ઓશોની દૃષ્ટિએ નવકાર મંત્ર

30 Aug, 2016
12:00 AM

અંકિત દેસાઈ

PC:

ગઈકાલથી જૈનોના પર્યુષણ પર્વની શરૂઆત થઈ ગઈ છે અને સવંતસરી સુધી ગુજરાત-મુંબઈના કેટલાક કતલખાના બંધ કરાવી દેવાયા છે. દર વર્ષે પવિત્ર દિવસો દરમિયાન જૈનો પ્રાણીઓની હત્યા પર પ્રતિબંધ મૂકી-મૂકાવીને અહિંસાનો સુંદર મહિમા સમજાવે છે, આ ઉપરાંત વર્ષ દરમિયાન પણ એમના આચરણ દ્વારા તેઓ સતત અહિંસાનું મૂલ્ય સમજાવતા રહેતા હોય છે. જોકે જે ધર્મ આવી પ્રત્યક્ષ હિંસાને નકારતો હોય એ ધર્મ પરોક્ષ કે સુક્ષ્મ હિંસાનું સમર્થન પણ નહીં જ કરતો હોય એવું અમારું માનવું છે. એટલે જે જે કતલખાના બંધ કરાવાયા હશે ત્યાં કામ કરતા લોકોને બે ટંકની રોટી મળી રહે એવી જોગવાઈ પણ જૈનો દ્વારા કરાઈ જ હશે એવી આશા રાખીએ છીએ. કારણ કે, ગરીબ દહાડિયાને હંમશાં રોટી સાથે જ નિસ્બત રહી છે, એનો તો પહેલો ધર્મ જ રોટી હોય છે. જ્યારે એ એના માટે કે એના ઘરના સભ્યો માટે રોટી નથી લઈ જઈ શકતો ત્યારે એનું અને એના સ્વજનોનું પેટ હિંસાનો ભોગ બનતું હોય છે!

ખૈર, આજે આપણે જૈનોના નવકાર મંત્ર વિશે કેટલીક વાતો કરવાના છીએ. ઓશો પણ જન્મે જૈન હતા, જોકે એમણે ક્યારેય એ ધર્મનો સ્વીકાર નથી કર્યો એ અલગ વાત છે, પરંતુ એમના આત્મકથાનક પુસ્તકમુક્ત ગગનનું મસ્ત પંખીમાં એમણે નવકાર મંત્રની કેટલીક પંક્તિઓને ખૂબ સુંદર રીતે સમજાવી છે અને એ વિશે રસપ્રદ વાતો કરી છે.

ઓશો પર એમના નાનીનો ઘણો પ્રભાવ રહેલો એવું એમણે એકથી વધુ વખત કહેલું. મના નાની પણ જૈન હોવા છતાં તેઓ જૈન ધર્મ પાળતા નહોતા. પરંતુ જૈનોના નવકાર મંત્રનું એમના નાની ખૂબ શ્રદ્ધાથી પઠન કરતા. ઓશો ઘણા નાના હતા ત્યારે એમના નાનીએ એમને નવકાર મંત્ર શીખવેલો અને એ મંત્ર શીખવતી વખતે નાનીએ એ વાતનું ખાસ ધ્યાન રાખેલું કે, બાળકને આ મંત્રનો અર્થ અને મંત્રનું સૌંદર્ય સમજાય. નાનીની જેમ ઓશો પણ આ મંત્રને જેમ જેમ સમજતા ગયા એમ એ મંત્રનું સૌંદર્ય માણતા ગયા, જે મંત્ર વિશે ઓશો કહે છે, ‘આ જૈન ધર્મનો મંત્ર છે પણ તેને જૈન ધર્મ સાથે કશી લેવાદેવા નથી. એ તો સાવ આકસ્મિક છે કે તે મંત્ર જૈન ધર્મ સાથે સંકળાયેલો છે.’ ઓશો તો ત્યાં સુધી કહેતા કે, ‘આ એક જ મંત્ર એવો છે કે જેને ખરેખરો બિનમજહબી મંત્ર કહી શકાય.’

મૂળ પ્રાકૃત ભાષામાં લખાયેલા આ મંત્રનું સીધું અર્થપૂર્ણ ભાષાંતર કરવું મુશ્કેલ છે, પરંતુ ઓશોએ એમની રીતે, એમની સમજણ મુજબ નવકાર મંત્રનો અનુવાદ કરવાનો પ્રયત્ન કર્યો છે, જેનો આપણે આસ્વાદ કરીએ અને સદીઓ જૂના આ મંત્રને સમજવાનો પ્રયત્ન કરીએ. પ્રાકૃત ભાષા સંસ્કૃત કરતા પણ જૂની ભાષા છે એટલે પ્રાકૃત ભાષાનો આ મંત્ર કેટલી સદી જૂનો હશે એનું લગાવી શકાય છે. અહીં એક ચોખવટ કરી લઉં કે, ઓશો મૂળ મંત્રમાંનમો આયરિયાણં નમો નમોવિશેની વાત કરવાનું ભૂલી ગયા છે. એટલે એ લીટી વિશેનો અનુવાદ અહીં માણવા મળશે નહીં.

