બોમ્બેના એ દિવસો
મુંબઈ જતા ફ્રન્ટિયર મેલની બારીમાંથી દેખાતા દૃશ્યોની જેમ ભૂતકાળ પણ દેવ આનંદની નજરો સમક્ષથી ઝડપથી પસાર થઈ રહ્યો હતો. આત્મકથાના શરૂઆતના પ્રકરણોમાં બાળપણની વાત આલેખતા દેવ સાહેબ તેમના ભણતરના દિવસોને યાદ કરે છે. નાનપણમાં દેવ લખોટીની રમતમાં ઘણાં માહેર હતા. ફળિયાના છોકરાઓમાં એમની જેમ કોઈ લખોટી રમી શકતું નહીં. તેમની પાસે લખોટીનો લખલૂટ સંગ્રહ હતો. રોજ રાત્રે સૂતા પહેલા જ્યારે ઘરના અન્ય સભ્યો ઈશ્વરની પ્રાથના કરવામાં વ્યસ્ત રહેતા ત્યારે દેવ સાહેબ તેમની ગોટીઓની ગણતરીમાં વ્યસ્ત રહેતા.
એક વાર દેવ સાહેબ ફળિયામાં તેમના મિત્રો સાથે લખોટી રમતા હતા ત્યારે બહાર ગયેલા તેમના પિતા નિયત સમય કરતા વહેલા ઘરે આવી ગયા. ઘરમાં પિતાનો ધાક વધુ હશે એટલે પિતાને જોઈને દેવ તેમની રમત પડતી મૂકી, ઘરે જઈને ભણવાનો ઢોંગ કરવા બેઠા. પિતાએ તેમને પૂછ્યું કે, 'ભાઈ, મારા સાંભળવામાં આવ્યું છે કે તું લખોટી ટિંચવામાં માહેર છે?' દેવ સાહેબે માત્ર એકાક્ષરી જવાબ આપ્યો. ‘હા’. પિતાએ કહ્યું, 'મને તું લખોટી ટિંચવામાં માહેર બને એના કરતા જિંદગીમાં કંઈક કરી બતાવે એમાં વધુ રસ છે.' સામે પિતા હતા એટલે દેવ સાહેબે તેમને સામો જવાબ આપવાનું ટાળ્યું, પરંતુ તેઓ મનોમન એટલું બબડ્યાં કે, ‘જીવનમાં પણ હું સફળ થઈશ. માત્ર થોડી ધીરજ રાખો અને થોડો સમય થોભી જાઓ.’ દેવ સાહેબ બાળપણમાં ઘણા શરમાળ હતા, પરંતુ તેઓ જીવનમાં બીજાઓ કરતા કંઈક અલગ કરશે અને ભવિષ્યમાં ઘણી સફળ વ્યક્તિ બનશે એ વિશે ત્યારે પણ એટલા જ સ્પષ્ટ હતા.
'રૉમૅન્સિંગ વિથ લાઈફ'માં બાળપણની કેટલીક વાતો વાગોળ્યાં પછી તેઓ મુંબઈની વાતો આલેખે છે. પહેલી વાર સ્વપ્ન નગરીમાં પગ મૂકેલો ત્યારે મુંબઈ સેન્ટ્રલ સ્ટેશન પર એમના મોટા ભાઈ ચેતન આનંદ તેમને લેવા માટે આવેલા. ચેતન આનંદ દેવ માટે નાનપણથી રોલ મોડેલ હતા. આ જ મોટા ભાઈએ દેવને જીવનના ઘણાં મહત્ત્વના પડાવ પર તેમની મદદ પણ કરી હતી. દેવ કહે છે કે, 'હું નાનપણથી ચેતનભાઈ જે કરતા અથવા જે પહેરતા અને જેવી ભાષા બોલતા એવું જ હૂબહૂ કરવાનો પ્રયત્ન કરતો.' પુસ્તકમાં દેવ નોંધે છે કે ચેતન આનંદે જ તેમને ટેબલ મેનર્સ પણ શીખવેલી!
મુંબઈ ઉતરીને તેઓ સરકારમાં ઉચ્ચપદે અધિકારી એવા ચેતન આનંદના એક મિત્રને ત્યાં રોકાયેલા. મુંબઈ પહોંચતા જ તેમણે ફિલ્મોમાં કામ મેળવવા માટેના ચક્રો ગતિમાન કરી દીધા અને કોન્ટેક્ટ્સ બનાવવાનું શરૂ કરી દીધેલું. મુંબઈ પહોંચ્યાના થોડા દિવસોમાં સજ્જને તે સમયના ખ્યાતનામ અભિનેતા મોતીલાલ સાથે દેવ સાહેબની મુલાકાત કરાવી આપેલી.
