રાજનની વિદાય અને રાજકારણ
ગ્રહોની દશા-દિશામાં માનતો સામાન્ય માણસ મોટાભાગે શનિની પનોતીથી ઘણો ગભરાતો હોય, પણ ભારતીય રાજકારણમાં કાર્યરત નેતાને શનિ કરતા સુબ્રહ્મણ્યન સ્વામીથી વધારે ડર લાગતો હોય છે. કારણ કે, અર્થશાસ્ત્રથી લઈને ઈતિહાસ અને રાજકારણ કે કાયદા શાસ્ત્રના ઉંડા જાણકાર સુબ્રહ્મણ્યન સ્વામીને ક્યારે કોઇ વાતે ડખો થાય અને ક્યારે એ કોઇની પાછળ આદુ ખાઈને પડી જાય એનો કોઇ ભરોસો નથી હોતો. સુબ્રહ્મણ્યન સ્વામીની વિશેષતા એ છે કે તેઓ કોઈની પાછળ હાથ થોઈને પડે છે ત્યારે પોતાનો પક્ષ કે વિરોધી પક્ જેવી ભેદરેખા રાખતા નથી. તેઓ કોઈ પણ પક્ષના નેતાની પાછળ પડી શકે છે! ભારતીય રાજકારણમાં જયલલિતા અને સોનિયા કે રાહુલ ગાંધી જેવા નેતાઓને સ્વામીના પરચાનો સુપેરે પરિચય છે. આ નેતાઓને સ્વામીએ ઠીકઠીક પરેશાન કર્યા છે અને હવે તો સ્વામી ભાજપ તરફથી રાજ્યસભાના સાંસદ થયાં છે એટલે ગાંધી પરિવારના સભ્યો કે ગઈ યુપીએ સરકારમાં ભ્રષ્ટાચાર ભેરવાયેલા નેતાઓને સ્વામી હજુ વધુ પજવી શકે છે.
જોકે આજકાલ સ્વામીના નિશાના પર કોઇ મંત્રી કે રાજકારણી નહીં પણ રિઝર્વ બેન્કના ગર્વનર રઘુરામ રાજન છે. હજુ તો રાજ્યસભામાં ચૂંટાયા જ હતા કે, સ્વામીએ વડાપ્રધાન મોદીને પત્ર લખેલો કે, રિઝર્વ બેન્કના ગવર્નર રઘુરામ રાજનની નવી ટર્મ રિન્યુ કરવી નહીં. સ્વામીના આ પત્રને કારણે મીડિયામાં હોહા મચી ગયેલી અને સ્વામીએ પણ મીડિયામાં રઘુરામ રાજન મુદ્દે અવનવી વાતો કરી.
આવનારા સપ્ટેમ્બર મહિનાની ચોથી તારીખે રઘુરામ રાજનની ગવર્નર તરીકેની ટર્મ પૂરી થાય છે અને રાજનને ફરી ગવર્નર તરીકે નિયુક્ત કરવા કે નહીં એ બાબતે વડાપ્રધાન કે નાણામંત્રીએ રઘુરામ મુદ્દે સ્પષ્ટ શબ્દોમાં કોઇ બયાન ફટકાર્યું નથી. એનું કારણ એક જ કે, રાજન આંતરાષ્ટ્રીય ખ્યાતિપ્રાપ્ત અર્થશાસ્ત્રી છે, જેમની છબી અત્યંત સાફ છે અને અર્થશાસ્ત્રના જાણકારો તેમજ બૌદ્ધિકોમાં અત્યંત આદર પ્રાપ્ત વ્યક્તિ છે. એવામાં વડાપ્રધાન કે નાણાંમંત્રી રાજનની વિરુદ્ધમાં કોઇ વિધાન કરે તો રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય બૌદ્ધિક આલમમાં એમના નામે માછલાં ધોવાય. આ કારણે સપ્ટેમ્બર મહિનામાં આ જ ગવર્નરને ચાલું રાખવા કે નવા ગવર્નર નીમવા, એ બાબતે સરકાર મગનું નામ મરી પાડતી નહોતી, પણ રાજન આ બાબતે સવાયા સાબિત થયાં અને એમણે સામેથી જ સરકારની અવઢવ દૂર કરીને કહી દીધું કે, તેઓ ગવર્નર તરીકેની બીજી ટર્મ ઈચ્છતા નથી.