મૂળ મંત્ર છેઃ

નમો અરિહંતાણં, 
નમો સિધ્ધાણં, 
નમો આયરિયાણં, 
નમો ઉવજ્જિયાણાં,
નમો લોએ સવ્વસાહુણ, 
એસો પંચ નમુક્કારો, 
સવ્વપાવ પણાસણો, 
મંગલાણં ચ સવ્વેસિં, 
પઢમં હવઈ મંગલં. 

હવે ઓશોનું ભાષાંતર જોઈએ. ‘હું અરિહંતને નમન કરું છું.’ ‘અરિહંતજૈન શબ્દ છે. બૌદ્ધમાં એને માટેઅહ્યતશબ્દ છે. જેઓ આત્યંતિકને પામી ગયા છે અને એ સિવાયના બધા પ્રત્યે નિસ્પૃહી થઈ ગયા છે તેને માટે આ શબ્દ વપરાય છે. તેઓ ઘરે પાછા આવી ગયા છે અને બાકીની દુનિયા માટે પ્રત્યે પીઠ ફેરવી લીધી છે. તેઓ કોઈ ધર્મની સ્થાપના કરતા નથી. તેઓ કોઈ ધર્મોપદેશ આપતા નથી. તેઓ કોઈ ઢંઢેરો પણ પીટતા નથી. આવી વિભૂતિઓને જરૂર યાદ કરવી રહી. જે સિદ્ધ આત્માઓને જ્ઞાન લાધી ગયું છે અને પછી મૌન થઈ ગયા છે તેનું સ્મરણ પહેલા કરવું જોઈએ. પહેલો આદર શબ્દો પ્રત્યેનો નહીં, પરંતુ મૌન પ્રત્યે હોય. આ આદર બીજાની સેવા કરવા માટેનો નહીં પણ સ્વયંને ઓળખવાની જેને સરાસર સિદ્ધિ મળી છે તેને માટે હોય. તમે બીજાની સેવા કરો છો કે નહીં તે અગત્યનું નથી. તેને કોઈ પ્રાથમિકતા પણ નથી. તે ગૌણ છે. આ દુનિયામાં પોતાની જાતની ઓળખાણ ખૂબ કઠિન છે અને તેથી પોતાની જાતને સિદ્ધ કરી લીધી હોય તે પ્રાથમિક છે.

અરિહંત શબ્દનો અર્થ તો થાય છે, એવી વ્યક્તિ કે જેણે પોતાના શત્રુઓને મારી નાંખ્યા છે. અને અહીં શત્રુનો અર્થ થાય છે અહંકાર! મંત્રની પહેલી લીટીનો અર્થ છેજેણે આત્મસાક્ષાતકાર કરી લીધો છે તેના ચરણોમાં હું મારું શીશ નમાવું છું

બીજો મંત્ર છે, ‘નમો સિદ્ધાણં નમો નમો.’ જે વ્યક્તિ સિદ્ધ થઈ ગઈ છે તેના ચરણોમાં હું વંદન કરું છું. પહેલા અને બીજા મંત્રમાં ફેર શું છે? ‘અરિહંતકદી પાછું વળીને જોતા નથી. કોઈ જાતની (સમાજ) સેવાની ચિંતા કરતા નથી. સિદ્ધો કોઈક કોઈક વાર ડૂબી રહેલી માનવજાતને ઉગારવા માટે પોતાનો હાથ લાંબો કરે છેપણ કોઈક કોઈક વાર જ, હંમેશાં નહીં. એની કોઈ અનિવાર્યતા નથી. એવું કાંઈ ફરજિયાત નથી. એ તો તેની મરજી છે. ઈચ્છા થાય તો કરે અને ન પણ કરે!

ત્રીજો મંત્ર છેઃનમો ઉવજ્જિયાણાં નમો નમો. ‘હું ગુરુના ચરણોમાં વંદન કરું છું.’ ગુરુઓએ એવી જ સિદ્ધિ મેળવેલી હોય છે, પણ તેઓ સંસાર સાથે ભિડાયેલા રહે છે. તેઓ સમાજની સેવામાં લાગેલા છે. તેઓ સંસારમાં છે. સંસારના નથી છતાં સંસારમાં છે.

