ફ્લોરેન્સ, ઊષા અને ચાર્મિંગ પ્રિન્સ
આજકાલ ટેલિવિઝન પર પ્રસારિત થતાં કેટલાક કોમેડી શૉમાં નવાસવા, થોડી-ઘણી નામના મેળવી ચૂકેલા કોમેડિયન્સ નાના પાટેકર કે દેવ આનંદ જેવા અભિનેતાઓની મિમિક્રી કરીને પોતાનું પેટીયું રળી લે છે. દિગ્ગજ અભિનેતાઓની મિમિક્રી સુધી તો ઠીક પરંતુ ક્યારેક એમાંના કેટલાક નૌટંકીબાજો દેવ સાહેબ, નાના દિલીપ કે મનોજ કુમાર(‘ઓમ શાંતિ ઓમ’ ફિલ્મનો કિસ્સો પણ યાદ હશે!) જેવા અભિનેતાઓની ઠેકડી ઉડાવવાની છીછરી હરકતો કરી નાંખતા હોય છે. આર્ટને નામે રોજ રાત્રે ટેલિવિઝન પર આવી ઉટપટાંગ હરકતો કરતા એ જોકરોને કદાચ ખબર નહીં હોય પરંતુ મિમિક્રીના નામે તેઓ જેમની ઠેકડી ઉડાવી રહ્યા છે એ લોકો ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં કંઈ અમસ્તા જ સફળ નથી થયા. તેઓ સફળ હતા એટલે જ આજે તેઓ એમની મિમિક્રી કરે છે. નહીંતર, તેમણે કોઈ બીજાની સફળતા પર તેમની જોકરગીરીની દુકાન ખોલવાની નોબત ઊભી થઈ હોત!
ઉપરની વાતને આમ આપણા લેખ સાથે બહુ ઝાઝી નિસ્બત નથી. આ તો થોડો ઊભરો ઠાલવી લીધો. બાકી, આપણે તો ધરમ દેવ આનંદ એટલે કે, દેવ આનંદ સા'બની વાત કરવી છે. આ મહિને એમનો જન્મ દિવસ છે. ૨૬મી સ્પ્ટેમ્બર 1923ના રોજ પંજાબમાં જન્મેલા એ સુપર સ્ટારને વિલાયત જઈને હાયર સ્ટડીઝ કરવાની ઈચ્છા હતી. પરંતુ પૈસાની તાણને કારણે તેમની નિયતિ તેમને વિલાયતની જગ્યાએ માયા નગરી મુંબઈમાં લઈ આવી. ધરમ દેવ વિદેશ નહીં ગયા એ સારું થયું કારણ કે, અહીં રહીને એમણે જે કામ કર્યું અને જે નામના મેળવી એને આજે ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં ઈતિહાસ લેખે ગણવામાં આવે છે. સાંઠ વર્ષ સુધી ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં કાર્યરત રહેલા આ અભિનેતાએ હિન્દી સિનેમાની ઉત્તમમાં ઉત્તમ કહી શકાય એવી ફિલ્મોથી લઈને એમના જીવનના પાછલા વર્ષોમાં સાવ નાંખી દેવા જેવી સી ગ્રેડની કહી શકાય એવી ફિલ્મોમાં કામ કર્યું. તેઓ ફિલ્મો જેટલું જ ઘટનાપ્રચુર જીવન જીવ્યા અને ફિલ્મોના અંતની જેમ એમની જીવનકથાનો અંત પણ સાવ નાટ્યાત્મક અને પૂર્વનિયોજિત હોય એવો આવ્યો.
