ટોળાંને કોઈ જ્ઞાતિ નથી હોતી
આજથી બરાબર એક અઠવાડિયા પહેલા અમદાવાદમાં પાટીદારોની OBC અનામત મેળવવા માટેની રેલી હતી અને એ જ દિવસની સાંજથી ગુજરાત ભડકે બળેલું. વર્ષ 2002 વેઠી ચૂકેલી ગુજરાતની પ્રજા કર્ફ્યુ નામનો શબ્દ ભૂલી ગઈ હતી. પરંતુ ગયા મંગળ, બુધ અને ગુરુવારે ગુજરાતના શહેરોમાં કર્ફ્યુ લદાયા અને વર્ષ 2002 પછી જન્મેલા બાળકોએ એમના માતાપિતાને સવાલો પૂછીને સતાવ્યા કે, ‘પપ્પા, કર્ફ્યુ એટલે શું?’ આખરે શું કામ આ પરિસ્થિતિ ઊભી થઈ? અને આ બધી ભાંગફોડ કોના ભોગે? લોકશાહીમાં વિરોધો અને આંદોલનો હંમેશાં આવકાર્ય છે. અને લોકશાહીની સ્વસ્થતા માટે કેટલાક આંદોલનોની ખરેખર જરૂર પણ છે. પરંતુ એ આંદોલનોના પરિણામ સ્વરૂપે હિંસા ક્યારેય સ્વીકાર્ય નથી હોતી. એમાંય બાપુ કી મિલકત સમજીને સરકારી કે જાહેર સંપત્તિની તોડફોડ કરવી કે નુકશાની કરવી એ તો નકરી મૂર્ખામી છે. આ બાબતે હું અંગતપણે એમ માનું છું કે, સરકારી કે જાહેર સંપત્તિને કોઈ નાગરીક ત્યારે જ નુકશાની પહોંચાડી શકે, જ્યારે તેને પોતાના રાષ્ટ્ર પ્રત્યે માન નથી હોતું અને એ જાહેર સંપત્તિને તે પોતીકી નથી સમજતો.
ગુજરાતમાં ગયા સપ્તાહે બનેલી ઘટનાઓ સંદર્ભે બે-ત્રણ મુદ્દા મનમાં વમળ લઈ રહ્યા છે. અમદાવાદ-સુરત અને રાજ્યમાં અન્ય શહેરોમાં જ્યારે દંગલ ચાલતું હતું ત્યારે હું સુરતમાં હાજર હતો. મંગળવારે રાત્રે અને બુધવારે સવારે ટોળાંએ સુરતમાં ભારે પાયમાલી સર્જેલી. ટોળું કઈ જ્ઞાતિ કે જાતિનું હતું એ વાત બહું મહત્ત્વ નથી ધરાવતી કારણ કે, જેમ ટોળાંમાં અક્કલ નથી હોતી એમ ટોળાંની કોઈ જ્ઞાતિ કે એ ટોળાંનો કોઈ ધર્મ પણ નથી હોતો. સુરતમાં તોફાનોની ઘટના અને ત્યારબાદના દૃશ્યો જોઈને મન વિક્ષુબ્ધ હતું. બુધવારે સાંજે મિત્ર સાથે તોફાનગ્રસ્ત વિસ્તારોની મુલાકાત લીધી અને આપણા જ લોકોએ કરેલી ખુવારી જોઈને દંગ રહી જવાયું. પોલીસ ચોકીઓથી લઈને મહાનગરપાલિકાની વોર્ડ ઓફિસ અને રસ્તાની બંને તરફના વીજળીના થાંભલા કે કાર હોય કે સ્કૂટર, એ બધાને આગ ચાંપી દેવાયેલી. રસ્તા પર ઈંટ-પથ્થરના ગંજ પથરાયેલા અને એમાંથી આપણે રસ્તો કરીને આગળ વધવાનું. સરથાણા પ્રાણી સંગ્રહાલયની સામે તો એકસાથે એક ડઝનથી વધુ એસટી બસોને આગ ચાંપી દેવાયેલી! તો અમદાવાદ, રાજકોટ અને બનાસકાંઠા તરફથી પણ કંઈક આવા જ સમાચાર આવી રહ્યા હતા.
