જિંદગીમાં શ્રદ્ધા રખાય પણ એનો ભરોસો તો ન જ કરાય
ફેસબુકની એક પોસ્ટ પર ગયા અઠવાડિયે એક કમેન્ટ કરેલી અને એ કમેન્ટ જ આ લેખનો વિષય બની છે. જાણીતા ફોટોગ્રાફર અને વડીલ મિત્ર સંજય વૈદ્ય પોંડીચેરીના અરવિંદ આશ્રમની મુલાકાતે ગયા છે અને ફોટોગ્રાફ્સના રૂપમાં ત્યાંની શાંતિ, ત્યાંની પ્રકૃતિ અને ત્યાંનું અધ્યાત્મ ફેસબુક પર પોસ્ટ કરી રહ્યા છે. એ ફોટોગ્રાફ્સ જોઈને રખડપટ્ટીનો શોખીન આ જીવડો બિચારો રોજ જીવ બાળતો રહ્યો અને સંજયભાઈના ફોટોગ્રાફ્સ લાઇક કરીને ત્યાંનું વર્ચ્યુઅલ અધ્યાત્મ માણતો રહ્યો.
વળી, થોડા દિવસો પહેલાં જાણીતા લેખક શિશિર રામાવત પણ વિપશ્યનાની સાધના કરી આવેલા, જેમના વિપશ્યના પરના બે આલાતરીન લેખો વાંચીને મન અમસ્તુય ક્યાંક ઊડવાની પેરવીમાં હતું. એમાં સંજયભાઈના ફોટોગ્રાફ્સે બળતામાં ઘી હોમ્યું, જેના કારણે ‘khabarchhe.com’ની આરામદાયક એસી ચેમ્બર પણ મને જેલ જેવી લાગવા માંડેલી. સંજયભાઈના જ પોંડીચેરીના ફોટોગ્રાફ્સ પર શિશિર સરે કંઈક લખ્યું અને એ કમેન્ટના રિપ્લેમાં મેં મારી અવઢવ પેશ કરી. શિશિર સરે સધિયારો આપ્યો કે, ‘જિંદગી ઘણી લાંબી છે. ધીમે ધીમે બધું જ જોવાશે, સો ડોન્ટ વરી.’ સાહેબની વાત સાચી હતી, પણ હું એ વાત સાથે આંશિક સહમત હતો. એટલે મેં ફરી ઉત્તર વાળ્યો કે, ‘જિંદગીમાં મને શ્રદ્ધા છે ખરી, પણ એનો ભરોસો તો નહીં જ કરું… ક્યાં પતા કલ ક્યા હોગા?’ ખૈર, કમેન્ટ તો લખતા લખાઈ ગઈ અને એ વાત ત્યાં પતી પણ ગઈ, પરંતુ ત્યાર પછી મનમાં જે ઊથલપાથલ સર્જાઈ એ વર્ણવી શકાય એમ નથી. આખું વીકએન્ડ એ વિચારોમાં ગયું અને સાથોસાથ અમસ્તા જ કેટલાય નિર્ણયો પણ લેવાયા.
