ડૉન દાઉદ ઈબ્રાહિમનો એક્સક્લુઝિવ કાલ્પનિક ઈન્ટરવ્યુ

02 Feb, 2016
12:06 AM

mamta ashok

PC:

થોડા સમય પહેલા અખબારોમાં એવા હેવાલો છપાયેલા કે ડૉન દાઉદ રિટાયર્ડ થઈ રહ્યો છે અને હવે એના સામ્રાજ્ય માટે એ કોઈક અનુગામીને શોધી રહ્યો છે. દાઉદ વિશેના આ સમાચાર વાંચીને પત્રકાર તરીકે અમને ભયંકર ચળ ઉપડી કે, ગમે એમ કરીને પણ દાઉદનો એક ઈન્ટરવ્યુ તો કરવો જોઈએ. એ બધી વાતો ખાસ જાણવી જોઈએ કે, આખી જિંદગી લોકોને રંજાડ્યા- દુખી કર્યા પછી હવે જીવનના અંતિમ તબ્બકે પહોંચ્યો છે અને હવે તો એને પણ એનું મૃત્યુ નજીક દેખાઈ રહ્યું હશે. તો એ નિર્દય જીવને આ ઉંમરે ગિલ્ટી જેવું કંઈ હશે કે પછી હજુય એને કોઈકનું લોહી રેડાય એની ધખના છે? આખરે, એની નજરે એના જીવનું સરવૈયુ શું? ક્યાં ખોયા ક્યાં પાયા જગ મેં દાઉદને?

જોકે નામી ગુપ્તચર સંસ્થાઓ અને દિલ્હીની ગાદી પર વારાફરતી તખ્તનશીન થયેલી છપ્પનની છાતીઓ અત્યાર સુધીમાં દાઉદની ભાળ તો શું એની એક તસવીર સુદ્ધાં મેળવી શકી નથી. તો આ ગરીબ પત્રકાર એનો ઈન્ટરવ્યુ કરવા તો ક્યાં જવાનો? પણ, પત્રકારો અને સરકારો વચ્ચે પાયાનો ભેદ એ છે કે, પત્રકારો કલ્પનાને સહારે લેખ લખી શકે છે કે, ઈન્ટરવ્યુ કરી શકે છે કે એવી જ કલ્પનાઓને સહારે હેડલાઈન બનાવીને અફવાઓ ફેલાવી શકે છે. પરંતુ સરકારોના કેસમાં એવું નથી. હ્યુમન રાઈટ્સવાળાના ત્રાસને કારણે જ્યાં બાપડી સરકારો કોઈની શંકાને આધારે ધરપકડ નથી કરી શકતી ત્યાં, સરકાર કલ્પનાને આધારે કોઈ પગલા ક્યાં લેવા જવાની?

અલબત્ત, ચૂંટણી પહેલા આપણા નેતાઓ માઈક્રોફોન પર બૂમબરાડા કરીને ‘યે કર દેંગે…. ને વો કર લેંગે…’ કરી લેતા હોય છે. પરંતુ સરકારમાં આવ્યા પછી એમનામાં અને આગલી સરકારોમાં કોઈ ફરક નથી હોતો. કાગડા બધે જ કાળા, એ કહેવત જો કોઈ સૌથી વધુ યથાર્ય કરતું હોય તો એ આપણા નેતાઓ છે!

ખૈર, આપણે તો દાઉદ પર હતા. હવે સીધા કલ્પના પર જ આવીએ. દાઉદની રિટાયર્ડમેન્ટના સમાચાર સાંભળીને અમે સીધી સુરતથી કરાચીની ફ્લાઈટ પકડી. (થોડામાં ઝાઝું સમજીને સુરતથી સીધી કરાચીની ફ્લાઈટ મળી એને પણ કલ્પના જ ગણવી, બાકી સુરતની કોચીની ડૉમેસ્ટિક ફ્લાઈટ પણ નથી મળતી!) દાઉદની મહેરબાનીથી કરાચી એરપોર્ટ પર મને એક લિમોઝિન લેવા આવેલી, જેમાં મારે બીજી કોઈ પણ લપ કર્યા વિના બેસી જવાનું હતું. લિમોઝિન જોઈને જ આપણે તો ખુશખુશાલ થઈ ગયેલા. અહીં સુરતમાં સ્ટેશનથી અઠવા ગેટ અને અઠવાથી વેસુ સુધીની બે રિક્ષામાં હાડકા ભાંગતા હોઈએ ત્યાં આ લિમોઝિનનું સુખ કલ્પનામાં પણ આનંદ તો આપે જ ને?