ટોળાંને સરકાર સામે રોષ હતો એટલે, જ્યાં તક મળી ત્યાં સરકારી સંપત્તિને સ્વાહા કરી દેવાઈ. આને શું કહેવું? મર્દાનગી? કે હોશિયારી? આ રીતે સરકારી સંપત્તિનો નાશ કરીને જો ટોળું એમ સંતોષ માનતું હોય કે, અમે સરકારને પાઠ ભણાવ્યો કે, સરકારની શાન ઠેકાણે લાવી દીધી. તો એમણે આ બાબતે ફરી વિચારવાની જરૂર છે. કારણ કે આવું કૃત્ય કરીને એમણે એમની કાયરતાનું જાહેર પ્રદર્શન કરીને સોસાયટીમાં ન્યૂસન્સ ક્રિયેટ કરવા સિવાય બીજી કોઈ જ તોપ નથી ફોડી. બલ્કે ટોળાંએ આવા કૃત્ય કરીને ગુજરાતની એક મહાન, ખંતીલી અને ગૌરવવંતી જાતિને નાહકની વગોવી અને એના નામે કાળી ટીલી ચોટાડી એ વધારાની.
હવે આવીએ હાર્દિક પટેલની અટકાયત અને મીડિયા-પોલીસના વલણ પર. અરવિંદ કેજરીવાલ પાસે એક્લવ્યની જેમ આંદોલનની શિક્ષા મેળવનાર હાર્દિક પટેલે કેજરીવાલ પાસે બીજી કેટલીક રસમો પણ શીખવી જોઈતી હતી. અરવિંદ કેજરીવાલ જ્યારે પણ કોઈ મુદ્દે આંદોલન કરતા ત્યારે પોતાના આંદોલનની બહારના કોઈ મુદ્દા કે એજેન્ડા વિશે હરફ સુદ્ધાં નહીં ઉચારતા. પણ ટોળાનું સમર્થન જોઈને તોરમાં આવી ગયેલા હાર્દિક પટેલ સવારથી જ ઉટપટાંગ ભાષણો કરી રહ્યા હતા, જ્યાં એકવાર તો એમણે ગુજરાતના મુખ્યમંત્રીને જ જીએમડીસી બોલાવવાની તર્ક વિનાની માગણી કરી. એમની આ માગણી પાટીદાર આંદોલનના એજેન્ડામાં પહેલાથી જ ન હતી. અને એટલે જ લાલજી પટેલ આણી કંપની અને હાર્દિકના સમર્થકો વચ્ચે મીડિયામાં શાબ્દિક ટપાટપી પણ થયેલી.
ઓછામાં પૂરું સાંજના સાડા છ વાગ્યા પછી જીએમડીસી ગ્રાઉન્ડ પર હાર્દિક અને આંદોલનકારીઓને બેસવાની પરવાનગી ન હતી. આ કારણે સાંજના સાત વાગ્યા પછી ગુજરાત પોલીસ મંચ પાસે પહોંચી અને તેમણે હાર્દિક પટેલ અને અન્ય કાર્યકર્તાઓને જીએમડીસી ગ્રાઉન્ડ છોડવાની વિનંતી કરી. પણ હાર્દિક આણી કંપનીએ પરવાનગી ન હોવા છતાં કાયદો હાથમાં લેવાની કોશિશ કરીને સ્થળ છોડવાની આનાકાની શરૂ કરી. તે સમયે જીએમડીસી પર હાજર કેટલાક લોકો તો ત્યાં સુધી કહી રહ્યા છે કે, પોલીસ જ્યારે હાર્દિક પટેલને સ્થળ છોડવાની વિનંતી કરવા આવેલી ત્યારે હાર્દિક પટેલે માઈક પરથી પોલીસ વિશે ઉશ્કેરણીજનક વાતો કરેલી, જેને કારણે જ જીએમડીસી ખાતેનો મામલો બિચકેલો. આ થિયરીમાં સત્ય કેટલું છે એ તો ત્યાં હાજર લોકો જ જાણે, પરંતુ જો આમ થયું હોય તો આ સરાસર અયોગ્ય છે.
