મહાત્માના જીવનમાં મોહનનો મસાલો

14 Jun, 2016
12:05 AM

અંકિત દેસાઈ

PC:

મોહનદાસ કરમચંદ ગાંધી.આ નામ વિશે વાંચીએ, સાંભળીએ કે વિચારીએ એટલે તરત જ આપણી આંખો આગળ એક હસતો ચહેરો દેખાય. આંખો આગળ આકાર લેતા એ ચહેરાને આપણે ગાંધીજી અથવા મહાત્મા ગાંધીના માનવાચક શબ્દોથી સંબોધીએ છીએ અને એ વ્યક્તિ કે એમના વ્યક્તિત્વ પ્રત્યે આપણને આદર હોય એ વાત પણ સ્વાભાવિક છે. ગુજરાત કે ભારત તો ઠીક, પણ વિશ્વભરના લોકો પોરબંદરના આ વાણિયાને મહાત્મા કે મહાન વિભૂતિ તરીકે પિછાણે છે , પણ ઘણી વખત આપણે એ બાબતે વિચારવાનું ચૂકી જઈએ છીએ કે, આખરે આ મોહનદાસ મહાત્મા કઈ રીતે બન્યાં? એમનામાં એવી તે કઈ દિવ્ય શક્તિઓ હતી? જે શક્તિઓ દ્વારા એમણે દક્ષિણ આફ્રિકા અને ભારતમાં ઊંડા મૂળિયા જમાવી ચૂકેલી અંગ્રેજી સલતનના પાયા ઢીલા કરી નાંખ્યા? મજાની વાત તો એ હતી કે, મહાત્માએ અંગ્રેજો સામે જે જંગ માંડેલો એ જંગમાં કોઇ નાના સરખા શસ્ત્ર કે હિંસાનો પણ સહારો નહોતો લેવાયો! આ સવાલોના જવાબો મેળવવા આપણે થોડા ઉંડા ઉતરીશું તો આપણને ખ્યાલ આવશે કે, એ માણસને કુદરતે એવી કોઇ વિશેષ તાકાત કે ક્ષમતા બક્ષી નહોતી, જેના બળે તેઓ મહાત્મા બની શકે. એમણે પણ જીવનમાં એવી જ બાબતો કે સંજોગોનો સામનો કરવાનો આવ્યો હતો, જે સંજોગો આજે આપણને પજવી રહ્યા છે. પણ તેઓ મહાત્મા એટલે બન્યાં કે મોહને પોતાની સામેના કપરા સંજોગો આગળ ન તો આંખ આડા કાન કર્યા કે નહીં એ સંજોગોમાંથી પલાયન સાધ્યું. એમણે માત્ર એ સંજોગોનો ડટકર સામનો કર્યો અને પોતાની એ લડત દરમિયાન ત્રણ બાબતોને ક્યારેય નહીં ભૂલ્યાં, ધીરજ, સત્ય અને અહિંસા!

આજે મોહન અને મહાત્મા બંને એટલે યાદ આવ્યા કે, ગયા અઠવાડિયે બાપુના જીવન પર આધારિત એક મજાનું નાટક 'મોહનનો મસાલો' જોવાનું બન્યું. ગુજરાતી નાટ્ય જગતના મુઠ્ઠી ઉંચેરા દિગ્દર્શક મનોજ શાહે આ સોલો નાટક ડિરેક્ટ કર્યું છે અને તખતા તેમજ ગુજરાતી ફિલ્મોના હોનહાર અભિનેતા પ્રતીક ગાંધીએ મોહનદાસ ગાંધીનું પાત્ર ભજવ્યું છે. તમે કહેશો, 'આ ભાઈ પ્રેસની ક્રેડિટ પર મફતમાં નાટક જોઈ આયા છે એટલે મુઠ્ઠી ઉંચેરા અને હોનહાર જેવા શબ્દ પ્રયોગો કરી રહ્યા છે!' પણ ના, એવું નથી. એ તો તમે પોતે મનોજ શાહના 'હું ચંદ્રકાન્ત બક્ષી', 'કાર્લ માર્ક્સ ઈન કાલબાદેવી', 'મમ્મી તું આવી કેવી?', 'મરીઝ' કે 'માસ્ટર ફૂલમણિ' જેવા નાટકો જુઓ તો જ તમને ખ્યાલ આવશે કે મનોજ શાહ મુઠ્ઠી ઉંચેરા કેમ છે. અને બોસ, પ્રતીક ગાંધીને તમે ફિલ્મના પડદા પર ભલે જોયાં હોય પરંતુ નાટકના મંચ પર એમને અભિનય કરતા જોવા એ ટ્રીટ છે ટ્રીટ! એમાંય 'મોહનનો મસાલો'માં તો એમનું સોલો પરફોર્મન્સ છે, પણ શરત લગાવીને કહી શકાય કે, બ્રેક વિના સતત દોઢ કલાક ચાલતા એ નાટકમાં પ્રતીક ગાંધી તમારી આંખ આગળ એવી દુનિયા ખડી કરી દેશે કે તમે મટકુંય નહીં મારી શકો.

