વિશ્વ મહિલા દિવસઃ ચાલો મર્દ બનીએ!
આ લેખ માત્ર પુરુષો માટે જ છે. મહિલાઓ આ નહીં વાંચીને પોતાના સમયનો ક્યાંક બીજે ઉપયોગ કરશે તો ચાલશે. આજના દિવસે માત્ર મહિલાઓએ જ નહીં, પરંતુ અમારે પુરુષોએ પણ ઘણું શીખવાનું છે. અમારે અમારી રૂટિન લાઈફમાં કેટલીક નાનીનાની બાબતોનું અત્યંત ધ્યાન રાખવાનું છે અને સ્ત્રીઓની બાબતે કેટલીક બાબતોને સમૂળગી ટાળવાની પ્રતિજ્ઞા લેવાની છે. જેથી અમારી આસપાસ જીવતી સ્ત્રીઓ કમ્ફર્ટેબલ રહી શકે અને એમને એમના ભાગના આકાશમાં મુક્તમને ઉડવાની તક મળે.
આપણે વેલ સિવિલાઈઝ્ડ થયાં અને જીવનની અનેક બાબતો પ્રત્યે જાગૃત થયાં હોવા છતાં સ્ત્રીઓની બાબતે હજુ જોઈએ એટલા જાગૃત નથી થયાં એ મારું પર્સનલ ઑબ્ઝર્વેશન છે. સ્ત્રીઓની વાત આવે છે ત્યારે ભલભલો ભણેલો અને કહેવાતો ઑપન માઈન્ડેડ પુરુષ રિજિડ થઈ જાય છે, એની ઉદારતામાં નિયમાવલી આવી જાય છે અને એનું માનસિક પછાતપણું સરેઆમ સપાટી પર આવી જાય છે. આ બાબતે અપવાદો હોઈ શકે છે, પરંતુ આ ઑબ્ઝર્વેશન સરાસર ગલત તો નહીં જ હોઈ શકે.
જાહેર માર્ગો હોય કે પબ્લિક ટ્રાન્સપોર્ટેશન હોય કે પછી કોઈ ઓફિસ કે કોઈ ફર્મ હોય. એ બધી જગ્યાએ પુરુષને એક પુરુષ સહજ આદત હોય છે કે, એ એની આસપાસની સ્ત્રીઓને ધ્યાનથી નિરખે. પુરુષની આ સહજતા આગળ કોઈ ફરિયાદ નહીં હોઈ શકે કારણ કે, પ્રકૃતિના બે વિજાતિય તત્ત્વો એકબીજા પ્રત્યે આકર્ષિત થાય એ સ્વાભાવિક છે.
પરંતુ ફરિયાદનું કારણ ત્યારે ઊભું થાય છે, જ્યારે એ પુરુષ એની આસપાસની સ્ત્રીઓને કે સ્ત્રીઓના કેટલાક અંગોને વિકૃત નજરે જોતો હોય. અને હદ તો ત્યારે થઈ જાય, જ્યારે એ પુરુષ કોઈક સ્ત્રીના અંગોને જોઈને કોઈક વાહિયાત કોમેન્ટ કરે અને બીજાને તાળી આપીને ખિખીયાટા કાઢે.
દુખની વાત એ હોય છે કે, સ્ત્રીઓ એ વાતે પૂરી માહિતગાર હોય છે કે કેટલીક આંખો એના અંગોનું ઑબ્ઝર્વેશન કરી રહી છે અને કેટલાક કિસ્સામાં તો એને પોતાના વિશે થયેલી કોમેન્ટ સંભળાતી પણ હોય છે, પરંતુ એ કશું બોલતી નથી અને આ તો જાણે સામાન્ય વાત છે એમ માનીને આવી ઘટનાઓને અવગણી દે છે.
રોજ વાપીથી સુરત ટ્રેનમાં અપડાઉન કરતો હોવાને કારણે હું રોજ આવા ભણેલાગણેલા ટપોરીઓની ઈવ ટિઝિંગની કરતૂતો જોતો આવ્યો છું. પુરુષની આવી નજર કે ભદ્દી કોમેન્ટને કારણે કેટલીય સ્ત્રીઓને વિના કોઈ વાંકે શરમ અનુભવતી કે ગભરાઈ જતી જોઈ છે. ભીડનો લાભ લઈને કેટલાક નપાવટોને સ્ત્રીઓ સાથે જાણીજોઈને અથડાતા કે સ્ત્રીઓના શરીરને વારેવારે ટચ કરતા પણ જોયાં છે. આવું બને ત્યારે ઈચ્છા તો એવી થઈ આવે કે, હડકાયા કૂતરાની જેમ એ બધાને બચકાં ભરું અને એમને પીંખીને એમના લીરેલીરા ઊડાવું.