આપણને થયું ચાલો કાર આવી જ છે તો દાઉદના ઘર સુધી પહોંચીએ એટલામાં એકાદ શેમ્પેઈન ફોડીએ અને થોડા ચિલ-વિલ થઈએ. પણ ક્યાંથી? હજુ તો ગાડીમાં બેઠા એટલામાં તરત મારી આંખે અદ્દલ ગાંધારી જેવો એક પાટો બાંધી દેવામાં આવ્યો અને ત્યાંથી કોણ જાણે મને કયા રસ્તે લઈ જવાયો. અધૂરામાં પૂરું ભૂલમાં પણ મને રસ્તો યાદ ન રહી જાય માટે મૂઆ ડ્રાઈવરે જાણીજોઈને એક સર્કલ પણ બે-ત્રણ મિનિટ ગોળ-ગોળ ગાડી ફેરવી! પણ કલાકેકનું ડ્રાઈવ કર્યા પછી જ્યારે લિમોઝિન ઊભી રહી અને આંખેથી પાટો હટાવાયો ત્યાં તો સામે એક આલિશાન બંગલો હતો.

મને હતું દેશથી કોક માણસ આવ્યું છે, એના હરખમાં કૃષ્ણ સુદામાને લેવા દોડેલા એમ દાઉદ મને આવકારવા બારણે આવશે, મારા હાથમાંથી મારો બગલથેલો આંચકી લેશે અને ઘાંઘો થઈને મને પૂછશે કે, મારો સલમાન કેમ છે? અનુ મલ્લિકની તબિયત સારીને? દીકરીની ફ્લોપ ફિલ્મોને કારણે અનિલ કપૂરને આઘાત તો નથી લાગ્યોને? ગુલશન કુમારના નામની ભજનની કોઈ નવી વીસીડી માર્કેટમાં આવી? તમે એ માતા કા જગરાતા વાળી વીસીડી લાવ્યા? જૂહુ ચોપાટી પરની પેલી ભેલ લાવ્યા?

પણ ન તો દાઉદ બારણે લેવા આવ્યો કે નહીં થાળ ભરી સગમોતીડે એણે મને વધાવ્યો કે ન તો ઉપર જણાવેલા એક પણ સવાલ પૂછ્યાં. બલ્કે ગાડીમાંથી ઉતરીને હજુ થોડુંઘણું આળસ મરડું ન મરડું ત્યાં તો પાછળથી એક બંદૂકધારીએ મને એની બંદૂકનો ઠોહો માર્યો અને કહ્યું, ‘ચલો અંદર, ઔર જરા મી સે પે આના. યે દાઉદ કા ઘર હૈ, તુમ્હારે બાપ કા પુલીસ સ્ટેશન નહીં!’ એ હરામખોરનો ઉંઘો ફિલ્મી ડાયલોગ સાંભળીને મને પણ ખીજ ચઢી એટલે મેં પણ એને લાગલું જ કહી દીધું, ‘હમારી તમીઝ કી પરવા આપ મત કરો પઠાનબાબુ, હમ બતમીઝો કે સાથ ભી તમીઝ મૈં બાત કરતે હૈ.’ જોકે, આ બધુ હું મનમાં જ બબડેલો, જો હું મોટેથી દાઉદ માટે બતમીઝ બોલ્યો હોત તો હું દાઉદને તો શું સુરતમાં મારા સ્વજનોને પણ નહીં મળી શક્યો હોત!

અંદર પહોંચતા મને એક ભવ્ય ઓરડામાં લઈ જવામાં આવ્યો અને કહેવાયું ‘થોડી દેર મેં ભાઈ આ રહે હૈ.’ મને જ્યાં બેસાડાયો એ ઓરડામાં દુનિયાભરમાંથી ખરીદાયેલી નાની-મોટી સાઈઝની બંદૂકો અને કારતૂસો સજાવાઈ હતી. ક્યાંક ક્યાંક કાચના નાનકડા ઘડામાં હેન્ડગ્રેનેડ અને બોમ્બ પણ સજાવાયા હતા. આપણે પણ કાન્તિ ભટ્ટના વારસદાર, એટલે બંદૂકો જોતાં જ બીજો એક લેખ કરી શકાય એની લાલચમાં ખિસ્સામાંથી નોટપોટ કાઢીને બંદૂકો નામ, એ ક્યાંથી તફડાવાઈ છે એ અને એક ભડાકે કેટલાના ઢીમ ઢાળી શકે એ વિશેની માહિતી ફટાફટ ટપકાવવા માંડ્યાં.

