ઊનાકાંડઃ આયનો આપણી સામે છે

26 Jul, 2016
12:05 AM

mamta ashok

PC:

ઊનામાં દલિત અત્યાચારની ઘટના પ્રકાશમાં આવી પછી રાજકારણ ખૂબ ગરમાયું અને વિવિધ રાજકીય પક્ષોના રાષ્ટ્રીય સ્તરના નેતાઓ ઊનાકાંડના પીડિતોની મુલાકાત લઈ ગયા. કોઈ પોકળ સહાનુભૂતિનો પ્રસાદ વહેંચી ગયું તો કોઈ મોદીના તથાકથિત ‘ગુજરાત મોડેલ’ પર માછલાં ધોઈ ગયું. અન્ય કેટલીક ઘટનાઓ બાબતે જે બને છે એ રીતે આ ઘટનાને લઈને પણ ખૂબ ઉહાપોહ મચ્યો, હજુ મચી રહ્યો છે અને એ બધી ઘટનાની જેમ કાલ ઊઠીને ઊના કાંડ પણ ભૂલાઈ જશે. અંગતરીતે હું એવું માનું છું કે, ગુજરાત વિધાનસભાની સાથે ઉત્તરપ્રદેશ જેવા રાજ્યોમાં ચૂંટણી નજીક છે એટલે ઊના મામલો ઘણો ઊંચકાયો, બાકી માયાવતી, કેજરીવાલ કે રાહુલ ગાંધી જેવા નેતાઓને આમાં જરા સરખોય રસ પડ્યો ન હોત. ગુજરાત સહિત દેશભરમાં અનેક જગ્યાએ શોષણ અને યાતનાના આવા અનેક કિસ્સા હરરોજ બનતા રહેતા હોય છે, એ બધામાં કંઈ આ બધા નેતાઓ મુલાકાતે પહોંચી જતા નથી. પણ અહીં ભાજપ સરકાર અને નરેન્દ્ર મોદીને ભીંસમાં લેવાની સુવર્ણ તક હતી, જેને ઝડપી લેવા એ બધા મારતેઘોડે ગુજરાત આવ્યા.

ખૈર, બગાસું ખાતા મોઢાંમાં પતાસું પડી જાય અને સત્તાપક્ષને ખરીખોટી સંભળાવવાની તક મળી જાય તો સ્વાભાવિક છે કે, કોઇ પણ રાજકીય પક્ષ ઊના જેવી તકને જતી ન કરે. એટલે ઊના સંદર્ભે જે રાજકીય ખેલ ચાલી રહ્યો છે એને બહુ ધ્યાનમાં લેવા જેવો નથી. પરંતુ સામાજિક રીતે ઊનાકાંડ ઘણી અહેમિયત ધરાવે છે. સજ્જ નાગરિક તરીકે કે કહેવાતા સભ્ય સમાજના સદસ્ય તરીકે આપણા મનમાં એ પ્રશ્ન જરૂર ઊઠવો જોઈએ કે, ઊનાની ઘટના તો એક અંશમાત્ર છે, પરંતુ આપણા સમાજમાં, આપણી આસપાસ માણસોના શોષણની અનેક ઘટનાઓ બની રહી છે અને સરેઆમ બની રહી છે, તો એ ઘટનાઓ ઘટવાના કારણ શું? વળી, ક્યાંક પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે આપણે પોતે પણ એમાં સંડોવાયેલા નથી ને?

ઊનાની ઘટનાએ ફરી એકવાર આપણી આંખ સામે આયનો ધરી દીધો છે, જે આયનામાં આખા સમાજના કપડાં ઉતરી ગયેલા જણાય છે. આજકાલ ફરીથી આપણા સમાજમાં પ્રવર્તી રહેલી વર્ણવ્યવસ્થા વિશેના થોકબંધ અહેવાલો વાંચવા મળી રહ્યા છે, જે અહેવાલો એ બાબતની પુષ્ટિ કરે છે કે, માણસ તરીકે આપણે હજુ કેટલા પછાત છીએ અને સામાજિક સમાનતા કે સમરસતાના આપણા દાવા કેટલા પોકળ છે.

