લાલુ અને જૉલી

31 Jan, 2017
12:00 AM

અંકિત દેસાઈ

PC: khabarchhe.com

ઘણા લોકોના ઘરે શ્વાન રખાતા હોય છે, પરંતુ એ શ્વાનને ઘરે રાખવાના બધાના હેતુ જુદાજુદા હોવાના. કોઈને પોતાના ઘર-વાડી કે મિલકતની રક્ષા કરવા માટે શ્વાન જોઈતા હોય તો કોઈ અમસ્તા અન્યોને જોઈને પણ રાખે. માત્ર વટ ખાતર પ્રાણીઓને ઘરે રાખનારાઓ પણ આ લખનારના ધ્યાને ચઢેલા છે, જેમણે ઘરે રાખેલા જીવોની યોગ્ય કાળજી ન રાખીને રીતસરના ભૂખે માર્યા છે. પણ માત્ર ચાહત ખાતર નિર્હેતુક મૈત્રી કરીને શ્વાનો-પ્રાણીઓને ચાહનારા ઘણા ઓછા હોય છે. હિમાંશી શેલત એમાંના જ એક છે, જેમણે પ્રાણીઓને સ્વાર્થ ખાતર, વટ પાડી દેવા કે ઘર-સંપત્તિની રક્ષા ખાતર નહીં, પરંતુ એ પ્રાણીઓની આંખોની આર્દ્રતા અને એમનો સ્નેહ એમની તરફ આકર્ષતા રહ્યા છે અને એટલે તેઓ સતત પ્રાણીઓના સહવાસમાં રહ્યા છે.

ગયા સપ્તાહે આપણે વાયદો કરેલો કે, આ વખતનીટેક ઈટ ઓર લીવ ઈટમાં આપણે હિમાંશી શેલતની સ્મરણકથાવિક્ટર’ના શ્વાનો વિશે રજૂ કરાયેલા સ્મરણો વિશે વાતો કરીશું. બિલાડીઓની જેમ જ હિમાંશી શેલતના સુરતના બે અને વલસાડનું એક એમ ત્રણેય ઘરે શ્વાનોની પણ ઘણી અવર-જવર રહેતી, જોકે મોટભાગના શ્વાનોને બહાર ફરવાની આદત હોય એટલે એ બધા જમવાના ટાઈમે એમના ઘરે આવે અને મન થાય તો દિવસમાં એકાદ વખતકેમ છો? મજામાં?’ કરી જાય, પણ એ બધા કંઈ બિલાડીઓની જેમ ઘરે ધામા નહીં નાંખે. જોકે એમાં એકલ-દોકલ એવા કિસ્સા પણ ખરાં કે, બહારથી આવી ચઢેલા શ્વાનો ફરી પોતાની દુનિયામાં જવાનું ટાળે અને હિમાંશીબેનના ઘરે જ કાયમી આશ્રય લે! એમાંનો એક એટલેલાલુનામનો દેશી શ્વાન, જે એમના સુરતના ઘરે આવી ચડેલો અને મર્યો ત્યાં લગણ એમની સાથે રહ્યો.

લાલુ વિશે લખેલા સ્મરણમાં હિમાંશીબહેન પોતે અવઢવમાં પડે છે કે, આ લાલુને માત્ર લાલુ જ કહેવો કે એની કરતૂત અને દેશી ઢબની જીવન શૈલીને હિસાબેલાલિયોકહેવો? આ કારણે જવિક્ટરમાંના એ પ્રકરણનું નામલાલુના, લાલિયોઅપાયું છે, જેમાં હિમાંશીબેને રજૂ કરી છે એ મનસ્વી શ્વાનની વિશેની અત્યંત રસપ્રદ વાતો. ક દિવસ લાલુશેઠ અમસ્તા જ હિમાંશીબેનના ઘરે આવી ચડેલા અને આવ્યા એવા એમણે કંઈક ખાવાની ઈચ્છા વ્યક્ત કરેલી. નસીબજોગે એ જે ઘરે આવી ચડેલો એ ઘર પણ પ્રાણીઓ કે આગંતુકોની આગતાસ્વાગતા કરવામાં કંઈ પાછું પડે એવું નહીં એટલે લાલુભાઈની યોગ્ય સરભરા થઈ અને એના કાને સહેજ વાગ્યું હતું એની પણ ચાકરી થઈ.

