તોછડાઈ નહીં તર્કની જરૂર છે
આજના સમયમાં માધ્યમની બાબતે આપણે ઘણા લકી કહેવાઈએ કે, આપણને અભિવ્યક્ત થવા માટે જાતજાતના માધ્યમો મળ્યાં છે. વળી, આપણને અભિવ્યક્તિની આઝાદી છે એ પણ નસીબની જ વાત કહેવાય. બાકી, વિશ્વના અનેક દેશોની પ્રજાને યોગ્ય રીતે અભિવ્યક્ત થવાની પરવાનગી નથી અથવા કાયદાકીય રીતે પરવાનગી અપાવા છતાં પ્રજાને એના વિચાર, એની લાગણી કે એની માન્યતાઓની અભિવ્યક્તિ કરવા દેવામાં આવતી નથી, જેના માટે આજે પણ સામાન્ય લોકો ભયંકર સંઘર્ષ કરી રહ્યા છે. આપણે ત્યાંય ગુલામીના કાળમાં ગોરી સરકારના ત્રાસને કારણે અનેક ક્રાંતિકારીઓ-સત્યાગ્રહીઓએ ભૂગર્ભમાં રહીને ચોપાનિયા-પત્રો પ્રકાશિત કર્યાના દાખલા છે જ. પણ આઝાદી પછી 1975માં ઈન્દિરા ગાંધીના મૂર્ખામીભર્યા નિર્ણય બાદ લદાયેલી કટોકટીને બાદ કરતા ભારત દેશમાં પ્રજાની અભિવ્યક્તિ પર ક્યારેય તરાપ નથી મરાયો, કે ક્યારેય માધ્યમો પર કડક નિયમો નથી લદાયા, જેને આપણા લોકતંત્રનું ઉત્તમ પાસું ગણાવી શકાય.
એમાં માર્ક ઝુકરબર્ગ આપણા સૌના માટે ફેસબુક લઈને આવ્યા એટલે સામાન્યજન માટે અભિવ્યક્ત થવાનું અત્યંત સરળ થઈ ગયું. માત્ર મોબાઈલમાં ડેટા પ્લાન કરાવો અને ફેસબુકની એપ ડાઉનલોડ કરીને એમાં અકાઉન્ટ બનાવો એટલે વાર્તા પૂરી. ગમે ત્યારે ગમે એ વિષય પર આપણે આપણો મત રજૂ કરી શકીએ છીએ અને એ બહાને આપણી અભિવ્યક્તિની સ્વતંત્રતાનો અધિકાર ભોગવી શકીએ છીએ. ફરી કહું છું, દુનિયાના બધા દેશોમાં સામાન્ય જનને કોઇ પણ વિષય પણ કંઈ પણ બોલવાનો અધિકાર આજેય નથી ત્યારે આપણને આવી સવલત મળી હોય તો એ માટે આપણે આપણા લોકતંત્રનો જ જયજયકાર કરવો જોઈએ, જ્યાં અનેક વિચારધારાની સરકારો આવી હોવા છતાં સામાન્યજનની અભિવ્યક્તિનો અધિકાર અખંડ રહ્યો છે.
પણ જ્યારે આપણને આવો કોઈ અધિકાર મળતો હોય અને આપણે એના લાભ પણ ભોગવતા હોઈએ ત્યારે નાગરિક તરીકે આપણે એ પણ યાદ રાખવાનું છે કે, આ સંદર્ભે આપણી કેટલીક ફરજો પણ છે. આપણને અભિવ્યક્તિની આઝાદી મળે છે ત્યારે ઘણી વખત કેટલાક લોકો એ ભૂલી જતાં હોય છે, એમને બોલવાની આઝાદી જરૂર મળી છે પણ બકવાસ કરવાની આઝાદી ક્યારેય નથી મળતી. કોઇના માટે જાહેરમાં ગમે એવો બકવાસ કરનારાઓ કે કોઇના વિશે એલફેલ બોલનારાઓ માટે ભારતના એ જ બંધારણે માનહાનિ કે એટ્રોસિટીની જોગવાઈ કરી છે, જે હેઠળ અભિવ્યક્તિને નામે બકવાસ કરનારાઓને સીધાદોર કરી જ શકાય છે અને એમની અક્કલ ઠેકાણે લાવી જ શકાય છે.
