'છેલ્લો દિવસ'ના વિકીડા ઉર્ફે મલ્હાર ઠાકર વિશે જાણો અવનવી વાતો
ગઈકાલે આપણે 'છેલ્લો દિવસ' ફિલ્મના ટેલેન્ટેડ એક્ટર નિક એટલે કે યશ સોની વિશેની મજેદાર વાતો વાંચી. આજે એ જ ફિલ્મના બીજા દમદાર એક્ટર મલ્હાર ઠાકર વિશે જાણીએ. ગુજરાતી યુવાનો મલ્હારે ફિલ્મમાં ભજવેલા વિકીના પાત્ર સાથે પોતાની જાતને કનેક્ટ કરી રહ્યા છે. દિવાળી વેકેશન પછી હજુ હમણા જ કૉલેજ અને યુનિવર્સિટીઓ શરૂ થઈ છે ત્યારે કૉલેજ ગોઈંગ યંગસ્ટર્સને કૉલેજ પહોંચવામાં મોડું થતું હોય અને એનો કોઈ મિત્ર ફોન કરીને એને પરેશાન કરે તો એ વિકીના લહેકામાં, 'એ... આયો બે આયો...' કહે છે, કે કેન્ટીન કે પાર્કિંગમાં બેઠેલા યુવાનો 'જાને બે ટોપાઆઆઆ...' કહીને એકબીજાની પીઠ પર ધબ્બો મારે છે. સામાન્ય માણસ કોઈ ફિલ્મના પાત્ર સાથે આટલી બધી આત્મીયતા કેળવી લે ત્યારે ફિલ્મ તો સફળ થાય જ થાય, પરંતુ એ પાત્ર પણ દર્શકોના દિલમાં વિશેષ સ્થાન બનાવી લેતું હોય છે. અને આપણે એ વાત સ્વીકારવી જ રહી કે, નટખટ, બેફિકરા વિકીના પાત્ર દ્વારા મલ્હાર ઠાકરે ગુજરાતી પ્રેક્ષકોના દિલ જીતી લીધા છે, તો ગુજરાતી યુવાનોના દિલમાં વિશેષ સ્થાન બનાવી લીધું છે.
યશ સોની અને મલ્હાર ઠાકર વચ્ચે એક સામ્યતા છે. મલ્હાર પણ યશની જેમ વાયા રંગમંચ, સ્ક્રીન પર પહોંચ્યાં છે. જોકે મલ્હારે અત્યાર સુધીમાં કર્મશિયલ નાટકો વધુ કર્યા છે. આ ઉપરાંત એમણે હિન્દી ટેલિવિઝન સિરિયલ્સમાં એપિસોડીક રોલ પણ કર્યા છે. 'સુખ બાય ચાન્સ', 'બ્યાહ હમારી બહુ કા' કે 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા' જેવી ટેલિવિઝન સિરિયલ જો તમે ધ્યાનથી જોઈ હશે તો આપણા આ વિકીડાએ ત્યાં પણ દેખા દીધા છે. આ ઉપરાંત મલ્હારે કયા કયા નાટકોમાં કામ કર્યું એ વિશે પછી જોઇએ. સૌથી પહેલા એમના અભિનયની શરૂઆત વિશે જાણીએ.
