વીર સાવરકર અને કોંગ્રેસ
કેટલીક વાર ઈતિહાસ ઘણા નેક ઇન્સાનોને અન્યાય કરી બેસતો હોય છે. અન્યાયના કારણોમાં સૌથી મોટું કારણ હોય છે કોઇ એક વિચારધારાનું પ્રભુત્વ, જે પ્રભુત્વને કારણે જુદી વિચારધારા ધરાવનાર કોઈ વ્યક્તિએ સમાજ કે દેશ માટે અનન્ય યોગદાન આપ્યું હોય તોય પેલી વ્યક્તિને અન્યાય થાય અને એના પ્રદાનને હાંસિયામાં ધકેલી દેવાય. આપણે ત્યાં ગાંધીવાદી વિચારધારાનું પ્રભુત્વ રહ્યું છે એટલે વીર સાવરકર સાથે આવો જ અન્યાય વર્ષો સુધી થતો રહ્યો છે. આનો અર્થ એ પણ નથી થતો કે, અહીં ગાંધીવાદી વિચારધારાનો વિરોધ છે, ગાંધી વિચારને અનન્ય માન આપવું જ રહ્યું, પણ એના કારણે ક્યારેય સાવરકર, ભગતસિંહ કે બોઝ જેવા નેતાઓને કે એમના યોગદાનને હાંસિયામાં ધકેલી શકાય નહીં.
આઝાદી પહેલા અંગ્રેજોએ તો વીર સાવરકરને પરેશાન કર્યા જ પરંતુ આઝાદી બાદ પણ દિલ્હીની ગાદી પર તખ્તનશીન થયેલા સત્તાધિશોએ સાવરકરને દેશભક્ત કે સ્વાતંત્ર્ય સેનાની તરીકે નથી સ્વીકાર્યા. આઝાદ ભારતના ઈતિહાસમાં કોંગ્રેસે જ દિલ્હીમાં વધુ સત્તા ભોગવી છે એટલે સાવકરને સ્વાતંત્ર સેનાની તરીકે નહીં સ્વીકારવાની બેહૂદી હરકત પણ કોંગ્રેસને નામે જ બોલાય છે. આ તો ઠીક ગાંધીજીની હત્યા બાદ ગાંધીવાદને નામે દંભ ફેલાવનાર અને ધર્મ નિરપેક્ષતાને નામે મુસલમાનો નાહકનું વહાલ કરનારી કોંગ્રેસ અને એના નેતાઓએ છાશવારે સાવરકરને દેશદ્રોહી કહેતા રહ્યા છે અને આધુનિક ભારતના ઈતિહાસમાં સાવરકરના યોગદાન પર સાવરણો ફેરવતા રહ્યા છે.
જમણેરી વિચારધારા ધરાવનારા નેતાઓ અને એ વિચારધારા ધરાવતા ભાજપ કે શિવસેના જેવા રાજકીય પક્ષો કે ભાજપની માતૃસંસ્થા રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘ વિનાયક દામોદર સાવરકરને થતાં અન્યાયને લઈને જરૂર ઉહાપોહ મચાવતા રહ્યા છે, પરંતુ એ ઉહાપોહમાં પણ હિંદુઓના મત ઝબ્બે કરી લેવાનો આશય છાશવારે ડોકાતો રહ્યો છે. સાવરકર પ્રત્યેનો શુદ્ધ આદર જૂજ જોવા મળ્યો છે!
શિવસેના છેલ્લા ઘણા સમયથી વીર સાવરકરને 'ભારતરત્ન' આપવાની વાત કરી રહી છે. સરદાર વલ્લભભાઈ પટેલ કે રાજીવ ગાંધી જેવા અનેક નેતાઓને મરોણત્તર 'ભારતરત્ન' એનાયત થતાં રહ્યા છે. અને રાજીવ ગાંધી જેવા નેતાઓનું યોગદાન દેશના સર્વોચ્ચ સન્માનને લાયક ગણવામાં આવતું હોય તો સાવરકરે તો દેશ માટે આખું જીવન અર્પી દીધેલું અને કાળાપાણીની સજા દરમિયાન એમણે ભયંકર યાતનાઓ વેઠેલી, તો એમના યોગદાનને દેશનું સર્વોચ્ચ સન્માન કેમ નહીં એવી દલીલો થઈ રહી છે.