અને પોલીસ વિરુદ્ધ ભડકાઉ ભાષણ થયું હોય કે ન થયું હોય પરંતુ પરવાનગી વિના ટોળાં સહિત મેદાનમાં બેસી રહેવું કેટલું યોગ્ય? કોઈ પણ લોકનેતા આ રીતે કાયદો પોતાના હાથમાં લઈ શકે ખરો? એટલિસ્ટ લોકહિત ઈચ્છતો લોકનેતા તો આવું કૃત્ય નહીં જ કરે. પરંતુ હાર્દિક પટેલે એવું કર્યું. શું આ રીતે કાયદો હાથમાં લેનાર પર પોલીસે પગલા પણ નહીં લેવાના? જો ત્યારે પોલીસે કડક પગલા ન લીધા હોત તો આજે પોલીસને વગોવી રહેલા લોકો પોલીસને બીજા કારણોસર વગોવતે. તેઓ કહેતે કે, ‘પોલીસ નમાલી બનીને બધો ખેલ જોતી રહી!’ જોકે ત્યારે પોલીસે પગલા ભર્યાં અને કાયદાનું ઉલ્લંઘન કરનારા હાર્દિક પટેલની અટકાયત કરી. પણ થયું શું? ગુજરાતી ન્યુઝ ચેનલોએ એવા ફ્લેશ ચલાવ્યાં કે, ‘પોલીસે હાર્દિકની ધરપકડ કરી.’
મારા જ જ્ઞાતિભાઈઓ સમા પત્રકાર મિત્રોને હું પૂછીશ કે, ભાઈઓ ધરપકડ અને અટકાયતમાં કોઈ ફરક નથી? કાનૂનની દૃષ્ટિએ તો આ બંને શબ્દો વચ્ચે જમીન-આસમાનનો તફાવત છે. પણ મંગળવારની સાંજે કેટલીક ગુજરાતી ન્યુઝ ચેનલોએ હાર્દિક પટેલની ધરપકડના ફ્લેશ ચલાવ્યાં, જેને કારણે ગુજરાતભરમાં ઉશ્કેરાટ ફેલાયો.
આવા તંગદિલીભર્યા વાતાવરણમાં મીડિયાની ભૂમિકા અત્યંત મહત્ત્વની અને જવાબદારીભરી હોય છે, એટલે આવા સમયે તો કેટલાક સમાચારો સાચા હોય તોય એને રજૂ કરવાના ટાળવા જોઈએ અથવા સમયની માગને ધ્યાનમાં રાખીને એને યોગ્ય રીતે રજૂ કરવા જોઈએ. એની જગ્યાએ મંગળવારની રાત્રે જ કેટલીક ન્યુઝ ચેનલો પર એવા ફ્લેશ પણ જોવા મળ્યા કે, ‘પોલીસ પાટીદારો પર તૂટી પડી…’ કે ‘પોલીસે પાટીદારોને ઘરમાં ઘૂસીને માર્યા…’ તંગદિલીભર્યા વાતાવરણમાં આવા ફ્લેશ સાચા હોય તો પણ એને ટાળી ન શકાય? આખરે આપણો અલ્ટીમેટ ગોલ શું? માત્ર લોકોને માહિતી આપવાનો જ? આપણું કામ કે આપણો વ્યવસાય જ્યારે માસ ઈફેક્ટ કરતો હોય ત્યારે અમુક બાબત ટાળીને આપણે સામુહિક શાંતિનો વિચાર નહીં કરી શકીએ? અને સમાચારોમાં ક્યારેય એ બાબતનું એનાલિસિસ થયું કે, પોલીસે આ કૃત્ય કેમ કરવું પડ્યું? પોલીસે કરેલી આ ધોલધપાટ પાછળ કયા કારણ જવાબદાર હતા? કારણ કે, તાળી એક હાથે ક્યારેય નથી પડતી.