શબ્દકોશ મુજબ તો શ્રદ્ધા અને ભરોસો બંને શબ્દ એકબીજાના સમાનાર્થી છે, એટલે લેખનું ટાઇટલ કે મેં લખેલી એ કમેન્ટ વિરોધાભાસી કહેવાય પરંતુ મારો કહેવાનો અર્થ કંઈક અલગ છે. મારે એમ કહેવું હતું કે, જીવનના અપ્સ-ડાઉન્સ, એના પડકારો કે એના વિવિધ રંગોમાં મને ખૂબ આસ્થા છે અને જ્યારે જે સ્થિતિ મળે એને ખૂબ ચાહવી, માણવી પણ છે પણ આપણા સૌનું અફર સત્ય એ પણ છે કે, આ જીવન જેટલી અનિશ્ચિત બાબત કોઈ નથી. ન કરે નારાયણ અને કાલે ઊઠીને ચાલુ નાટકે બધા પથારા સમેટી એકાએક મંચ પરથી એક્ઝિટ લેવાની નોબત આવી તો? આપણી ઇચ્છાઓ, સપનાં, ભવિષ્યના આયોજનો કે કરવા ધારેલાં કામોનું શું? એ બધા પર પળવારમાં પૂર્ણવિરામ મુકાઈ જાય અને જતાં જતાં ગમતું ન કરી શક્યાનો વસવસો રહી જાય એ વધારાનો. કદાચ એમ બને કે, અડધી બાજીએ પેક થઈ જવાનો વસવસો ન પણ રહે, પણ આ બાબતે હું એમ માનું છું કે, અહીં આવ્યા જ છીએ તો પછી આપણું ગમતું શું કામ નહીં કરીએ?
જોકે, ગમતું નહીં કરી શકવા કરતાંય મોટો અપરાધ આપણે સ્થિતિને ટાળવાનો કે પળને પાછળ ઠેલવાનો કરીએ છીએ. સામાન્યતઃ આપણી આદત હોય છે કે, આપણે દુનિયાભરના કામોમાં કે નાહકની વાતોમાં ગળાડૂબ થઈ જઈએ અને પછી કંઈક ગમતું કરવાનો સમય આવે ત્યારે આપણે પછી કરીશું, કાલે કરીશું, પાંચેક વર્ષ પછી કરીશું, છોકરાં મોટાં થાય પછી કરીશું કે, રિટાયર્ડ થઈને કરીશું, જેવા ગલ્લાતલ્લા કરી જઈએ છીએ. આમ જોવા જઈએ તો આ વાતો સાવ નાની નાની હોય છે, પરંતુ આપણી ગફલતને કારણે એ નાની વાતો જ આપણને આપણા આનંદથી અને આપણી જાતથી વિખૂટા પાડી છે.
સાવ નાનું ઉદાહરણ લઈએ તો એક ‘ઢ’ નામનો માણસ છે. ‘ઢ’ને ફિલ્મો જોવાનો ભારે શોખ. ફિલ્મોનું એને એવું તે ઘેલું કે, ફિલ્મો જોતી વખતે ‘ઢ’ પોતાનું અસ્તિત્વ સુધ્ધાં ભૂલી જાય. જોકે, આટલું બધું આકર્ષણ હોવા છતાં, ‘ઢ’ બધી ફિલ્મો તો ઠીક, પરંતુ મહત્ત્વની કે જોવાલાયક ફિલ્મો પણ જોવાનું ચૂકી જાય છે. એની પાછળના કારણ શું? તો કે શુક્રવારે સાંજે ‘ઢ’ પાસે ટાઇમ હોય છે પણ તે એમ વિચારે છે કે, હજુ આજે તો ફિલ્મ રિલીઝ થઈ છે અને કાલે વીકએન્ડ જ છેને? જોઈશું કાલ પરમમાં. વળી, શનિ-રવિની રજાઓમાં ક્યાં તો એને આળસ આવે છે અથવા એ કોઈ સોશિયલ કામમાં વ્યસ્ત થઈ જાય છે. સોમવારે સાંજે એનો દિવસ હેકટિક હોવાને કારણે એ થાકી જાય છે તો મંગળથી શુક્ર ઓફિસમાં ઓડિટનું ભયંકર કામ હોય છે. શુક્રવારે ઓડિટિંગમાંથી પરવારીને એ એમ વિચારે કે, આવતે અઠવાડિયે એકાદ દિવસ ફિલ્મ જોઈ આવીશ, પણ આ વીકએન્ડમાં તો દોસ્તો સાથે બિયર પીને જ જલસા કરવા છે. બિચારાનું આવતું અઠવાડિયું પણ કોઈક કામમાં જાય છે અને આ બધી ટાળમટોળમાં પેલી ફિલ્મના પાટિયા પડી ગયા હોય!
