ઈશ્વરનો જો હો વિષય તો...

18 Oct, 2016
12:00 AM

અંકિત દેસાઈ

PC: khabarchhe.com

ઈશ્વરના અસ્તિત્વ બાબતે હંમેશાં બે મત રહ્યા છે. એક વર્ગ હંમેશાંથી માનતો આવ્યો છે કે ઈશ્વરનું અસ્તિત્વ છે અને બીજો વર્ગ ઈશ્વરને નકારી રહ્યો છે. ઈશ્વરના અસ્તિત્વને સ્વીકારનારો વર્ગ એટલો મોટો છે કે, વિશ્વભરમાં ઈશ્વર, અલ્લાહ કે ગોડનું સમર્થન કરતા મસમોટા ધર્મો અસ્તિત્વમાં આવ્યા. અલબત્ત, ઈશ્વરનો આકાર છે કે એ નિરાકાર છે એ બાબતે હંમેશાં આમને-સામને દલિલો થતી રહી છે.  વળી, કાળક્રમે વિવિધ ધર્મોના વિવિધ સંપ્રદાયો થયાં અને સંપ્રદાયોમાં પણ વાડા થયાં. આ બધા ધર્મો, સંપ્રદાયો કે પેટા સંપ્રદાયોના આચાર-વિચાર જરૂર અલગ છે અને એ આચાર-વિચારો જ માનવ ઈતિહાસની અનેક અથડામણો કે સંઘર્ષના જન્મદાતા બન્યા છે એવું પણ કહી શકાય. પણ ઈશ્વર કે પરમ તત્ત્વના અસ્તિત્વના સ્વીકારની બાબતે એ સૌ એકમત છે. બીજી તરફ ઈશ્વરને નકારનારો વર્ગ મુઠ્ઠીભર છે અને પરમ તત્ત્વના અસ્તિત્વને પડકારનારા એ ઓછા લોકોએ હંમેશાં વિરોધ કે સંઘર્ષોનો સામનો કરવો પડ્યો છે. નિરીશ્વરવાદી અથવા રેશનાલિસ્ટ તરીકે ઓળખાતા આ લઘુમતી વર્ગે જાહેર અપમાનોથી લઈ હત્યા સુધીની વિટંબણાઓનો સામનો કરવો પડ્યો છે, જોકે ઈશ્વરમાંની શ્રદ્ધાને જ અંધશ્રદ્ધા માનતા આ લોકોએ ક્યારેય બહુમતી વર્ગથી ગભરાઈને એમની માન્યતા છોડી નથી.

ભારતના ઈતિહાસમાં ઘણા જાણીતા નિરીશ્વરવાદીઓ છે. શહિદ ભગતસિંહનું નામ એ યાદીમાં આગલી હરોળમાં છે. ભગતસિંહજીનો ‘હું કેમ નાસ્તિક છું’ નામનો લેખ, આજે પણ ખૂબ વંચાય છે અને એ લેખમાંની વાતો ઘણી જગ્યાએ રેફ્રન્સ તરીકે લેવાય છે. આ ઉપરાંત બાબા સાહેબ આંબેડકરને પણ ઈશ્વરમાં શ્રદ્ધા નહોતી. વર્ણવ્યવસ્થાને કારણે એમને હિન્દુ ધર્મમાં પણ આસ્થા નહોતી, જેને પગલે એમણે એમના અનેક સમર્થકો સાથે બૌદ્ધ ધર્મ અપનાવેલો. બાબાસાહેબે હિન્દુ ધર્મ વિશે લખેલા લેખો પણ એક વખત વાંચી જવા જવા છે.