બીજી તરફ સાવકરના પરિજનો એ વાતથી વાફેક છે કે કોઇ પણ રાજકીય પક્ષ સાવરકરને ન્યાય આપવાની ભલે ગમે એટલી વાતો કરતો હોય, પણ એ તમામ પક્ષોનોનું અંતિમ લક્ષ્ય તો રાજકારણ જ હોવાનું. બધાનો આશય તો સાવરકરને વટાવી ખાવાનો જ હોવાનો! આ કારણે જ સાવરકરના પરિજનો સાવરકરને ભારતરત્ન એનાયત કરવાની માગણી કરી રહ્યા નથી કે કોઇ રાજકીય પક્ષ સાવરકર માટે 'ભારતરત્ન'ની માગણી કરે તો એ વાતને સમર્થન પણ આપી રહ્યા નથી. બીજું એક સત્ય એ પણ છે કે, સાવરકરને દેશનું સર્વોચ્ચ સન્માન એનાયત કરવામાં આવશે તો જ સાવરકરનું યોગદાન પ્રકાશમાં આવશે એવું પણ નથી. સોશિયલ મીડિયાના જમાનામાં જીવતી નવી પેઢીને હવે સાચી વાતોથી કોઇ અજાણ રાખી શકે એમ નથી અને આજની પેઢી દેશના ભૂતકાળથી સુપેરે અવગત છે. કદાચ તો જ ગયા શનિવારે વીર સાવરકરની 133 મી જન્મજયંતિ ગઈ ત્યારે ટ્વિટર પર #VeerSavarkar હેઝટેગ ટ્રેન્ડિંગમાં પહેલા ક્રમે રહ્યું અને લાખો લોકોએ સાવરકરના યોગદાનને યાદ કરીને એમને શ્રદ્ધાંજલિ આપી.
પણ સાવરકરને 'ભારતરત્ન' આપવાની શિવસેનાની માગણીને એટલે પણ ટેકો આપવો રહ્યો કે, કોંગ્રેસ હજુ પણ એવું માને છે કે, સાવરકર દેશ માટે હાનિકારક હતા અને એમની વિચારધારા અયોગ્ય હતી. વર્ષો પહેલા જ્યારે અટલ બિહારી વાજપેઈ સરકારે સંસદના સેન્ટ્રલ હૉલમાં વીર સાવરકરનું તેલચિત્ર મૂકેલું ત્યારે પણ વિરોધપક્ષ તરીકે કોંગ્રેસે ભાજપ સરકારના એ પગલાનો વિરોધ કરેલો અને સંસદ ભવનમાં સાવરકરનું ચિત્ર કેમ? જેવા વાહિયાત સવાલો પૂછીને નાહકનો કોલાહલ મચાવેલો.
વર્ષો પછી એવું લાગી રહ્યું હતું કે, આઝાદીકાળના રાજનેતાઓના નામ વટાવી ખાઈને સત્તા મેળવતી રહેલી કોંગ્રેસની માન્યતામાં ફેરફાર થયો હશે. પરંતુ કોંગ્રેસની નિમ્ન માનસિકતામાં હજુ સુધી કોઇ ફરક નથી પડ્યો એનું તાજું ઉદાહરણ હજુ હમણા જ મળ્યું. આ માર્ચ મહિનામાં સંસદના સત્ર વખતે રાહુલ ગાંધીએ ગાંધીજી અને સાવરકરની સરખામણી કરીને સંસદમાં લવારો કરેલો. સોનિયાપુત્રની દલીલ એવી હતી કે, ગાંધીજી અમારા (કોંગ્રેસના) હતા અને સાવરકર તમારા(ભાજપ કે સંઘના) હતા. અહીં એક તરફ અહિંસાના તરફદારો બેઠા છે તો બીજી તરફ હિંસાના તરફદારો બેઠા છે! એટલે રાહુલ ગાંધીનું કહેવું એમ હતું કે, સાવરકર હિંસક હતા!