સામાન્ય રીતે ગાંધીજીના જીવન પર તૈયાર થતાં નાટક, ફિલ્મો કે પુસ્તકોમાં મહાત્મા ગાંધીના જીવન પ્રસંગો દ્વારા માહાત્માની મહાનતાના દર્શન કરાવાતા હોય છે. વળી, આવી કૃતિઓમાં ગાંધીજીનું સમગ્ર જીવન આવરી લેવામાં આવતું હોય છે. પરંતુ 'મોહનનો મસાલો' નાટક આવી કૃતિઓ કરતા કંઈક નોખું નાટક સાબિત થાય છે, જેમાં ગાંધીજીનું બાળપણ અને એમની યુવાનીના કેટલાક વર્ષોની જ વાત છે અને આખું નાટક એ બાબત પર ફોક્સ કરે છે કે આખરે આ મોહન, મહાત્મા બન્યાં કયા કારણોને લીધે? નાટકમાં ગાંધીજીને મહાત્મા નહીં, પણ મારા, તમારા કે આપણા જેવા સામાન્ય મોહન તરીકે રજૂ કરવામાં આવ્યા છે. મોહન નાનીનાની મુશ્કેલીઓમાં અટવાઈ પણ જાય છે અને ટિપિકલ કાઠિયાવાડી ભાષામાં પોતાના સંવાદો પણ બોલે છે! નાટકની સ્ક્રિપ્ટમાં મને જે સૌથી અસરકારક અને યુનિક પાસું લાગ્યું હતું એ આ જ હતું. કાઠિયાવાડમાં જન્મેલો અને ઉછરેલો માણસ સ્વાભાવિક જ કાઠિયાવાડી લહેકામાં ગુજરાતી બોલતો હોવાનો, પણ આ પહેલા આપણે ક્યારેય ગાંધીજીને કાઠિયાવાડી લહેકામાં બોલતા નહીં સાંભળ્યા હોય! નાટકની બીજી મહત્ત્વની વાત એ છે કે અહીં જે ગાંધી રજૂ કરાયા છે એ ઘણા રમતિયાળ છે, આપણે ગાંધીજીમાં જે ગંભીરતા જોઈ છે એ ગંભીરતાનો એક અંશ પણ નહીં જોવા મળે આ નાટકમાં.

'મોહનનો મસાલો'માં એક મજાનો મેસેજ એ અપાયો છે કે, આપણી અંદર પણ એ જ મસાલા છે, જે મસાલા ગાંધીમાં હતા, પરંતુ આપણે આપણી અંદરના મસાલાને સૂંઘી શકતા નથી! અલબત્ત, અહીં મહાત્મા બનાવાની વાત નથી, પણ મહાત્માના એ મસાલાઓ દ્વારા આપણે પણ આપણા જીવનમાં કશુંક ઉત્તમ કરી શકીએ કે શ્રેષ્ઠતાને પામી શકીએ એની વાત જરૂર કરવામાં આવી છે. નાટક જોતા હોઈએ ત્યારે આપણને સતત એવું જ લાગ્યા કરે કે, પ્રતીકના અભિનય સાથે 'સત્યના પ્રયોગો' પુસ્તકનું એક એક પાનું ફરી રહ્યું છે. નાટકમાં શ્રવણની કથા વિશેની પણ વાત છે અને 'રાજા હરિશ્ચંદ્ર'ની વાત છે. મિત્રો સાથે મોનિયાએ કરેલા વ્યસન અને વ્યભિચારના પરાક્રમોનો પણ ઉલ્લેખ છે તો ઘતૂરાના બી ખાઈને અપઘાત કરવાનો કિસ્સો, કબા ગાંધીનું અવસાન અને વિષયઆસક્ત ગાંધીની વાત, બેરિસ્ટર બનવા લંડન ઉપડતા મોહનની વાત, નાત બહાર મૂકવાનો પ્રસંગ, લંડનના અનુભવો, ભારતની શરૂઆતની વકીલાત, દક્ષિણ આફ્રિકાની પેઢીનું તેડું અને ત્યાંના માઠા અનુભવો બાદ મોહનમાંથી મહાત્મા બનવાની પ્રક્રિયા પણ રજૂ થઈ છે. આપણે આ બધી ઘટનાઓ વિશે જાણતા હોઈએ છીએ એટલે આપણને એમ લાગે છે કે આ તો ચવાઈ ગયેલી સામાન્ય વાર્તા છે, પરંતુ જ્યારે નાટક આપણી સામે ભજવાય અને એક એક કિસ્સાનો મસાલો આપણી આગળ પીરસાય ત્યારે આપણને ખ્યાલ આવે કે, મહાત્મા વિશે ઘણું જાણતા હોવા છતાં મોહનનો આ મસાલો અસામાન્ય અને ટેસ્ટી છે.

