લાયક ગુરુની પસંદગી

19 Jul, 2016
12:05 AM

mamta ashok

PC:

ઓશો રજનીશનો ઉછેર એમના મોસાળમાં થયેલો, જેને કારણે રજનીશના વિચારો અને એમની વર્તણૂક પર એમના નાના-નાનીનો ઘણો પ્રભાવ હતો. જીવનના પહેલા સાત વર્ષ સુધી એમણે કોઈ પણ પ્રકારનું શિક્ષણ નહીં લીધેલું. એમના નાના એમને શિક્ષણ આપવાની તરફેણમાં હતા, પરંતુ નાની એમ માનતા હતા કે, સાત વર્ષની ઉંમર પછી એ ભલે ભણતા પરંતુ, સાત વર્ષ સુધી બાળકનું સાહજિક હોવું અત્યંત જરૂરી છે. નાનીની આવી જીદને કારણે ઓશોને સહજતા સાથે ખીલવાની તક મળી અને આ વર્ષોમાં જ એમણે ચિંતનના આકાશમાં ઉડાન ભરેલી. ઓશો પર એમની નાનીના વિચારોનો ઘણો પ્રભાવ હતો, જેમના વિશે તેઓ અનેક પ્રવચનોમાં કહી ચૂક્યા છે કે, હું એમનો અનુગ્રહિત છું. ઓશો એમને ગુરુતુલ્ય માનતા, જોકે આજે આપણે ઓશો કોને ગુરુ માનતા? કે તેઓ કોઇને ગુરુ માનતા કે નહીં કે પછી ઓશોના પ્રવચનો, કોમ્યુન કે એમના જીવનમાં કેવા વિવાદો કે વિરાધાભાસ હતા એ વિશેની વાતો નથી કરવી. આજે વાત કરવી છે ઓશોના જીવનના એક કિસ્સાની, જે કિસ્સો ઓશોના નાના સાથે સંકળાયેલો છો. અને એ કિસ્સાના તાંતણા ગુરુની પસંદગી સાથે જોડાયેલા છે.

ઓશોના નાના જૈન હતા અને કોઇ પણ ધાર્મિક જૈનની જેમ ધર્મમાં ઉંડી શ્રદ્ધા ધરાવતા. પણ એમના નાની જૈન ધર્મ પાળતા નહીં. મજાની વાત એ હતી કે, એમના નાનીને જૈન તો શું દુનિયાના તમામ ધર્મો બાલિશ લાગતા એટલે આજીવન એમણે કોઈ ધર્મ સ્વીકાર્યો ન હતો. ઓશોના નાનીમાં અપવાદ માત્ર એટલો હતો કે, એમને જૈનોના નવકાર મંત્રમાં ઘણી શ્રદ્ધા હતી અને નવકાર મંત્રનું તેઓ નિયમિત પઠન કરતા અને ઓશોને પણ એમણે આ મંત્ર શીખવેલો. ઓશો તો આ નવકાર મંત્રને બિનમજહબી મંત્ર કહેતા, જેનો ભાવાર્થ એમણે ખૂબ સરસ રીતે સમજાવ્યો છે. ઓશોએ નવકાર મંત્રનો જે ભાવાર્થ કહ્યો છે એના પર એક આખો લેખ થાય એવું છે એટલે એ વિશે સ્વતંત્ર લેખ કરીશું.

ઓશો ચાર-પાંચેક વર્ષના હતા ત્યારે એમના નાનાએ એમના ઘરે એક દિગંબર મુનિને આમંત્રણ આપેલું. શાંતિસાગર નામના એ મુનિને ઓશોના નાના પોતાના ગુરુ માનતા એટલે ગામના લોકોને ઉપદેશ આપવાના આશયથી એ મુનિને ઘરે બોલાવાયેલા. જૈન મુનિના દર્શન કરવા અને એમના ઉપદેશ સાંભળવા એમના ઘરે અનેક લોકોનો જમાવડો થયેલો અને મુનિએ ઉપદેશ આપવાનું શરૂ જ કર્યું ત્યાં ઓશોએ ઊભા થઈને એમને એક સવાલ કર્યો. ઓશો કહે છે કે, સેંકડો લોકોની વચ્ચે ઊભા થઈને એમણે પૂછેલો એ સવાલ એમના જીવનનો પહેલો વિદ્રોહ હતો અને ત્યારથી લઈને એમના અવસાન સુધી તેઓ મૂઢ લોકો સામે સતત લડતા રહ્યા.

