સારો અભિગમ, થોડું ડેડિકેશન
ચાર દિવસ પછી ફરી આપણને એક નવા નક્કોર વર્ષની ભેટ મળી રહી છે. ફરી પાછી એક કોરી ડાયરી આપણને મળી રહી છે, જેના પાનાં પર શું ભરવું અને ક્યાં શું કોરું ધાકોર રાખવું એનો આધાર માત્ર ને માત્ર આપણા પર જ છે. અલબત્ત, ઘણી વાર કેટલીક પરિસ્થિતિઓ આપણા હાથમાં નથી હોતી અને ઘણીય વાર આપણે આપણા સો ટકા આપી દીધા હોય છતાં, આપણું ધારેલું કે આપણી ઈચ્છા મુજબનું નથી થતું. પણ એનો મતલબ એ પણ નથી જ થતો કે, જે કંઈ થાય છે એ કુદરતી રીતે, નસીબજોગે થાય છે અથવા કોઈક બીજાના કારણે થાય છે. આપણી સાથે જે કંઈ ઘટી રહ્યું છે અથવા આપણે જે કંઈ પામી રહ્યા છે કે જે મુજબનું જીવી રહ્યા છે એની પાછળ આપણા કર્મોનું, આપણી રીતભાતનું અથવા જીવન જીવવાના આપણા દૃષ્ટિકોણનું યોગદાન ઘણું વધું હોય છે. અને જો આપણા કર્મો કે પગલાં અને દૃષ્ટિકોણનું મહત્ત્વ વધુ હોય તો આજે આ બાબતે થોડી વાતો કરવી છે.
વર્ષ પૂરું થઈ રહ્યું છે અને આપણે સૌ વીતી રહેલા આ વર્ષને અલવિદા કહેવા માટે સજ્જ છીએ ત્યારે ભારેભરખ વાતો કરીને પાર્ટીની મજા નથી બગાડવી. આપણે વાતો કરવી છે, થોડા મૂલ્યાંકનની અને થોડી સજ્જતાની! એક આખું વર્ષ પસાર થઈ રહ્યું છે ત્યારે થર્ટી ફર્સ્ટની પાર્ટીની સાથોસાથ સહેજ થોભીને, પાછું વળીને જોવું અત્યંત મહત્ત્વનું બની જતું હોય છે. જાતને થોડા પ્રશ્નો પૂછવાનું જરૂરી બની જાય છે કે, આજે આપણે જે કંઈ છીએ અથવા આપણે જે પ્રકારનું જીવન જીવી રહ્યા છીએ તે એ જ છે, જે આપણે પામવું હતું? કે પછી કંઈક અલગ? જે મળ્યું અને જેવું જીવી રહ્યા છે એમાં આનંદ છે? કે જે મળ્યું એ બાંધછોડ કરીને સ્વીકારી લીધું? ક્યાંક ગૂંગળામણ તો નથી રહી ને? ક્યાંક આપણી સતર્કતાને અભાવે અથવા આળસને કારણે થાપ તો નથી ખાઈ રહ્યા ને?
અને આવા બધા સવાલોના જવાબ જો નકારાત્મક હોય તો ડરવાની, ગભરાવાની કે મૂંઝાઈ જવાની જરૂર નથી. અને સૌથી અગત્યની વાત તો એ કે, ‘નસીબમાં જ આવું લખ્યું હતું.’, ‘ઉપરવાળાને ગમ્યું એ ખરું…’ એવી બાંધછોડો તો જરાય સ્વીકારી લેવાની નથી. સૌથી પહેલા તો આપણે જે પામવું હતું એ કેમ નહીં પામી શકાયું અને આપણો મૂળભૂત આનંદ કેમ ગૂમ છે એ બાબતના કારણો ચકાસવા જરૂરી બની જાય છે. ફરી પાછી અહીં એક કન્ડિશન એ આવે છે કે, જે કંઈ નથી મેળવી શકાયું એ માટે બીજાને દોષી નથી ઠેરવવાના. એ વલણ સાવ અયોગ્ય અને પલાયનવાદી છે. બીજાઓ પર પાપનું પોટલું ઢોળી, હાથ ખંખેરી, જાતને બાજઠ પર બેસાડી દેવાની આપણને સૌને આદત હોય છે. જેમાં આખરી નુકસાન તો આપણું જ થતું હોય છે.