દેશના બીજા રાજ્યોની આપણે વાત નથી કરવી. માત્ર ગુજરાતની જ વાત કરીએ. ‘BBC’ના પત્રકાર વિનીત ખરેના એક અહેવાલમાં જાણવા મળ્યું કે, અમદાવાદના ‘નવસર્જન’ ટ્રસ્ટે એક વિદેશી સંસ્થા સાથે મળીને ગુજરાતના 1589 ગામડાની સામાજિક સ્થિતિનો અભ્યાસ કરેલો અને એ અભ્યાસ બાદ જે તારણો આવ્યા એ અત્યંત ચોંકાવનારા હતા. ‘નવસર્જન’નો રિપોર્ટ કહે છે કે, આપણે ત્યાં દલિતો સાથે વિવિધ 98 પ્રકારે આભડછેટ કરવામાં આવે છે!

આ ઉપરાંત એ અભ્યાસ એમ કહે છે કે, 98.1 ટકા ગામડામાં દલિતો ભાડાના મકાનમાં રહી શકતા નથી. 97.6 ટકા ગામડામાં દલિતો સુવર્ણોના વાસણને અડી શકતા નથી, જેને કારણે 67 ટકા ગ્રામ પંચાયતોમાં દલિત સભ્યોના ‘દલિત ગ્લાસ’ અલગ રાખવામાં આવે છે. આ તો ઠીક ગામડામાં આવેલી નાની-મોટી રેસ્ટોરાં કે ચ્હાની લારીઓ પર પણ દલિત ગ્રાહક માટેની થાળીઓ કે ચ્હાના કપ અલગ રાખવામાં આવે છે અને કેટલીક જગ્યાએ તો દલિતોએ પોતે જ પોતાના વાસણો પણ ધોવાના!

‘નવસર્જન’ના રિપોર્ટમાં માત્ર ગુજરાતના ગામડાંની સામાજિક સ્થિતિના અભ્યાસ વિશે જાણવા મળ્યું છે, પરંતુ શહેરોની સ્થિતિ પણ કંઈ વખાણવા જેવી નથી. શહેરોમાં પણ દલિતોના વિસ્તારો હંમેશાં અલગ જ જોવા મળ્યાં છે કે સફાઈકામદારોની કારણ વિના  ધોલધપાટો ધ્યાનમાં આવી છે. આર્થિક કે શૈક્ષણિક રીતે સદ્ધર એવા કોઈ દલિતને સવર્ણોની વસાહતોમાં ઘર નથી અપવામાં આવતા, જે બાબતના એક કરતા અનેક ઉદાહરણો આપણી પાસે મોજૂદ છે.

સામાજિક ઐક્ય સધાય અને દલિતો કે કહેવાતી નીચલા વર્ગની કોઈ પણ જાતિના લોકો સવર્ણોના અત્યાચારનો ભોગ ન બને એ માટે કાયદાકીય રીતે આપણે ત્યાં એટ્રોસિટીથી લઈને અનામત સુધીની વ્યવસ્થા રાખવામાં આવી છે. પરંતુ દેશભરના દલિતો કે નીચલી જાતિમાંથી આવતા લોકોની સ્થિતિ જોઈએ તો આપણને ખ્યાલ આવશે કે, અનામત કે એટ્રોસિટી જેવી વ્યવસ્થા ઘણે અંશે નિષ્ફળ ગઈ છે. જાણીતા પત્રકાર અને કૉલમનિસ્ટ મેહુલ મંગુબેન આ બાબતે કહે છે, ‘રાજ્યભરમાં એટ્રોસિટીના જે કેસ થાય છે એમાં કેટલા આરોપીઓને એટ્રોસિટીના કાયદા મુજબની સજા થઈ છે એના આંકડા મેળવવામાં આવે તો ખ્યાલ આવે કે, આ એટ્રોસિટીનો અમલ કઈ રીતે થાય છે.’ ઈનશોર્ટ એટ્રોસિટીના કલમોને ઘોળીને પી જવામાં આવી છે એમ કહી શકાય. મેહુલ મંગુબેન તો છાતી ઠોકીને કહે છે કે, જો એટ્રોસિટીના દોષીઓને એટ્રોસિટી હેઠળની સજા કરવામાં આવે તો માત્ર બે વર્ષના ગાળામાં દલિતો પરના અત્યાચારોમાં સીત્તેર-એંસી ટકાથી વધુ ઘટાડો થઈ શકે. પરંતુ આ બાબતે નથી તો સરકારોને કંઈ પડી કે નથી તંત્રને દલિતોની કોઇ ચિંતા, જેને કારણે બારોબાર સમાધાન થઈ જાય છે.