એ દિવસે ઓશોએ મૂનિને બે સવાલ કરેલા, જેમાંના બંને સવાલોના મુનિ યોગ્ય તર્કબદ્ધ જવાબ આપી શક્યા નહોતા. ઓશોએ મુનિને પહેલો સવાલ એ પૂછેલો કે, 'તમે ફરી ક્યારેય જન્મ લેવા નથી માગતા?' તો મુનિએ કહ્યું, 'ના કદી નહીં.' ફરી જન્મ નથી લેવો એનો અર્થ એ થયો કે, મુનિ જીવનને વ્યર્થ માને છે અને જો આવતે જન્મે જીવન નથી જોઈતું તો પછી આ જન્મે પણ જીવવાનો શો અર્થ? એટલે ઓશોએ એમને કહ્યું, 'તો પછી તમે આત્મહત્યા કરીને આ જીવન ટૂંકાવી કેમ નથી દેતા?'

જોકે એક બાળકે મુનિને આવો સવાલ પૂછ્યો એટલે શ્રાવકોમાં હોહા મચી ગઈ. એનું કારણ, એમણે ત્યાં સુધી એવી પ્રથા જોયેલી, જેમાં ગુરુઓ ઉપદેશો આપતા અને શ્રાવકો એ સાંભળીને ઘરે જતાં. ક્યારેય કોઇએ એવું નહોતું વિચાર્યું કે, ગુરુએ જે ઉપદેશ આપ્યો એમાં તર્ક કેટલો છે કે એ વાતો કેટલે અંશે સાચી છે? ગુરુનો ઉપદેશ કે એમણે આપેલી કેળવણી યોગ્ય છે કે અયોગ્ય એ બે નંબરની વાત છે, પણ મુખ્ય વાત એ છે કે, કોઇ પણ શ્રાવક, શિષ્ય કે ભક્તના મનનું સમાધાન નહીં થાય ત્યાર સુધી એને સવાલો પૂછતા રહેવાનો અધિકાર છે. જોકે એવી પ્રથા આપણે ત્યાં ઓછી છે, આજકાલ તો આપણે ત્યાંના ગુરુઓ હંમેશાં સાચા જ હોય છે. એટલે એમના ઉપદેશો તો ઠીક પણ એમના હાઈફાઈ આશ્રમોમાં ચાલતા ધંધા વિશે પણ કોઇક એમને પ્રશ્ન પૂછવાનો પ્રયત્ન કરે તો ગુરુઓએ ચેલાના રૂપમાં રાખેલા ભાડૂતી બાઉન્સર્સ પ્રશ્ન પૂછનારને જ હતો ન હતો કરી નાંખે છે.

ખૈર, ફરી ઓશોના કિસ્સા પર આવીએ. આત્મહત્યા વિશે સવાલ પૂછ્યા બાદ ઓશોએ પેલા મુનિને આત્મહત્યા કરવાના એક-બે નુસખા પણ બતાવે છે. બાળકની આવી ઉદ્ધતાઈ જોઈને શાંતિસાગર ધૂંવાંપૂંવાં થઈ ગયા. એમણે રાડ પાડીને બાળકને બેસી જવા કહ્યું, પરંતુ બાળક શાંતિથી બેસી જાય એમાનું નહોતું. બાળકે મુનિને રોકડું પરખાવ્યું કે, સંન્યાસ લીધા પછી તમે તમારું નામ શાંતિસાગર રાખ્યું છે, જેનો અર્થ થાય છે મૌન અને શાંતિનો સાગર અને વળી સંત તરીકે તમે તમારી તમામ વૃત્તિઓનો ત્યાગ કરી રહ્યા છો તો એક બાળકના પ્રશ્નથી વિચલિત થઈને આટલી બધી રાડારાડ કેમ?

ત્યારબાદ ઓશોએ એ મુનિને કહ્યું, 'તમે કહો છો કે જ્યાં સુધી તમે જાતે અનુભવ ન કરો ત્યાં સુધી કોઈ વસ્તુ માનો નહીં. મને તમારું આ કહેવું સાચુ લાગે છે અને તેથી આ પ્રશ્ન પૂછું છું... તમે સાત નરકોનો ઉલ્લેખ કર્યો છે તો, પ્રશ્ન એ ઊભો થાય છે કે તમે સાતમું નરક જોયું છે? જો તમે ત્યાં ગયા હો તો અત્યારે તમે અહીં હોઈ શકો નહીં. જો તમે ત્યાં ન ગયા હો તો પછી કઈ સત્તાથી તમે કહી શકો કે તે અસ્તિત્વ ધરાવે છે? તમારે એમ કહેવું જોઈએ કે નરકો સાત નથી પણ છ જ છે. જો તમે સાતમાં નરકનો આગ્રહ રાખતા હો તો તમે એ સાબિત કરો કે કમ-સે-કમ શાંતિસાગર નામની એક વ્યક્તિ સાતમા નરકની મુલાકાત લઈને પાછી આવી છે.'