આ ઉપરાંત ભારતના રાજકારણમાં મોતીલાલ નહેરુ અને જવાહરલાલ નહેરુ પણ એથિસ્ટ હતા એના પુરાવા પ્રાપ્ય છે. વિરોધાભાસ એ છે કે, જે નહેરુને ઈશ્વરમાં શ્રદ્ધા ન હતી, એમને મહાત્મા ગાંધીમાં ઘણી શ્રદ્ધા હતી અને ગાંધીજીને રામ નામમાં અપાર શ્રદ્ધા હતી! ભૂતપૂર્વ કેન્દ્રિય પ્રધાનો પી. ચિદમ્બરમ, સુશીલ કુમાર શિંદે અને એ.કે. એન્ટોની પણ રેશનાલિસ્ટ છે અને મજાની વાત એ છે કે, આ ત્રણેય નેતાઓ યુપીએ ટુમાં દેશના મહત્ત્વના મંત્રાલયો સંભાળતા હતા. કોંગ્રેસના અન્ય નેતાઓમાં રંગીન મિજાજી કોંગ્રેસી નેતા મણિશંકર ઐયર, પૂર્વ રોડ ટ્રાન્સપોર્ટ મિનિસ્ટર સી.પી. જોશી અને વિરપ્પા મોઈલીને પણ એથિસ્ટ તરીકે ઓળખાવું ગમે છે. જેનું નામ જ રામ છે એવા જાણીતા વકીલ રામ જેઠમલાણીનો પક્ષ ભલે રામ મંદિર બનાવી આપવાના વાયદા કરતો હોય, પણ રામ જેઠમલાણી પોતે નાસ્તિક છે.

લેફ્ટિસ્ટ અથવા ડાબેરીઓ તરીકે ઓળખાતા સામ્યવાદીઓને તો આમેય ઈશ્વરમાં શ્રદ્ધા નથી હોતી. આ કારણે કોઈ આસ્થાળુ સામ્યવાદી જો ક્યાંક મળી જાય તો એ નવાઈની વાત કહેવાય. છતાં આ નામો પર નજર કરીએ તો, ઉપર જેમની વાત થઈ એ ભગતસિંહ સામ્યવાદથી પ્રભવિત હતા. રાજકીય રીતે આમ સક્રિય છતાં જેમનો રાજકારણમાં કાંણો આનોય નથી ઉપજતો એવા સામ્યવાદી પક્ષોના છેલ્લા ફરજંદોમાંના પ્રકાશ અને બ્રિન્દા કરાત, સિતારામ યેચુરી, બુદ્ધદેવ ભટ્ટાચાર્ય અને બંગાળમાં ત્રણ દાયકા સુધી લાગલગાટ મુખ્યમંત્રી રહી ચૂકેલા સ્વ. જ્યોતિ બસુ રેશનલ હતા. બંગાળના જ પૂર્વ મુખ્યમંત્રી સુબોધ બેનરજીને પણ ઈશ્વરમાં શ્રદ્ધા નહોતી.

બંગાળથી દક્ષિણ તરફ આવીએ તો તામિલનાડુના ભૂતપૂર્વ મુખ્યમંત્રી અને જયલલિતાના કટ્ટર વિરોધી કરુણાનિધિ અને ભ્રષ્ટાચારમાં જેલવાસ ભોગવી આવેલી એમની દીકરી કનિમોઝીને જેટલી પૈસામાં શ્રદ્ધા છે એટલી ઈશ્વરમાં શ્રદ્ધા નથી. એમના જ પક્ષ ડી.એમ.કે.ના સ્થાપક પેરીયર ઈ.વી. રામાસામી પણ નાસ્તિક હતા. રામોજી ફિલ્મસિટી અને ઈટીવી ન્યૂઝ નેટવર્કના સ્થાપક રામોજી રાઓએ પણ નસીબ કે ઈશ્વરમાં શ્રદ્ધા રાખવા કરવા કર્મમાં શ્રદ્ધા રાખવાનું વધુ પસંદ કરેલું.

