સિંહ જેવા શ્વાન
હિમાંશી શેલતની પ્રાણીઓ સાથેની સ્મરણકથા ‘વિક્ટર’ પરની આ લેખશ્રેણીનો આજે છેલ્લો લેખ, જેમાં વાત કરવી છે એમના બે પૅડિગ્રી ડૉગ લિયો(જર્મન શેફર્ડ) અને વિક્ટર (લેબ્રડોર)ની. જોકે ‘વિક્ટર’ પુસ્તકના મુખપૃષ્ઠ પરના વિક્ટરના ફોટોગ્રાફ પરથી એવું જરૂર કળી શકાય કે વિક્ટર શુદ્ધપણે લેબ્રાડોર નહોતો, એનામાં ક્યાંક દેશી શ્વાનની છાંટ પણ નજરે ચઢે છે! જોકે આ મારું અનુમાન છે કે, વિક્ટર વર્ણસંકર છે, સત્ય શું છે એ વિશે હિમાંશીબેનને જ પૂછવું રહ્યું.
હિમાંશી શેલત સુરત છોડીને વલસાડ સ્થાયી થાય એ પહેલા એમના ઘરે લિયો આવેલો. લિયો વિશેના લેખમાં હિમાંશીબેને જણાવ્યું છે કે, એમના બાપુજીના અવસાન પછી ઘરમાં બધાને ભેંકાર એકલતા લાગવા માંડેલી. તેઓ લખે છે,
‘બાપુજીના અવસાન પછી ઘર એકાએક જ મૂંગું બની ગયું. એમની અને મારા ભત્રીજા હરિતની ઘીંગામસ્તી દિવસના મોટા ભાગમાં વેરાતી રહે. બેયનાં ભાતભાતનાં નાટકો ચાલે. રાજા-પ્રધાન, ચોર-સિપાઈ, સરહદ પર ખેલાતા યુદ્ધો- બધા વેશ અહીં હાજર. લાકડાની તલવારો ઊછળે, વ્યૂહરચનાઓ ગોઠવાય, ને ધમાધમી બોલે. ક્યારેક વળી મસ્તી ચડી હોય તો હીંચકો ઝૂલે ને ઉપર બંનેની મહેફિલ જામે. બાપુજી ખુલ્લે સાદે એમના જમાનાનાં ગીતો લલકારે અને હરિત શ્રોતા બનીને એમાં ગુલતાન. છેવટ સુધી આ ક્રમ સચવાયેલો એટલે સોપો પડી ગયો બાપુજીના અચાનક ચાલ્યા જવાથી. વળી એ દિવસોમાં ઘર પ્રાણીઓ વિનાનું. લાલિયો પણ થોડા મહિના અગાઉ ગુજરી ગયેલો. પ્રાણીની ખોટ આ દિવસોમાં વરતાઈ એવી પહેલાં ક્યારેય નહોતી વરતાઈ. વિષાદમાં થીજેલું ઘર એકાદ પ્રાણીની હાજરીથી ફરી ધબકવા માંડશે, મન પર થોડી તાણ લાગે છે તે ઓછી થશે અને ખાસ તો અમે બધાં ઘર બહાર કામે નીકળી જઈએ છીએ ત્યારે બાને વસ્તી રહેશે એમ અમારું ચોક્કસ માનવું હતું.’
આમ હિમાંશીબેન જર્મન શેફર્ડનું એક બચ્ચું પોતાને ઘેર લઈ આવ્યા, જેની ગરદન પાસે સિંહની યાળ જેવા વાળ હોવાને કારણે એનું નામ પડ્યું ‘લિયો’ અને એ લિયોનું કદ પણ પાછું સિંહ જેવું જખ્ખડ એટલે જ લિયો વિશે લખાયેલા પ્રકરણનું નામ હિમાંશીબેને ‘અમારે ઘેર સિંહ’ રાખેલું!