ચોથો મંત્ર છેઃ નમો લોયે સવ્વ સાહૂણં નમો નમો. ‘હું આચાર્યોના ચરણોમાં વંદન કરું છું.’ ગુરુ અને શિક્ષક વચ્ચેના સૂક્ષ્મ ભેદની તમને ખબર હશે. ગુરુ એ છે કે જેને પોતાને સાક્ષાત્કાર થયો છે અને તે પોતાનો અનુભવ બીજાને પસાર કરે છે. શિક્ષકનો પોતાનો આત્મ- અનુભવ નથી. બીજાના અનુભવમાંથી શિક્ષક શીખે છે અને જેમનું તેમ દુનિયામાં વહેંચે છે.

આ મંત્રોના રચયિતાઓ ખરેખર અદભુત છે. જેણે પોતે આત્મ- સાક્ષાત્કાર નથી કર્યો તેના ચરણોમાં પણ તેઓ વંદન કરે છે કારણ કે, તેઓ કમ-સે-કમ ગુરુનો સંદેશ જનતા સુધી પહોંચાડે છે.

નવકાર મંત્રના પાંચમાં મંત્ર વિશે ઓશો એમ કહે છે આવો અર્થપૂર્ણ મંત્ર મેં મારા જીવનમાં ક્યારેય જાણ્યો નથી. ‘જેમણે પોતાની જાતને ઓળખી લીધી છે તે બધાંના ચરણોમાં હું વંદન કરું છું.’

ઓશો કહે છેઃ આગળના ચાર મંત્રો પાંચમાં મંત્રથી જુદા નથી. પાંચમાં મંત્રમાં અગાઉના ચારેય મંત્ર સમાઈ જાય છે. પાંચમાં મંત્રમાં જેટલી બહુલતા છે તેટલી બાકીના મંત્રમાં નથી. બધાં મંદિરો, દેવળો અને દરેક ધાર્મિક સ્થાનમાં પાંચમી લીટી લખવી જોઈએ કારણ કે તેમાં બોધ છે કે, ‘જેઓને તેની ઓળખ થઈ ગઈ છે એ બધાના ચરણોમાં હું વંદન કરું છું.’ આ મંત્ર એમ નથી કહેતો કે, ‘જેઓને  ઈશ્વરની ઓળખ થઈ ગઈ છે.’ આમાં ‘તેની’ શબ્દ પણ પડતો મૂકી શકાય. મૂળ મંત્ર તો કહે છે કે ‘જેઓને ઓળખ થઈ ગઈ છે એમને હું વંદન કરું છું’

નવકાર મંત્ર વિશે ઓશો અહીં સુધી જ વાત કરે છે અને પછી એમની આદત મુજબ તેઓ વિષયાંતર કરી જાય છે. આ જ કૉલમમાં આપણે જૈન સાધુ સાથે ઓશોએ કરેલા સંવાદની વાત કરેલી. નવકાર મંત્ર સમજાવ્યા બાદ ઓશો પેલા જૈન સાધુ સાથેના એમના સંવાદ તરફ વિષયાંતર કરે છે. પરંતુ જૈન હોય કે અજૈન એમને ઓશો દ્બારા નવકાર મંત્રનું થયેલું અર્થઘટન પસંદ આવે એવું છે. ઓશો કહે છે એમ સદીઓથી બોલાતો આવેલો આ મંત્ર ઘણા લોકો આજીવ સમજી શકતા નથી અને એને સમજ્યા વિના જ ધાર્મિક બાબત ગણીને એને ગોખીને એનું પઠન કરતા રહે છે. પરંતુ જ્યારે આ શ્લોકનો અર્થ સ્પષ્ટ થાય છે ત્યારે આપણી આગળ એનું સૌંદર્ય નિખરી ઊઠે છે અને પછી એ શ્લોકનું પઠન કરવાનો આનંદ અનેરો હોય છે.

 

મિચ્છામી દુક્કડમ.

પ્રિય વાચકો,

હાલ પૂરતું મેગેઝીન સેક્શનમાં નવી એન્ટ્રી કરવાનું બંધ છે, દરેક વાચકોને જૂનાં લેખો વાચવા મળે તેથી આ સેક્શન એક્ટિવ રાખવામાં આવ્યું છે.

આભાર

દેશ અને દુનિયાના સમાચારથી માહિતગાર થવા તેમજ દરેક અપડેટ સમયસર મેળવવા ડાઉનલોડ કરો Khabarchhe.com એપ અને ફોલો કરો Khabarchhe.com ને સોશિયલ મીડિયા પર.