મલ્હારને નાનપણથી જ એક્ટિંગનો શોખ હતો એમ કહીએ તો ચાલે. કારણ કે, બાળપણમાં એમણે અનેક બાળનાટકોમાં અભિનય કરેલો. જોકે એ કાચી ઉંમરે એક્ટિંગને કરિયર તરીકે સ્વીકારવાની એમની કોઈ તૈયારી ન હતી. અમદાવાદમાં બાર આર્ટ્સનો અભ્યાસ કરીને મલ્હાર ઠાકરે મલ્હારે મુંબઈની વાટ પકડેલી. એક્ટિંગમાં કરિયર બનાવવા નહીં, પરંતુ બેચલર ઑફ માસ મીડિયાના ગ્રેજ્યુએશન માટે! હવે મુંબઈનો માહોલ તો તમને ખબર જ છે. ત્યાંની કૉલેજોમાં યુથ ફેસ્ટિવલ્સનું આગવું મહત્ત્વ છે, જ્યાંના નાટકોમાં ભાગ લઈને બોલિવુડ, ટેલિવિઝન અને નાટકોની દુનિયાના અનેક કલાકારો ઘડાયા છે. મલ્હારનું પણ કંઈક આવું જ થયું. કૉલેજના ફર્સ્ટ યરથી જ યુથ ફેસ્ટિવલ્સમાં તેઓ ભાગ લેતા થયાં અને કોઈ વાર ગ્રુપ પરફોર્મન્સ તો કોઈ વાર મોનો એક્ટ કરવાનું શરૂ કર્યું. મુંબઈના મોટા ફલક પર એમના અભિનયના વખાણ થવા માંડયા એટલે તેઓ એક્ટિંગ કરિયર વિશે સિરિયસલી વિચારતા થયાં.
ત્યાર બાદ મલ્હારે મુંબઈના કર્મશિયલ ગુજરાતી નાટકોમાં એક્ટિંગ કરવાનું શરૂ કર્યું. વચ્ચેના ગાળામાં એમણે મનોજ શાહ જેવા એક્સપરિમેન્ટલ થિયેટરના ખાં કહેવાતા નાટ્ય દિગ્દર્શક સાથે 'વસ્તુપાળ તેજપાળ' જેવા નાટકો પણ કર્યા. આ ઉપરાંત છેલ્લા ચાર વર્ષથી તેઓ જાણીતા અભિનેતા અને નિર્માતા સંજય ગોરડીયા સાથે સંકળાયેલા છે. પાછલા વર્ષોમાં મલ્હારે, 'ફાઈવસ્ટાર આન્ટી', 'મહારાજ', 'પારકા તોય પોતાના', અને 'મારી વાઈફ મેરી કોમ' જેવા નાટકોમાં દમદાર અભિનય કર્યો છે.
'છેલ્લો દિવસ' ફિલ્મ એમને મળી એ દરમિયાન એમનું 'મારી વાઈફ મેરી કોમ' નાટક ગુજરાતમાં ધૂમ મચાવી રહ્યું હતું અને એ નાટકના એક શૉ માટે મલ્હાર એમની ટીમ સાથે અમદાવાદ આવેલા. એ જ દિવસો દરમિયાન અમદાવાદમાં 'છેલ્લો દિવસ'ના ઑડિશન્સ પણ ચાલું હતા. ફિલ્મના કાસ્ટિંગ ડિરેક્ટર અને હીરા પારખુ અભિષેક શાહે મલ્હારનો સંપર્ક કર્યો અને ડિરેક્ટર ક્રિષ્નદેવ યાજ્ઞિક સાથે મળીને મલ્હારના ત્રણેક વાર ઑડિશન્સ લીધા. ઑડિશન્સ દરમિયાન મલ્હારના પરફોર્મન્સથી ડિરેક્ટર અને કાસ્ટિંગ ડિરેક્ટર પ્રભાવિત તો હતા, પરંતુ એમને ફિલ્મનું કયું પાત્ર આપવું એ વિશે તેઓ અવઢવ અનુભવી રહ્યા હતા. જોકે થોડા દિવસોમાં એ વાત પર પણ પડદો પડી ગયો અને આપણને સ્ક્રીન પર વિકી નામનું એક મજાનું કેરેક્ટર મળ્યું. જોકે અંદરની વાત એ છે કે, મલ્હારને પર્સનલી નરેશનું પાત્ર વધુ ગમતું હતું!