આખરે કોઈને ક્ષોભજનક સ્થિતિમાં મૂકવાનો અધિકાર તમને આપ્યો કોણે? તમારી માતા-બહેન-પત્ની કે દીકરી વિશે ક્યારેય આવી કોમેન્ટ પાસ કરી છે? તો પછી કોઈની માતા-બહેન-પત્ની કે દીકરીને ટાર્ગેટ બનાવવાની તમારી હિંમત કેમ ચાલી? પણ તળાવમાં રહીને મગર સાથે ક્યાં દુશ્મની કરવા બેસવાના? અને આપણું તળાવ તો એટલા બધા મગરોથી ખદબદી રહ્યું છે, કે લડવા પણ કેટલા સાથે જવાના? ઈવ ટિઝિંગને મામલે ટોપલામાંની મોટાભાગની કેરી બગડેલી હોય ત્યારે આ પ્રશ્ન મારામારીનો નહીં, પણ આત્મચિંતન અને સામાજિક ચિંતનનો છે.
સૌ પુરુષોએ એ બાબતે ગહનતાથી વિચારવું પડશે અને બને એટલી ઝડપે આ બાબત અમલમાં મૂકવી પડશે. જો આપણે આપણા ઘરની સ્ત્રીઓની જાહેર સ્થળોએ મુક્તિ અને એમની સલામતી ઈચ્છતા હોઈશું, તો આપણે અન્ય સ્ત્રીઓને પણ માન આપતા શીખવું પડશે અને એમને ખરાબ નજરે નહીં જોતાં એમને પૂરતી સલામતી આપતા શીખવું પડશે.
આવો જ એક પ્રશ્ન છે ઓફિસોમાં સ્ત્રી સહકર્મચારીઓ સાથેના વર્તનનો. ઘણા પુરુષો સ્ત્રીઓને પોતાની બોસ તરીકે કે પોતાની ઉપરી તરીકે સ્વીકારી શકતા નથી. એમાંય જ્યારે સ્ત્રી ઉંમરમાં નાની હોય કે, સ્ત્રીની નોકરીના વર્ષો પુરુષ કરતા ઓછા હોય ત્યારે તો ખાસ. અથવા ઓફિસમાં કોઈક જુનિયર સ્ત્રી સારું પરફોર્મ કરતી હોય તો એ વાત પણ પુરુષોને ખટકી આવે છે. કેમ ભાઈ? આ પાછળના કારણ શું? તો કે, એ ગમે એટલું ભણી હોય કે ગમે એટલી હોશિયાર હોય તોય આખરે તો એ સ્ત્રી જ ને! કોઈ સ્ત્રી પુરુષ કરતા આગળ કઈ રીતે હોય?
આવા કિસ્સામાં પુરુષો એમની સહકર્મચારી સાથે તોછડી ભાષામાં વાતો કરશે અથવા વાતેવાતે એને એના સ્ત્રી હોવાનો કે પોતાના પુરુષ (સામર્થ્યવાન?) હોવાનો અહેસાસ કરાવતા રહેશે. કેટલાક નપાવટો એ સ્ત્રી કર્મચારીની ગેરહાજરીમાં એની મજાક પણ ઉડાવશે.
હજુ એક અંગત અનુભવ લખું તો, થોડા દિવસો પહેલા જ ટ્રેનમાં બે પુરુષોને મજાક કરતા સાંભળેલા. એમની વાતો અને બહાર નીકળેલી ફાંદના હિસાબે એ બંને સરકારી કર્મચારી હશે એવું લાગી રહ્યું હતું. જોગાનુજોગ એ બંનેની ઉપરી અધિકારી કોઈ સ્ત્રીઓ હતી! પહેલા બીજાને કહ્યું કે, ‘અમારા વાળી અમુક બાબતે ઘણી સારી છે. બહુ મગજ નથી ઘસતી.’ તો બીજો પહેલાને કહે, ‘તો તો તું નસીબદાર કહેવાય. બાકી અમારાવાળી વાતે વાતે ફાઈલો ખોલાવે અને એમાંથી માહિતી મગાવે. એણે (ગાળ) તો શું ઓર્ડર કરી દેવાના. પણ અહીં મને કેટલી તકલીફ પડે… વળી, એમાં જો કોઈક ફાઈલ નહીં મળે તો જરા વારમાં તો ગામ ગજાવે. (ગાળ) એક તો બયરાની જાત ને એમાં પાછી લવરી વધારે…’
ત્યાર પછી પણ એ રાક્ષસોએ એમની બોસ વિશેની સાવ ભદ્દી વાતો કરી, જેમાં એક સ્ત્રીને બોસ તરીકે નહીં સ્વીકારવાની એમની માનસિકતા સ્પષ્ટ તરી આવતી હતી. થોડા સમય માટે મન ખિન્ન થઈ ગયું, પણ સમસમીને બેસી રહેવા સિવાય બીજો કોઈ વિકલ્પ નહોતો.
