રાહુલ રામઃ માણવા જેવા માણસ
આપણે માનીએ કે ન માનીએ પણ આ દુનિયા આટલી હસીન અને જીવવા લાયક બની છે એની પાછળ કેટલાક અલગારી જીવોની બુદ્ધિ જવાબદાર છે. વિજ્ઞાન હોય કે સાહિત્ય હોય કે પછી સમાજ હોય, માનવજીવન સાથે સંકળાયેલા તમામ ક્ષેત્રોમાં સદીઓથી આવા અલગારીઓ કાર્યરત રહ્યા છે, જેમણે સ્વની પરવા કર્યા વિના સમાજ માટે ઘણું કર્યું અને આપણને અવનવી ભેટ આપી. બહુ દૂર નહીં જઈને આસપાસ જ નજર દોડાવીશું તો નર્મદથી લઈને ગાંધી જેવા કે આઈન્સ્ટાઈનથી લઈને સ્ટીવ જૉબ્સ સુધીના અલગારીઓએ એમના જીવન અને કામ દ્વારા આપણી લાઈફ ઈઝી કરી છે. કોઈ સમાજમાં ઝઝૂમ્યું તો કોઈ વિજ્ઞાન-ટેક્નોલોજીમાં! ઉપર ગણાવ્યા એ બધા નામ તો અત્યંત ચર્ચાયેલા અને વખણાયેલા નામો છે. પરંતુ દુનિયામાં એવા પણ લાખો અલગારીઓ છે, જેઓ ગુપચુપ પોતાના કામમાં ડૂબેલા રહે છે અને આપણે એમના કર્મોના મીઠાં ફળ ચાખતા રહીએ છીએ.
અંગતપણે મને આવા અલગારીઓનું અત્યંત આકર્ષણ છે અને પત્રકાર તરીકે જ્યારે પણ મને એવા જીવોને મળવાની તક મળે ત્યારે હું ગાંઠના ગોપીચંદન કરીને પણ એવા મસ્ત ફકીરોને મળવા પહોંચી જાઉં છું. આગવી મજા હોય છે એ મનસ્વીઓને મળવાની, એમને નજીકથી જાણવાની અને એમની કંપની માણવાની. ગાયક-સંગીતકાર રાહુલ રામ એમાનું જ એક નામ છે, જેઓ ઈન્ડિયન બેન્ડ મ્યુઝિકમાં એક ટ્રેડમાર્ક નામ છે. નસીબજોગે ક્રિસમસ પર અમને આ કલાકારને મળવાની તક મળી, જેનું નિમિત્ત બન્યાં મારા બીજા મસ્તમૌલા મિત્ર અને ખ્યાતનામ ફોટોગ્રાફર સંજય વૈદ્ય.
આમ તો રાહુલ રામ એમના દેખાવ કે એમનીબૉડી લેંગ્વેજને કારણે જ ટોળાંમાં અલગ તરી આવે એવી પર્સનાલિટી છે. પરંતુ એમનું ખરું જોહર ત્યારે ઝળહળી ઊઠે છે, જ્યારે તેઓ હાથમાં બાઝ ગિટાર લઈને માઈકની સામે ઊભા રહે! રાહુલ રામ જ્યારે એમના 'ઈન્ડિયન ઓશન' બેન્ડ સાથે પરફોર્મ કરતા હોય ત્યારે તમને એમ જ લાગે કે, આ માણસ ગાયક નથી પરંતુ સાધક છે. કારણ કે જે તન્મયતા સાથે તેઓ ગાય છે ત્યારે આપણને એવું લાગે કે, એમનું સમગ્ર અસ્તિત્વ સાત સૂરોમાં ઓગળી ગયું છે.
