ટ્રેપિસ્ટ-1ની શોધઃ ત્યાં જળ હશે? જીવન હશે?

28 Feb, 2017
12:00 AM

અંકિત દેસાઈ

PC: nasa.gov

બ્રહ્માંડના ગર્ભમાં અનંત રહસ્યો છૂપાયેલા છે. અને આ રહસ્યોના જેટલા તથ્યો વિશે આપણે જાણીએ છીએ એના કરતા બ્રહ્માંડ વિશેની અફવાઓ અને ખોટી માન્યતાઓ આપણા મનનો વધુ કબજો કરીને બેઠી છે. એમાં વળી ધર્મો અને સંસ્કૃતિઓમાં બ્રહ્માંડ વિશે અલાયદી વાતો છે. જોકે વિવિધ ધર્મો કે સંસ્કૃતિઓમાં બ્રહ્માંડના વિવિધ પાસાઓ વિશે શું માન્યતાઓ છે એની ચર્ચા નહીં કરીએ તો વિવિધ જગ્યાએ પદ્ધતિસરના વૈજ્ઞાનિક અભ્યાસો થઈ રહ્યા છે, ત્યાં પણ વિવિધ બાબતો માટે વિવિધ મતો જોવા મળી રહ્યા છે. ઈનશોર્ટ આપણા આ જીવન દરમિયાન બ્રહ્માંડના તમામ રહસ્યો આપણે જાણી શકવાના નથી અને જે જાણીએ છીએ એ જ સત્ય છે એવું પણ દાવાપૂર્વક કહી શકવાના નથી. પણ એક વાત નક્કી છે, કે આપણે જ્યારે અખિલ બ્રહ્માંડનો એક અંશ હોઈએ ત્યારે બ્રહ્માંડની અગાધતા, એની વિવિધતા અને એના ગેબી અસ્તિત્વને જાણવા વિશે આપણને ઉત્સુક્તા અને રોમાંચ રહેવાના. અને આ રોમાંચ દ્વારા જ કેટલાક લોકો એના રહસ્યો જાણવામાં રચ્યાં-પચ્યાં રહેવાના.

આ વાત એટલે માંડવી પડી કે, હજુ ગયા અઠવાડિયે જ નાસાએ એક ચોંકાવનારો ખુલાસો કર્યો કે એમના વૈજ્ઞાનિકોને નવા સાત ગ્રહોના અસ્તિત્વની જાણ થઈ છે, જેમાંના ત્રણ ગ્રહો પર જીવન હોવાની શક્યતાઓ છે! પરગ્રહ અને પરગ્રહવાસીઓ વિશે જાણવામાં આપણને હંમેશાં ઉત્સુક્તા રહી છે અને અન્ય ગ્રહો પર વસતા જીવો બાબતે આપણે અનેકવિધ કલ્પનાઓ પણ કરી છે. આ તો ઠીક પૃથ્વી પર એમના આંટાફેરા બાબતનું અફવા બજાર પણ સમયાંતરે ગરમ રહ્યું છે. વળી, વૈજ્ઞાનિકો પણ એ બાબતે હામી ભરી રહ્યા છે કે, આવા અનંત બ્રહ્માંડમાં અન્ય ગ્રહ પર જીવન હોવાનું નકારી શકાય નહીં. જોકે આટઆટલા અભ્યાસ પછી પણ વૈજ્ઞાનિકો આ બાબતે નક્કર પુરાવા રજૂ કરી શક્યા નથી, જે બાબત એ વાતનું પ્રમાણ આપે છે કે, બ્રહ્માંડના રહસ્યો પૃથ્વી પરના શ્રેષ્ઠ મગજોને ધક્કે ચઢાવે એવા ગેબી છે.