રાજકારણના જાણકારો એમ પણ કહી રહ્યા છે કે, રાજન સામે માત્ર સુબ્રહ્મણ્યન સ્વામીને જ નહીં, પરંતુ આરએસએસને તેમજ દેશના અગ્રહરોળના નેતાઓ સાથે ઉઠબેસ કરતા દેશના કેટલાક ઉદ્યોગપતિઓને પણ વાંધા છે, જેને કારણે સરકાર પર રાજનને દૂર કરવાનું દબાણ સર્જાયું છે. સ્વામીને રાજન સામેનો મુખ્ય વાંધો એ જ છે કે, રાજનને ગત યુપીએ સરકારે અપોઈન્ટ કર્યા હતા. વળી, તેઓ ભૂતપૂર્વ વડાપ્રધાન મનમોહન સિંઘથી ઘણા નજીક હતા. વળી, સ્વામી એમ પણ દલીલ કરી રહ્યા છે કે, રાજન અમેરિકાના ગ્રીન કાર્ડ હોલ્ડર છે અને અમેરિકા સાથે ઘણો ઘરોબો ઘરાવે છે, જેને કારણે તેઓ આપણા અર્થતંત્રને હાની પહોંચાડી રહ્યા છે!
એક તરફ દેશભરના અર્થશાસ્ત્રીઓ ડંકાની ચોટે કહી રહ્યા છે કે, રાજને જ્યારે ગવર્નર પદ સંભાળ્યું ત્યારે દેશ અને દુનિયાનું અર્થતંત્ર ઘણું ડામાડોળ હતું, પણ રાજનના વહીવટના ત્રણ જ વર્ષમાં આપણા અર્થતંત્રએ ઘણી સ્થિરતા પ્રાપ્ત કરી છે. રાજનના સમર્થકો કહી રહ્યા છે કે, રાજને જો કેટલાક પગલાં નહીં લીધા હોત તો આપણા દેશમાં હમણા છે એના કરતા વધુ મોંઘવારી હોત. વળી, હાલમાં જે મોંઘવારી વર્તાઈ રહી છે એની પાછળ પણ રાજન નહીં પણ સરકારની નીતિઓ જવાબદાર છે, જેને કારણે આંતરરાષ્ટ્રીય બજારમાં તેલના ભાવમાં નિયમિત ઘટાડો થતો હોવા છતાં દેશની સરકાર મોંઘવારીને કાબૂમાં લાવી શકી નથી.
કહેવાઈ રહ્યું છે કે, વડાપ્રધાન, નાણાંમંત્રી કે RSS રાજન વિશે સ્પષ્ટ શબ્દોમાં કંઈ બોલી શકે એમ નથી એટલે સ્વામીને હાથો બનાવાયા છે. રાજનના જાકારા પાછળ સ્વામી પછી જો કોઈ જવાબદાર પરિબળ હોય તો એ પરિબળ છે દેશના કેટલાક નામી ઉદ્યોગપતિઓ છે એ વાત આપણે આગળ કરી. છેલ્લા કેટલાક વર્ષોથી નોન પરફોર્મિંગ એસેટ્સ (એનપીએ) ને લઈને અનેક ચર્ચાઓ થઈ રહી હતી પણ એ સંદર્ભે કોઇ પગલા લેવાતા ન હતા. કારણ કે, આ બાબત સાથે ઉદ્યોગપતિઓ સંકળાયેલા હતા અને ઉદ્યોગપતિઓ રાજકીય પક્ષો સાથે સંકળાયેલા હતા, જેને કારણે એનપીએ મામલે રાજા રામ અને પ્રજા (ઉધ્યોગપતિઓ) સુખી જેવી સ્થિતિ સર્જાઈ હતી. પણ રઘુરામ રાજને ગવર્નરપદ સંભાળતાની સાથે એનપીએને નાબૂદ કરવાની મુહિમ છેડી દીધી, જેને કારણે રાજકીય પક્ષો સાથે ઘરોબો ઘરાવતા અને એ પક્ષોને ચૂંટણી ટાણે ફંડિંગ કરતા ઉદ્યોગપતિઓ છંછેડાઈ ગયા. એનપીએ એટલે એવું દેવું, જેની લોન લેવાયા પછી એ દેવું બેંકોને ચૂકવાતું જ ન હતું. દાખલા તરીકે કિંગફિસરવાળા વિજય માલ્યા, જેમણે દેશની બેંકો પાસે વ્યાપારને નામે પૈસો લઈને મજા તો કરી પરંતુ પૈસા પરત કરવાની વાત આવી ત્યારે માલ્યા કલકલિયા(કિંગફિસર)ની જેમ વિલાયત ઉપડી ગયા. આવી તો દેશમાં સેંકડો કંપની અને સેંકડો ઉદ્યોગપતિઓ છે, જેમણે વિવિધ બેંકો પાસે અબજો રૂપિયા લીધા છે, જેનું વ્યાજ આપવાનું તો ઠીક પણ મુદ્દલ પરત કરવામાં પણ એ કહેવાતા ધનકુબેરોના પેટમાં દુખે છે.