દેવ આનંદે તેમના જીવનની અંતરંગ વાતો તેમની આત્મકથા ‘રૉમૅન્સિંગ વિથ લાઈફ’ આલેખી છે. દેવ આનંદને પૂરેપૂરા જાણવા હોય તો એમની ફિલ્મો ઉપરાંત પેગ્વિન ઈન્ડિયા દ્વારા પ્રકાશિત તેમની આત્મકથાના 417 પાના ઉથલાવવા અત્યંત જરૂરી છે. આ આત્મકથા માત્ર તેમના જીવનની જ નહીં પરંતુ બોલિવુડમાં સમયાંતરે આવતા રહેલા બદલાવોની, વિવિધ સમયના કલાકારોની, વિભાજન પહેલાના અને ત્યાર બાદના ભારતની અને આજથી સિત્તેર વર્ષ પહેલા પણ ‘સિટી ઓફ ડ્રીમ્સ’ તરીકે જ ઓળખાતા મુંબઈ શહેરની દાસ્તાન બયાં કરે છે. ફિલ્મોની બાબતે દેવ આનંદને હંમેશાં દરેક વાતનું કેન્દ્રબિંદુ હોવાની આદત હતી. એટલે કેટલીક વખત તેઓ અભિનય ઉપરાંત સ્ક્રિપ્ટ અને કેમેરા એંગલથી લઈને પ્રોડક્શનના ઝીણામાં ઝીણા કામમાં માથું મારતા. આ કારણે અનેક વખત તેમના પર તેઓ નાર્સિસિસ્ટ છે એવા આરોપો થતાં રહ્યા. પરંતુ આ પુસ્તકની પ્રસ્તાવનામાં તેઓ એ વાતનો ખુલાસો કરે છે કે કરોડો ચાહકોની નજરોમાં સુપર સ્ટાર બની ગયેલા માણસે પોતાની જાતને ટોચ પર સ્થાન પર ટકાવી રાખવા અને લોકોને પ્રેરણા આપવા માટે હંમેશાં પોતાનું બેસ્ટ આપતા રહેવું પડે છે. આ કારણે જ તેઓ તેમની ફિલ્મોના પ્રોડક્શનના વિવિધ પાસામાં રસ લેતા અને કોઈના પર કશું ન છોડતા મહત્ત્વની જવાબદારીઓ પોતે ઉઠાવી.
દેવ આનંદ તેમની આત્મકથાની શરૂઆત તેમના બાળપણ અને કોલેજકાળના દિવસોથી કરે છે. તેમના નામકરણ પૂરતો જ તેમના જન્મનો ઉલ્લેખ કરતા લખે છે કે, જન્મ સમયે તેમનું નામ ધરમ દેવ આનંદ રાખવામાં આવ્યું હતું. આ વાત કરતા તેઓ બળાપો કાઢે છે કે ઈન્ટરનેટ પર કેટલીક વેબસાઈટ્સ તેમના નામની બાબતે ધુપ્પલ ચલાવે છે કે, જન્મ સમયે દેવ આનંદનું નામ ‘દેવદત્ત’ રાખવામાં આવ્યું હતું. પરંતુ ‘દેવદત્ત’ જેવું નામ તેમના નામની આગળ ક્યારેય લાગ્યું ન હતું. અને ધરમ દેવ આનંદ નામ તેમને ભારેખમ લાગતા તેમણે પાછળથી ધરમનું લટકણીયું કાઢી નાંખેલું.
દેવ નાનપણથી જ ચાર્મિંગ પ્રિન્સ હતા. સ્કૂલથી લઈને કોલેજ સુધીના કેટલાક વર્ષોમાં ઘણી છોકરીઓ ગુરુદાસપુર(પંજાબ)ના આ છોકરા પર લટ્ટુ હતી. પરંતુ આત્મકથામાં દેવ લખે છે એમ નાનપણમાં તેઓ ઘણા શરમાળ અને છોકરીની બાબતે થોડા ભોટ હતા. તેઓ કોલેજમાં ભણતા ત્યારે ઊષા નામની પ્રોફેસર તેમના પ્રેમમાં પડી ગયેલી. ઊષાની વાત કરીએ એ પહેલા ફ્લોરેન્સ નામની છોકરીનો નંબર આવે. શરમાળ દેવ આનને તેમના પિતાએ ગુરુદાસપુરની ગર્લ્સ સ્કૂલમાં ભણવા મૂકેલા. (દેવ આનંદના પિતા તેમને લાડમાં દેવ આન કહેતા!) છોકરીઓની સ્કૂલમાં ભણતા હોવાને કારણે ત્યાંની છોકરીઓ છાશવારે તેમનું રેગિંગ કરતી અને તક મળે ત્યારે દેવને પેટ ભરીને ચીડવી લેતી. જોકે બધી છોકરીઓ કંઈ એક સરખી ન હતી. કેટલીક આ ક્યૂટ પંજાબી પુતરને અત્યંત પસંદ કરતી અને તેને પોતાનો બોયફ્રેન્ડ બનાવવાના ખ્વાબ પણ જોતી! ફ્લોરેન્સ એમાંની જ એક.