ઘણી વાર આપણે જે પામવું હોય એ આપણે એટલે પામી નથી શકતા કે, જે-તે બાબત પ્રત્યેની ચાહતની તીવ્રતામાં ઘટાડો થઈ જતો હોય છે, જેની અસર આપણા ડેડિકેશન પર પણ થતી હોય છે. સંબધો હોય કરિયર કે પછી બીજું કંઈ પણ, એ બધામાં આપણું સો ટકા સમર્પિત હોવું અત્યંત જરૂરી હોય છે, અને જ્યારે જ્યારે આપણે એમાંથી ચલિત થઈએ છીએ, ત્યારે પરિસ્થિતિ આપણે ઈચ્છીએ એનાથી વિરુદ્ધ સર્જાતી હોય છે. પછી પરિસ્થિતિઓમાં આપણી મરજી વિરુદ્ધ બદલાવ આવે છે અને કેટલાક કિસ્સામાં આપણે પક્ષે ભોગવવાનું આવે છે અને આપણે ફરિયાદો કરવાનું શરૂ કરીએ છીએ. કોઈ પણ બાબતમાં સો ટકા આપવા એ કંઈ લોઢાના ચણા ચાવવા જેવું મુશ્કેલ કામ નથી. ડેડિકેશન માટે સૌથી મોટી જરૂરિયાત છે જે-તે બાબત પ્રત્યેની ચાહતની. સતર્કતાની અને એકાગ્રતાની. આપણને ચલિત કરવા આપણી આસપાસ એવી અનેક બાબતોના ખડકલા હોય છે કે, આપણને ખ્યાલ પણ ન હોય એ રીતે આપણે આપણા ગોલમાંથી કોઈક બીજી દિશામાં ફંટાઈ જતાં હોઈએ છીએ.
એક સાદું ઉદાહરણ લઈએ તો ધારોકે આપણે કોઈ પણ એક ટાસ્ક સાંજ સુધીમાં પૂરો કરવાનો છે. એ ટાસ્ક પૂરો કરવા માટે જે કંઈ બાબતોની આપણને જરૂર છે એ બધું જ આપણી સામે હાજર છે. વળી, આપણી પાસે પૂરતો સમય પણ છે. અને આ બધુ હાજર હોવા છતાં આપણે નિયત સમયે ટાસ્ક પૂરો કરી શકતા નથી અને ટાસ્ક જે રીતે પૂરો કરવાનો હતો એ રીતે પૂરો કરી શકતા નથી. કેમ? તોકે, દિવસ દરમિયાન આપણે કારણ વિના ફેસબુક સ્ક્રોલ કર્યા કર્યું, વ્હોટ્સ એપ પરની સાવ નકામી ગ્રુપ ચેટમાં કોણ શું લખે છે અને સહેજ પિંગ થાય એટલે કોણ કેવા ફોરવડિયા મોકલે છે એ જોયા કર્યું. કોઈકનો ફોન આવ્યો હોય તો અગત્યની વાતો ઉપરાંત અન્ય કેટલીક વાતોમાં આપણે સમય પસાર કર્યો અને ટ્વિટર કે ઈન્સ્ટાગ્રામ અથવા અન્ય કોઈ એપ્સ યુઝ કરતા હોઈએ તો થોડા થોડા સમયે એ બધી સાઈટ્સ પર પણ ચક્કર મારી આવ્યા!