મનમાં વિચાર આવ્યો, જો સરકારી ઓફિસોમાં આ કક્ષાએ વિચારાતું હોય તો પ્રાઈવેટ ફર્મ્સમાં તો સ્થિતિ ક્યાં સુધી જતી હશે? અલબત્ત, કાર્યના સ્થળે સ્ત્રીઓની સુરક્ષા વિશેના કાયદા અને વ્યવસ્થા હોય છે. પણ ઘણો મોટો વર્ગ સ્ત્રીઓની આવી ઉપેક્ષા કરતો હોય ત્યાં ફરિયાદ કોણ કરવાનું અને ન્યાય કોણ તોળવાનું? (ઓફિસમાં) ન્યાય તોળવા વાળાયે કોઈ સીધા હશે ખરા?
આ તો જાહેર સ્થળો કે ઓફિસની વાત થઈ, પણ ઘરોમાં પણ કેટલીક વખત સ્ત્રીઓએ સ્ત્રી હોવાનો અન્યાય ભોગવતા રહેવું પડે છે. કેટલાય પુરુષો પોતાની કમાતી પત્નીની આવક કે ઘર નિભાવવામાં એ આવકની સહાયને ગણતરીમાં લેતા નથી. ‘સ્ત્રીઓ વળી શું કમાવાની? ને શું મદદ કરવાની? ઘરની જવાબદારી તો અમારી જ…’ એવો કૈફ ઘણા પુરુષોના મનમાં હોય છે. જોકે ઉપરની બે સમસ્યા કરતા આ સમસ્યાનું પ્રમાણ ઘણું ઓછું છે.
જોકે તોય આપણે પુરુષો ઘરમાં સ્ત્રીઓને અને એમની અમાપ શક્તિઓને ગણકારવાનું કે એને એપ્રિસિયેટ કરવાનું ચૂકી જતાં હોઈએ છીએ એ વાત પણ એટલી જ સાચી છે. કોઈ એક ઘરમાં સ્ત્રી નોકરી કરતી હોય કે ન કરતી હોય, પણ તોય પુરુષ કરતા સ્ત્રીનું કામ વધારે હોય છે. અને એથીય મહત્ત્વની વાત એ હોય છે કે, ઘરમાં પુરુષ કરતા સ્ત્રીનું કામ ઘણું કપરું હોય છે.
કોઈ સામાન્ય દિવસની સવારથી લઈને સાંજ સુધીની વાત કરીએ તો, સવારે ઊઠ્યાં પછી પુરુષે માત્ર બ્રશ કરીને ચ્હા-નાસ્તો, શેવિંગ કરી અને નહાઈને તૈયાર થવાનું હોય છે. તો સ્ત્રીએ ઊઠીને પોતાના કામોની સાથોસાથ એના પતિ-બાળકો કે ઘરના અન્ય સભ્યો માટે ચ્હા-નાસ્તા બનાવવાના હોય, બધાને ઊઠાવડાના હોય, ઉઠાડ્યા પછી બધા વારાફરતી નાહી લે એ માટેની તૈયારી કરવાની હોય, બધાને હાથમાં રૂમાલ અને ઓફિસના કપડાં આપવાના હોય, જો છોકરાં નાના હોય તો વળી એમને નવડાવીને તૈયાર કરાવવાના હોય, વળી એ સ્કૂલે જવાના હોય તો એમના ટિફિન તૈયાર કરવાના હોય અને એ બધામાંથી પરવારીને પોતાની ઓફિસની તૈયારી કરવાની હોય.