મલ્હારે ફિલ્મમાં ભલે પહેલી વાર કામ કર્યું હોય, પરંતુ ટેલિવિઝન સિરિયલ્સમાં કામ કરી ચૂકેલા હોવાથી કેમેરાથી તેઓ સુપેરે પરિચિત હતા. પરંતુ વિકીના પાત્રને આત્મસાત કરવું અને એ પાત્રને ભજવવું મલ્હાર માટે પડકારનું કામ હતું. કેમ? તો કે, રિયલ લાઈફમાં મલ્હારનો સ્વભાવ આવો નથી. તેઓ થોડા ઈન્ટ્રોવર્ડ અને શાંત પ્રકૃતિના માણસ છે. તો વિકીનું પાત્ર એમના સ્વભાવથી સાવ વિરુદ્ધ છેડાનું હતું. મલ્હાર કહે છે કે, 'વિકીનું પાત્ર ઘણું આળસુ હતું અને રિયલ લાઈફમાં હું એવો છું નહીં. દિવસનો મોટાભાગનો સમય હું ઘણો ફ્રેશ અને એક્ટિવ હોઉં છું. આ કારણે જ્યારે મારે વિકીની આળસાઈ દર્શાવતા સીન્સ કરવા પડતા ત્યારે મારે થોડી વધુ પ્રિપેરેશન કરવી પડતી.'
જોકે યશની જેમ મલ્હાર પણ ફિલ્મનું શૂટિંગ શરૂ થાય એ પહેલા વીસ દિવસ સુધી ચાલેલા રિહર્સલ્સને ઘણી દાદ આપે છે. વીસ દિવસના એ ગાળામાં એમને પાત્રને સમજવાની તો તક મળી જ, પરંતુ શૂટિંગ દરમિયાન થોડી ક્રિએટીવ ફ્રિડમ લઈને પાત્રમાં કયા પ્રકારના પ્રયોગ કરી શકાય એ વિશેની જાણકારી પણ મળી. મલ્હાર કહે છે કે, 'પેલા વીસ દિવસમાં અમે એક્ટર્સ પણ એકબીજાને નજીકથી ઓળખતા થયાં અને અમારી વચ્ચે જોરદાર બોન્ડિંગ થયું. સ્ક્રીન પર અમારા બધા વચ્ચે જે મજાની કેમેસ્ટ્રી દેખાય છે એની પાછળનું કારણ પણ અમારા રિહર્સલ્સ જ છે.'
મલ્હાર તો ટીમની સફળતા માટે પણ ફિલ્મના કલાકારોના આપસી બોન્ડિંગને જ વધુ મહત્ત્વ આપે છે. તેઓ કહે છે કે, 'અમારી ટીમ એટલી બધી અદભુત હતી કે, ન પૂછો વાત. ન તો અમને એકબીજા સાથે કોઈ ઈગો ક્લેસિસ હતા કે, ન અમને અમારા પાત્ર કે અમારા કામથી અસંતોષ હતો. શૂટિંગ દરમિયાન સતત પોઝિટીવ વાતાવરણ જળવાયેલું રહેતું, જેના કારણે જ અમે અમારું બેસ્ટ આપી શક્યા.'
દર્શકોના આવા પ્રચંડ પ્રતિભાવથી મલ્હાર અત્યંત ખુશ છે. 'છેલ્લો દિવસ' ફિલ્મને સફળતા મળશે એ બાબતે તેઓ સુપર શ્યોર હતા, પરંતુ ખૂબ ટૂંકા ગાળામાં ફિલ્મને જે રીતની જ્વલંત સફળતા મળી અને દર્શકો ફિલ્મના સંવાદોને લઈને જોક્સ વાઈરલ કરવા માંડ્યા છે એ જોઈને એમને સુખદ આશ્ચર્ય થયું છે. ફિલ્મની આ સફળતા માટે તેઓ ફિલ્મના ટ્રેલર અને માઉથ પબ્લિસિટીને મહત્ત્વના પરિબળ જણાવી રહ્યા છે.