સરવાળે થયું શું? તોકે જે-તે ટાસ્કને જે સમય ફળવાયેલો હતો એમાંનો કેટલોક સમય આપણે એવા કામોને આપી દીધો જે કામો ટાસ્ક પૂરો થયાં પછી પણ કરી શકાયા હોત. આ તો એક અત્યંત સાદું ઉદાહરણ હતું, પણ સોશિયલ મીડિયા કે ફાલતું ગોસીપ ઉપરાંત પણ આપણે એવા કામો અને એવી કેટલીક બાબતોમાં ઈનવોલ્વ રહેતા હોઈએ છીએ, જેમાં આપણી ખરેખર કોઈ જરૂરત નથી હોતી. ટાસ્ક જેવી જ સ્થિતિ સંબંધો બાબતમાં નથી સર્જાતી? કે જ્યાં આપણે આપણા સો ટકા આપવાના હોય ત્યાં આપણે પૂરેપૂરા હાજર નથી હોતા. આપણે વહેંચાઈ જઈએ છીએ અને નાહકની બાબતોમાં ગૂંચવાયેલા હોઈએ છીએ. નકામી એપ્સની જેમ નકામા સંબંધો પણ હોય છે, જેમાં આપણે કેટલા ઈનવોલ્વ રહેવું એનો આધાર માત્ર આપણા પર જ હોય છે! કારણ કે, પસંદગી આપણે કરવાની હોય છે.
તો નવું વર્ષ આવે છે ત્યારે એ જ બાબતનું ધ્યાન રાખવાનું છે કે, સંબંધ હોય કે કરિયર હોય કે પછી બીજું કંઈ પણ હોય, એમાંથી ચલિત થયાં વિના એને વળગી રહીએ અને સાવ નકામી બાબતોને અવગણી કાઢીએ, જેથી આપણા લેવલે કરવાજોગું કરીને આપણે સ્થિતિને આપણા પક્ષે કરી શકીએ. અને રહી વાત દૃ્ષ્ટિકોણની તો આપણે જ્યારે પણ કોઈ કામ કે લક્ષ્ય લઈને બેઠાં હોઈએ ત્યારે સ્વાભાવિકપણે એમાં થોડી અડચણો આવવાની કે, આપણને ન ગમે એવા પરિણામો આવતા રહેવાના. પરંતુ દરેક વખતે આપણો અભિગમ અત્યંત હકારાત્મક હોવો અત્યંત જરૂરી છે. ડેડિકેશન આપી દીધા પછી જો હંમેશાં પરિણામ ધાર્યા મુજબનું નહીં હોય ત્યારે આપણે મૂંઝાઈ જઈએ છીએ અથવા આપણે એ બાબતને સ્વીકારી લઈએ છીએ કે, જે મળ્યું એ ઉપરવાળાની મરજી! અને આવું કરીને આપણે પ્રયત્નો ઓછા કરી દઈએ છીએ અથવા નકારાત્મક વલણ અપનાવીને બકરું કાઢતામાં ઊંટ પેસાડી દઈએ છીએ. એના કરતા શાંતચિત્તે, પૂરી હકારાત્મક્તા સાથે આગળ વધીએ તો ઘણી બધી એવી બાબતો છે, જે માત્ર આપણા વલણને કારણે જ ઈઝી થઈ જતી હોય છે. અને આવી નાનીનાની બાબતો જ આપણા દિવસની ખુશીનો કે આનંદનો આધાર બનતી હોય છે.
તો પછી જ્યાં આપણો અભિગમ અને આપણું ડેડિકેશન જ આપણા સુખમાં કે જીવનની નાનીમોટી સફળતાઓમાં આટલું બધું મહત્ત્વ ધરાવતા હોય તો પછી આ આપણું ન્યૂ યર રિઝોલ્યુશન હોવું જોઈએ કે, નવા વર્ષે આપણે બીજું કોઈ રિઝોલ્યુશન લઈએ કે ન લઈએ પણ સંબંધ કે કરિયર બાબતે પૂરા સમર્પિત રહીએ અને હંમેશાં હકારાત્મક અભિગમ રાખીએ, જેથી આપણે આપણા હિસ્સાનો આનંદ માણી શકીએ.
પ્રિય વાચકો,
હાલ પૂરતું મેગેઝીન સેક્શનમાં નવી એન્ટ્રી કરવાનું બંધ છે, દરેક વાચકોને જૂનાં લેખો વાચવા મળે તેથી આ સેક્શન એક્ટિવ રાખવામાં આવ્યું છે.
આભાર