ફ્લોરેન્સને દેવ એટલા ગમતા કે સ્કૂલમાં દેવ જ્યાં હોય ત્યાં એમની પાછળ દોડી જાય. એક વાર તો એણે દેવને ગુલાબનું ફુલ આપીને એમને લીપ કિસ કરવાની રોમેન્ટીક કોશિશ કરેલી, પણ શરમાળ દેવ ત્યારે ત્યાંથી ભાગી છૂટેલા. પરંતુ એક વાર ફ્લોરેન્સે દેવને બરાબર સાણસામાં લીધા અને તેમને પકડીને તેમના પર સાંબેલાધાર ચુંબનો ઝીંક્યા. શરમથી પાણી પાણી થઈ ગયેલા દેવ સાહેબ ગમે એમ કરીને ફ્લોરેન્સની પકડમાંથી છૂટ્યાં અને તેમની પાસે હતી એટલી તાકાત એકઠી કરીને ત્યાંથી ભાગી છૂટ્યાં. ભાગતા દેવને સંબોધીને અલ્લડ ફ્લોરેન્સ કહે છે કે, ‘હું તો આજે સવારે ચાલુ ક્લાસમાં જ તને કિસ કરવાની હતી પણ પેલી મિસ ડેવિડની નજર મારા પરથી હટતી જ ન હતી એટલે તું બચી ગયો!’ વાહ ક્યા બાત! આ તો નસીબ કહેવાય કે છોકરીએ સામેથી હિંમત દાખવી. બાકી, આ દેશમાં તો કેટલાય યુવાનો ફેન્ટ્સી કરવામાં જ જિંદગી પૂરી કરી નાંખે! છોકરીઓની બાબતે દેવ સાહેબ બાળપણથી જ ઘણા લકી હતા!
હવે ઊષાની વાત કરીએ. અહીં ફ્લોરેન્સની જેમ એક તરફી પ્રેમ ન હતો. કોલેજમાં ભણતા દેવ સાહેબ ઘણા મેચ્યોર થઈ ગયા હતા અને તેઓ પણ ઊષાને ચાહતા હતા. અહીં પણ દેવનું શરમાળપણું જ તેમના પ્રેમની આડે આવ્યું, જેના કારણે તેઓ એકબીજા આગળ પ્રેમનો એકરાર ન કરી શક્યા. અને જ્યારે તેમણે એકબીજાને પ્રેમની વાત કરી ત્યારે ઘણું મોડું થઈ ગયું હતું. જોકે તેમની અંતિમ મુલકાતનો અંત ઘણો નાટ્યત્મક રહ્યો. ગ્રેજ્યુએશન પૂરું કર્યા બાદ વકીલ પિતાની આર્થિક તંગીને કારણે દેવ પોસ્ટ ગ્રેજ્યુએશન કરવાનું માંડી વાળે છે અને મુંબઈ જઈને અભિનેતા બનવાના સપના જોવાની શરૂઆત કરી દે છે. એક દિવસ દેવ લાહોરની તેમની કોલેજના પ્રિન્સિપલ પાસે તેમનું કેરેક્ટર સર્ટિફિકેટ લેવા જાય છે. એવામાં હાથમાં પુસ્તકો લઈને ક્લાસરૂમથી સ્ટાફરૂમ તરફ જઈ રહેલી ઊષા તેમને કોરીડોરમાં ભટકાય છે. શરૂઆતની ‘હાઈ હેલ્લો’ની ચિટચેટ બાદ ઊષા સામેથી દેવ સાહેબને કહે છે કે, એ તેમને પસંદ કરે છે. ઉપરાંત ઊષા દેવને એમ પણ કહે છે કે, તેઓ પોસ્ટ ગ્રેજ્યુએશન માટે આ કોલેજમાં જ આવે એવી તેની ઈચ્છા છે.