ભૂલમાં તમને કોઈ અડી જાય ત્યારે તરત એ નહાવા દોડે કે, ઑટો કે ટ્રેનમાં કોઈ તમારી બાજુમાં બેસવા તૈયાર ન થાય અથવા ઑફિસ કે કામની જગ્યાએ તમારા માટે અલગ વાસણો રાખવામાં આવે અને રોજબરોજના જીવનમાં તમને માત્ર તમારી જાતિને કારણે નાની-મોટી બાબતોમાં અપમાનિત કરવામાં આવે ત્યારે માણસ જીવવું ખરેખર મુશ્કેલ થઈ જાય છે. ગુજરાતના ગામડાઓમાં આ જ સ્થિતિ પ્રવર્તિ રહી છે, જ્યાં દલિતો ગરીબીની સાથોસાથ સવર્ણોની શારીરિક-માનસિક યાતનાઓ વેઠી રહ્યા છે. શહેરોમાં વસી ગયેલા કેટલાક સર્વણો ભલે આ વાત સ્વીકારે કે ન સ્વીકારે પરંતુ ગ્રામ્ય ગુજરાતની આ વાસ્તવિકતા છે, જેને સ્વીકારવી જ રહી.

અનામત પ્રથા કે એટ્રોસિટી જેવા કાયદા પણ સામાજિક પરિવર્તન નહીં આણી શક્યા હોય અને હજુય પહેલા જેવી જ અસામનતા જોવા મળતી હોય તો પછી કરવું શું? આ બાબતમાં રાજકારણ અને નેતાઓ પર તો કોઈ કાળે મદાર નહીં રાખી શકાય. કારણ કે, જ્યાં માણસને મતદાર તરીકે જોવાતો અને વિવિધ જાતિઓને વોટબેંક તરીકે જોવાતી હોય ત્યાં સત્તાપક્ષ શું ને વિરોધપક્ષ શું બધા એકસરખા જ માલુમ પડે છે. રાજકારણ જો આ સમસ્યાના નિકાલ માટે સક્ષમ હોત તો આ સમસ્યા ક્યારનીય ઉકલી ગઈ હોત, પરંતુ અહીં તો ગણિત અવળું પડતું જણાય છે અને હાલમાં પ્રવર્તી રહેલી સામાજિક અસમાનતા, વર્ગવિગ્રહોથી લઈને ધર્મો વચ્ચે વકરી રહેલી સમસ્યાઓ સુધી રાજકારણને જવાબદાર ઠેરવી શકાય એના અઢળક પુરાવા પ્રાપ્ત છે.

તો પછી કરવું શું? એવા કયા પગલાં લઈ શકાય, જેને કારણે માણસ, માણસ તરીકે ઓળખાતો થાય અને એની સાથે પશુ જેવો નહીં, પણ માણસ જેવો વ્યવહાર થાય? નરેશ મકવાણા ‘અભિયાન’ મેગેઝિન સાથે સંકળાયેલા છે, જેઓ ઊનાકાંડને લઈને ફેસબુક પર અત્યંત એક્ટિવ છે. તેઓ પોતે પણ દલિતો સાથે થયેલા-થતા અત્યાચારોના સાક્ષી રહ્યા છે. એમનું માનવું છે કે, શહેરી વિસ્તારમાં પણ દલિતો સાથે થતી આભડછેટ ઊડીને આંખે વળગે એવી છે, પરંતુ ગામડાની સ્થિતિ અત્યંત કફોડી છે. ગામડામાં વસતા દલિતો શિક્ષિત નથી અને આર્થિક રીતે અત્યંત કંગાળ છે, જેને કારણે એમણે સવર્ણોના ખેતરોમાં મજૂરી કે એમના ઘરના નાના-મોટા કામ કરવા પડે છે. આર્થિક અસમાનતા જો દૂર કરવામાં આવે તો દલિતોના ઘણા પ્રશ્નો હલ થઈ જાય એવું છે. અને હાલના તબક્કે આર્થિક અસમાનતા માત્ર શિક્ષણના માધ્યમથી દૂર કરી શકાય છે. જો તેઓ શિક્ષિત થાય અને એમને અનામતનો યોગ્ય લાભ મળે તો એમનામાં અન્યાય સામે અવાજ ઊઠાવવાની તાકાત આવશે અને દલિતો સામે થતાં અત્યાચારોમાં ઘટાડો થશે. પણ મુખ્ય બાબત એ છે કે, આપણે ત્યાં અનામત સિસ્ટમને ઘણી નબળી કરી દેવામાં આવી છે, જેને કારણે આવનારા પચાસ વર્ષો સુધી અનામત પ્રથા રાખવામાં આવશે તો પણ દલિતોનો ઉદ્ધાર થવાનો નથી.