પછી પણ દિવસ ઘરના કામો કે ઓફિસની રામાયણોમાં જાય અને સાંજે થાકીને ઘરે આવે એટલામાં ડિનરની તૈયારી કરવાની હોય. ઈનશોર્ટ સવારે પાંચથી રાતના અગિયારના ગાળામાં ઘરની સ્ત્રીઓ સતત કોઈને કોઈ કામમાં રોકાયેલી હોય છે અને પુરુષો કરતા અનેક ગણો માનસિક અને શારીરિક શ્રમ કરતી હોય, જેની તેઓ નાનકડી ફરિયાદ સુદ્ધાં નથી કરતી.
ચ્હા-નાસ્તો કરવા અને ચ્હા-નાસ્તો બનાવવા વચ્ચેની ભેદરેખા જે પુરુષ સમજતો હશે એ પુરુષ ઉપરની વાતોનો મર્મ સમજી ગયો હશે કે, મારે સ્ત્રીની કઈ હાલાકીઓની વાત કરવી હતી. પણ જે નથી સમજી શકતા એવા લોકો જ પછી ‘પાણી લઈ આવ.’ કે ‘દરવાજો ખોલ’ કે ‘ટીવીનું રિમોટ આપી જા’ કે ‘બેડરૂમમાંથી મોબાઈલ લઈ આવ’ જેવા નાનીનાની વાતે ઓર્ડર કરતા રહેતા હોય અને ઘરની સ્ત્રીઓને ટોકટોક કર્યા કરતા હોય.
સ્ત્રીઓની મહાનતા જ એ છે કે, પોતે રસોડાના કામોમાં વ્યસ્ત હોવા છતાં કે આખો દિવસ દોડાદોડી કરીને એનું શરીર તૂટી ગયું હોવા છતાં પુરુષની એક બૂમે બીજા દિશામાં દોડે છે અને એનું કામ પતાવી આપે છે.
મજાની વાત એ છે કે, ટીવીના રિમોટથી લઈને પોતાના ખોરાક સુધીની બાબતમાં પુરુષ સ્ત્રી પર આધાર રાખતો હોવા છતાં એના મનમાં એક વિચાર રમતો હોય છે કે, ‘આ બાઈ મારા પર આધારિત છે’ કે ‘હું નહીં હોઉં તો આ બાઈ રખડી મરશે!’
ખરેખર પુરુષે એ વિચારે થથરી જવું જોઈએ કે, ‘જો આ સ્ત્રી મારા જીવનમાં નહીં હોય તો મારું શું થશે?’ આવું વિચારીને એણે સ્ત્રીનો આભાર માનવો જોઈએ અને આભાર નહીં માને તોય કંઈ નહીં પરંતુ પોતાની નાનીનાની બાબતો માટે સ્ત્રીને દોડાવવાનું બંધ કરી દેવું જોઈએ. અને ઘરમાં એમને થોડીઘણી મદદ કરીને એમનું કામ ઘટાડવામાં મદદ કરવી જોઈએ.
આટલો નારીવાદ તો કોઈ પણ પુરુષે સ્વીકારી લેવો જોઈએ. આવો નારીવાદ સ્વીકાર્યા વિના પુરુષને મર્દ કહી શકાય નહીં. મર્દાનગીનું સૌથી મોટું પ્રમાણ જ એ કે, પુરુષને સ્ત્રીની શક્તિ, એના સામર્થ્યની કદર હોય અને એને સ્ત્રીનું સન્માન હોય. આજે મહિલા દિવસનું નિમિત્ત છે તો ચાલો આપણે સૌ પુરુષો આજથી કેટલીક નાની પરંતુ અતિમહત્ત્વની બાબતો પર ધ્યાન આપવાનું શરૂ કરીએ. જાહેર સ્થળોએ સ્ત્રીઓની અમાન્યા જાળવીએ, વર્ક પ્લેસ પર એમને પૂરતું સન્માન આપીએ અને ઘરમાં એમના કામની કદર કરીને એમને એપ્રિશિએટ કરીએ. મર્દ તો ખાનદાન હોય છે તો આટલી મર્દાનગી અને ખાનદાની તો આપણે બતાવી જ શકીએને? શું કહો છો?
પ્રિય વાચકો,
હાલ પૂરતું મેગેઝીન સેક્શનમાં નવી એન્ટ્રી કરવાનું બંધ છે, દરેક વાચકોને જૂનાં લેખો વાચવા મળે તેથી આ સેક્શન એક્ટિવ રાખવામાં આવ્યું છે.
આભાર