એ મુલાકાતમાં મોતીલાલે તેમને પૂછ્યું કે, ‘તું છેક લાહોરથી મુંબઈ સુધી શું કામ આવ્યો છે?’ મોતીલાલની સામે છોકરડા લાગતા દેવ સાહેબે તેમને જવાબ આપ્યો, ‘જેના માટે તમે દિલ્હીથી મુંબઈ આવ્યા છો, એના માટે જ હું પણ લાહોરથી મુંબઈ આવ્યો છું.’ દેવના જવાબથી પ્રભાવિત થયેલા મોતીલાલે કહ્યું કે, ‘તો છોકરા તું પણ સ્ટાર બનવા માગે છે એમને?’
‘બિલકુલ તમારી જેમ જ.’
‘મારા કરતા પણ મોટો સ્ટાર કેમ નહીં?’ મોતીલાલે તેમની સામે ઊભેલા યુવાનનું ભવિષ્ય ભાખી લીધું હતું. અંતે તેમણે દેવ સાહેબને એટલી જ સલાહ આપીકે ‘ગમે એ પરિસ્થિતિમાં પણ તું તારા માંહ્યલાનો અગ્નિ પ્રજવલિત રાખજે!’ દેવ સાહેબ તેમની આત્મકથામાં નોંધે છે કે, 'એ મુલાકાતના આઠેક વર્ષ પછી જ્યારે સફળતાએ મારા પગ ચૂમેલા ત્યારે ‘અસલી નકલી’ ફિલ્મમાં દેવ સાહેબ હીરો હતા અને મોતીલાલ એ ફિલ્મમાં ચરિત્રઅભિનેતાનું પાત્ર ભજવી રહ્યા હતા! પાછળથી એ જ મોતીલાલે દેવ સાહેબને હીરો તરીકે સાઈન કરીને એક ફિલ્મ ડિરેક્ટ કરવાનો વિચાર કર્યો હતો. પરંતુ સુપર સ્ટાર બની ગયેલા દેવ આનંદ પાસે તેમની ફિલ્મો માટે ડેટ્સ ન હતી. કેવો જોગાનુજોગ!
મુંબઈના શરૂઆતના દિવસો - વર્ષોમાં પણ દેવ સાહેબે અનેક યુવતિઓ સાથે રોમૅન્સ કરેલો. ક્યારેક તો એવું પણ બનતું કે દેવ સાહેબ મુંબઈ લોકલમાં ચર્ચગેટ તરફ જતાં હોય અને બાજુમાં બેઠેલી કે સામે બેઠેલી કોઈ છોકરી તરફ આકર્ષાતા અને તેની સાથે વાતચીત શરૂ કરીને એ છોકરીને એના ઘર સુધી મૂકવા જતાં. આવી જ રીતે ટ્રેનમાં મળી ગયેલી એક ખ્રિસ્તી છોકરી સાથે તેમણે થોડોઘણો પરિચય કેળવેલો અને તેના પ્રેમમાં પડી ગયેલા. જોકે એ પ્રેમ અથવા અકર્ષણ માત્ર થોડી મિનિટોનું જ હતું કારણ કે, યુવતિના ઘર સુધી જતામાં પેલી ખ્રિસ્તી યુવતિએ પોતાનો એક મસ્ક્યુલર બોયફ્રેન્ડ હોવાનો ઘટસ્ફોટ કરેલો અને દેવ સાહેબ અડધે રસ્તેથી જ પાછા વળેલા!
વર્ષો બાદ એ જ યુવતિએ દેવ આનંદ સ્ટાર બની ગયા પછી એમને મળેલી. ત્યારે તે સુપર સ્ટાર દેવ આનંદની ફેન હતી અને હજારોની ભીડમાં તેના ફેવરિટ હીરોના ઓટોગ્રાફ લેવા માટે લાઈનમાં ઊભી રહેલી. ત્યારે તેણે દેવ આનંદને યાદ અપવેલું કે, ‘તમે મને ચર્ચગેટથી મારા ઘર સુધી મૂકવા આવેલા. મારું નામ નિલોફર છે. ત્યારે આપણે ઘણી વાતો કરેલી પણ તમે મારું નામ નહોતું પૂછ્યું. મારું નામ નિલોફર છે!’ વર્ષો બાદ આ રીતે નિલોફરને મળીને દેવ સાહેબ પણ ઘણા ખુશ થયેલા.