આજે આપણે મોટેભાગે ફેસબુક પરના માહોલની જ વાત કરીએ, જેનો ઉપયોગ સામાન્યતઃ સામાન્ય જન કરે છે. ફેસબુક લોન્ચ થયું ત્યારે ભારતના સામાન્ય લોકોમાં ઓરકુટનું ચલણ વધુ હતું અને ફેસબુકને 2007-2008 સુધી ઝાઝો પ્રતિસાદ નહોતો સાંપડ્યો. આ વર્ષો પછી ધીમે ધીમે ફેસબુક યુઝર્સમાં વધારો નોંધાતો ગયો અને વર્ષ 2010-2011 સુધીમાં આપણે ત્યાં ફેસબુક ટ્રેન્ડમાં આવી ગયું. એ પછીના વર્ષોમાં તો ફેસબુકનું ચલણ એટલું બધું વધી ગયું અને આ માધ્યમ આપણા જીવનમાં એટલું બધું વણાઈ ગયું કે, અડધા કલાકમાં એક વાર ફેસબુક ચેક નહીં કરાય કે અચાનક ડેટા પ્લાન પૂરો થઈ જાય તો માણસ વ્યાકુળ થઈ જાય અને ગમે એમ કરીને એ ફેસબુકને શરૂ કરાવે. કેટલાય લોકોને એવી પણ આદત હોય છે કે, દર બે-પાંચ મિનિટે અમસ્તા જ ફેસબુકની એપ ક્લિક કરે અને એની એકની એક ન્યૂઝ ફીડ વારંવાર સ્ક્રોલ કરે, જોકે એમાંના મોટાભાગના એવા હોય છે, જેઓ બાપજન્મારેય કોઇ સ્ટેટ્સ કે ફોટો અપડેટ કરતા નથી. ક્યારેક મન થાય તો એકાદ સુવિચાર કે કોઇકની ઈમેજ શેર કરે અને બે-ત્રણ મહિને એકાદ વાર એમનો પ્રોફાઈલ ફોટો બદલે. જોકે કોઇ પણ જાતની અપડેટ કર્યા વિના સમષ્ટિનો ખેલ જોયાં કરનારો વર્ગ નાનો હોય છે.
બાકી, મોટાભાગના લોકો એવા હોય છે જેઓ, નિયમિતપણે પ્રોફાઈલ પિક્ચર બદલવાથી લઈ સ્ટેટ્સ કે ફીલિંગ્સની એક્ટિવિટીઝ કરતા રહેતા હોય છે. જોકે પોતાની જ દુનિયામાં રમમાણ રહેનારા બીજાને માટે તો શું કામ માથાનો દુખાવો બનવાના? તેઓ ભલા અને એમની એક્ટિવિટીઝ, સ્ટેટ્સ, ફોટોગ્રાફ્સ અને ફ્રેન્ડ્સની લાઈક્સ-કમેન્ટ્સ ભલી. મજાની ડિજિટલ સોશિયલ લાઈફ જીવતા હોય છે આવા લોકો.