આ ફિલ્મ બાદ મલ્હારને અન્ય ત્રણ ગુજરાતી ફિલ્મોની પણ ઑફર થઈ છે. જોકે વ્યસ્તતા તેમજ અન્ય કારણોસર મલ્હાર એ ફિલ્મો સ્વીકારી શક્યા નથી. પરંતુ 'છેલ્લો દિવસ' બાદ ઑડિયન્સે એમના પ્રત્યે દર્શાવેલા પ્રેમને કારણે તેઓ ગુજરાતી ઑડિયન્સને એક વાયદો કરે છે કે, અવનારા વર્ષમાં એમની ફિલ્મ રિલીઝ નહીં થાય તો કંઈ નહીં પરંતુ તેઓ કોઇક ગુજરાતી ફિલ્મનું શૂટિંગ જરૂર કરી રહ્યા હશે.
આ ઉપરાંત નાટકોની દુનિયામાં પણ મલ્હારને થોડું ચેન્જ જોઈએ છે. તેઓ હવે એક્સપરિમેન્ટલ નાટકો તરફ વધુ ધ્યાન કેન્દ્રિત કરવા માગે છે અને તેમણે વિવિધ સામાજિક સમસ્યાઓ પર આધારિત નાટકો તેમજ જીવન ચરિત્ર પર આધારિત નાટકો કરવા છે. થોડા વખત પહેલા એમણે પ્રતીક ગાંધી સાથે સૌમ્ય જોશીનું 'અમે બધા સાથે દુનિયા લઈએ માથે' નામનું ઑફબિટ નાટક કરેલું, જે નાટકમાં પ્રતીકે સાત પાત્રો ભજવેલા તો મલ્હારે એ જ નાટકમાં પાંચ જુદાં જુદાં પાત્રો ભજવેલા. મલ્હાર કહે છે કે, 'આવા નાટકોમાં અભિનય કરવાની જે મજા આવે છે એવી મજા ક્યાંય નથી આવતી.'
અભિનયની સાથે મલ્હારને ગુજરાતી સાહિત્યની પણ સારી એવી જાણકારી છે એવું એમની સાથેની વાતચીત દરમિયાન કળી શકાતું હતું. વચ્ચે વચ્ચે તેઓ ક્યાંક ગુજરાતી સાહિત્યકારોની વિવિધ કૃતિઓના રેફ્રન્સ આપતા હતા. હાલમાં તેઓ મુંબઈ રહે છે એટલે તેઓ મુંબઈ બેસ્ડ એક્ટર ભલે કહેવાતા હોય પરંતુ આ કલાકાર સો ટચના ગુજરાતી છે. એમની વાતમાંથી ગુજરાતીપણું સતત પ્રકટ થતું હતું.
હવે આવતી કાલે કોનો વારો?? ધારો તો ખરા કોણ હશે? આ ઈન્ટરવ્યુ સીરિઝ શરૂ કરેલી ત્યારે અમોએ સ્પષ્ટ શબ્દોમાં કીધું હતું કે, અમોને 'છેલ્લો દિવસ'ના ત્રણ કલાકારો ખૂબ પસંદ છે, જેમાંના અમોના બે પ્રિય કલાકારો તો આવી ગયા. તો હવે રહ્યું કોણ?
ફીલ ઈટઃ
ગુજરાતી ફિલ્મ મેકર્સથી લઈને પત્રકારો અને દર્શકોએ 'ઢોલીવુડ'ની જગ્યાએ 'ગુજરાતી સિનેમા' શબ્દ યુઝ કરવો જોઈએ, એનાથી આપણી ફિલ્મો અને આપણી માતૃભાષા બંનેનું ગૌરવ વધશે.
-વિજયગીરી ગોસ્વામી ('પ્રેમજી' ફિલ્મના દિગ્દર્શક)
પ્રિય વાચકો,
હાલ પૂરતું મેગેઝીન સેક્શનમાં નવી એન્ટ્રી કરવાનું બંધ છે, દરેક વાચકોને જૂનાં લેખો વાચવા મળે તેથી આ સેક્શન એક્ટિવ રાખવામાં આવ્યું છે.
આભાર