મુંબઈ આવ્યા બાદ દેવ આનંદે અન્ય અભિનેતાઓની જેમ ઝાઝી સ્ટ્રગલ કરવી નહોતી પડી. જોતેમણે ભીંતમાં માથા ઠોકીને રસ્તા ખોળવા પડ્યા હોય એવી નોબત ક્યારેય આવી ન હતી.
શરૂઆતમાં તેઓ દિવસો સુધી ખ્વાજા અહેમદ અબ્બાસ નામના એક સજ્જનને ઘરે રોકાયેલા. એક દિવસ તેમને થયું કે આમ અજાણી વ્યક્તિના ઘરે મુફલિસની જેમ પડ્યાં રહેવું યોગ્ય નથી. તેઓ કામ માટે મુંબઈના જુદા જુદા સ્ટુડિયોમાં ચક્કર લગાવી રહ્યા હતા પરંતુ એમને કોઈ કામ મળતું ન હતું. આ કારણે તેમને શરમ આવતી હતી. એક દિવસ અગોતરા જાણ કર્યા વિના એમણે તેમના યજમાનને ત્યાંથી તેમનો સામાન બાંધ્યો અને પોતે મિત્રને ત્યાં જઈ રહ્યા છે એમ કહીને દેવ આનંદ ત્યાંથી નીકળી ગયા.
ક્યાં જવું કે કોને ત્યાં રહેવું એ કંઈ જ નક્કી ન હતું. મુંબઈમાં સ્ટ્રગલ કરતા લોકો માટે રેલવે સ્ટેશનો વરદાન રૂપ હોય છે. છેવટે ક્યાંય છાપરું ન મળે તો રેલવે સ્ટેશનના કોલાહલ વચ્ચે પણ એકાદ રાત તો આરામથી નીકળી જાય! દેવ સાહેબ પણ વિક્ટોરિયા ટર્મિનસ સ્ટેશને આવ્યાં. ક્યાં જવું એ તો નક્કી ન હતું એટલે કલાકો સુધી સ્ટેશન પર લોકોની આવનજાવન જોયા કીધી. ચારેક કલાક પછી એમને કકડીને ભૂખ લાગી. પણ ખાવા માટે પૈસા જોઈએ, જે તેમની પાસે હતા નહીં! ધીમે ધીમે તેમની ભૂખ ઊગ્ર થઈ રહી હતી. એકાદ આનો ક્યાંક બચ્યો હશે એમ માનીને પેન્ટ-શર્ટના ખિસ્સા ફંફોસી જોયાં પણ કંઈ મેળ ન પડ્યો.
બીજી તરફ સ્ટેશન પરની રેકડીઓ પર લટકતા ફળો અને ઠંડા પીણા જોઈને તેમનું મન નિર્બળ થતું હતું. તેઓ પેટ ભરવા માટેના કોઈ જુગાડ વિશે વિચારવા માંડ્યા. તેમને યાદ આવ્યું કે એમની પાસે અમૂલ્ય ટપાલ ટિકિટોનો ખજાનો છે. એ વેચશે તો કંઈ મેળ પડે એવું હતું. સ્ટેશન પર તેમણે એક દુકાનવાળાને ટપાલ ટિકિટની ઓફર કરી અને દેવ સાહેબના નસીબે પેલો દુકાનદાર ટિકિટ લેવા તૈયાર થઈ ગયો. આમ, તેમણે ટપાલ ટિકિટ વેચીને રોકડા ત્રીસ રૂપિયા ઊભા કર્યા અને તેમની ભૂખ ભાંગી.
સ્ટેશનથી નીકળીને તેઓ શહેરમાં ચક્કર લગાવી રહ્યા એટલામાં તેમને મલબાર હિલ્સ પર ગર્વનરનો બંગલો દેખાયો. બંગલો જોઈને તેમણે એવો વિચાર કર્યો કે આપણું ઈંગ્લિશ ફાકડું છે ઉપરાંત તેમના પ્રિન્સિપલ ડિક્શન પણ ગવર્નર સાથે જ ભણેલા છે. તો કેમ નહીં ગર્વનરને એક વાર મળીને તેમની પાસે કોઈ મદદ લઈ શકાય? આવા શેખચલ્લીના વિચારમાં તેઓ મલબાર હિલ્સના રસ્તાઓ પર અટવાઈ રહ્યા હતા. તેમના કારણે રસ્તા પર ટ્રાફિક જામ થઈ રહ્યો હતો પરંતુ દેવ સાહેબને તેની કોઈ સરત ન હતી. એવામાં તેમને એક અવાજ સંભળાયો ‘દેવ..’ પોતાના નામની બૂમ સાંભળીને દેવ આનંદ થોડા અચકાયા કે 'ભલા, આ અજાણ્યા શહેરમાં મને ઓળખવાવાળુ કોણ?'