ઈનશોર્ટ ‘ઢ’ ભાઈએ ક્યારેક સમય હોવા છતાં એનું ગમતું કામ ટાળ્યું, તો ક્યારેક એની પરિસ્થિતિએ એને એનું ગમતું કરવા નથી દીધું. પરિસ્થિતિનું તો ચાલો માની લઈએ પણ પળને ટાળવાની આપણી વૃત્તિ લાભદાયી નથી. આખરે આપણે જ આપણા આનંદને ટૂંપો શું કામ દેવાનો?
આ ‘ઢ’ આપણે પણ હોઈ શકીએ છીએ. આપણે પણ પછી કરીશું, કાલે જોઈશું, જિંદગી તો હજુ છે જ ને? સમય ક્યાં ખૂટી પડ્યો છે? એવું વિચારતા હોઈશું અને આપણા આનંદને, આપણા વર્તમાનને પાછળ ઠેલતા રહેતા હોઈશું. પણ આ બાબતે ફરી વિચાર કરવો જ રહ્યો. નહિંતર આ સમય તો નદીના ઝરણ જેવો છે, એ ક્યારે વહી જશે એનો આપણને અંદાજ પણ નહીં રહે અને આપણે કશુંય માણ્યા, જીવ્યા વિનાના રહી જઈશું.
હા, આપણા આનંદ કે આપણી મસ્તી માટેના કેટલાક સ્ત્રોત એવા હોય છે, જે ચપટી વગાડતામાં નહીં કરી શકાય. એવા આનંદ માટે ચોક્ક્સ આયોજન કરવું પડતું હોય છે. દાખલા તરીકે કોઈને બાર-પંદર દિવસના ટ્રેકિંગ કે પ્રવાસ માટે જવાનું ગમતું હોય અને એ માણસ નોકરિયાત હોય કે, સામાન્ય આર્થિક સ્થિતિ ધરાવતો હોય તો એ તેને મન થાય ત્યારે કે છાશવારે બેગ પેક કરીને ‘ફિર સે ઊડ ચલા…’ નહીં ગાઈ શકે! આ માટે એણે કેટલાંક આર્થિક આયોજનો કરવાથી લઈને ઓફિસમાંથી રજા લેવા સુધીનાં મહત્ત્વનાં કામો કરવા પડતા હોય છે.
આમાં કેટલીક વખત વિઘ્ન પણ આવી શકે અને ઓફિસમાંથી આટલી લાંબી રજા ન મળવાને કારણે, કે પૈસાને કારણે પનો ટૂંકો પડવાને એણે એનો પ્રવાસ કે ટ્રેકિંગ પાછું ઠેલવું પડી શકે એ વાત સ્વીકાર્ય છે. પરંતુ આવુ કંઈક થાય તો પ્લાન વધારેમાં વધારે એકાદ વર્ષ સુધી પાછો ઠેલી શકાય, એને પાંચ વર્ષ પછી જોઈશું કે રિટાયર્ડમેન્ટ વખતે જોઈશું વિચારીને એને મૂળમાંથી વાઢી નહીં શકાય. નહીંતર પાંચ વર્ષ પછી તમે કોઈક નવી જવાબદારી કે મુશ્કેલીમાં હો કે રિટાયરમેન્ટ વખતે તમારી હેલ્થ સારી ન રહી હોય તો કાશ્મીર તો શું તમે માદરેવતન કચ્છ પણ નહીં પહોંચી શકો.