રાહુલ રામના સંગીતની જેમ એમની એજ્યુકેશનલ ક્વોલિફિકેશન્સ પણ અત્યંત પ્રભાવક છે. IIT દિલ્હીમાંથી કેમેસ્ટ્રી સાથે M.Sc. થયેલા રાહુલ રામે અમેરિકા જઈને 'એનવાયરમેન્ટલ ટૉક્સિકૉલોજી'માં Ph.D કરેલું. કોઈને પણ જાણીને આશ્ચર્ય થાય કે, આવી ભારેભરખમ ક્વોલિફેક્શન ધરાવતા માણસ સંગીતની અને અનિશ્ચિતતાની દુનિયામાં કઈ રીતે આવી શકે? અને એ પણ ક્લાસિકલ કે સેમી ક્લાસિકલ મ્યુઝિકમાં નહીં અને રોક મ્યુઝિકની દુનિયામાં? એના ઉત્તરમાં રાહુલ જણાવે છે કે, અમેરિકાથી આવ્યા બાદ ચારેક વર્ષ હું ભારતના ગામડામાં ફર્યો અને ત્યાં થોડું ઘણું કામ કર્યું. સ્કૂલના ટાઈમે હું થોડું ઘણું ગિટાર શીખેલો પરંતુ ગાવાની પદ્ધતિસરની તાલીમ ક્યારેય નથી લીધી. કૉલેજમાં મેં પ્રોફેશનલી ગિટાર વગાડેલું, પરંતુ એ પણ અનિયમિત હતું. એવામાં અમેરિકાથી આવ્યા બાદ મને મારા કૉલેજકાળના મિત્રો મળી ગયા, જેમણે કહ્યું કે, યાર ઘણા વખતથી કશું વગાડ્યું નથી, ચાલો કંઈક વગાડીએ. આપણે તો આમેય ગામડામાં જીવતા હતા એટલે કહ્યું ચાલો! અને બસ આમ જ અમે ભેગા મળીને વગાડવાનું શરૂ કર્યું અને હું સંગીતની દુનિયામાં આવી ગયો.'
જોકે એક બેન્ડ તરીકે ઈન્ડિયન ઓશનનું ફોર્મેશન ઘણા વખત પહેલા થઈ ચૂક્યું હતું અને રાહુલ એમાં પાછળથી જોડાયેલા. પરંતુ રાહુલના બેન્ડ સાથે સંકળાયા પછી બેન્ડમાં વોકલ મ્યુઝિકનું તત્ત્વ ભળ્યું અને વોકલ ભળ્યાં પછી તો જાણે બેન્ડની કાયાપલટ થઈ ગઈ. રાહુલ રામના મ્યુઝિક પરથી હવે વાત થોડે આડે પાટે લઈ જઈએ. કારણ કે, આ કલાકારે સંગીતની સાથોસાથ છેવાડાના માણસ માટે પણ કંઈક કરી છૂટવા માટે પ્રયત્નો કરેલા. આગળ જણાવ્યું એમ રાહુલ રામ અમેરિકાથી Ph.D કરીને ભારત આવેલા ત્યારે તેઓ ગામડામાં રહેલા અને એ વર્ષો દરમિયાન મધ્યપ્રદેશમાં નર્મદા આંદોલન પૂરજોશમાં ચાલી રહ્યું હતું. ડેમને કારણે મધ્યપ્રદેશના જે આદિવાસી વિસ્તારો ડૂબાણમાં જવાના હતા એ વિસ્તારના લોકોની હાડમારી માટે લડવા તેઓ પણ આંદોલનમાં યા હોમ કરીને કૂદી પડેલા. નર્મદા આંદોલનમાં ઝૂકાવવા પાછળનો એમનો હેતુ એટલો જ કે, વિસ્થાપિતોને પૂરતું વળતર મળે અને વિકાસને નામે અન્યોને લાભ મળે તો તેઓ પણ સારી જગ્યાએ ઠરીઠામ થાય. આંદોલન સ્વાભાવિક રીતે જ જે-તે રાજ્ય સરકારોની સામે હતું એટલે આંદોલનના એ વર્ષોમાં એમણે જેલવાસ પણ વેઠવો પડેલો.
અમારું ઑબ્ઝર્વેશન એમ કહે છે કે, એક ગાયક કે કલાકાર તરીકે વિકસવામાં રાહુલ રામને વર્ષ 1990-95નો આંદોલનનો એ ગાળો અત્યંત ખપમાં આવેલો. કારણ કે, આ વર્ષોમાં તેઓ મધ્યપ્રદેશના આદિવાસી સંગીતના સંપર્કમાં આવેલા, જેના પડધા આજે પણ 'ઈન્ડિયન ઓશન'ના મ્યુઝિકમાં સંભળાય છે. અનેક આદિવાસી ગીતો ઉપરાંત 'ઈન્ડિયન ઓશન'નું અત્યંત પ્રખ્યાત ગીત 'મા રેવા...' ગીત પણ નર્મદા આંદોલનને જ આભારી છે. મધ્યપ્રદેશના નિમાળ પ્રદેશના આદિવાસીઓ નર્મદા માતાની સ્તુતિના ભાગરૂપે એ ગીત ગાય છે, જેનું 'ઈન્ડિયન ઓશને' એડપ્શન કરેલું.