ગયા મંગળવાર પછી ગુજરાતભરમાં જે પરિસ્થિતિઓ સર્જાઈ અને આપણે જે દૃશ્યો જોયા એમાં જો કોઈ સૌથી વધુ વગોવાયું હોય તો એ ગુજરાત પોલીસ છે. મોબાઈલ નેટ ભલે બંધ કરી દેવાયું હોય પણ, ગયા બુધવારે બપોરથી ફેસબુક પર કેટલાક વીડિયોઝ ફરતા થઈ ગયેલા, જેમાં અમાદાવાદ-સુરત જેવા શહેરોમાં પોલીસ વિવિધ સોસાયટીઓ અને ઘરોમાં ઘૂસી ઘૂસીને લોકોની ધોલધપાટ કરતી નજરે ચઢી હતી. પોલીસે જેમને ફટકારેલા એ બધા પાટીદાર હતા કે નહીં એ બીજા નંબરની વાત છે પરંતુ જેમણે પોલીસનો નાહકનો માર ખાવો પડ્યો છે એ બધા સામાન્ય નાગરિકો હતા. જે વિસ્તારોમાં પહેલાથી જ શાંતિ હતી અથવા જે તંગ વિસ્તારોની શાંત સોસાયટીઓમાં લોકો પોતપોતાના ઘરમાં ભરાયેલા હતા ત્યાં જઈને પોલીસે લાઠીચાર્જ કરવાની શું જરૂર ઊભી થઈ? એમાંય હદ તો ત્યારે થઈ જ્યારે પોલીસ સામાન્ય લોકોના વાહનોની તોડફોડ કરતી નજરે ચઢી. આવું એક જગ્યાએ નહીં પણ ગુજરાતમાં ઠેરઠેર થયું છે. તો શું સરકારે તેમને એવા કોઈ આદેશ આપેલા કે, નિર્દોષ લોકોના ઘરોમાં ઘૂસીને એમને ફટકારો? ત્યારે પોલીસને ખબર હતી કે, આ સોસાયટીના લોકો જીએમડીસી ખાતે હાજર હતા? અને ધારોકે એ લોકો ત્યાં હાજર હોય તો પણ શું લોકશાહીમાં કોઈને આંદોલન કે વિરોધ કરવાનો અધિકાર નથી? જ્યારે ટોળાં રસ્તા પર ધમાલ કરતા હતા કે બસો સળગાવતા ત્યારે તમે એમને કાબૂમાં નહીં લઈ શક્યાં. ત્યારે તો કરોડો રૂપિયાની નુકશાની થઈ. અને પછી લોકોના ઘરે ઘરે જઈને લોકોને ફટકાર્યાં. આને લોકશાહી કહેવી? પોલીસને આવું કરવાના કોઈએ તો આદેશ આપ્યાં હશેને? કે પછી પાકિસ્તાનમાં જેમ સરકાર અને લશ્કર જુદી જુદી દિશામાં કામ કરે એમ આપણી પોલીસ અને સરકાર પણ જુદાજુદા મત ધરાવે છે?
જોકે ફેસબુક પર પોલીસની બર્બરતાના જે વીડિયો જોવા મળી રહ્યા છે એ બધામાં વીડિયોમાં બર્બરતા આચનારા લોકો પોલીસના જ હતા કે, કેમ એ પણ એક પ્રશ્ન ઊભો થાય છે. કારણ કે કેટલાક વીડિયોઝને બાદ કરતા અમુક વીડિયોમાં તોડફોડ કરનારા લોકો પોલીસ ડ્રેસમાં નહોતા. એટલે એ બધાને પણ પોલીસમાં ખપાવવાની મૂર્ખામી કરી શકાય નહીં.
ખેર આ મુદ્દા પર હજુ ઘણી દલીલ કરી શકાય એમ છે પરંતુ, જે થવાનું હતું એ થઈ ગયું. ગુજરાત વગોવાઈ ગયું અને અનેક કૌભાંડોના આરોપી અને જેલની હવા ખાઈ આવેલા અન્ય રાજ્યોના ભ્રષ્ટ નેતાઓને ગુજરાત અને ગુજરાતી પ્રજા પર ખીખિયાટી કાઢવાની તક મળી ગઈ. આવા સંઘર્ષોમાં બલી હંમેશાં સામાન્ય માણસોની જ લેવાતી હોય છે. આ વખતે પણ એવું જ થયું. દંગલને કારણે એસટી સેવા પર અસર થતાં તહેવારને ટાણે પોતાને ઘરે નહીં પહોંચાય ત્યારે કે પાંચ દિવસ સુધી ઈન્ટરનેટ વગર કામ અટકી પડે ત્યારે કેવું લાગે એ તો ભોગવનારાને જઈને પૂછીએ તો જ ખબર પડે.
પ્રિય વાચકો,
હાલ પૂરતું મેગેઝીન સેક્શનમાં નવી એન્ટ્રી કરવાનું બંધ છે, દરેક વાચકોને જૂનાં લેખો વાચવા મળે તેથી આ સેક્શન એક્ટિવ રાખવામાં આવ્યું છે.
આભાર