. જોકે ભારતમાં એ ફિલ્મ ઉંધા માથે પટકાયેલી, જેના કારણે ચેતન આનંદના પ્રોડ્યુસરોએ ભારે આર્થિક નુકસાન ભોગવવું પડેલું. એ ફિલ્મને કારણે બોલિવુડમાં ચેતન આનંદની છાપ ખરાબ પડી અને કોઈ પણ પ્રોડ્યુસર ચેતન આનંદની ફિલ્મોમાં પૈસા રોકવા તૈયાર થતાં ન હતા. આ સ્થિતિને કારણે ચેતન ભાંગી પડેલા, બીજી તરફ દેવ રોજ સફળતાનું એક પછી એક પગથિયું ચઢી રહ્યા હતા.

ભાઈની ખરાબ સ્થિતિ દેવ આનંદથી સહન ન થઈ શકી. ભાઈને કોઈ પણ ભોગે ફરી બેઠા કરવા છે એમ તેમણે નક્કી કર્યું. થોડા વિચાર પછી તેઓ એક પ્રોડ્યુસર પાસે ગયા અને પોતાની ક્રેડિટ પર થોડા પૈસા લઈ આવ્યા. ઘરે આવીને દેવે ચેતન આનંદ સામે પૈસાની થપ્પી મૂકી અને કહ્યું, ‘આપણે સાથે મળીને એક ફિલ્મ બનાવી રહ્યા છીએ, જેમાં સુરૈયા મુખ્ય અભિનેત્રીની ભૂમિકા ભજવશે અને તમે પરવાનગી આપશો તો હું મુખ્ય અભિનેતાની ભૂમિકા ભજવીશ!’ દેવ આનંદની વાત સાંભળીને ચેતન આનંદ ઉછળી પડ્યા અને બંને ભાઈઓએ સાથે મળીને બનાવ્યુ નવકેતન પ્રોડક્શન હાઉસ, જે પ્રોડક્શન હાઉસ આગળ જઈને બોલિવુડમાં અનેક ફિલ્મો તૈયાર કરવાનું હતું.

સુરૈયા અને દેવ આનંદના મુખ્ય અભિનયમાં તૈયાર થયેલી નવકેતનની પહેલી ફિલ્મ એટલે ‘અફસર’, જે ખ્યાતનામ રશિયન નાટક ‘ધ ઈન્સ્પેક્ટર જનરલ’ પરથી તૈયાર થઈ હતી. બીજી તરફ દેવ અને સુરૈયાનો પ્રેમ પણ ઉફાન પર હતો. બંનેને એકબીજા વિના ચાલતું ન હતું અને જો દિવસમાં એકબીજાને નહીં મળી શકાય તો તેઓ વેવલા થઈ જતાં.

સુરૈયાને મળવા દેવ રોજ એના ઘરે જતાં, જ્યાં શરૂઆતમાં બધુ સમુંસૂતરું ચાલ્યું પણ પછી સુરૈયાની દાદીએ દેવની આ મુલાકાતો પર પ્રતિબંધ લાદ્યો. એ સમયમાં હજુ ‘અફસર’નું શૂટિંગ ચાલું હતું એટલે સેટ પર પણ સુરૈયાની દાદી એ બંને પર નિગરાની રાખતી અને ફિલ્મના સંવાદ કે અન્ય જરૂરી કામોને બાદ કરતા એ દેવ-સુરૈયા વચ્ચે કોઈ પણ પ્રકારની વાતચીત થવા દેતી નહીં.

એ ફિલ્મમાં જ એક સીનમાં દેવે સુરૈયાની આંખો પર હળવી કિસ કરવાની હતી. પરંતુ ડોસીને એમાં વાંધો જણાયો અને એમણે જીદ કરીને ફિલ્મમાંથી એ સીન કઢાવ્યો!

દેવ આનંદથી સુરૈયા વિના રહેવાતું ન હતું એટલે શરૂઆતમાં તેમણે એમના કોમન ફ્રેન્ડ એવા એક કેમેરામેનને માધ્યમ બનાવીને સુરૈયાને લવ લેટર્સ લખ્યાં. સુરૈયા પણ એ લવ લેટર્સના જવાબ આપતી. એક દિવસ સુરૈયાએ દેવને પત્રમાં લખ્યું કે, ‘આવતી કાલે સાંજે સાત વાગ્યે હું ઘરે જ હોઈશ. તું મારા ઘરે ફોન કરજે.’ દેવ બાબુએ બીજા દિવસે નિયત સમયે ફોન કર્યો અને સુરૈયાએ ફોન ઉચક્યો પણ ખરો, પણ સુરૈયા પર સતત નજર રાખતી એની દાદીએ ફોન ઝૂંટવી લીધો અને દેવ આનંદને ભારે ખખડાવીને પોલીસની ધમકી આપી.