આલ્સેશન ડોગ તરીકે ઓળખાતા જર્મન શેફર્ડ આમેય કદાવર હોય, એમાં લિયો ખાવાનો ભારે શોખીન એટલે લિયોની તંદુરસ્તી છાપરે ચઢીને પોકારે. હિમાંશીબેન લખે છે, ‘પોતાના ખાવાના શોખથી લિયો અસલ સૂરતી કહેવાય એવો. લાંબે ગાળે અતિ આહારથી એ પ્રસિદ્ધ થવાનો એમાં બે મત નહીં. તીખું અને ગળ્યું – બંને પ્રેમથી ગ્રહણ કરતો આ હ્રષ્ટપુષ્ટ જીવ ભાગ્યે જ કોઈ ખાદ્યપદાર્થ નકારે. આમ છતાં કશું ન ભાવે એવું લાગે ત્યારેય પોતાની ‘ટેબલ મેનર્સ’ છોડે તો એ લિયો નહીં. તમે એવું કશું ધરો ત્યારેય એ પેલી ચીજ મોંમા તો લઈ જ લેવાનો. શિષ્ટાચાર ગળથૂથીમાંથી જ શીખીને આવેલો લિયો આપેલી ચીજનો અનાદર નહીં કરે. પછી કોઈ ન જુએ તે રીતે પેલી ચીજ જાળવીને બાજુમાં મૂકી દેશે!’
આવો નાતાવાન અને શરીરે હ્રષ્ટપુષ્ટ શ્વાનનો સામનો કોઈ અજાણ્યા સાથે થાય અને સામેનું માણસ અમસ્તુય કૂતરા કે અન્ય પ્રાણીઓથી ડરતું હોય ત્યારે સિંહ જેવા લિયોને સામે જોય ત્યારે એના શું હાલ થાય એ કલ્પી શકાય છે. એવો જ એક રમૂજી કિસ્સો લિયો વિશેના પ્રકરણમાં રજૂ કરાયો છે, જેમાં લિયોએ ઘરના કંપાઉન્ડમાં વગર પરવાનગીએ ઘૂસી આવેલા એક આગંતુકને કપાઉન્ડમાં રખાયેલી કારની ફરતે ‘ઓ… કૂતરો… કૂતરો…’ કરીને કઈ રીતે દોડાવેલા એ વિશે હાસ્ય અને રોમાંચભરી વાતો આલેખવામાં આવી છે. આવી જ એક મજેદાર વાત લિયો અને હિમાંશીબેનના નાનીમાના સંબંધ વિશે રજૂ કરાઈ છે, જે પણ વાંચવા-માણવા લાયક છે.
હિમાંશીબેન સુરતથી વલસાડ રહેવા આવેલા ત્યારે ઘરના સભ્યોથી પણ લિયો વધુ દુઃખી થયેલો અને હિમાંશીબેન જ્યારે પણ વલસાડથી સુરત આવે ત્યારે લિયો એના સઘળા કામ કોરાણે મૂકી સતત હિમાંશીબેન સાથે રહે અને એમની સોબત માણે. એ વિશે બહેન લખે છે, ‘ક્યારેક સુરત જવાનું લંબાય અને મને જોઈને બા કે હરિત દોડી આવે કે ભેટી પડે તો લિયોનો જીવ કપાઈ જાય! મારા પર કોઈ હક કરતું આવે એ એને જરીકે જચે નહીં. આવું કશું એનાથી સહન જ થતું હોય એમ એ વચ્ચે કૂદી પડે, બાને તો ધક્કો મારી બેસાડી જ દે! કોઇ વધારે વાત કરે મારી સાથે તો એને ભસી ભસીને ચૂપ કરી દે! એકવાર માત્ર વિનોદ જ સુરત ગયો તો એની સામે આળોટીને, રડીને, એનો હાથ મોંમા લઈને, ઘડીઘડી ઓટલે દોડી જઈને એણે સ્પષ્ટ કરી દેખાડ્યું કે આ રીતે એકલા અવાય જ નહીં…