અને એક મોટો વર્ગ એવો છે, જેમને પોતાના અંગત ફોટોગ્રાફ્સ અપલોડ કરવા કરતા કે, પોતે શું ખાધું-પીધું કે ક્યાં ફર્યા એની વાતો શેર કરવા કરતા દેશના રાજકારણ, સાંપ્રત સમસ્યાઓ કે સામાજિક મુદ્દાઓ પર ચર્ચા કરવાનું, એને લગતા ફોટોગ્રાફ્સ કે સ્ટેટ્સ શેર કરવાનું પસંદ કરતા હોય છે. જાહેર પ્લેટફોર્મ પર આવી ચર્ચાઓની અત્યંત આવશ્યક્તા હોય છે. કોઇ રાજકીય કે સામાજિક સમસ્યા પર લોકો દ્વારા પ્રકાશ પાડવામાં આવે કે એ અંગેની ટિપ્પણી થાય એ પણ અત્યંત જરૂરી છે. ડિજિટલ મિડિયમમાં આને આર્મચેર એક્ટિવિઝમ કહેવાય છે, જેને વિશે મોટેભાગે નકારાત્મક અભિગમ સેવવામાં આવે છે કે, આવા લોકો રૂમમાં બેઠા બેઠા, ‘મોદીએ આમ કરવું જોઈએ.’ અને ‘ફલાણી પોલીસીમાં આપણે નબળા પડી ગયા’ની બડીબડી વાતો કરે છે, પણ એમાંથી ઉપજતું કશું નથી. જોકે અંગતરીતે હું આર્મચેર એક્ટિવિઝમને કંઈક અંશે જરૂરી સમજું છું, જ્યાં કેટલાક લોકો શહેરના ખરાબ રસ્તા, નહીં ચાલતી લાઈટો કે અન્ય કોઇક સામાજિક મુદ્દા પર પ્રકાશ પાડે પછી સોશિયલ મીડિયામાં એની જોરદાર ચર્ચા થાય છે અને કેટલાક કિસ્સામાં વાત વાઈરલ થતાં અસરકારક ઉકેલ પણ આવતા જોયા છે.
જોકે આવા વિષયો જેટલા મહત્ત્વના હોય છે એટલા જ આવા વિષયો સંવેદનશીલ પણ હોય છે. સાંપ્રત સમસ્યાઓ, રાજકારણ કે સરકારની નીતિઓ પર ઓપિનિયન આપતી વખતે એક બાબતનું ખાસ ધ્યાન રાખવાનું હોય છે કે, આપણા ઓપિનિયનમાં વિરોધ હોવા છતાં એની ભાષા તોછડી કે બે પાયરી નીચે ઉતરેલી ન હોવી જોઈએ. કેટલાક લોકો આ બાબત સુપેરે જાણતા હોય છે એટલે એ લોકો અત્યંત વ્યવસ્થિત રીતે એમની વાત રજૂ કરતા હોય છે, જેને ખરા અર્થમાં અભિવ્યક્તિની સ્વતંત્રતાના અધિકારનો લાભ લીધો એમ કહી શકાય. પરંતુ પક્ષવાદના કાદવમાં ખૂંપી ગયેલા કેટલાક કંઠીધારીઓ સોશિયલ મીડિયામાં કોઇક બાબતનો વિરોધ કરતી વખતે કે પોતાનો ઓપિનિયન રજૂ કરતી વખતે એ ભૂલી જાય છે કે, તેઓ પાનના ગલ્લે નહીં પણ સોશિયલ મીડિયામાં એમની વાત કરી રહ્યા છે અને પછી તેઓ દેધનાધન ભાષામાં પોતાની વાત રજૂ કરે છે.
