જો આ હોય મારો અંતિમ લેખ…!

28 Mar, 2017
12:00 AM

અંકિત દેસાઈ

PC: khabarchhe.com

મને કોઈ કહી દે કે તમે જે આ લેખ લખી રહ્યા છો એ તમારા જીવનનો અંતિમ લેખ છે. તો હું સ્વાભાવિક રીતે જ આ લેખ થોડી જુદી રીતે, ભેજા પર થોડું વધુ જોર આપીને, થોડી વધુ માવજતથી લખું. આફ્ટરઑલ આ મારો છેલ્લો લેખ છે અને છેલ્લા લેખમાં મારે માહિતીઓના ખડકલા કે ફિલોસોફીના તોપમારા નહીં કરવાના હોય. કે નહીં તો એમાં મારે જાતને બાજઠ પર બેસાડી જીવન દરમિયાન મેં શું તોપ ફોડી કે કેટલી હસ્તીઓ સાથે મારે સંબંધ છે કે મેં કઈ કઈ બ્રાન્ડ્સના દારૂ ઢીંચ્યા કે આયોજકોના પૈસે દુનિયાના કયા પ્રદેશોમાં હું રખડી આવ્યો છું એની બિરદાવલી ગાવાની હોય. રુટિન લેખોમાં જે ધંધો કર્યો હોય એ જ આપબડાઈનો ધંધો અંતિમ લેખમાં શું કામ કરવો? અંતિમ લેખ જ લખવાનો છે તો બધી માયા ખંખેરી તટસ્થભાવે આપણાથી થયેલી ભૂલોની કબૂલાતો કરી લેવાની. કોઈની સાથે છળ આદર્યું હોય, કોઈને જાણ્યે-અજાણ્યે દુઃખી કર્યા હોય તો એમની માફી માગી લેવાની અને એ સાબિત કરી દેવાનું કે સામાન્ય માણસોથી આપણે જરાય નોખા નથી…! જેથી ભ્રમણામાં જીવતી આ દુનિયાની એટલિસ્ટ એક ભ્રમણા ભાંગે અને જતા જતા આપણને પણ થોડી હળવાશ થાય કે ચાલો અહીંનું બધું અહીં જ મૂકીને જઈએ છીએ!

તમને એમ થશે કે આ માણસને આજે આવો વિચાર કેમ આવ્યો? કેમ અચાનક પથારા સંકેલીને બધું પાછળ મૂકી, આગળ વધી જવાની ઈચ્છા થઈ? તોકે આ માણસ આજકાલ એક અદભુત પુસ્તક વાંચી રહ્યા છે, જે વાંચતા વાંચતા જ આપણને આ વિચાર આવ્યો કે, કોઈ આપણને કહે કે, ‘જો આ હોય તમારો અંતિમ લેખ…’ તો લેખમાં ઉપર વર્ણવ્યું એવું બધું લખી નાંખવું! 

હા, આપણે તો પેલા અદભુત પુસ્તકની વાત કરતા હતા. એ પુસ્તક એટલે ‘અલ્પવિરામ… જો આ હોય મારું અંતિમ પ્રવચન’, જેમાં વિવિધ ક્ષેત્રમાં શ્રેષ્ઠ યોગદાન આપનારા ગુજરાતીઓના પ્રવચનોનું સંપાદન કરાયું છે. માતબર પુસ્તકોનું પ્રકાશન કરનારા અરુણોદય પ્રકાશને અદભુત લેઆઉટ સાથે આ પુસ્તક પ્રકાશિત કર્યું છે, જેનું સંપાદનકાર્ય કર્યું છે કાન્તિ પટેલ અને અલ્કેશ પટેલે. જોકે આપણને આ પુસ્તક મળી શક્યું છે એ પાછળ જવાબદાર છે મુંબઈની ‘કોફી મૅટ્સ’, ‘વિકલ્પ’ અને ‘ભવન્સ કલ્ચર સેન્ટર’ જેવી સંસ્થાઓ અને અવિનાશ પારેખ, કમલ વોરા અને નૌશિલ મહેતા જેવા લોકો. આ સંસ્થાઓના સહિયારા ઉપક્રમે એપ્રિલ 2010થી એપ્રિલ 2012 સુધી મુંબઈની ભવન્સ કૉલેજમાં આ પ્રવચનમાળા યોજાયેલી, જેમાં મોરારીબાપુથી લઈ વૈજ્ઞાનિક ડૉ. પંકજ જોશી અને મધુ રાય, અશ્વિની ભટ્ટ, ધીરુબહેન પટેલ કે હિમાંશી શેલત જેવા નવલકથાકારો-વાર્તાકારો, અતુલ ડોડીયા જેવા ચિત્રકાર અને ડૉ મનુભાઈ કોઠારી જેવા કેન્સર સ્પેશિયાલિસ્ટ કે ડૉ ગુણવંત શાહ જેવા વિચારકોએ એમના જીવનના અંતિમ પ્રવચનના સંદર્ભમાં પ્રવચનો કર્યા હતા.