નરેશ મકવાણા તો ત્યાં સુધી કહે છે કે, જો અનામત પ્રણાલીને નબળી પાડ્યા વિના યોગ્ય રીતે અમલમાં મૂકવામાં આવી હોત તો આપણે ત્યાં ક્યારનીય અનામત પ્રથા બંધ થઈ ગઈ હોત. પરંતુ દેશમાં આ સિસ્ટમનો ખોટો રાજકીય લાભ લેવાતો રહ્યો, જેને પગલે સામાજિક અસમાનતા બાબતે જૈસે થે ની સ્થિતિ છે.

આ ઉપરાંત આ બાબતે સવર્ણોએ પણ પહેલ કરવી જ રહી અને જૂની રૂઢીઓને ત્યજીને દલિતો સાથેના વ્યવહારમાં પરિવર્તન આણવું રહ્યું. દલિતો પ્રત્યેની સૂગ પ્રત્યેના અનેક કારણોમાનું એક કારણ એ પણ છે કે, મોટાભાગના દલિતો માંસાહારી હોય છે. અને આપણે ત્યાં માંસાહારીઓને સારી નજરે જોવામાં આવતા નથી. મેહુલ મંગુબેન કહે છે, જો ફરી સરવે કરવામાં આવે તો ખ્યાલ આવે કે, સવર્ણોની નવી પેઢી પણ માંસાહાર તરફ વળી છે. ઘરમાં ભલે સવર્ણો માંસાહારી ખોરાક રાંધતા નહીં હોય, પરંતુ એ જ સવર્ણો મેકડોનાલ્ડના જંકફૂડથી લઈને રોસ્ટોરાં સુધી નોનવેજિટેરિયન કે સી-ફૂડ ખાવાનું પસંદ કરતા હોય છે. તો પછી જ્યારે સવર્ણો ટેસથી માંસાહાર ખાઈ શકતા હોય તો ઘરે માંસાહાર રાંધતા લોકો પ્રત્યે સૂગ કેમ?

જોકે શાકાહાર કે માંસાહારનો મુદ્દો સવર્ણો કે દલિતો વચ્ચેની દરારનો એક નાનકડો અંશ કહી શકાય. મૂળ મુદ્દો એ છે કે દલિતો સદીઓથી અછૂત તરીકે ગણવામાં આવ્યા છે અને એમના પર અત્યાચાર થતાં રહ્યા છે. સવર્ણોની અનેક પેઢીઓ એ જોતી આવી છે અને કંઈક અંશે આગળથી ચાલતી આવેલી પ્રથાને અનુસરતી પણ રહી છે. પરંતુ હવે એ પ્રથાને જડમૂળમાંથી ઉખાડીને ફેંકવી રહી. જો ઐક્ય નહીં સાધી શકાયું અને આ જ રીતે દમનચક્ર ચાલું રહ્યું તો ન તો આપણે સમાજ તરીકે ઉન્નત થઈ શકીશું કે નહીં દેશ તરીકે. આ માટે સવર્ણોએ સૌથી પહેલા જુદા સ્મશાનો, જુદી પાણી વ્યવસ્થા કે અસ્પૃશ્યતાને તડકે મૂકવા પડશે.

પ્રિય વાચકો,

હાલ પૂરતું મેગેઝીન સેક્શનમાં નવી એન્ટ્રી કરવાનું બંધ છે, દરેક વાચકોને જૂનાં લેખો વાચવા મળે તેથી આ સેક્શન એક્ટિવ રાખવામાં આવ્યું છે.

આભાર

દેશ અને દુનિયાના સમાચારથી માહિતગાર થવા તેમજ દરેક અપડેટ સમયસર મેળવવા ડાઉનલોડ કરો Khabarchhe.com એપ અને ફોલો કરો Khabarchhe.com ને સોશિયલ મીડિયા પર.