પરંતુ દેવ સાહેબે તેમના ભવિષ્યને લઈને ઘણું આયોજન કરી નાંખ્યું હતું. કોલેજમાં પાછા ફરવું અશક્ય હતું. એવામાં કોલેજના પ્રિન્સિપલ કોરીડોરમાંથી પસાર થયાં એટલે દેવ અને ઊષા એકબીજાથી અલગ થયાં અને દેવ તેમના ઘરે આવી ગયા. ઘરે આવીને દેવ તેમના ચહેરા પર પાણીની છાલક મારે છે અને કાચમં પોતાનો ભીનો ચહેરો જોઈને મનોમન હરખાય છે. ‘આ ચહેરામાં કંઈ તો છે જ. એટલે જ ઊષા આ ચહેરાને પસંદ કરે છે અને પેલી ફ્લોરેન્સે પણ એકવાર આ જ ચહેરા પર ચુંબનોનો વરસાદ વરસાવેલો! હું આ ચહેરાને અને મારી જાતને દુનિયા આગળ રજૂ કરીશ. હું અભિનેતા બનીશ અને દુનિયાને કહીશ કે લ્યો જૂઓ મને! હું માત્ર અભિનેતા જ નહીં પરંતુ દેશનો સુપર સ્ટાર બનીશ. હું થોડા જ વર્ષોમાં લાઈમલાઈટને ઝૂંટવી લઈશ. આ માટે હું બોમ્બે જઈશ. ફિલ્મોના મક્કામાં.’
મનોમન આટલું બોલીને દેવ આનંદ ઝૂમી ઊઠે છે અને કાચમાં પોતાનો ચહેરો જોઈને હરખઘેલા થઈ જાય છે. ત્યાર પછી તેઓ એક બેગ અને ત્રીસ રૂપિયાની રકમ લઈને મુંબઈ જતો ફ્રન્ટિયર મેલ પકડે છે. આત્મકથામાં જણાવ્યા મુજબ એ વર્ષ હતું ૧૯૪૩નું અને મહિનો હતો જુલાઈનો. ભારત દેશ આઝાદ થવાના બરાબર ત્રણ વર્ષ પહેલા નાના શહેરના આ પંખીએ મુંબઈ જેવા શહેરમાં સફળતા મેળવવા માટેની ઉડાન ભરી હતી! સ્પ્ટેમ્બર મહિનાના બાકીના ત્રણ મંગળવાર પર આપણે દેવ સાહેબની જ વાત કરીશું. એમની આત્મકથાનો આસ્વાદ નહીં કરાવું પણ એ પુસ્તકમાંથી આવા જ કેટલાક મજેદાર પ્રસંગોની વાતો કરીશું અને સીના બોરા અને ઈન્દ્રાણી કે પાટીદાર આંદોલન અથવા બિહારની ચૂંટણી જેવા ભારે ભરખમ વિષયોમાંથી છુટ્ટી લઈને દેવ આનંદની મજાની વાતો મમળાવીશું. એમને યાદ કરીશું અને બોલિવુડના એ ચોકલેટી બૉયને શબ્દાંજલિ આપીશું.
ફિલ ઈટ
દુનિયા સામે આત્મકથારૂપે તમારું જીવન રજૂ કરવું એ જેટલું સહેલું કામ છે એટલુ જ એ અઘરું પણ છે!
-'રૉમૅન્સિંગ વિથ લાઈફ'નું પહેલું વાક્ય
પ્રિય વાચકો,
હાલ પૂરતું મેગેઝીન સેક્શનમાં નવી એન્ટ્રી કરવાનું બંધ છે, દરેક વાચકોને જૂનાં લેખો વાચવા મળે તેથી આ સેક્શન એક્ટિવ રાખવામાં આવ્યું છે.
આભાર