ઘરમાં પ્રાણીઓ હોય એ યોગ્ય કે અયોગ્ય?
ઘરમાં પાલતૂ પ્રાણીઓ હોવા જોઈએ કે નહીં એ વાતે ઘણી વખત અનેક તર્કો આવતા હોય છે. કેટલાક ઘરોમાં પ્રાણીઓ રાખવા કે નહીં એ બાબતે ગરમાગરમી પણ થઈ જતી હોય છે. એક વર્ગ પ્રાણીઓને ચાહતો હોય છે એટલે એવો વર્ગ પ્રાણીઓને ઘરમાં લાવવાની મથામણમાં ગળાડૂબ હોય, તો બીજા વર્ગને ઘરમાં પ્રાણીઓ જોઈતા નથી હોતા. બીજો જે વર્ગ છે એ બે કારણોસર પ્રાણીઓને નકારતો હોય. ક્યાં તો એમને પ્રાણીઓનો ડર હોવાનો અથવા તો એમને પ્રાણીઓની ચીઢ હોવાની. આ બે કારણોસર તેઓ પ્રાણીઓને નકારતા હોય છે, જેમાંના કેટલાક તો પ્રાણીઓને જાણે જીવ જ ન હોય એમ એને ધિક્કારતા હોય છે. પ્રાણીઓ પસંદ ન હોય અને એને નકારવામાં આવે એ વાત વાજબી છે. પણ એ નકારનારાઓ જ ક્યારેક પ્રાણીઓને ધિક્કારતા હોય ત્યારે પરેશાની ઊભી થઈ જતી હોય છે. કારણ કે, ધિક્કારની ભાવના એમને પ્રાણીઓ પર અત્યાચાર કરવા પ્રેરે છે, જે સરાસર અયોગ્ય છે અને આપણા માણસ હોવા પર પ્રશ્નાર્થ ઊભા કરે છે.
ખૈર, આપણે તો ઘરે પ્રાણીઓ રાખવું કે નહીં એ વિશેની વાત કરતા હતા. આ બાબતે સૌથી પહેલા તો આપણે એ બાબતે સ્પષ્ટ થવું જોઈએ કે, ઘરે કયા પ્રકારના પ્રાણીઓને રાખી શકાય. મોટાભાગે લોકો પોતાના ઘરે શ્વાન, બિલાડીઓ , માછલીઘર કે પક્ષીઓ રાખતા હોય છે. કેટલાક લોકો સફેદ ઉંદર કે ખિસકોલી જેવા પ્રાણીઓને પણ રાખતા હોય છે. પક્ષી જો પોતાની મરજીથી ઘરે આવ્યું હોય કે, ઘરની જ બારીએ કે બાલ્કનીમાં પોતાનો બનાવીને રહેતું હોય તો ઠીક, બાકી પાંજરામાં પૂરેલું પક્ષી ઘરે રાખવું યોગ્ય નથી. એને ઘરના સભ્ય તરીકે નહીં, પણ માણસે પાળેલા કોઇ ગુલામ તરીકે લેખી શકાય. એટલે પાંજરામાં પૂરેલું કોઇ પણ પક્ષી પાલતૂ પ્રાણીના વર્ગમાં આવતું નથી. વિદેશોમાં એક બીજી બાબત જોવા મળી છે કે, કેટલાક લોકો અજગર કે કાચીંડા જેવા સરિસૃપોને ઘરે પાલતૂ પ્રાણી તરીકે રાખતા હોય છે. કેટલાક લોકોએ ચિત્તા પણ પાળ્યાં હોવાના પુરાવા છે, પરંતુ આવા જંગલી પ્રાણીઓની ગમે એટલી સારસંભાળ રાખવામાં અને તેઓ ભલે ગમે એટલા હ્યુમન ફ્રેન્ડલી હોય તો પણ આવા પ્રાણીઓ ઘરે રાખવા એ નકરી મૂર્ખામી છે. આફ્ટરઑલ આ પ્રાણી જંગલી હોય છે અને કોઇક એક ક્ષણે એમનામાં એમના સ્વભાવનું મૂળ તત્ત્વ પરત આવ્યું તો એ પ્રાણીઓને પાળનારની ખેર નહીં.