હા, તો આપણે ક્યાં હતા? નાસાના વૈજ્ઞાનિકોએ શોધેલા પેલા સાત ગ્રહો વિશે આપણે વાત કરતા હતા, જેમાંના ત્રણ ગ્રહો પર જીવન ધબકતું હોવાની સૌને આશા છે. આ સાતેય ગ્રહો આપણા સૂર્ય જેવા એક તારાની આસપાસ પરિભ્રમણ કરતા હોવાનું કહેવાઈ રહ્યું છે. નાસાએ એ તારાને ‘ટ્રેસ્પિસ્ટ 1’ નામ આપ્યું છે, જે તારો આપણી પૃથ્વીથી ચાળીસ પ્રકાશવર્ષ દૂર આવેલો છે. નાસાના વૈજ્ઞાનિકો કહી રહ્યા છે કે, અન્ય તારાઓની સરખામણીએ ‘ટ્રેસ્પિસ્ટ 1’ કદમાં ઘણો નાનો છે. વળી એનું તાપમાન પણ ઘણું ઓછું છે, જેને કારણે જ એ તારાની આસપાસની પરિભ્રમણ કક્ષાના ગ્રહો પર પાણી અથવા જીવન હોવાની સંભાવનાઓ વધુ જણાઈ રહી છે.

‘ટ્રેસ્પિસ્ટ 1’નું તાપમાન ઓછું હોવાનો ફાયદો એ છે કે, અન્ય તારાઓની સરખામણીએ એનો અભ્યાસ સરળતાથી કરી શકાય એમ છે. અહીં એક બાબત એ પણ સ્પષ્ટ કરવી રહી કે, ‘ટ્રેસ્પિસ્ટ 1’ કે એની આસપાસના ગ્રહોનો અભ્યાસ નાસાના અદ્યતન ‘સ્પલિટ્ઝર સ્પેસ ટેલિસ્કોપ’ દ્વારા કરવામાં આવી રહ્યો છે.

નવા શોધાયેલા સાત ગ્રહોમાંના છ ગ્રહો એવા ટેમ્પરેચર ઝોનમાં છે, જેની સપાટીનું તાપમાન શૂન્યથી સો ડિગ્રી સેલ્સિયસ સુધીનું હોઈ શકે છે અને એમાંના ત્રણ ગ્રહો હેબિટેબલ ઝોનમાં આવેલા છે એનો અર્થ એવો થાય કે આ ત્રણ ગ્રહોની સપાટી પર પાણી અથવા સમુદ્રના અસ્તિત્વની શક્યતાઓ અનેકગણી છે.

આ તમામ ગ્રહો આપણી પૃથ્વી જેટલું કદ ધરાવે છે અને અત્યાર સુધીના ખગોળીય સંશોધનોમાં એવું પહેલી વખત બન્યું છે કે, કોઈ એક જ તારાની આસપાસ પરિભ્રમણ કરતા આટલા બધા ગ્રહો મળી આવ્યા હોય. આ મિસ્ટર ટ્રેપિસ્ટ પરિવારના સભ્યોની ઉંમર આપણી સૂર્યમાળાના ગ્રહો કરતા અડધી આંકવામાં આવી છે. એટલે વૈજ્ઞાનિકો એવું પણ અનુમાન લગાવી રહ્યા છે કે, બની શકે કે હજુ બાલ્યાવસ્થામાં હોવાને કારણે હાલમાં ભલે આ ગ્રહો પર જીવન નહીં હોય, પરંતુ આવનારી સદીઓમાં ત્યાં જીવન અસ્તિત્વમાં આવે. જોકે આ તો હજુ અત્યંત પ્રાથમિક તબક્કાની શોધ અને અનુમાનો છે. ‘ટ્રેસ્પિસ્ટ 1’નો પરિવાર માત્ર સાત જ સભ્યોનો છે કે એ માળાના અન્ય મણકા પણ અસ્તિત્વ ધરાવે છે એ બાબતે હજુ આવનારા વર્ષોમાં જાણવા મળશે. વળી, એ સાત ગ્રહોમાંનાં ત્રણ ગ્રહો પર પાણીના અને જીવનના અસ્તિત્વ બાબતના પણ અનેક સંશોધનો આવનારા દશકોમાં હાથ ધરાશે.