આ લિયો હિમાંશીબેન અને ડૉ. કેતન શેલતને ત્યાં વર્ષો સુધી રહેલો. (હમણા પણ એમને ત્યાં એક વૃદ્ધ શ્વાન છે, જેનું નામ પણ લિયો છે અને તે હવે સરખું ચાલી સુદ્ધાં નથી શકતો.) લિયોનું અવસાન ક્યારે થયું અને અવસાન સમયે લિયોની શું સ્થિતિ હતી એ વિશે હિમાંશીબેને કશું આલેખ્યું નથી, કારણ કે આ લેખ વર્ષો પહેલા લખાયેલો, જ્યારે લિયો સ્વસ્થ હતો. એવું કંઈક સાંભરે છે કે, હિમાંશીબેનના બાનું અવસાન થયેલું ત્યારે લિયો હાજર હતો અને બાના અવસાનથી એ અત્યંત વ્યાકુળ થઈ ગયેલો. કંઈક એવું પણ યાદ આવે છે કે, લિયો બાના શબ પાસે જ બેસી રહેલો અને થોડી થોડી વારે બાને ચાટી લેતો. જોકે આ વાતો હિમાંશીબેને બા વિશે લખેલા એક લેખમાં આલેખી છે, જે લેખ એમણે સંપાદિત કરેલા પુસ્તક ‘પહેલો અક્ષર’માં સમાવ્યો છે.
હવે વિક્ટરની વાત. વિક્ટર વિશે હિમાંશીબેન કહે છે, ‘ઊછળતા અને ધસમસતા ઉલ્લાસનો આકાર કેવો હોય એનો જવાબ મારી પાસે છે. એ હોય વિકી જેવો!’ વિક્ટરનો સ્વભાવ વર્ણવતા તેઓ લખે છે, ‘એ તો આવ્યો તેવો જ વળગી પડ્યો અમને બરાબર. નાનકો હતો ત્યારે સાવ સસલું લાગે, ચારેય પગે કૂદતો ચાલે. એની આંખોનું ભોળું કુતૂહલ અમનેય એની સૃષ્ટિમાં ખેંચી જાય. ભોંય પર બેઠેલી ચકલીઓને ડોકું હલાવતો, કાન ફફડાવતો, પૂંછડી ફરકાવતો તાકી રહે. દેડકાને કૂદતો જોઈ ભયભીત થઈ ઘરમાં ભરાય, અને ભીંત પર સરકતી ગરોળીને ભસીભસીને જમીન પર આવી જવા પડકાર ફેંકે! ઘરમાં ઉત્તેજના ફેલાવી દીધી આ નાનકડા વિકીએ. એકલપેટો જરાયે નહીં. આસપાસની શ્વાન મંડળી જોડે દોસ્તી જમાવી. બે-ચાર કલાક માટે બહાર જવાનું થયું હોય અને પાછાં આવીએ ત્યારે જન્મજન્માંતરોના વિયોગ પછી મળતાં હોઈએ એવો વિકીનો ઉત્પાત હોય અને સાથે અનરાધાર પ્રેમવર્ષા. એ અમને વળગે, ચાટે, નાચે, કૂદે, જાતજાતના અવાજ કરે, હથેળીમાં માથું મૂકી દે, બૂટ-મોજાં-ચંપલ-રૂમાલ હવામાં ફંગોળે. મિલનના આવા ઝંઝાવાતી હરખ પછી એ જરા સ્વસ્થ થાય. એ અમારી ભાષા સમજે જ છે એવા પાકા વિશ્વાસ સાથે એની જોડે ગોઠડી મંડાય. કોઈ એ સાંભળે તો અમે માણસ જોડે વાત નથી કરતાં એ હકીકતથી અવશ્ય ડઘાઈ જાય!’