વાત નીકળી જ છે તો સમયને લગતી બીજી એક વાત પણ કરીએ. ઘણા ટોપાઓ એવી ફરિયાદ કરતા હોય છે કે, ‘અમને ફણાલું કામ કરવું છે પરંતુ અમારી પાસે સમય જ નથી.’ આ ‘સમય નથી’ કે ‘ટાઇમ નથી મળતો’ એમ કહેનારાઓ જેટલા દંભી આ જગતમાં કોઈ નથી. સ્યુડો સેક્યુલર્સ કે સ્યુડો ઇન્ટેલેક્ચ્યુઅલ્સ કરતાં પણ સમય નથી એમ કહેનારાઓ વધુ દંભી હોય છે. માર્ક ઝુકરબર્ગ, શાહરૂખ ખાન કે અમિતાભ બચ્ચન જેવાં પોતાનાં ક્ષેત્રોમાં ટોચ પર પહોંચેલા અને અત્યંત વ્યસ્ત લોકો પણ દિવસમાં વાંચવા માટે કે ફેમિલી સાથે ડિનર કે ટાઇમ સ્પેન્ડ કરવા માટે સમય કાઢી શકતા હોય તો નાનાંમોટાં કામો કરતો કોઈ પણ માણસ એનું ગમતું કામ કરવાનો સમય આરામથી ફાળવી શકે.
પણ એની તકલીફ એ હોય છે કે એણે દિવેલીયું મોઢું કરીને બીજાને એવું બતાવવું હોય છે કે દુનિયામાં એ જ એક માત્ર એવી વ્યક્તિ છે, જે સમય સાથે હોડમાં ઊતરી છે! અને એટલે જ દુનિયામાં એ એક માત્ર એવો માણસ છે, જેને દિવસમાં એકાદ કલાક વાંચવાનો, અઠવાડિયામાં એકાદ ફિલ્મ જોવાનો, ત્રણેક મહિને એકાદ નાની ફેમિલી ટુર કરવાનો, વર્ષે એકાદ મોટો પ્રવાસ કરવાનો કે બાળકો સાથે ગેમ રમવાનો કે ફેમિલી સાથે ડિનર કરવાનો ટાઇમ નથી મળતો.
આપણે આપણી જાતને પૂછી લેવાનું છે કે, આ ‘ટાઇમ નથી મળતો’ના દંભમાં આપણે આપણી જાતને કે આપણા પરિવારને જીવનના મૂળભૂત આનંદથી વંચિત તો નથી રાખતાને? કોઈક ગૂંચમાં આપણે ગૂંચવાઈ તો નથી ગયાને? અને ગૂંચમાં ને ગૂંચમાં ક્યાંક ગૂંગળાઈ તો નથી રહ્યાને? જો એવું કંઈક હોય તો આપણે સત્વરે એમાંથી બહાર આવવાનું છે. કાલે કરીશું, પછી જોઈશું, છોકરાં મોટાં થાય પછી વાત, કે રિટાયર્ડ થઈને આમ કરીશું જેવા તમામ બહાનાને ફગાવી દેવાના છે. આવુ બધુ વિચારી, કરીને આપણે આપણી જાતને ઘણો મોટો અન્યાય કરતા હોઈએ છીએ. આપણે એમાંથી ઊગરી જવાનું છે. ચંદ્રકાન્ત બક્ષી હંમેશાં કહેતા કે, ‘never postpone joy’. એમની વાત સાચી છે. આપણા આનંદને આપણે ક્યારેય પાછો ઠેલવાનો નથી. કારણ કે, લાઇફનો કોઈ ભરોસો નથી હોતો. એમાં શ્રદ્ધા રાખીને એને જીવવું અત્યંત જરૂરી છે, પણ એના ભરોસે બેસી તો નહીં જ રહેવાય.
ફીલ ઈટઃ
कल करे सो आज कर, आज करे सो अब ।
पल में प्रलय होएगी,बहुरि करेगा कब?
પ્રિય વાચકો,
હાલ પૂરતું મેગેઝીન સેક્શનમાં નવી એન્ટ્રી કરવાનું બંધ છે, દરેક વાચકોને જૂનાં લેખો વાચવા મળે તેથી આ સેક્શન એક્ટિવ રાખવામાં આવ્યું છે.
આભાર