રાહુલ ગાંધીનું આવું બેહૂદું બયાન એ જ બાબતનું પ્રતિબિંબ પાડે છે, કે સાવરકર માટે કોંગ્રેસમાં અત્યંત દ્વેષભાવ છે. સાવરકર પ્રત્યેના દ્વેષભાવ પાછળનું એક કારણ એ પણ છે કે, સાવરકરની છબી હિંદુવાદી નેતા તરીકેની છે. એ વાત પણ સાચી કે, સાવરકર હિંદુવાદી હતા. પણ એનો અર્થ એ પણ નહીં જ થાય કે, સાવરકર મુસ્લિમ દ્વેષી હતા. જે-તે સમયે એમણે જ્યારે પણ મુસલમાનોનો વિરોધ કર્યો છે ત્યારે એમણે સમગ્રતઃ મુસલમાનોનો નહીં, પણ સમાજ માટે કે દેશ માટે અયોગ્ય કે હાનિકારક કહી શકાય એવી પ્રવૃત્તિઓ કરનારા લોકોનો જ વિરોધ કરેલો કે એમની વિરુદ્ધમાં પગલા લીધેલા.
પણ કોંગ્રેસે તો બને એટલા વધુ મુસ્લિમોના મત અંકે કરવા હતા અને સત્તા મેળવવી હતી એટલે એમણે સાવરકરને નિશાન બનાવ્યા અને એમના વિશે ઘસાતુ બોલીને કે એમને ખોટા ચીતરીને પોતાના પક્ષની સેક્યુલર તરીકેની છાપ ઊભી કરી. આવા સમયે જમણેરી સરકારે સાવરકરને 'ભારતરત્ન' જેવું સન્માન એનાયત કરીને કોંગ્રેસની બોલતી બંધ કરવી જોઈએ. આ તો ઠીક સરકારે સાવરકરની યાદમાં, સાવરકરને નામે જનકલ્યાણની કોઈ યોજના શરૂ કરવી જોઇએ, જેથી વર્ષો સુધી સામાન્ય લોકોના મનમાં સાવરકર વિશે માન જળવાયેલું રહે અને તેઓ કોંગી નેતાઓની દોરવણીથી નહીં દોરવાય. આ માટે સાવરકર પર સરકારનો સિક્કો લાગવો જરૂરી છે.
શિવસેનાએ તો વડાપ્રધાન મોદીને પત્ર લખીને આ વાતની માગણી કરી છે કે, ભારત સરકાર આંદામાનની સેલ્યુલર જેલમાં એક મોટો કાર્યક્રમ રાખે અને ત્યાં સાવરકરને મરણોત્તર ભારતરત્ન એનાયત કરે! આગળ કહ્યું એમ સાવરકર આવા કોઇ સન્માનના મોહતાજ નથી, પરંતુ જ્યારે દેશના જ અન્ય રાજકીય પક્ષો માત્ર જૂજ મતો માટે સાવરકર જેવા નેતાની અવહેલના કરતા હોય ત્યારે હાલની જમણેરી સરકારે સાવરકરને દેશનું સર્વોચ્ચ સન્માન એનાયત કરીને સાવરકરને યોગ્ય અને સત્તાવાર સન્માન આપવું જોઈએ અને સાવરકર દેશદ્રોહી હતા કે તેઓ ગદ્દાર હતા એવી વાહિયાત વાતોને હવા આપનારા તત્ત્વોને હંમેશને માટે ડામી દેવા જોઈએ.
પ્રિય વાચકો,
હાલ પૂરતું મેગેઝીન સેક્શનમાં નવી એન્ટ્રી કરવાનું બંધ છે, દરેક વાચકોને જૂનાં લેખો વાચવા મળે તેથી આ સેક્શન એક્ટિવ રાખવામાં આવ્યું છે.
આભાર