આવા અસામાન્ય નાટકને લગતી બીજી અસામાન્ય ઘટના એ બની કે, દસમી જૂને આ નાટકે લિમ્કા બુક ઑફ રેકોર્ડમાં પોતાની દાવેદારી નોંધાવી છે. કઈ રીતે? તોકે 'મોહનનો મસાલો' ગુજરાતીની સાથે હિન્દી અને અંગ્રેજીમાં પણ તૈયાર કરાયું છે. અને ત્રણેય ભાષાઓમાં પ્રતીક ગાંધીએ જ ગાંધીજીનું પાત્ર ભજવ્યું છે. મૂળ તો આ નાટક અંગ્રેજીમાં સૌથી પહેલું લખાયેલું અને ભજવાયેલું, પરંતુ પછીથી લોકોની માગણીને ધ્યાનમાં રાખીને એને ગુજરાતી અને હિન્દીમાં પણ તૈયાર કરાયું. દેશભરમાં સમયાંતરે આ નાટક આ ત્રણ ભાષાઓમાં ભજવાતું રહેતું, પરંતુ દસમી જૂને રેકોર્ડ એ થયો કે, મુંબઈના પૃથ્વી થિયેટર પર એક જ દિવસે આ નાટક વારાફરતી ત્રણ ભાષામાં રજૂ થયું. આમ, એક જ દિવસે, એક જ સ્થળે, એક જ અભિનેતાએ, એક જ નાટક ત્રણ ભાષામાં ભજવ્યું અને ભારતભરના નાટ્ય જગતમાં આવી ઘટના પહેલી વાર બની! યુનિક કહેવાય કે નહીં? બોલો જય જય ગરવી ગુજરાત!

કોઈ એક કલાકારે એક જ દિવસે ત્રણ જુદી જુદી ભાષામાં એક નાટક ભજવવાનું હોય ત્યારે સ્વાભાવિક છે કે, એ દિવસે કલાકારની કસોટી થઈ જાય. પ્રતીક ગાંધી માટે પણ આ એક મોટી ચેલેન્જ હતી, કારણ કે, અત્યાર સુધી એવું બન્યું હતું કે, પ્રતીક આજે ગુજરાતીમાં નાટક ભજવે તો કાલે ક્યાંક હિન્દીમાં ભજવે તો પરમ દિવસે અંગ્રેજી નાટકનો શૉ હોય, પરંતુ એક દિવસે ત્રણેય ભાષામાં પરફોર્મ કરવાનું હોય એવી ઘટના પહેલી વાર બની હતી. આ માટે પ્રતીક કહે છે કે, 'આ નાટક ત્રણ જુદી ભાષામાં તૈયાર થયું હતું એ વાત સાચી છે, પણ એવુંય નથી કે, ત્રણેય ભાષામાં નાટકનું સીધુ ભાષાંતર કરાયું છે! ત્રણેય ભાષાની સ્ક્રિપ્ટમાં ઘણો તફાવત છે અને આ કારણે મારી સામે મોટી ચેલેન્જ ઊભી થઈ હતી. ગુજરાતી નાટકની સ્ક્રિપ્ટમાં મારે કાઠિયાવાડી લહેકા સાથે આખું નાટક કરવાનું હતું તો હિન્દી, અંગ્રેજીમાં શરૂઆતના તબક્કામાં કાઠિયાવાડી લહેકામાં હિન્દી અથવા અંગ્રેજી બોલવાનું હતું. દસ જૂનના પરફોર્મન્સને લઈને મને થોડો ડર અને રોમાંચ જરૂર હતા, પરંતુ ત્રણેય ભાષાના નાટકો પૂરા થયાં પછી દર્શકોના ચહેરા પરના આનંદ અને એમના પ્રતિભાવો જોયા બાદ મને ઘણી રાહત થયેલી.'