શરૂશરૂમાં તો લાલુ માત્ર જમવાના ટાઈમે જ હિમાંશીબેનને ત્યાં આવતો. સ્મરણકથામાં લખાયું છે એમ, સાડાસાત-પોણા આઠની વચ્ચેના ચોક્કસ સમયે લાલુ ત્યાં આવે અને ભાણું પતાવી ફરી પોતાની દિશામાં ફંટાય. એકાદ દિવસને એને આ બાબતે થોડી ગિલ્ટ અનુભવાઈ હશે કે, ‘ભલે આપણે રખડાં કૂતરા અને આપણા બાપ-દાદાનો ઈતિહાસ પણ કંઈ વખાણવાલાયક નહીં, પરંતુ તોય આ રીતે ખાઈને ચાલતા થવાની નગુણાઈ તો માણસને જ શોભે, આપણા જેવા વફાદારોને નહીં…’ એટલે લાલુભાઈએ એમના નિત્યક્રમ અને જીવનશૈલીમાં ધરખમ સુધારો આણ્યો અને હિમાંશીબેનને ત્યાં જ કાયમી પડાવ નાંખવાનું નક્કી કર્યું અને ઘરની ચોકી કરવાનું કે ઘરના સભ્યોને સાથ આપી એમને આનંદ કરાવી પોતાનો રોટલો રળવાનું શરૂ કર્યું.

આ લાલિયાને એવી ટેવ કે, એને હિમાંશીબેન સાથે એમની કૉલેજમાં જવા જોઈએ. હિમાંશીબેનના ઘર અને એમ.ટી.બી. કૉલેજ વચ્ચેનું અંતર સાવ નજીવું એટલે હિમાંશીબેન પગપાળા જ કૉલેજ જાય અને આ તરફ લાલિયાને પ્રાણ જાય, પણ સાથ ન જાયનું ચેટક, એટલે એને સતત હિમાંશીબેનની સાથે રહેવા જોઈએ, જેને કારણે હિમાંશીબેને અનેક વખત ભોંઠા પડવાનો વારો આવેલો અને આ લખનારને તો એવી પણ જાણકારી મળેલી કે, લાલિયાને કારણે હિમાંશીબેને અન્ય અધ્યાપકોના ઠપકા પણ સાંભળવા પડેલા!

પહેલી વખત લાલિયો કૉલેજ પહોંચી ગયેલો એ વિશે હિમાંશીબેને ખૂબ મજેદાર શૈલીમાં વર્ણવ્યું છે, એ વિશે આપણે એમના જ શબ્દોમાં વાંચીએઃ

હું નોકરી કરવા નજીકની જ કૉલેજમાં જાઉં છું એવી એને એક દિવસ ખબર પડી ગઈ. તે દિવસે એ ચૂપચાપ મારી પાછળપાછળ આવતો રહ્યો. ઘરથી કૉલેજનો માંડ પાંચ-સાત મિનિટનો રસ્તો. હું તો પહોંચીને તરત વર્ગમાં ગઈ. અંગ્રેજીનો વિષય અને હાજરી પૂરવાનું કામ ચાલે, ત્યાં તો બારણામાંયસ મૅડમકહેતો લાલિયો! મને ખોળી કાઢ્યાના ઉલ્લાસમાં એ થનગન નાચતો હતો. હરખનો ઉછાળ એના શરીરમાં સમાય નહીં એટલો. મને જોઈ એટલે સામે બેઠેલા એંસી-નેવું છોકરાંઓને નજરઅંદાજ કરી એ તો આવી ગયો પ્લેટફોર્મ પર અને ખુરશીની જોડાજોડ ગોઠવાઈ ગયો. હવે જખ મારે છે આખી દુનિયા, એવો ભાવ એના ચહેરા પર. હું અકળામણમાં સ્તબ્ધ - અવાક્. ‘પાછો જાનો હુકમ માને એવો આજ્ઞાંકિત તો એ હતો નહીં! વર્ગ પૂરો થયો અને મેં જેવા ચૉક-ડસ્ટર હાથમાં લીધા કે કાન ફફડાવી ઍટેન્શનની મુદ્રામાં લાલિયો તૈયાર. મારી પાછળપાછળ ચાલવા લાગ્યો. આ દિવસ પછી એની ઘુસણખોરી વધતી ગઈ અને કૉમન-રૂમ, લાઈબ્રેરી અને આખું કૅમ્પસ- સર્વત્ર એમેડમના કૂતરાતરીકે ઓળખાવા માંડ્યો.’