એવામાં ક્યાંકથી કોઈક ઉધરસ કરતુ હોય એવો અવાજ આવ્યો. મને થયું કોઈક આમ તેમથી સ્વીપરે પસાર થતાં ઉધરસ કરી હશે. પણ ક્યાંથી સામે જ વ્હીલચેર પર એક પોટલું મારી તરફ આવી રહ્યું હતું, જેને એક પઠાણ હળવેથી ધક્કો મારીને મારી તરફ લાવી રહ્યો હતો. વ્હીલચેરમાં બેઠેલા પોટલા, આઈ મીન માણસના બધા દાંત પડાવી નખાયા હતા અને એની આંખો ઉંડી ઉતરી ગઈ હતી. મને થયું હશે કોઈ દાઉદના ઘરના વડીલ. પણ ક્યાંથી? પેલા પઠાણે કહ્યું, 'આ જ દાઉદ ‘ભાઈ’ છે અને તેઓ તમારી સાથે પંદર મિનિટ વાત કરશે. એટલામાં જે પૂછવું હોય એ પૂછીને સુરતભેગા થઈ જજો.’ ઘડીક તો મને તમ્મર આવી ગયા કે ‘ભાઈ’ની આ તે કેવી સ્થિતિ? કોઈકના નામની આગળ ડૉન જેવો ભારેભરખમ શબ્દ લાગેલો હોય તો માણસની પર્સનાલિટી જેવું પણ કશુંક હોય કે નહીં? છેક દયનિય પરિસ્થિતિ?

કાઉન્ટ ડાઉનની ચિંતા કરીને હું ઝડપભેર સ્વસ્થ થઈ ગયો અને સીધી દાઉદ સાથે વાતચીત શરૂ કરી. ‘કેમ છો દાઉદ ભાઆઆઆઈ?’

મજે મેં. આપ કૈસે? સબ ખેરિયત?’ ભાઈએ શૉલેના એકે હંગલના ટોનમાં જવાબ આપ્યો.

મુંબઈની યાદ આવે છે તમને?’ -હું મજામાં છું એવું કહેવાની ઔપચારિકાતા ટાળીને મેં સીધુ કામ પર ધ્યાન કેન્દ્રીત કર્યું.

હા, ક્યૂં નહીં. બમ્બઈ મેં તો અપની જાન બસી હૈ.’

ઓહ એવું? તો મુંબઈમાં સેંકડોની જાન લેવામાં તમને કોઈ ખચકાટ નહીં થયો?’ જોકે આ સવાલ પણ ઉપરની જેમ મારા મનમાં જ ઉઠેલો, દાઉદને પ્રત્યક્ષરૂપે પૂછી શકેલો નહીં. આમેય આસપાસ જે કંઈ ચાલે છે એ વિશેનું સત્ય જાણતા હોવા છતાં સત્તા પર બેઠેલાઓને અને જેમણે અમસ્તા જ સત્તા હાથમાં લઈ લીધેલી છે એવાઓને પ્રત્યક્ષ સવાલો નહીં પૂછવાની કળા આપણને ભારતીયોને હાથવગી જ હોય છેને?

હું બીજો સવાલ પૂછું એ પહેલા દાઉદે મને એક સવાલ પૂછ્યો, ‘અબ તો બમ્બઈ બહોત બદલ ગયા હોગા નહીં? અબ વહા કોઈ ભાઈ-બાઈ હૈ યા આમ આદમી કી ઝિંદગી સરકાર કે ભરોસે હી ચલતી હૈ?’

ના, હવે પહેલા જેટલા ભાઈઓ નથી ફરકતા. તમારા જેવાઓ કરાચી, દુબઈ સ્થાયી થઈ ગયા પછી ગવલી-બવલી પણ ઠંડા પડી ગયા છે. અને નવા બેચમાં પણ કોઈ આશાસ્પદ નામ ક્યાંક અખબારોમાં વાંચવામાં આવ્યું નથી. અને હા, તમારા જેવાઓ ક્યાંક ક્યાંક બોમ્બ-ભડાકા કરતા હોવા છતાં અને એજન્ડાવાળી સરકારો આતંકવાદ મુક્ત- ભય મુક્ત ભારતના વાયદા કરીને ફરી જતી હોવા છતાં દેશના હિન્દુઓ ભગવાન ભરોસે, મુસ્લિમો અલ્લાહ ભરોસે અને બાકીનાઓ પણ પોતપોતાના ઈશ્વરને ભરોસે ખુમારીપૂર્વક જીવી રહી છે.’ આ વખતે મેં બોલવામાં કચાશ નહીં રાખી.

હમમમમમ’ દાઉદે ફરી ઉઘરસ ખાધી. એની સ્થિતિ જોઈને એ બહુ કાઢે એવું મને લાગતું નહોતું. દવા-દારૂ ચાલતા હશે પણ શરીર જ ખોખલું થઈ શક્યું હોય તો દવા કેવી ને દારૂ કેવો?