તો કેપ્ટન ઑફ ધ શિપ એટલે કે, નાટકના દિગ્દર્શકને અમે એમ સવાલ કર્યો કે, 'ગાંધીના જીવન પર આટલું બધુ કામ થઈ ચૂક્યું હોવા છતાં અને લોકો ગાંધી વિશે ઘણું જાણતા હોવા છતાં ગાંધીજી પર એક નવું નાટક તૈયાર કરવાની કેમ ઈચ્છા થઈ?' મનોજ શાહ આના જવાબમાં કહે છે કે, 'હું મારી આ કૃતિને રિ-ટેલિંગ કહું છું, જેમાં વાર્તા કરતા મહત્ત્વની છે નાટકની રજૂઆતની શૈલી અને નવો દૃષ્ટિકોણ! આમ તો આપણે ક્લિક કરીએ ત્યાં ગુગલમાં આપણને ગાંધીજી વિશે અઢળક માહિતી મળે, પણ મારું નાટક જોશો પછી તમને ખ્યાલ આવશે કે, યાર આ તો આપણને ખબર જ નહોતી! મારી ચેલેન્જ જ એ હતી કે, હું આ વિષયને આજના પરિપ્રેક્ષ્યમાં કઈ રીતે રજૂ કરું?'

આ નાટકની સર્જન પ્રક્રિયાની વાત પણ ઘણી રસપ્રદ છે. આ સંદર્ભે મનોજ શાહ કહે છે, 'એક વાર 'હું ચંદ્રકાંત બક્ષી' નાટકના શૉ પછી હું અને પ્રતીક લંચ કરતા હતા ત્યારે અમારા બંને વચ્ચે ચર્ચા થયેલી કે, આજના યુથને કનેક્ટ કરે કે એમને પ્રેરણા આપે એવું નવું શું પીરસી શકાય? અને ત્યારે હું અને પ્રતીક બંને એ બાબતે સહમત થયેલા કે, ગાંધીજીના જીવનને લગતું કંઈક કરવું જોઈએ. ત્યાર પછી મેં આ વિષયમાં શું નવું કરી શકાય એ વિશે વાંચવા-વિચારવાનું શરૂ કરી દીધેલું અને યોગાનુયોગ આપણા જાણીતા વાર્તાકાર રજનીકુમાર પંડ્યાએ એ જ અરસામાં મને નારાયણ દેસાઈના ગાંધીજી પરના પુસ્તક 'મારું જીવન એ જ મારી વાણી'ના ચાર ભાગ ભેટમાં મોકલેલા. હું એ ગ્રંથો વાંચી ગયો અને ગાંધી ઉપર લખાયેલું મને જે કંઈ મળ્યું એનો મેં અભ્યાસ કર્યો અને દોઢેક વર્ષની રિસર્ચ બાદ મેં આ નાટક તૈયાર કર્યું. જોકે નાટક બનાવતા પહેલાથી હું બે બાબતે અત્યંત સ્પષ્ટ હતો કે, મારે આ નાટક કન્ટેમ્પરરી રાખવું છે અને નાટક વન મેન શૉ હશે.'

આગળ કહ્યું એમ સૌથી પહેલા આ નાટક 'MOHAN'S MASALA' નામે અંગ્રેજીમાં તૈયાર થયું હતું, જેનું લેખન ઈશાન દોશીએ કર્યું હતું. 'મોહન કા મસાલા' નામે જ્યારે નાટકનું હિન્દીમાં રૂપાંતરણ થયું ત્યારે જાણીતા લેખક મિહિર ભૂતાએ લેખનની જવાબદારી સંભાળી હતી તો ગુજરાતી નાટકની સ્ક્રિપ્ટ સત્ય મહેતા અને ઈશાન દોશીએ લખી હતી. સ્ક્રિપ્ટની બાબતે મનોજ શાહે એક બાબતનું ખાસ ધ્યાન રાખેલું કે, જે રીતે ગાંધીજી અત્યંત સાદા અને સરળ હતા એમ એ સરળતા નાટકની સ્ક્રિપ્ટમાં પણ ઝળકવી જોઈએ. ભાષાનો ભપકો કે જ્ઞાનનો ભાર એમને નાટકમાં જોઈતો ન હતો! નાટક જોઈએ ત્યારે ખરેખર આપણે નાહકના ભપકા તળે ડબાઈ નથી જતાં અને પ્રતીક ગાંધીના અભિનય અને એમની વાતો સાથે સીધા કનેક્ટ થઈ જઈએ છીએ. આવનારા દિવસોમાં આ નાટક મુંબઈ અને ગુજરાતના અનેક શહેરોમાં ભજવાવાનું છે ત્યારે જો નાટક આપણા શહેરમાં આવે તો એ ચૂકવા જેવું નથી.

પ્રિય વાચકો,

હાલ પૂરતું મેગેઝીન સેક્શનમાં નવી એન્ટ્રી કરવાનું બંધ છે, દરેક વાચકોને જૂનાં લેખો વાચવા મળે તેથી આ સેક્શન એક્ટિવ રાખવામાં આવ્યું છે.

આભાર

દેશ અને દુનિયાના સમાચારથી માહિતગાર થવા તેમજ દરેક અપડેટ સમયસર મેળવવા ડાઉનલોડ કરો Khabarchhe.com એપ અને ફોલો કરો Khabarchhe.com ને સોશિયલ મીડિયા પર.