કૂતરાની હાજરી બધે સર્વપ્રિય હોય નહીં, એટલે કૉલેજમાં લાલિયો સાથે હોય ત્યારે હિમાંશીબેન માટે થોડી વિકટ પરિસ્થિતિ પણ સર્જાતી, જેને કારણે લાલુ કૉલેજ નહીં આવી શકે એ માટે તેઓ અનેક પેંતરા રચતા, પણ માને એ બીજા, લાલિયો નહીં! લાખ યુક્તિઓ પછી પણ લાલજી તો એમનું ધારેલું જ કરે અને કૉલેજમાં હિમાંશીબેન જ્યાં હોય ત્યાંથી એમને ખોળી કાઢે! જોકે આ જ લાલિયાના મૃત્યુ પછી હિમાંશીબેન માટે એકલા કૉલેજ જવું દુષ્કર થઈ પડેલું. એમણે લખ્યું છે, ‘દિવસો સુધી હું ડોક ફેરવીફેરવીને જોતી રહી કે ક્યાંક લાલિયો આવતો નથી ને પાછળ પાછળ…’

લાલિયા જેવો જ એક અલગારી જીવ જૉલી, જે હિમાંશીબેનને વલસાડમાં મળેલો. હિમાંશી શેલત અને વિનોદ મેઘાણીએ વલસાડમાં એમનુંસખ્યસજાવ્યું પછી આ જોલી એમને સૌથી પહેલો મળેલો. શિયાળાની કોઈક સવારે વાંકી નદીને કાંઠે ટહેલતા હિમાંશીબેન અને વિનોદભાઈ સામે ઊભેલા પારનેરાને જોઈ રહ્યા હતા, ત્યારે આલ્સેશિયન જેવો દેખાતો મળતાવડા સ્વભાવનો જૉલી ત્યાં આવી ચઢ્યો અને આવતાવેંત હિમાંશીબેન સાથે જાણે એને વર્ષોની ઓળખાણ હોય એવી આત્મીયતાથી એમની સાથે રમવા માંડ્યો. સ્મરણકથામાં હિમાંશીબેને એના નામ સંદર્ભે લખ્યું છે કે, ‘વહેલી સવારે નરવા આનંદની ભેટ ધરનાર આ કૂતરાને અમે ‘જૉલી’ કહેવાનું રાખ્યું, એ હતો પણ ‘જૉલી ગુડ ફેલો. ચોપગા દોસ્ત માટે તલસતા મારા જીવને એ દેવનો દીધેલ જ લાગ્યો.’

આસમાનમાંથી ટપક્યો હોય એવો જૉલી તો આવતાવેંત હિમાંશી શેલત અને વિનોદ મેઘાણી સાથે ગોઠવાઈ ગયો અને એમના ‘સખ્ય’ની સામેના ઘાસિયા પ્લોટમાં એણે રહેવાનું શરૂ કર્યું. ‘સખ્ય’માં આવ્યા પછી હિમાંશી શેલત અને વિનોદ મેઘાણીએ સ્વતંત્રપણે અને સાથે મળીને અનેક પુસ્તકો, અનુવાદો અને સંપાદનો આપ્યા. આ ઉપરાંત એ બંને ‘નંદિગ્રામ’માં મકરંદ દવે અને કુન્દનિકા કાપડીયા સાથે કેટલીક પ્રવૃત્તિઓમાં પણ પરોવાયેલા. આવે ટાણે એમણે ઘરને એકલું મૂકીને ક્યાંક બહાર જવું પડતું, પણ જૉલી તો જાણે સેલ્ફ અપોઈન્ટેડ સિક્યુરિટી ગાર્ડ હોય એમ સામેના પ્લોટમાં બેઠો બેઠો ‘સખ્ય’ પર બરાબર નજર રાખે અને કોઈક આગંતુક આવી ચઢે તો આતિથ્યની બધી રીતો ભૂલી એમના પર ખૂબ ભસે. આવું એણે સતત બે-અઢી મહિના કર્યું.

જોકે એક વાર હિમાંશીબેન અને વિનોદભાઈ ક્યાંકથી ફરીને આવ્યા ત્યારે જૉલીનો પત્તો નહીં. આસપાસમાં ક્યાંક ગયો હશે એવું માની એમણે થોડો સમય રાહ જોઈ, પણ જૉલીના કોઈ સમાચાર નહીં. સાંજે એમણે આમતેમ તપાસ પણ કરી જોઈ, પરંતુ જૉલી ન જડ્યો એ ન જ જડ્યો. કોઈએ એમને વાવડ આપ્યા કે, બે છોકરીઓ જૉલીને બાંધીને લઈ ગઈ છે. એવામાં રાત થઈ ચૂકી હતી એટલે રાત્રે જૉલીને શોધવાનો કોઈ અર્થ નહોતો, પરંતુ બીજા દિવસે વહેલી સવારે વિનોદ મેઘાણી જૉલીને શોધવા નીકળી ગયા, જ્યાં એક બંગલોની બહાર જૉલીને કોઈએ બાંધેલો હતો!