આવા મોટા નામો, જેમણે એમના ક્ષેત્રોમાં અનન્ય યોગદાન આપ્યું છે અને કેટલાકે તો પ્રવાહથી ફંટાઈને નવો ચીલો ચાતર્યો હોય, તેઓ આવા યુનિક વિષય પર બોલતા હોય તો એ પ્રવચન શ્રેણી અત્યંત લોકપ્રિય થાય એ સ્વાભાવિક છે. એટલે જ જે લોકો રૂબરૂ આ પ્રવચનોમાં હાજર નહોતા રહી શક્યા એમના માટે ઑડિયો-વિઝ્યુઅલ સીડી તૈયાર કરવામાં આવી હતી અને એ જ પ્રવચનોને શબ્દથ કરીને ગયા વર્ષના અંતમાં પુસ્તકરૂપે પ્રકાશિત કરવામાં આવ્યા, જેના પ્રકાશનમાં અરુણોદયના ચંદ્રમૌલિ શાહે એમનો જીવ રેડી દીધો છે.

પ્રવચનોમાં કોણે શું કહ્યું એ તો પુસ્તક વાંચશો તો જ મજા આવશે, ટૂંકાણમાં એનો આસ્વાદ કરાવવાની પણ ઈચ્છા નથી. પણ તોય કેટલીક વાતો શેર કરવાની લાલચ હું રોકી નથી શકતો. એટલે પ્રવચનોમાંની થોડી વાતો માણીએ. આ પ્રવચનશ્રેણીમાં મોરારીબાપુનું વક્તવ્ય સૌથી અંતિમ હતું. બાપુએ એમની આગવી શૈલીમાં કહેલું, ‘એક વખત મુંબઈમાં જ વ્યાખ્યાયનમાં મેં કહેલું કે, મારા જીવનનો ટર્નિંગ પોઈન્ટ જો મારે કહેવો હોય તો એ છે મારી સાવિત્રી માનો કોઠો! એનો ગર્ભ મારા જીવનનો ટર્નિંગ પોઈન્ટ હતો, તેથી બચપણમાં, શું થવું કે કેમ થવું એ કશું જ મારા મનમાં હતું જ નહીં. હા, ભજન તરફ લગન જરૂર. ‘રામચરિત માનસ’ અને ‘ભગવદ્ ગીતા’ના સંસ્કારો પરંપરામાં હતા, એટલે આ એક સ્વપ્ન ખરું કે ભજન કરીએ. એ વખતે બચપણમાં જીવનને મેં ચાર વિભાગમાં વહેંચવાની કોશિશ કરી હતી, જે મને યાદ છે – ગર્ભખંડ, વર્ગખંડ, કર્મખંડ, ધર્મખંડ. જીવનને આ ચાર ખંડોમાં વહેંચ્યું ત્યારે ‘રામાયણ’ ભણવાની મેં શરૂઆત કરેલી. આ લગભગ 10 અને 14 વર્ષ વચ્ચેની ઉંમરનો મારો કાળ છે….’

ગગનવાલા મધુ રાય તો પાછા એમ કહે છે કે, ‘અંતિમ શબ્દ કે વિશેષણ મને પસંદ નથી, તેમાં એક સમાપ્તિનો ભાવ છે, જ્યારે મને દૃઢ વિશ્વાસ છે કે હું, ને તમે, આ જગત સચરાચર, આ આકાશગંગા, આ પરિપૂર્ણ બ્રહ્માંડ ને માણસની ભાષા ને શ્રોતા ને પ્રવચન નિરંતર, અજર, અમર ને ચિરંતન છે, સતત છે, ને રહેશે. પણ અલબત્ત, મને ને તમને મનોમન ખબર છે કે તે ભ્રમ છે.’

