હારેલા પાત્રોની વાર્તા...

09 May, 2017
01:23 PM

અંકિત દેસાઈ

PC: jaipurliteraturefestival.org

માનવ કૌલ અચ્છા અભિનેતા છે અને મુંબઈના પૃથ્વી થિયેટરમાં ભજવાતા એમના નાટકોથી લઈ બોલિવુડની ‘કાઈપો છે’ કે ‘જય ગંગાજલ’ જેવી ફિલ્મો સુધી એમણે એમની આગવી સ્પેશ ઊભી કરી છે. જોકે સારા અભિનેતા હોવા ઉપરાંત તેઓ ખૂબ સારા વાર્તાકાર પણ છે. અને વાર્તા કહેવાના શોખને કારણે જ તેઓ નાટકોના દિગ્દર્શન તરફ પણ આકર્ષાયા. વાર્તા કહેવાની એમની પેશન માત્ર દિગ્દર્શન સુધી જ નહીં, પણ વાર્તાસંગ્રહો સુધી પણ પહોંચી, જેને પગલે છેલ્લાં એક વર્ષમાં આપણને માનવ પાસેથી બે વાર્તાસંગ્રહો મળ્યાં છે. માનવ કૌલના પહેલા વાર્તા સંગ્રહ ‘ઠીક તુમ્હારે પીછે’ વિશે આપણે એક નહીં, પણ બે-બે લેખો માણેલા. તો આજે એમના બીજા વાર્તાસંગ્રહ ‘પ્રેમ કબૂતર’ની થોડી વાતો કરીએ.

આમ તો માનવના આ નવા વાર્તાસંગ્રહમાં માત્ર આઠ જ વાર્તાઓનો સમાવેશ કરાયો છે, પરંતુ એક એકથી ચઢે એવી એ આઠ વાર્તાઓ વાંચતી વખતે જે મજા આવે એ અનન્ય હોય છે. હિન્દી સાથે કામ પાર પાડવાની માનવની આવડત ગજબ છે અને એ ગજબ ભાષામાં જ્યારે માનવ કથા ગૂંથે છે ત્યારે ભાષા અને કથાના અદ્દભુત સાયુજ્યથી થોડું વિશેષ કહી શકાય એવું સર્જન આપણી સમક્ષ ઉઘડે છે. 

આમ તો એ આઠેય વાર્તાઓ એકબીજાથી ભિન્ન કથાવસ્તુ ધરાવે છે, પરંતુ આઠેયમાં જો કોઈ એક સામ્યતા હોય તો તે કે એ હંધીય વાર્તાઓમાં કંઈક ફરિયાદ નજરે ચઢે છે ક્યાંક હાર નજરે છે અને પાત્રોની હારની કસક નજરે ચઢે છે. જોકે એ બાબતે માનવે પોતે પ્રસ્તાવનામાં ફોડ પાડ્યો છે કે, ‘મને મોટાભાગે હારેલા પાત્રો ખૂબ આકર્ષિત કરે છે. હારેલા પાત્રોની અંદર એક નાટકીય સંસાર છૂપાયેલો હોય છે. જીતની વાર્તાઓ મને હંમેશાં કંટાળાજનક લાગી છે.’

પ્રસ્તાવનામાં માનવે એ વાતનો પણ સ્વીકાર કર્યો છે, કે વાર્તાલેખનને કારણે તેઓ ટકી રહ્યા છે. તેઓ લખે છે, ‘હું અત્યંત નાસ્તિક માણસ છું, પણ મારી મુશ્કેલીઓના સમયમાં મારી વાર્તાઓ જ મારી વહારે આવી છે. મારા લેખનને કારણે હું ટકી રહ્યો. દરવખતે હું (જીવનના) આકરા તાપમાંથી ભાગીને આ (વાર્તાઓના) વડલાના છાંયડામાં આશ્રય મેળવી લેતો.’

આપણા ઘણા વાર્તાકારો, નાટ્યકારો કે અભિનેતાઓ એમની મુલાકાતોમાં એવું કહેતા હોય છે કે, એમને સર્જનની પૂર્ણતા કરતા સર્જનની પ્રક્રિયામાં વધારે મજા પડે છે. કોઈક વાર્તા, નવલકથા અથવા નાટક એમના મનમાં આકાર લેતું હોય પછી એની માવજત થાય અને વિવિધ ઘાટ આપી એ સર્જનને સાકાર કરવા આખરી ઓપ આપવાનું શરૂ થાય એ દરમિયાન સર્જકનું લાગણી જગત અનેરું હોય. એ લાગણીઓથી તરબતર થવાનું, એમાં ભીંજાવાનું એમને ખૂબ ગમતું હોય છે. સર્જન પ્રક્રિયા દરમિયાનની દૈવી હકારાત્મકતા સર્જકનું હોવાપણું સાર્થક કરે છે, લાગણીઓની આવી વાછટ માણવાનું બધાના ભાગ્યમાં નથી હોતું. સર્જન થઈ જાય પછી તો એમાં ભાવક-વાચક કે દર્શકનો પણ ભાગ હોય છે. અલબત્ત, સર્જકને એના સર્જનમાં ભાગ પાડવાનું ગમતું જ હોય છે, પરંતુ સર્જન પ્રક્રિયા પૂરી થાય અને સર્જન પૂર્ણ થાય પછી પેલી અલૌકિક અનુભૂતિની ગેરહાજરી વર્તાય છે, જેને કારણે જ સર્જકો કહેતા હોય છે કે, એમને સર્જનપ્રક્રિયામાં ઘણો આનંદ આવે છે.