વિકી વિશે તેઓ એવું માનતા કે વિકીએ ‘સખ્ય’ને મકાનમાંથી ઘરનો દરજ્જો આપેલો. વળી, અત્યંત મળતાવડા સ્વભાવના વિક્ટરને બહારની શ્વાન મંડળી સાથે પણ ઘણા સંબંધ એટલે એની સાથોસાથ સખ્યમાં બહારના શ્વાનોની આવલીજાવલી પણ સતત રહે, જેમાંના કેટલાક જમવાને ટાણે આવી ચડે તો વિકી એમાને ભૂખ્યાં ન જવાદે. પોતાના નાતભાઈઓ જ નહીં, કોઇ માણસ પણ ‘સખ્ય’માં આવે તો વિકી ઓછોઓછો થઈ જાય અને અત્યંત્ય ભાવથી આવેલાને આવકારે. એની આ વૃત્તિ બાબતે હિમાંશીબહેન લખે છે, ‘માણસમાત્રને જોઈને એને અમથું અમથું વહાલ આવ્યા કરે. ચોરના દીદાર જો ચોર જેવા ન હોય તો એનેય આ માણસઘેલો પ્રેમથી ભેટવાનો એની મને તો ખાતરી જ રહેતી. પાંડવો પાછળ ગયેલો શ્વાન તે નક્કી આ જ એવી કથાઓ રચવાની અમને મઝા પડતી. અમારે ઘેર જેટલાં આવ્યાં હશે તે બધાં પર પોતાનું વહાલ વિકી વરસાવી ચૂકેલો, અને વહાલમાં વહેરોવંચો કે દિલચોરી લેશ નહીં.’
વિક્ટર ઘરમાં આવ્યા પછી હિમાંશીબેન અને વિનોદ મેઘાણીનો આનંદ આસમાને પહોંચેલો. એ બંને, વિકી અને ‘સખ્ય’ની આસપાસની શ્વાન મંડળી રોજ સવાર-સાંજ ઘર નજીક આવેલી વાંકી નદીના ઢોળાવો પાસે ફરવા જતાં અને સવાર અને સાંજના સૌંદર્યમાં એમના આનંદનું ચંદન ભેળવી યાદોને સુંગધીદાર બનાવતા. એમના આ સંબંધને ક્યાંક કોઈની નજર ન લાગી જાય એની પણ હિમાંશીબેનને ચિંતા રહ્યા કરતી. તેઓ લખે છે, ‘આવી પ્રગાઢ દોસ્તી નજરાઈ તો નહીં જાય ને એવી દહેશત ક્યારેક પજવતી. જીરવી ન શકાય એવું ને એટલું સંબંધ-સુખ આપણી ઝોળીમાં ઠલવાઈ જાય ત્યારે આવો ભાવ સળવળે છે ઘણી વાર, બહુ રૅશનલ કહેવાય એવાં ચિત્તમાં પણ!
આખરે થયેલું પણ એવું જ અને હિમાંશીબેનને જે શંકા કે ભય હતો એ સાચો પડેલો, જે વિશે એમણે અત્યંત હ્રદયદ્રાવક વર્ણન કર્યું છે. આ લખનારે વિક્ટરને ક્યારેય જોયો નથી, પણ વિક્ટરના અંત વિશેના વર્ણન બાદ મનેય વિક્ટર દેખાયા કરેલો. હા સોનુંને મેં જોયેલો અને બેએક વાર એને મળવાનું પણ થયેલું. વિક્ટરના અવસાન વિશેની વાતો અને સોનુંના ગયા પછી હિમાંશીબેનની મનઃસ્થિતિ વિશેની વાતો કાલે જોઈએ. લેખ લાંબો થાય ત્યારે વાત ટૂંકમાં પતાવવાની આવડત આપણામાં નથી. આવતા મંગળવાર સુધી રાહ નથી જોવી. કાલે જ સમાપન કરીએ.
પ્રિય વાચકો,
હાલ પૂરતું મેગેઝીન સેક્શનમાં નવી એન્ટ્રી કરવાનું બંધ છે, દરેક વાચકોને જૂનાં લેખો વાચવા મળે તેથી આ સેક્શન એક્ટિવ રાખવામાં આવ્યું છે.
આભાર