સવારનો સમય હતો એટલે ત્યાં કોઈની સાથે લમણાં લેવાનો અર્થ નહોતો, પણ વિનોદભાઈએ જૉલીને મુક્ત કર્યો અને પોતાની સાથે ‘સખ્ય’ પર લઈ આવ્યા. છેલ્લા અઢી મહિનાથી આ ત્રણેય જીવોનો નિત્યક્રમ એવો કે, વહેલી સવારે એ ત્રણેય ઘરથી થોડે દૂર વાંકી નદીના કિનારે ફરવા નીકળે અને એકબીજા તેમજ પ્રકૃતિ સાથે ખૂબ ઉત્તમ સમય પસાર કરે. જૉલી ઘરે આવ્યો એટલે એ ત્રણેય ફરી વાંકીને કાંઠે ગયા અને હજુ તો ત્યાં પહોંચ્યા જ કે, ફરીથી એક છોકરી હાથમાં સાંકળ લઈને આવી. અને ‘ઝેનિથ’ નામે બૂમ પાડીને જૉલીને એણે પોતાના તરફ બોલાવી લીધો.

જૉલી પણ કહ્યાગરા કંથની જેમ પોતાના નામની બૂમ પડતા જ ત્યાં જઈ પહોંચ્યો અને એણે ગળે સાંકળ બંધાવી લીધી! ત્યારે હિમાંશીબેન અને વિનોદભાઈને ખબર પડી કે, તેઓ જેમને જૉલી કહીને બોલાવતા હતા એ તો ઝેનિથ નીકળ્યો અને એ ગલૂડિયું હતું ત્યારથી એ બહેનો સાથે રહેતો હતો. પણ એ જીવને સાંકળે બંધાવાનું પસંદ નહોતું અને હવાફેર માટે એને બહાર રખડવાનું ખૂબ માફક આવતું, એટલે ભાઈસાહેબ આ રીતે ચાલી નીકળેલા!

જૉલી ઉર્ફે ઝેનિથ જ્યારે એ દીકરી સાથે નીકળી ગયો ત્યારે હિમાંશીબેને એના વર્તન વિશે લખ્યું, ‘જીવ તો કપાઈ ગયો. હતાશ બની જવાયું. આવો મજાનો દોસ્ત હવે ચાલ્યો જવાનો હતો. છતાં આમાં બીજું કંઈ કરી શકાય એમ નહોતું. ‘ચાલ ઝેનિથ’, એમ પેલી છોકરીએ કહ્યું એટલે ઝેનિથભાઈ ચાલવા માંડ્યો. આ કૂતરો તો પાક્કો ફિલોસોફર નીકળ્યો! બધી માયા ખંખેરી એણે તો ધામા ઉઠાવી લીધા અને અમારી સામે એક પ્રેમભરી નજર ફેંકી ચાલ્યો ફટાફટ પેલી છોકરી સાથે એના ઘર તરફ…’

ઝેનિથ તો ત્યાર પછી પણ એને મન થાય ત્યારે ‘સખ્ય’ તરફ આવતો રહેલો. હિમાંશીબેનના પ્રિય શ્વાન વિક્ટરના આક્સ્મિક અવસાન પછી જાણે વિક્ટરની ખોટ પૂરવા આવ્યો હોય એમ નિયમિત ખબર અંતર માટે આવતો. જોકે પહેલાની જેમ એણે ‘સખ્ય’માં ધામા નહોતા નાંખ્યા.

આવતા મંગળવારે લિયો અને વિક્ટર વિશેની વાતો કરીને ‘વિક્ટર’ વિશેની વાતો પૂરી કરીએ.        

પ્રિય વાચકો,

હાલ પૂરતું મેગેઝીન સેક્શનમાં નવી એન્ટ્રી કરવાનું બંધ છે, દરેક વાચકોને જૂનાં લેખો વાચવા મળે તેથી આ સેક્શન એક્ટિવ રાખવામાં આવ્યું છે.

આભાર

દેશ અને દુનિયાના સમાચારથી માહિતગાર થવા તેમજ દરેક અપડેટ સમયસર મેળવવા ડાઉનલોડ કરો Khabarchhe.com એપ અને ફોલો કરો Khabarchhe.com ને સોશિયલ મીડિયા પર.