અમદાવાદના કોન્સર્ટ દરમિયાન ખૂદ રાહુલ રામે જ હસતા હસતા જણાવેલું કે, એક વાર તેઓ 'ચીકુ તારો બંગલો' નામનું આદિવાસી ગીત શીખેલા, જેમાં અંગ્રેજોની સામે લડેલા એક વીર ચીકુની શહિદી બાદ અંગ્રેજોએ એનો બંગલો જેલમાં તબદિલ કરી દીધેલો અને જોગાનુજોગ એ ગીત શીખ્યાના બે જ દિવસમાં રાહુલ રામને એ જેલમાં કેદ કરવામાં આવેલા! જોકે એ કારાવાસે રાહુલના જીવનમાં આમુલ પરિવર્તનો આણેલા અને ત્યારથી જ તેઓ જીવનને કંઈક અલગ દૃષ્ટિકોણથી જોતાં થયેલા. હાલમાં કામની વ્યસ્તતાને કારણે તેઓ આવા કોઈ આંદોલનને પૂરતો સમય ફાળવી શકતા નથી. પરંતુ હજુ પણ દેશમાં વિકાસના નામે કોઈક છેવાડાના જણે ભોગવવાનું આવે છે કે પોતાના ઘરબારથી હાથ ધોઈ નાંખવાના આવે છે ત્યારે તેઓ સમસમી ઊઠે છે.
હાલમાં તેઓ ભલે સક્રિયપણે કોઈ આંદોલન કે ચળવળ સાથે નહીં જોડાયેલા હોય, પરંતુ એમના ગીતોમાં તો ક્યાંકને ક્યાંક સમાજિક નિસ્બત જડી જ આવે છે. તમને ખ્યાલ હોય તો આ વર્ષે રાહુલ રામે વરુણ ગ્રોવર સાથે મળીને 'ઐસી તૈસી ડેમોક્રેસી'ના બેનર હેઠળ 'મેરે સામને વાલી સરહદ પર...' નામનું એક સૌહાર્દપૂર્ણ ગીત તૈયાર કરેલું. માત્ર ધર્મને નામે છૂટાં પડેલા અને ભાષા, સંસ્કૃતિ કે કળા-સંગીતને નાતે હજુ પણ એક જ એવા ભારત-પાકિસ્તાનના સામાન્ય લોકોની કફોડી હાલતની વાત કરતું આ વીડિયો સોંગ ભારત અને પાકિસ્તાન, બંને દેશોમાં ખૂબ વખણાયેલું. પાકિસ્તાનમાં તો યુટ્યુબ પર પ્રતિબંધ લદાયેલો છે, પરંતુ ફેસબુકના માધ્યમથી પાકિસ્તાનમાં 'સામને વાલી સરહદ' ખૂબ ચાલ્યું. ત્યાંના સંગીતપ્રેમી યુવાનોએ પણ આ ગીતના પ્રતિઉત્તરમાં એવું જ એક ગીત તૈયાર કરેલું. જોકે પાકિસ્તાન તરફથી આવેલા ગીતમાં ક્યાંકને ક્યાંક ઈર્ષા અને અસંતોષ વર્તાતો હતો. પરંતુ રાહુલ આ મામલે એમ વિચારે છે કે, 'સીત્તેર વર્ષથી આપણે બંદૂકથી વાત કરતા આવ્યા છીએ. હવે સંગીતથી વાત કરીશું. એટલિસ્ટ સંગીતના માધ્યમથી થતી વાતચીતમાં લોહી તો નહીં જ રેડાય!'