આપણે ત્યાં જંગલી પ્રાણીઓને પાળનારા લોકોનો વર્ગ ઓછો છે. હા, કેટલાક લોકો વાનરો કે રીંછ પાળતા હોય છે ખરા. પરંતુ એ બિઝનેસ પર્પઝથી. જોકે પ્રાણીઓને લગતા કાયદા અને પ્રાણી પ્રેમીઓની સર્તકતાને કારણે રીંછ, વાનર કે સાપને પાળનારા લોકો પણ હવે ઓછા દેખાય છે. કેટલાક વળી, વાનરોને શોખ ખાતર પાળે છે, પરંતુ શ્વાન કે બિલાડીઓ પાળતા લોકો કરતા આ વર્ગની સંખ્યા ઘણી નાની છે. વાનર ભલે પોતાના માટે નુકશાનકર્તા નહીં હોય, પણ અન્યો પર તે હુમલો કરી શકે છે. રાજા, વાજા અને વાંદરાની કહેવય યાદ છે ને?
જે લોકો ઘરે પ્રાણી નહીં રાખવાની વાતને સમર્થન આપતા હોય છે એ લોકોની સૌથી પહેલા એવી દલીલ કરતા હોય છે કે, શ્વાન કે બિલાડી જેવા પ્રાણીઓ ઘરમાં ગંદકી ફેલાવશે અને ભસીને ત્રાસ આપશે એ વધારાના. વળી, કેટલાક એવો તર્ક પણ આપતા હોય છે કે, પ્રાણીઓને કારણે આપણને પણ બીમારી થવાની સંભાવનાઓ વધી જતી હોય છે. એક રીતે જોવા જઈએ તો આ ત્રણેય દલીલોમાં તર્ક છે. ઘણી વખત ઘરે પાળેલા પ્રાણીઓ ગંદકી ફેલાવતા હોય છે કે, એમનો ભસવા, રડવાનો ત્રાસ વધી જતો હોય છે. જોકે આ બધી બાબતો પણ ત્યારે જ સાચી ઠરે જ્યારે પ્રાણીઓને નાનપણથી યોગ્ય તાલીમ આપવામાં આવી નહીં હોય. પ્રાણી ઘરે આવે ત્યારથી એને યોગ્ય તાલીમ આપવામાં આવે તો તેઓ ઘરમાં ગમે ત્યાં ઝાડો-પેશાબ નથી કરતા કે નથી તેઓ અમસ્તી બાબતોએ ભસતા. વળી, ઝાડા-પેશાબની બાબતે તમામ પ્રાણીઓની પોતાની આગવી રીત હોય છે. શ્વાન ક્યારેય ઘરમાં જાજરૂ કરતા નથી. એમને હંમેશાં બહાર જવાની આદત હોય છે. એટલે ક્યાં તો તેઓ એમના કેર ટેકરની સાથે બહાર જતા હોય છે અથવા ઘરમાંથી બહાર નીકળવાની વ્યવસ્થા હોય તો તેઓ એકલા પણ એ કામ કરી આવતા હોય છે.
તો મનસ્વી જીવ બિલાડીને શ્વનોની જેમ બહાર રખડપટ્ટી કરવાનું પસંદ નથી હોતું. દેશી બિલાડી હોય તો દિવસમાં એકાદવાર બહાર આંટો મારી આવે તો ઠીક બાકી, ઉંચી નસલની બિલાડીઓ સામાન્ય રીતે એવું કરતી નથી. આખો દિવસ ઘરમાં જ રહેવા છતાંય બિલાડીઓની એ ખાસિયત હોય છે કે, તેઓ ઘર ગંદુ કરતી નથી. એક ટબમાં તમે એમને થોડી રેતી મૂકી આપો અને રેતીવાળા એ ટબને ઘરની બાલ્કનીમાં કે ઘરમાં જ કોઇક ખૂણે મૂકી દો તો મીંદડી બહેન આપોઆપ એમના સમયે એ ટબમાં જાજરૂ-પેશાબ કરશે અને પોતાની આગવી મેનરિઝમ મુજબ એ જાજરૂ-પેશાબ પર ટબમાંની ધૂળ ઢાંકી દેશે. હા, એ ખરું કે, દર ચાર-પાંચ દિવસે તમારે એ ટબને બહાર ખાલી કરવા જવું પડે. પરંતુ જો તમે પ્રાણીઓને ચાહતા હો તો આટલું જ તો કરવું જ પડે.