ખૈર, માનવની વાર્તાઓની વાત કરતી વખતે આ વાત એટલે સૂઝી કે માનવે સંગ્રહની પ્રસ્તાવનામાં કંઈક આ સંદર્ભની મજાની વાતનો પણ ઉલ્લેખ કર્યો છે. એ લખે છે, 

‘લગભગ સત્તાવીસ વર્ષ પછી હું બારામુલા (કાશ્મીર), ખ્વાજબાગ ગયેલો, જ્યાં મારો જન્મ થયેલો અને મારું બાળપણ વીતેલું. અમે જ્યાં રહેતા એ કૉલોની ખંડેર બની ગયેલી. મારા ઘરનો દરવાજો તોડીને મારે અંદર ઘૂસવું પડેલું. મારું એ ઘર, અંતિમ શ્વાસ લેતા કોઈ વૃદ્ધ જેવું હતું, જે ઢળી પડવા પહેલા કોઈક સ્વજનની રાહ જોતું હતું. એવામાં મારી નજર એક નાનકડા ગોખલા પર ગઈ, જે ગોખલામાં હું મારી ચોકલેટ્સ સંતાડી રાખતો. એ બધું જોઈને હું મારી જાતને નહીં સંભાળી શક્યો. કલાકો સુધી હું એ કૉલોનીમાં રખડપટ્ટી કરતો રહ્યો. એ તમામ ગલીઓમાં ગયો, જ્યાં અમે રમતા. કૉલોનીમાંથી નીકળતી વખતે એક સ્ત્રીએ મને અટકાવીને પૂછ્યું, 

‘કોણ છે તું? અને અહીં તું શું કરે છે?’

‘પેલી સામેની ગલીમાં જે છેલ્લું ઘર છે ને? ત્યાં હું રહેતો હતો. મારો જન્મ જ ત્યાં થયેલો.’ મેં કહ્યું.

પણ પેલી સ્ત્રી તો મારી વાત સાંભળીને હસવા માંડી. એનું હસવું સાંભળીને જાણે મને જ મારી વાત પર ભરોસો નહીં બેઠો. મને મારી વાત એટલી ખોટી લાગી કે હું સીધો એ કૉલોનીમાંથી બહાર નીકળી આવ્યો.’

પ્રસ્તાવનામાં માનવે જે વાત લખી છે એ થોડી વાર અટકાવીએ. કારણ કે, તમને એવો સવાલ થયો હોવો જોઈએ કે, સર્જક અને સર્જન પ્રક્રિયાની વાતને માનવે ઉપરના લાંબા પ્રસંગ સાથે શું નિસ્બત? સર્જન પ્રક્રિયાના આનંદ વિશેની તો આમાં લેશમાત્ર વાત નથી. પણ આખી વાતનો ઉઘાડ અને એનું સૌંદર્ય જ આ આખી વાતમાં છે, જે વાંચીને આપણું દિલ બાગ બાગ થઈ જાય. ઉપરની વાતનું અનુસંધાન આગળ વધારીએ. જુઓ માનવ શું લખે છે. 

‘પેલી સ્ત્રી તો મારી વાત સાંભળીને હસવા માંડી. એનું હસવું સાંભળીને જાણે મને જ મારી વાત પર ભરોસો નહીં બેઠો. મને મારી જ વાત એટલી ખોટી લાગી કે હું સીધો એ કૉલોનીમાંથી બહાર નીકળી આવ્યો. હવે (લખાયા બાદ) મારી વાર્તાઓ ફરી વાંચતી વખતે પણ મને કંઈક એવો જ અહેસાસ થાય છે. મારી વાર્તાઓના સર્જન દરમિયાન પણ હું વાર્તાઓને મારી અંદર અત્યંત ઉત્કટતાથી મહેસૂસ કરું છું, પરંતુ વાર્તાઓ કહેવાઈ જાય પછી અચાનક જ અંદરથી કશુંક ખરી પડે છે.’

હવે મજા આવી? બારામુલાના ઘર સાથેના સંબંધ, પેલી સ્ત્રીના હાસ્ય પછી પોતે જ કહેલી વાત, જે સત્ય હતી, પણ એનું અસત્ય લાગવું અને સર્જન પહેલાની વાર્તા અને સર્જન પ્રક્રિયાને એકબીજા સાથે સાંકળીને માનવે કેવી મજાની વાત કરી.

આ શું? આપણે તો માનવ કૌલના નવા વાર્તા સંગ્રહ ‘પ્રેમ કબૂતર’ની વાર્તાઓ વિશે વાત કરવાના હતા, પણ પ્રસ્તાવનાની વાતોમાં જ લેખ પૂરો થઈ ગયો? હવે? હવે શું? કંઈ નહીં, વિવિધ સાઈટ્સ અને સારા બુક સ્ટોર્સમાં આ વાર્તાસંગ્રહ મળે છે. એ પહેલી તકે મગાવી લેવાય અને આ બળબળતા તાપમાં થોડી મજાની વાર્તાઓ વાંચીને આનંદ માણી લેવાય. શું કહો છો?

પ્રિય વાચકો,

હાલ પૂરતું મેગેઝીન સેક્શનમાં નવી એન્ટ્રી કરવાનું બંધ છે, દરેક વાચકોને જૂનાં લેખો વાચવા મળે તેથી આ સેક્શન એક્ટિવ રાખવામાં આવ્યું છે.

આભાર

દેશ અને દુનિયાના સમાચારથી માહિતગાર થવા તેમજ દરેક અપડેટ સમયસર મેળવવા ડાઉનલોડ કરો Khabarchhe.com એપ અને ફોલો કરો Khabarchhe.com ને સોશિયલ મીડિયા પર.