નોબલ પ્રાઈઝ વિજેતા ભારતીયોના નામો પર નજર કરીશું તો ખ્યાલ આવશે કે, કેન્દ્રની ચૂંટણી વખતે મોદી સમર્થકોની અડફેટે ચઢી ગયેલા આમર્ત્ય સેન, લેખક વી.એસ. નાયપોલ, વડોદરામાં ભણી ગયેલા અને રસાયણશાસ્ત્રમાં નોબેલ જીતેલા વેંકટરામન રામક્રિષ્ણન, ફિઝિક્સમાં જેમના નામે રામન ઈફેક્ટ અમર થઈ ગઈ છે એ ચંદ્રશેખર વેંકટરામન અને ફિઝિક્સના જ ક્ષેત્રના બીજા ઝળહળતા નામ એવા સુબ્રહ્મણ્યન ચંદ્રશેખર જેવા સ્કોલર્સને વિજ્ઞાન- સંશોધન કે લેખનમાં જેટલી શ્રદ્ધા હતી એટલી શ્રદ્ધા ઈશ્વર બાબતે નહોતી.

લેખન જગતના જાણીતા નામોમાં સૌથી પહેલું નામ ખુશવંત સિંઘનું લેવું પડે. ત્યારબાદ નર્મદા ડેમ અને કાશ્મીરની સ્વતંત્રતાવાળા અરુંધતી રોય, જેમને સાહિત્ય જગતનું નામચીન બુકર પ્રાઈઝ પણ મળ્યું છે. બુકર પ્રાઈઝ પરથી યાદ આવ્યું કે, ‘ઈનહેરિટન્સ ઑફ લોસ’ના લેખિકા કિરણ દેસાઈ અને એવરયંગ લેખક સલમાન રશ્દીને પણ ઈશ્વરમાં શ્રદ્ધા નથી. આ ઉપરાંત ઉત્તરમાં ખૂબ વખણાતા અશોક વાજપેઈ, બોલિવુડમાં ધૂમ મચાવી ગયેલા સાહિર લુધિયાણવીને કવિતા સિવાય ઈશ્વર નામની કોઈ બાબતમાં રસ નહોતો. આપણા ગુજરાતી લેખક તારક મહેતાને એમના જન્મના દસમાં દિવસે ઈશ્વરમાંથી શ્રદ્ધા ઊઠી ગયેલી એવું એમણે 'એક્સન રિપ્લે'માં નોંધ્યું છે. આ ઉપરાંત પોતાના લેખો દ્વારા હુરત અને દક્ષિણ ગુજરાતમાં ઠીકઠીક ઉહાપોહ મચાવી ગયેલા રમણ પાઠક 'વાચસ્પતિ' ખૂબ જાણીતા ગુજરાતી રેશનલ હતા.

ફિલ્મ જગતના નામો તરફ નજર દોડાવીશું તો જાવેદ અખતર અને એમના સંતાનો ઝોયા અને ફરહાન અખતરને સુપરનેચરલ પાવરમાં શ્રદ્ધા નથી. સંમાતર સિનેમાની દુનિયાના જાણીતા અને માનીતા શ્યામ બેનેગલ એથિસ્ટ છે. આજકાલ વિવાદોમાં ઝળકી રહેલા અનુરાગ કશ્યપ કહે છે કે, ફિલ્મ સિવાય એમને અન્ય કોઈ ધર્મમાં આસ્થા નથી. ટેલિવિઝનને પડદેથી ફિલ્મોમાં ઝળકેળા રાજીવ ખંડેલવાલ કહે છે, 'ધાર્મિક સ્થળોએ જવામાં કે કર્મકાંડો કરવામાં સમયનો બગાડો થતો હોય એવું હું માનું છું. મારી ફિલ્મોની રિલીઝ વખતે પણ હું તો કોઈ મંદિર કે દરગાહે નથી જતો. અલબત્ત, હું કોઈને એવું કરતા નહીં રોકું, પણ જ્યાં સુધી મારી વાત છે ત્યાં સુધી હું મારી જાતને નાસ્તિક તરીકે ઓળખાવાનું પસંદ કરીશ.'