રાજને આ દિશામાંં કડક પગલાં લીધા અને એવા દેવાદાર ઉદ્યોગપતિઓ અને એમની કંપનીઓની યાદી તૈયાર કરીને પ્રકાશિત કરાવી. આ બધા એ જ ઉદ્યોગપતિઓ છે, જેઓ દેશના વિવિધ રાજકીય પક્ષો અને સત્તાધારી પક્ષોની નજીક છે. આવા વગદાર લોકો માટે એક સમયે બેંકોમાંથી એક લાખ કરોડ કે દોઢ લાખ કરોડ જેવી રકમ મેળવવાનું કામ ઘણું આસાન હતું, પણ રાજને ઘડેલી કેટલીક નીતિઓ બાદ ઉદ્યોગપતિઓને લોન મેળવવામાં મુશ્કેલીઓ ઊભી થવા માંડી, જે કારણે પણ રઘુરામ રાજનને ફરી રિપિટ નહીં કરવાનું દબાણ થયું હતું.
રાજનને એવી ઈચ્છા હતી ખરી કે, તેઓ ગવર્નર તરીકે ફરી રિપિટ થાય અને રિઝર્વબેંકના નેચા હેઠળ અર્થતંત્રમાં હજુ કંઈક નક્કર કરે. પરંતુ જ્યાં ગળાકાપ રાજકારણ રમાતું હોય ત્યાં ટકી રહેવાય નહીં. વળી, જે સરકાર સાથે કામ કરવાનું છે એ સરકાર પણ યોગ્ય સહકાર નહીં આપતી હોય ત્યાં ટકીનેય શું કરવું? ટકી રહેવાની ખોટી જિદ્દ કરવા જાય તો એમની પણ અડવાણી અને જશવંત સિંઘ જેવી વલે થાય. રાજન બૌદ્ધિક તો ખરા જ પણ બુદ્ધિશાળી માણસ છે અને વર્લ્ડ ઇકોનોમીમાં નક્કર પરિણામો આણી શકવાની ક્ષમતા ધરાવે છે. એમને પણ ખબર હશે કે, રાજકારણીઓ સાથેની લમણાઝીંકમાં પડીને સમય અને મગજ બગાડવા કરતા ગર્વનરપદેથી મુક્ત થઈ જવું વધુ સારું, જેથી ખોટા વિવાદોમાં નહીં સપડાઈએ અને જે દિશામાં કામ કરવું હોય એ દિશામાં વિઝન સાથે આગળ વધી શકાય. હવે તેઓ ફરી યુનિવર્સિટીઓમાં અર્થશાસ્ત્ર ભણાવવાનું શરૂ કરશે અને પોતાના દુનિયાને નવા અર્થશાસ્ત્રીઓની ભેટ આપતા રહેશે. આ ઉપરાંત આંતરરાષ્ટ્રીય સ્તરે અનેક સંસ્થાઓ સાથે સંકળાઈને આર્થિક નીતિઓ તૈયાર કરશે એ વધારાનું.
ફીલ ઈટ:
રાજનની વિદાયને લઈને સરકારનું સમર્થન કરતો એક વર્ગ કહે છે કે, રાજનના જવાથી કંઈ રિઝર્વ બેંક ડૂબી જવાની છે? આ પહેલાા કોઈ ગવર્નર આવ્યા જ નહોતા? હવે પછી કોઈ ગવર્નર આવશે જ નહીંં? એમની દલીલ સાચી છે કે, વ્યક્તિ ક્યારેય સંસ્થાથી વિશેષ નહીં હોઈ શકે અને વ્યક્તિના જવાથી સંસ્થાને તાળા પણ નથી લાગી જતાં. જોકે આવી દલીલ કરનારો વર્ગ રાજન નથી જોઈતા તો કેમ નથી જોઈતા એ બાબતની ધોરણસરની તર્ક સાથેની ચર્ચા નથી કરી શકતો. તેઓ તો માત્ર આવી દલીલ કરીને પોતાની વિચારધારાનો બચાવ જ કરે છે.
પ્રિય વાચકો,
હાલ પૂરતું મેગેઝીન સેક્શનમાં નવી એન્ટ્રી કરવાનું બંધ છે, દરેક વાચકોને જૂનાં લેખો વાચવા મળે તેથી આ સેક્શન એક્ટિવ રાખવામાં આવ્યું છે.
આભાર