મધુ રાય એમના પ્રવચનમાં અનેક વાતોની નિખાલસ કબૂલાત કરે છે કે, જીવનમાં તેઓ એમના સમવયસ્ક અમેરિકાવાસી મિત્રો જેટલા ધનવાન નથી થયા કે ઠેકઠેકાણે સત્તાસ્થાનો શોભાવતા એમના સમવયસ્ક ભારતવાસી મિત્રો જેટલા વગવાન થયા નથી. એમણે જીવનમાં દસથી વધુ શહેરોમાં વસવાટ કર્યો છે અને માસ્તર, ભૂત-લેખક, કારકુન કે મશિનરી સેલ્સમૅન જેવી દસથી વધુ નોકરીઓ કરી છે. એકથી વધુ વિવાહ કર્યા છે; ત્રણથી વધુ મોટા મુકદ્દમામાં સંડોવાયેલા છે, એક હજાર વાર પ્રેમ કર્યો છે અને બે હજાર વાર ભોંયે પછડાયા છે…’ 

ડૉ. પંકજ જોશી આંતરરાષ્ટ્રીય ખ્યાતિ પ્રાપ્ત ખગોળવૈજ્ઞાનિક છે. બ્રહ્માંડના અભ્યાસને લગતા એમના દસથી વધુ પુસ્તકો પ્રકાશિત થતા છે અને વિશ્વભરની મહત્ત્વની સાયન્સ જર્નલ્સમં એમના રિસર્ચ પેપર્સ પ્રકાશિત થયા છે. એમનું માનવું છે કે, ‘જીવનને પરિપૂર્ણ કરવા માટે આ ત્રણ ચીજોની આવશ્યકતા છેઃ શુદ્ધિ, સૂક્ષ્મતા અને સ્થિરતા. આ સિવાય અન્ય સિદ્ધિઓ ગૌણ બની જાય. તમારું જીવન તમારા જ હાથમાં છે. તમે એને તમારી ફિલસૂફી પ્રમાણે જીવવા કટિબદ્ધ છો. ચિત્તની શુદ્ધિ હોય તો સારાનરસાનો તમે વિવેક કરી શકો. સત્ય અને અસત્ય વચ્ચેનો ભેદ કરી શકો. ચિત્તની સૂક્ષ્મતા તમને જીવનની બારીકીઓ વિશે ખ્યાલ આપી શકે. અને જાણકારી, સમજણ આવે પછી ઠંડા કલેજે તમે જીવનનો રાહ નક્કી કરી શકો. એ ચીત્તની સ્થિરતા થકી જ શક્ય બને. અને આ ત્રણે થકી તમે જગત અને બ્રહ્માંડ સાથે સંવાદિતા સાધી શકો તો પછી પરમ આનંદની સ્થિતિ આપોઆપ આવી જાય….’ 

‘અલ્પવિરામ’ પુસ્તકમાંથી પસાર થઈએ ત્યારે આવી તો અનેક વાતો આપણને જાણવા મળે, જે વાતો એ મુઠ્ઠી ઉંચેરા માનવીઓના જીવનના અર્ક સમી છે. એમના વિચારો અને જીવન પ્રત્યેના નોખા દૃષ્ટિકોણથી એમના જીવનને તો એમણે સાર્થક કર્યું જ, પરંતુ એમના વિચારો આપણને પણ વૈચારિક સમૃદ્ધિની ભેટ આપે છે. આ કારણે જ એવું કહેવાનું મન થાય કે માત્ર વાંચવા જેવું જ નહીં, પણ વસાવવા જેવું પુસ્તક છે આ. વળી, કેટલાક લેક્ચર્સ તો યુટ્યુબ પણ અવેલેબલ છે, જેમાં અશ્વિની ભટ્ટનું લેક્ચર ખૂબ આનંદ કરાવે એવું છે. પુસ્તક વહેલી તકે વસાવવા જેવું છે, ચૂકતા રખે.

પ્રિય વાચકો,

હાલ પૂરતું મેગેઝીન સેક્શનમાં નવી એન્ટ્રી કરવાનું બંધ છે, દરેક વાચકોને જૂનાં લેખો વાચવા મળે તેથી આ સેક્શન એક્ટિવ રાખવામાં આવ્યું છે.

આભાર

દેશ અને દુનિયાના સમાચારથી માહિતગાર થવા તેમજ દરેક અપડેટ સમયસર મેળવવા ડાઉનલોડ કરો Khabarchhe.com એપ અને ફોલો કરો Khabarchhe.com ને સોશિયલ મીડિયા પર.