પ્રાણીઓને કારણે થતી બીમારીઓ વિશે વાત કરીએ તો એ બાબત પણ કેર-ટેકરની જીવનશૈલી અને પ્રાણીઓ પ્રત્યેના વ્યવહાર પર જ આધાર રાખે છે. જો કેરટેકર માત્ર શોખ ખાતર પ્રાણીને ઘરે લઈ આવ્યો હશે અને પ્રાણીના ખોરાક અને સ્વાસ્થ્ય તેમજ એની સ્વચ્છતા બાબતે કોઇ ધ્યાન નહીં આપતો હોય તો સ્વાભાવિક છે કે, પ્રાણી બીમાર પડવાનું. અને એની બીમારી ગંભીર હશે કે, એને કોઇ જંતુજન્ય રોગ હશે તો એની અસર તમારા સ્વાસ્થ્ય પર પણ પડવાની. પરંતુ આવું પણ ત્યારે જ શક્ય છે, જ્યારે તમે પ્રાણીની યોગ્ય સારસંભાળ નહીં રાખો. બાકી, જો તમે પ્રાણીને યોગ્ય રસીઓ મૂકાવી હશે અને દર ત્રણ મહિને એમનું રુટિન ચેકઅપ કરાવતા રહેશો તો તમારા પ્રાણીઓ ક્યારેય બીમાર પડવાના નથી. અને એમની બીમારી તમારા સ્વાસ્થ્ય પર પણ કોઇ અસર કરવાની નથી.
જો આવી કેટલીક બાબતો સાથે યોગ્ય મેળ પડી જાય તો ઘરમાં પ્રાણી રાખવું અત્યંત આસાન થઈ જાય છે. વૈજ્ઞાનિક રીતે પણ અનેક સંશોધનો એવું કહી રહ્યા છે કે, ઘરમાં પ્રાણી હોય તો માણસનું સ્વાસ્થ્ય સારું રહે છે. માણસને એક એવો કમ્પેનિયન મળી જાય છે, જે કમ્પેનિયન એને કોઇ પણ પ્રકારની ગણતરી વિના, કોઇ પણ પ્રકારની કન્ડિશન વિના પ્રેમ કરે છે. એ તમારી એકલતાને દૂર કરે છે અને પોતાની ધમાલ મસ્તીથી તમારા સ્ટ્રેસમાં પણ ઘટાડો કરે છે. કહેવાય છે કે, તમારો મૂડ ગમે એટલો ખરાબ હોય તો પણ પ્રાણીઓ એને ઠીક કરી દે છે અને તમને પ્રસન્ન કરી દે છે. એક સંશોધન તો એમ પણ કહે છે કે, જેમના ઘરે પ્રાણીઓ હોય કે, જેઓ પ્રાણીઓ સાથે દિવસનો થોડોઘણો સમય પસાર કરતા હોય એમનું બ્લડપ્રેશર નોર્મલ રહે છે. પ્રાણીઓ પોતે અત્યંત ચંચળ હોય છે એટલે એમની ચંચળતાને કારણે તમે પણ એક્ટિવ રહો છો. ક્યારેક એમની સાથે ધમાલ મસ્તી કરવામાં કે એમની સાથે દોડવામાં અપણી કસરત પણ થઈ જતી હોય છે, જેના આપણને ઘણા ફાયદા થતાં હોય છે.
અલબત્ત, આવું લખીને અહીં એમ કહેવાનો આશય નથી કે, ઘરમાં પ્રાણીઓ લાવશો તો જ તમે સુખી થશો. તમને પ્રાણીઓ સાથે ફાવતું નહીં હોય અથવા જો તમે એમને સમય નહીં આપી શકતા હોય તો પ્રાણી ઘરમાં ન લાવો એ જ તમારું યોગ્ય પગલું કહેવાય. પણ જો તમને પ્રાણી પ્રત્યે જરા સરખો લગાવ હોય કે, એમને થોડાઘણાય ચાહતા હો તો તમારે પ્રાણીઓના સહવાસમાં રહેવું જોઈએ. આપણે એમને આપેલા પ્રેમના બદલામાં તેઓ આપણને પાંચ ગણો પ્રેમ પરત કરતા હોય છે. તેઓ આપણું જીવન હર્યુંભર્યું કરી દેતા હોય છે.
પ્રિય વાચકો,
હાલ પૂરતું મેગેઝીન સેક્શનમાં નવી એન્ટ્રી કરવાનું બંધ છે, દરેક વાચકોને જૂનાં લેખો વાચવા મળે તેથી આ સેક્શન એક્ટિવ રાખવામાં આવ્યું છે.
આભાર