આપણને સૌને અનેક મજાની ફિલ્મો ઉપરાંત એ.આર. રહેમાન જેવા સંગીતકારની ભેટ આપનાર દિગ્દર્શક મણિરત્નમ, સત્યા અને સરકાર પછી ફિલ્મકળામાં ગોથું ખાઈ ગયેલા રામગોપાલ વર્મા, અમોલ પાલેકર, કમલ હસન, રાહુલ બોઝ, ગુજરાત જેનું મોસાળ છે એ અભિનેત્રી નંદિતા દાસ તેમજ મહેશ ભટ્ટ, નાગેશ કુકુનુર અને સ્વ વિજય તેંદુલકર રજત કપૂર જેવા લોકો એકથી વધુ વખત જાહેરમાં કહી ચૂક્યા છે કે એમને ઈશ્વર કે ધર્મમાં શ્રદ્ધા નથી.

આ યાદીને જેટલી લાંબી કરવી હોય એટલી એને લંબાવી શકાય એમ છે. અલબત્ત, એક લેખ થાય એટલા નામો આપણી પાસે છે અને આ ઉપરાંત એવા કેટલાય અજાણ્યા નામો હશે, જેમને ઈશ્વર કે ધર્મમાં શ્રદ્ધા નહીં હોય. તોય જોકે ઈશ્વરમાં માનનારા વર્ગની સામે આ લોકો મુઠ્ઠીભર જ સાબિત થવાના. આ નામો ગણાવીને આપણે અહીં કોઇ સાબિતી નથી આપવી કે, 'જુઓ આ લોકો ઈશ્વરમાં નથી માનતા તોયે તેઓ પોતપોતાના ક્ષેત્રમાં સફળ છે અને ખૂબ નામના મેળવી ચૂકેલા લોકો છે.' કારણ કે, ઈશ્વરમાં માનવું કે ન માનવું એ અત્યંત અંગત બાબત છે, જીવનની સફળતા કે નિષ્ફળતા સાથે એને સાંકળી શકાય નહીં. પરમતત્ત્વમાંની આસ્થા મુશ્કેલ સમયમાં એક પ્રકારનો માનસિક આધાર અને દિલને ધરપત આપે છે એ વાત નક્કી, પરંતુ એ વાત પણ એટલી જ સાચી કે, જીવનમાં કર્મનું મહત્ત્વ આગવું છે. આ કારણે જ એમ કહી શકાય કે, ઉપરવાળામાં આસ્થા રાખી શકાય, પરંતુ એના પર બધો આધાર તો નહીં જ રાખી શકાય. આધાર હંમેશાં કર્મ પર રાખવાનો હોય. બાય ધ વે, તમને ઈશ્વરમાં શ્રદ્ધા છે?

 

ફીલ ઈટઃ

Is there a God? Hmm… For some people. I hope so, for them. For the people who believe in it, I hope so. There doesn’t need to be a God for me. There’s something in people that’s spiritual, that’s godlike. I don’t feel like doing things just because people say things, but I also don’t really know if it’s better to just not believe in anything, either.

- એન્જલીના જોલી

I think God is a totally man-made concept that has been more harmful than beneficial to mankind. Man has waged war and hurt and killed each other for thousands of years in the name of a God he created. I believe there is no God, no heaven and no hell. 

- રજત કપુર

પ્રિય વાચકો,

હાલ પૂરતું મેગેઝીન સેક્શનમાં નવી એન્ટ્રી કરવાનું બંધ છે, દરેક વાચકોને જૂનાં લેખો વાચવા મળે તેથી આ સેક્શન એક્ટિવ રાખવામાં આવ્યું છે.

આભાર

દેશ અને દુનિયાના સમાચારથી માહિતગાર થવા તેમજ દરેક અપડેટ સમયસર મેળવવા ડાઉનલોડ કરો Khabarchhe.com એપ અને ફોલો કરો Khabarchhe.com ને સોશિયલ મીડિયા પર.