ચાળીસ પ્રકાશવર્ષનું અંતર કંઈ આપણા ચંદ્ર કે મંગળ જેવા ઉપગ્રહો-ગ્રહો જેટલું નજીકનું નથી. અલબત્ત, નજીક શબ્દને દિલ્હીથી સિડની કે ટોકિયોથી ન્યૂયોર્ક જેવું અંતર ગણવું નહીં. આપણી સૂર્યમાળાના ગ્રહો  આવા ગ્રહો સુધી પહોંચતા પણ ઓછામાં ઓછા એક વર્ષનું અંતર થઈ જાય છે ત્યાં ચાળીસ પ્રકાશ વર્ષનું અંતર કાપતા વર્ષો નીકળી જાય. એટલે ફિઝિકલી કોઈ ઉપગ્રહ કે રોબોટ મોકલીને ત્યાં સંશોધન કરવું હાલ પૂરતુ અશક્ય કામ છે. જોકે નાસાએ આ બાબતે કમર કસી છે. આવનારા દાયકાઓમાં નાસાના વૈજ્ઞાનિકો ટ્રેપિસ્ટ પરિવારના સભ્યોનો વિવિધ તબક્કે અને એના વિવિધ પાસાઓનો અભ્યાસ કરશે. એમની ધારણા મુજબ જો આ ગ્રહો પર પાણી હશે તો ત્યાં જીવનની શક્યાતાઓ પણ ઘણી વધી જવાની. અથવા ત્યાં કોઈ જીવો વિહરતા નહીં હોય તો આ ગ્રહો પર આપણને માફક આવે અને આપણે ત્યાં વસી શકીએ એવું વાતાવરણ મળી શકવાની સંભાવનાઓ પણ ઘણી છે. જોકે એનો અર્થ એ પણ નથી કે, ત્યાં આપણા વસવાટની સંભાવનાઓ જણાય તો આપણે બોરિયા બિસ્તરાં બાંધીને ટ્રેસ્પિટમાળામાં રહેવા પહોંચી જઈએ…!

પરંતુ ટ્રેપિસ્ટ ફેમિલીના અસ્તિત્વની જાહેરાત એ થ્રિલિંગ ઘટના છે. નાસાની આ જાહેરાત રહી રહીને કેટલીક કલ્પનાઓ કરવા મજબૂર કરે છે. ગયા અઠવાડિયે નાસાએ જ્યારે આ બાબતે સત્તાવાર જાહેરાત કરી ત્યારે મનમાં કેવા કેવા રોમાંચક સવાલો ઉઠેલા એ અહીં શેર કરું છું: જો ખરેખર ત્યાં જીવન હશે તો ત્યાંના જીવો કેવા હશે? એ બધા આપણા જેવા જ હશે કે એમની શારીરિક રચના કંઈક જુદી હશે? વળી, એ બધા આપણા માટે હાનિકારક હશે કે આપણી સાથે હળીમળી જશે? એ બધાની કોમ્યુનિકેશન સિસ્ટમ કેવી હશે? એમને ભાષાઓ હશે? સંસ્કૃતિઓ હશે? અથવા ત્યાં માનવો નહીં હોય તો ત્યાંની જીવ સૃષ્ટિ કેવી હશે? આ સાત ગ્રહો જ નહીં, પણ અનંત બ્રહ્માંડમાં અન્ય કોઈ ગ્રહો પર જીવન હશે ખરું? કે માત્ર આપણી પૃથ્વીને જ જીવનનું વરદાન મળેલું છે? જે ગ્રહ પર માનવો ઉપરાંત અનેક પ્રજાતિઓના પ્રાણીઓ વસે છે…

ખૈર, આવનારા વર્ષોમાં આ જ નહીં આવી અનેક શોધો આપણને રોમાંચિત કરશે. હાલમાં તો નાસાની આ શોધ પર નજર રાખવી રહી. બીજા ગ્રહ પર જીવન હશે એવું વિચારીને જ તમારા રુવાંટી ખડી નથી થઈ જતી?

પ્રિય વાચકો,

હાલ પૂરતું મેગેઝીન સેક્શનમાં નવી એન્ટ્રી કરવાનું બંધ છે, દરેક વાચકોને જૂનાં લેખો વાચવા મળે તેથી આ સેક્શન એક્ટિવ રાખવામાં આવ્યું છે.

આભાર

દેશ અને દુનિયાના સમાચારથી માહિતગાર થવા તેમજ દરેક અપડેટ સમયસર મેળવવા ડાઉનલોડ કરો Khabarchhe.com એપ અને ફોલો કરો Khabarchhe.com ને સોશિયલ મીડિયા પર.