તમારા સમગ્ર જીવનનું સરવૈયુ શું કાઢો છો? જીવનમાં કશુંક ખોટું કર્યાનું દુખ કે કશુંક નહીં કરી શક્યાનો વસવસો ખરો?’

દુખ કે વસવસા કે સરવૈયા તો માણસના જીવનના નીકળે પત્રકાર સાહેબ! માણસ કે માણસાઈ જેવા શબ્દો તો એંસીના દાયકાથી અમારી ડિક્શનરીમાંથી ગાયબ છે.’ દાઉદનો જવાબ સાંભળીને જરા વાર તો હું અવાચક થઈ ગયો. મને થયું આ ‘માણસ’ પણ કોઈ સાધુ-બાવા કે પીર-ફકીરને રવાડે ચઢ્યો લાગે છે. બાકી, પેટી અને ખોખાની વાત કરતો માણસ અચાનક માણસ અને માણસાઈની વાત તો ક્યાં કરે?

અચ્છા યે બતાઓ, ભારત આને મેં કોઈ ઈન્ટ્રેસ્ટ હૈ?’

હમમમ…’ આંખ થોડી ભીની કરીને, ‘મને તો માતૃભૂમિની યાદ આવે જ ને? પણ મારા જેવાઓને ભારતની પાક ભૂમિ નસિબ થાય એવું લાગતું નથી. જોકે હું એ ધરતી ડિઝર્વ પણ નથી કરતો. એટલે મને ઈન્ટ્રેસ્ટ હોય કે ન હોય પરંતુ બમ્બઈ કી ધરતી ને મારામાં કોઈ જ ઈન્ટ્રેસ્ટ નથી. હું ત્યાં મારા ખરડાયેલા પગ મૂકીશ તો વો ધરતી નાપાક કહેલાયેગી.’

હજુ હું દાઉદને બીજા સવાલો પૂછું એ પહેલા તો પેલો પઠાણ ત્યાં ટપકી પડ્યો અને દાઉદના કાનમાં કંઈક ફૂસફૂસ કરીને ચાલ્યો ગયો. ઈન્ટરવ્યુ પૂરો થવાને હજુ પાંચેક મિનિટ બાકી હતી પણ, દાઉદ બોલ્યો, ‘મેરે કુ સમ્ધી મિયાદાદ કે ઘર જાના હૈ. બિટીયા બહોત દિનો સે બુલા રહી હૈ.’

અરે… અરે… પણ…’

પતા હૈ મુજે, અભી થોડી દેર હૈ… પર બિટીયા કે આગે કીસીકા નહીં ચલતા. ઉસને હી કાર ભેજી હૈ, બોલી અબ્બા કો અભી કે અભી લે કે આઓ. જાના હી પડેગા…’

મને થયું ખરો માણસ છે આ તો. હજુ સવાલ-જવાબની મોસમ જામી હતી ત્યાં અધવચ્ચે આમ ઈન્ટરવ્યુ છોડીને જવાતું હશે? પણ આ લોકોને પાછું કંઈ કહેવાય નહીં. તેઓ જે કહે એમાં હા જી હા કરવાનું નહીતર, મગજ તપ્યું અને પેલા કાચના ડબલામાંથી એકાદ હેન્ડ ગ્રેનેડ કાઢીને આપણને છૂટો મારી પાડે તો લેવાના દેવા થઈ જાય.

જોકે દાઉદ ઓરડામાંથી બહાર નીકળે એ પહેલા આપણે જ કલ્પનામાંથી બહાર આવી ગયા. આપણે પણ શું કામ પાછળ રહીએ? આપણે પહેલા નીકળી આવીએ તો એને એમ કહેવાની તક તો મળેને કે ‘સાલા વો પૂરી બાત કીએ બીના હી વટક લીઆ. જૈસે હમારી કોઈ ઈજ્જત હી નહીં!'

પ્રિય વાચકો,

હાલ પૂરતું મેગેઝીન સેક્શનમાં નવી એન્ટ્રી કરવાનું બંધ છે, દરેક વાચકોને જૂનાં લેખો વાચવા મળે તેથી આ સેક્શન એક્ટિવ રાખવામાં આવ્યું છે.

આભાર

દેશ અને દુનિયાના સમાચારથી માહિતગાર થવા તેમજ દરેક અપડેટ સમયસર મેળવવા ડાઉનલોડ કરો Khabarchhe.com એપ અને ફોલો કરો Khabarchhe.com ને સોશિયલ મીડિયા પર.