પ્રેમમાં પાગલ બનેલા દેવ આનંદ પણ કંઈ એમ ગભરાય એમાંના ન હતા. એમણે સુરૈયાને ત્યાં ફોન કરવાનું ચાલું જ રાખ્યું. એવામાં એક દિવસ સુરૈયાની માતાએ ફોન ઉંચક્યો. સુરૈયાની માતા દેવ-સુરૈયાના પ્રેમની તરફેણમાં હતી એટલે એણે દેવને આઈડિયા આપ્યો કે, ‘આવતીકાલે રાત્રે સાડા અગિયારે દેવ અમારા ઘરની ટેરેસ પર તારી રાહ જોશે. તું પાછળથી સીડી લઈને ઉપર પહોંચજે!’ આવું કરવામાં પકડાઈ જવાની પૂરી સંભવના હતી અને જો એવું કંઈક થયું હોત તો દેવ આનંદની કરિયર સાફ થઈ ગઈ હોત. પરંતુ પ્રેમ આગળ એમને કરિયરની કશી ચિંતા ન હતી.

દેવ આનંદ ઘરની પાછળ એક સીડી રાખીને ઉપર ચઢ્યાં. સુરૈયા ટેરેસના એક ખૂણામાં બેઠી હતી. એકબીજાને જોઈને તેઓ ભેટી પડ્યાં, કોઈ કશું બોલ્યું નહીં. દેવે સુરૈયાને પ્રપોઝ કર્યું અને સુરૈયા પણ દેવને વળગીને ‘આઈ લવ યુ, આઈ લવ યુ’ની બૂમો પાડવા માંડી. સારું થયું કે, એ દિવસે કોઈ જાગ્યું નહીં!

બીજા દિવસે ઝવેરી બજારમાં જઈને દેવ આનંદે એક વિટી લીધી અને એમના પેલા કોમન ફ્રેન્ડ મારફતે દેવ આનંદે સુરૈયાને એ એન્ગેજમેન્ટ રિંગ મોકલાવી. રિંગ મેળવીને સુરૈયા પણ ખુશ હતી. પરંતુ એમનો એ છૂપો વ્યવહાર પણ ઝાઝો ચાલ્યો નહીં.

દાદીએ સુરૈયાને જાણે નજરકેદમાં રાખી અને તેની મોટાભાગની પ્રવૃત્તિ પર પ્રતિબંધ લાદવામાં આવ્યો. દેવ આનંદને ભૂલી જવા માટે તેને મજબૂર કરવામાં આવી. આખરે સુરૈયાએ કંટાળીને પેલી એન્ગેજમેન્ટ રિંગ દરિયામાં ફેંકી દીધી. એને ખબર હતી કે દાદી અને ઘરના સભ્યો આગળ એનું કંઈ ચાલે એમ નથી. એટલે તેણે દેવને હંમેશ માટે ભૂલી જવાનો નિશ્વય કર્યો. આ તરફ દેવ આનંદ પણ ભાઈ ચેતન આનંદના ખભે આંસુ સારી રહ્યા હતા. ચેતન આનંદે દેવને સુરૈયાને ભૂલી જવાની જ સલાહ આપી. થોડા દિવસ દેવે ભારે સંતાપ વેઠ્યો અને પોતાની જાતને કામમાં ડૂબાડી દીધી, જેથી સુરૈયાને ભૂલી શકાય. આખરે આ લવ સ્ટોરી અંત આવ્યો, પણ સુરૈયા તેના જીવનના અંત સુધી દેવ આનંદને ભૂલી ન શકી.

ફિલ ઈટઃ

‘તારા જીવનનું આ પ્રકરણ તને વધુ મજબૂત અને સમજદાર બનાવશે, જેનાથી તને ભવિષ્યના પડકારો સામે લડવાનું બળ મળશે.’

સુરૈયા સાથેના પ્રેમ પ્રકરણના અંત વખતે ચેતન આનંદે દેવને કહેલી વાત.  

પ્રિય વાચકો,

હાલ પૂરતું મેગેઝીન સેક્શનમાં નવી એન્ટ્રી કરવાનું બંધ છે, દરેક વાચકોને જૂનાં લેખો વાચવા મળે તેથી આ સેક્શન એક્ટિવ રાખવામાં આવ્યું છે.

આભાર

દેશ અને દુનિયાના સમાચારથી માહિતગાર થવા તેમજ દરેક અપડેટ સમયસર મેળવવા ડાઉનલોડ કરો Khabarchhe.com એપ અને ફોલો કરો Khabarchhe.com ને સોશિયલ મીડિયા પર.