પાછળ ફરીને જોયું તો તારા નામનો તેમનો એક મિત્ર હતો. દેવ અને તારાએ સ્કૂલમાં સાથે પરીક્ષા આપી હતી અને તારા પણ દેવ આનંદની જેમ પોતાના સપનાં પૂરા કરવા માટે પંજાબથી મુંબઈ આવ્યો હતો. તારા મળી ગયો પછી દેવ સાહેબને તો જાણે આધાર મળી ગયો! કારણકે અબ્બાસ સાહેબને ત્યાંથી આવ્યાં બાદ તેઓ તારા સાથે જ રહેતા અને બંને મિત્રો તારાના મોટા ભાઈની ઓરડીમાં પડ્યાં રહીને ભવિષ્યના સોનેરી સપનાં જોતા!
ટપાલ ટિકિટ વેચીને ઊભા કરેલા ત્રીસ રૂપિયા હવે ધીમેધીમે ખૂટી રહ્યા હતા. બીજી તરફ ફિલ્મોમાં કામ મળતું ન હતું એટલે તેમણે ફિલ્મો સિવાયના કામો શોધવા માંડ્યા. તેમનું અંગ્રેજી સારું હતું અને બીજી તરફ બીજું વિશ્વ યુદ્ધ તેની ચરમસીમાએ હતું. આથી તેમને અંગ્રેજ સરકારના સેન્સરશિપ ડિપાર્ટમેન્ટમાં નોકરી મળી. અહીં તેઓ બ્રિટન અને ભારતના સૈનિકોના પત્રો ચકાસવાનું કામ કરતા.
આ જ અરસામાં તેમના મોટા ભાઈ ચેતન આનંદ પણ સપરિવાર મુંબઈ આવી ગયા. એટલે દેવ સાહેબનો રહેવાનો પ્રશ્ન પણ હલ થઈ ગયો. અને મોટા ભાઈ અને ભાભી મુંબઈમાં હોવાથી તેમને થોડી હૂંફ પણ રહેવા માંડી. તેઓ ચેતન આનંદ સાથે પાલીહિલ ખાતે રહેવા ગયા અને ત્યાંથી તેઓ ફ્લોરા ફાઉન્ટન ખાતેની તેમની બ્રિટિશ ગવર્મેન્ટની નોકરી કરવા જતા. અહીં તેમને ઘણો સારો કહી શકાય એવો એકસો પાંસઠ રૂપિયાનો પગાર મળતો. અહીં તેમની સાથે કેટલાક અંગ્રેજ કર્મચારીઓ અને તેમના જેવા જ કેટલાક ફુટડા યુવક-યુવતીઓ કામ કરતા. એટલે સ્વાભાવિક છે કે અહીં પણ આ ચાર્મિંગ પ્રિન્સે ઈશ્ક લડાવ્યાં જ હોય! અહીં તેમને મારિયા નામની એક છોકરી સાથે મહોબ્બત થઈ ગયેલી પરંતુ આ મારિયા પણ નિલોફરની જેમ જ બોયફ્રેન્ડ વાળી હતી અને નજીકના ભવિષ્યમાં ગોવા જઈને તેના બોયફ્રેન્ડ સાથે લગ્ન કરવાની હતી! આવતા અઠવાડિયે એમને પહેલી ફિલ્મ કઈ રીતે મળેલી અથવા એ ફિલ્મ એમણે કઈ રીતે મેળવેલી એ વિશે તેમજ ગુરુદત્ત સાથેના એમના કિસ્સા જોઈશું.
ફિલ ઈટઃ
Destiny never comes to you. you have to reach out to your destiny
- આત્મકથામાં દેવ આનંદે ટાંકેલું વાક્ય
પ્રિય વાચકો,
હાલ પૂરતું મેગેઝીન સેક્શનમાં નવી એન્ટ્રી કરવાનું બંધ છે, દરેક વાચકોને જૂનાં લેખો વાચવા મળે તેથી આ સેક્શન એક્ટિવ રાખવામાં આવ્યું છે.
આભાર