બોલિવુડમાં જેમ રહેમાન અને ગુલઝાર કે રહેમાન અને ઈર્શાદ કામિલની જોડીએ બેમિસાલ કામ કર્યું છે એમ રાહુલ રામ અને 'ઈન્ડિયન ઓશને' ગીતકાર વરુણ ગ્રોવર સાથે મળીને અદભુત સર્જન કર્યું છે. હજુ થોડા સમય પહેલા વાયા કાન્સ ભારતમાં ખૂબ વખણાયેલી 'મસાન' ફિલ્મમાં 'ઈન્ડિયન ઓશને' મ્યુઝિક આપેલું. આ ફિલ્મના 'તૂ કિસી રેલ સી ગુઝરતી હૈ...' કે 'મન કસ્તૂરી રે...' જેવા ગીતો વરુણ ગ્રોવરે લખ્યાં છે. વરુણ વિશે રાહુલ કહે છે કે, 'હું ખૂદ એ માણસનો ઘણો મોટો ફેન છું. કારણ કે, એમને સંવેદનાને શબ્દોના રૂપમાં ઢાળવાની અદભુત આવડત છે. વર્ષો પહેલા 'કટિયાબાઝ' નામની એક ડૉક્યુમેન્ટરીમાં અમે મ્યુઝિક આપેલું, એ ડૉક્યુમેન્ટરીના ગીતો વરુણે લખેલા અને જ્યારે અમને ડિરેક્ટરે એ લિરિક્સ આપ્યાં ત્યારે હું એ ગીતો વાંચીને ઝૂમી ઉઠેલો. ત્યાં સુધી તો હું એમને મળ્યો પણ નહોતો, પરંતુ વરુણને મળ્યાં વિના હું એમનો ફેન થઈ ગયો અને પછી તો અમે ઘણા પ્રોજેક્ટ્સમાં સાથે કામ કર્યું. નજીકના વર્ષોમાં અમારું જે પણ નવું આલબમ આવશે એમાં વરુણ ગીતો લખશે એ વાત હમણાથી નક્કી છે.'
રાહુલના સંગીતમાં આપણને નિખાલસતા વર્તાય છે એનું કારણ એ જ છે કે, એમનો સ્વભાવ અત્યંત નિખાલસ છે. હવે તો તેઓ જીવનના પાંચમાં દાયકાની સફર ખેડી રહ્યા છે પરંતુ તેઓ જ્યારે પરફોર્મ કરતા હોય ત્યારે એમનું આડેધપણું એમની બૉડી લેંગ્વેજમાં છલકતું નથી. એમના કોન્સર્ટ્સ વખતે કોન્સર્ટ જોવા આવેલા યુવાનો કરતા ખૂદ રાહુલ જ સૌથી વધુ થનગનતા હોય અને મ્યુઝિકની મજા માણતા હોય. આપણને એમ જ લાગે કે, આ કલાકાર બીજાને માટે નહીં પરંતુ પોતાને માટે જ અહીં ગાવા કે વગાડવા આવ્યા છે.
કોન્સર્ટ દરમિયાન એમનું બેન્ડ કોઈ પણ ગીત શરૂ કરે ત્યારે જો કોઈને જોવાની સૌથી વધુ મજા આવતી હોય તો એ રાહુલ રામ હોય છે. હાથમાં બાઝ ગિટાર લઈને સ્ટેજ પર ધમાલ મચાવતા આ કલાકાર દરેક ગીત સાથે જાણે કોઈક યાત્રા પર નીકળી જાય અને ગીતમાં એવા તો ખોવાઈ જાય કે, આપણને લાગે કે, આ માણસ હમણાં એના સૂર ચૂકી જશે. પરંતુ આંતરિક રીતે તેઓ ભલે ગમે એટલા ડૂબેલા હોય પરંતુ તેઓ નથી તો ક્યારેય સૂર ચૂકતા જે નથી તેઓ ટાઈમિંગ ચૂકતા. કદાચ આ જ પરિપૂર્ણતા કલાકાર તરીકે એમને ઘણા આગળ મૂકે છે. અમદાવાદની કોકોનટ ઈવેન્ટ કંપનીએ ક્રિસમસને દિવસે યોજેલી 'ઈન્ડિયન ઓશન બેન્ડ'ની કૉન્સર્ટમાં અમે પણ એમના ગીતો અને એમની સાધનાનો ભરપૂર લાભ લીધો, જ્યાં આ કલાકારને નજીકથી માણવાની તક પણ મળી અને એમની સાથે થોડો સમય બેસીને એમના વ્યક્તિત્વને પિછાણવાની પણ તક મળી.
ફીલ ઈટઃ
[embed width="640" height="480"]https://www.youtube.com/watch?v=Dsx1aoRX8d8[/embed]
પ્રિય વાચકો,
હાલ પૂરતું મેગેઝીન સેક્શનમાં નવી એન્ટ્રી કરવાનું બંધ છે, દરેક વાચકોને જૂનાં લેખો વાચવા મળે તેથી આ સેક્શન એક્ટિવ રાખવામાં આવ્યું છે.
આભાર