આમ તો તોછડી ભાષામાં કે અસહ્ય શબ્દો વાપરીને ઉતરતી ભાષામાં લખતો માણસ સ્વાભાવિક જ ન્યૂટ્રલ નહીં હોવાનો, એ જરૂર કોઇક ચોક્કસ વિચારધારાનો સમર્થક હોવાનો, પણ ધારોકે એકાદ કિસ્સામાં કોઇ માણસ ન્યૂટ્રલ હોય અને એનો અપિનિયન મુલ્યવાન હોય તોય એની વાત બકવાસ સાબિત થવાની અને સંસ્કારી માણસ તરીકે એનું મુલ્યાંકન પણ ઓછું જ થવાનું. જોકે તટસ્થ માણસને બાદ કરતા કંઠીધારીઓની વાત કરીએ તો બંને વિચારધારાના (આજ પુરતી ભાજપ અને કોંગ્રેસ જ રાખો! આમેય ગુજરાતમાં ડાબેરીઓનું મુલ્ય નથી!) લોકો સામા પક્ષના નેતાનો કે એમની નીતિનો વિરોધ કરવા બેસે ત્યારે છેક છેલ્લી પાયરીએ બેસીને ગાળાગાળી કરતા હોય છે. દ્બેષભાવનાથી લખાયેલા કેટલાક સ્ટેટ્સ આપણે વાંચીએ તો થોડો સમય તો આપણું મગજ સુન્ન મારી જાય કે, આ માણસો આટલી ખરાબ ભાષા અને છેક આવા ઉદાહરણો કે રૂપકો કેમ વાપરતા હશે? અંગતરીતે તો હું ‘ફેંકું’ અને ‘પપ્પુ’ જેવા શબ્દપ્રયોગો પણ પસંદ નથી કરતો, પણ હવે તો લોકો ‘તું-તા’થી સંબોધન કરીને રાજકારણીઓની મા-બહેન સુધી પહોંચી જાય છે. અને એમાંય જો કોમેન્ટબોક્ષમાં બે વિરોધી વિચારધારાના લોકો બાખડી પડે સ્ટેટ્સમાં ચર્ચાયેલો મુદ્દો કોરાણે રહી જાય અને પેલા બે, જેમણે સાત જનમમાં એકબીજાને જોયા ન હોય એવા લોકો એકબીજા સાથે ગાળાગાળી પર ઉતરી જાય અને એકબીજા સાથે ખૂબ બાઝે. સોશિયલ મિડીયામાં આવા અસામાજિક કૃત્યો છડેચોક જોવા મળે છે.
સી, લોકતંત્રમાં વિરોધ થવો જ જોઈએ. જે લોકતંત્રમાં વિરોધ નહીં થઈ શકે એ લોકતંત્ર નક્કી પાંગળું હોવાનું. પણ યાર, વિરોધના પણ નિયમો હોય કે નહીં? કે પછી ફાવે એમ જ ચલાવ્યે જવાનું? શિશુપાલે પણ કૃષ્ણની ખૂબ ટીકા કરેલી, કૃષ્ણ કંઈ શિશુપાલની ટિકાથી ત્રાસે કે એનાથી એમને ખલેલ પહોંચે એવુંય નહોતું. આવા મોટા કૃષ્ણ સામે શિશુપાલની વિસાત પણ શું? પણ કૃષ્ણએ શિશુપાલનો વધ જ એટલે કર્યો કે, એ એની લિમિટ ચૂકી ગયો હતો. મર્યાદામાં રહેવું અત્યંત જરૂરી બાબત બની રહે છે. રાજકારણ કે કેટલીક સામાજિક બાબતોનો વિરોધ મર્યાદામાં જ થવો જોઈએ, જેમાં ભાષા તોછડી હોય કે, શબ્દો હીન હોય એના કરતા મુદ્દામાં કે દલીલમાં તર્ક કે ફેક્ટ્સ વધુ હોય એ વધુ મહત્ત્વનું બની જાય છે. આપણે ત્યાં દલીલો કે ચર્ચાઓમાં તર્ક બહુ જૂજ જોવા મળે છે તોછડાઈ અને તકરાર વધુ જોવા મળે છે, જે ખરેખર યોગ્ય બાબત નથી.
ફીલ ઈટઃ
બોલવું અને બોલ બોલ કરવુંમાં જમીન-આસમાનનો તફાવત હોય છે.
-‘નવનીત સમર્પણ’ના એક ઈન્ટરવૂમાં સુરેશ દલાલે કહેલું વાક્ય.
પ્રિય વાચકો,
હાલ પૂરતું મેગેઝીન સેક્શનમાં નવી એન્ટ્રી કરવાનું બંધ છે, દરેક વાચકોને જૂનાં લેખો વાચવા મળે તેથી આ સેક્શન એક્ટિવ રાખવામાં આવ્યું છે.
આભાર