ઓશો કહે છે, મારા આ સવાલ પછી એમની જીભ તાળવે ચોંટી ગઈ. ઓશોએ મુનિને એ સવાલ એટલે પૂછેલો કે, જૈનો એવું માને છે કે, જુદાજુદા સાત નરકો હોય છે. છ નરક સુધી નર્કમાંથી ઉગારો થવાની સંભાવના હોય છે, પરંતુ સાતમું નરક શાશ્વત હોય છે, જેમાંથી બહાર નીકળી શકાતું નથી. એટલે ઓશોને મનમાં સવાલ થયો કે, જો સાતમા નર્કમાંથી ફરી આવી નહીં શકાતું નથી તો એ શાશ્વત નર્કની વાત લાવ્યું કોણ?

આ કિસ્સા માટે ઓશો કહે છે કે, 'મેં એ સવાલ પૂછેલા ત્યારે હું અત્યંત સરળ અને સાવ અબુધ હતો અને મને વાંચતા કે લખતા પણ આવડતું નહોતું. મારા માન્યામાં જ નથી આવતું કે મેં એ અવસ્થામાં આવા સવાલ કઈ રીતે પૂછેલા?' ત્યાર બાદ પણ ઓશોએ મૂનિને ત્રીજો સવાલ પૂછવાનો વિચાર કરેલો, પણ પછી એમણે એમ વિચાર્યું કે, આખરે મુનિ એમના ઘરના મહેમાન છે અને ઘરે આવેલા મહેમાનની નાલેશી કરવું યોગ્ય નથી એટલે એમણે વધુ સવાલો પૂછવાનું ટાળ્યું અને મુનિને એમના હાલ પર છોડી દીધા. ઓશો એમના વર્તન બાબતે પણ પ્રકાશ પાડે છે કે, 'શાંતિસાગર પ્રત્યેનું મારું વર્તન ઉદ્ધત નહોતું, જે-તે સંદર્ભમાં મારો પ્રશ્ન બરોબર હતો. તેઓ જવાબ નહીં આપી શક્યા એટલે તો હું વધારે સાચો ઠર્યો. મને કહેવા દો કે તે મારી પ્રશ્નો ઉઠાવવાની જ શરૂઆત નહોતી પણ લોકોના પક્ષે અનુત્તર રહેવાની પણ શરૂઆત હતી. હું ઘણા કહેવાતા મહાત્માઓને મળ્યો છું પણ કોઈએ મારા કોઇ પ્રશ્નનો કદી જવાબ આપ્યો નથી.'

આ ઘટના બાદ ઓશોના નાના એમના પર ઘણા ગુસ્સે થયેલા, પરંતુ ઓશોએ નાનાને પણ ચોખ્ખું કહેલું, 'તમારા ગુરુ સાવ અધકચરા હતા, તમારે કોઇ વધુ યોગ્ય પાત્રને પસંદ કરવા જોઈએ.' એમના નાનાએ પણ એ વાત સ્વીકારી કે, એમણે ગુરુ તરીકે જે પાત્રની પસંદગી કરી એ પાત્ર યોગ્ય નહોતું. પરંતુ હવે વૃદ્ધાવસ્થામાં ગુરુ બદલવું એમને વ્યવહારું લાગતું નહોતું. જોકે ઓશોના નાનીએ એમના પતિને કહ્યું કે, 'બદલાહટ માટે કદી મોડું હોતું નથી. જો તમને પ્રતીત થાય કે તમે જેની પસંદગી કરી છે તે બરાબર નથી તો બદલી નાખો...'

જોકે પોતાના મૃત્યુ સુધી ઓશોના નાના એમના ગુરુ બદલી નહોતા, જેનો મલાલ એ વૃદ્ધને એમના મૃત્યુ સુધી રહ્યો હતો.

પ્રિય વાચકો,

હાલ પૂરતું મેગેઝીન સેક્શનમાં નવી એન્ટ્રી કરવાનું બંધ છે, દરેક વાચકોને જૂનાં લેખો વાચવા મળે તેથી આ સેક્શન એક્ટિવ રાખવામાં આવ્યું છે.

આભાર

દેશ અને દુનિયાના સમાચારથી માહિતગાર થવા તેમજ દરેક અપડેટ સમયસર મેળવવા ડાઉનલોડ કરો Khabarchhe.com એપ અને ફોલો કરો Khabarchhe.com ને સોશિયલ મીડિયા પર.