કાન્તિ ભટ્ટ સાધુ થયા હોત તો?

12 Jul, 2016
12:05 AM

mamta ashok

PC:

આ શુક્રવારે એટલે કે, પંદરમી જુલાઈએ ગુજરાતના જાણીતા પત્રકાર કાન્તિ ભટ્ટ, એમના જીવનના 85 વર્ષ પૂરા કરશે. વર્ષ1931મા ભાવનગર પાસેના સાથરા ગામે જન્મ થયો અને સાથરાથી વતન ઝાંઝમેર અને મહુવાથી મલેશિયા થઈ મુંબઈમાં સ્થાયી થયાં. પત્રકાર તરીકે કાન્તિ ભટ્ટ પર અનેક આક્ષેપો થતાં રહ્યા છે. અનેક લોકો એવું માને છે કે, કાન્તિ ભટ્ટ ઉતારાબાજ પત્રકાર છે અને મૌલિકતાને તડકે મૂકીને અંગ્રેજીમાંથી ગુજરાતીમાં પીરસે છે. જોકે આખેઆખા લેખ ઉતારી પાડવા અને લેખમાં રેફ્રન્સ લેવાની વાતમાં ફરક છે. કાન્તિ ભટ્ટના મોટાભાગના લેખોમાંથી પસાર થઈએ તો આપણને ખ્યાલ આવશે કે, કાન્તિ ભટ્ટે અંગ્રેજી પુસ્તકો કે વિદેશના અખબારોમાં છપાતા ન્યૂઝ રિપોર્ટ્સ કે ફીચર્સમાંથી ઘણા બધા સંદર્ભો લીધા હોય છે અને સાથે જે-તે લેખ, અખબાર કે પુસ્તકનું નામ પણ લખ્યું હોય છે. આ ઉપરાંત કાન્તિ ભટ્ટે જોરદાર રિપોર્ટિંગ કર્યું છે અને વિવિધ ક્ષેત્રોના ચર્ચાસ્પદ નામોના ઈન્ટરવ્યૂઝ પણ કર્યા છે. કુલમિલાકે કાન્તિ ભટ્ટના કામનું મુલ્યાંકન કરીએ તો એમ કહી શકાય કે, કાન્તિ ભટ્ટે માતબર પત્રકારત્વ કર્યું છે. હા, એ વાત સાચી કે, કાન્તિ ભટ્ટ અમેરિકા પર લેખ લખતા હોય કે, પાટીદાર આંદોલન પર લખતા હોય અથવા કોઈ રોગથી લઈને સંગીતના વિષય પર લખતા હોય, પણ ગમે ત્યાંથી એમના લેખોમાં એમનું વતન ઝાંઝમેર, ભાવનગર પાસેનું મહુવા, માલણ નદી અને મોરારી બાપુની વાત આવી પહોંચે છે. જોકે, વાચક તરીકે આપણે એને લેખકની નબળાઈ તરીકે નહીં, પણ એમની શૈલી તરીકે સ્વીકારી લેવાનું.

'ગુજરાત ગાર્ડિયન' અખબાર માટે મેં અને અમી ઢબુવાળાએ કાન્તિ ભટ્ટની સહિયારી મુલાકાત લીધેલી. એ સમયે મને અને અમીને બંનેને નવું નવું જાણવાનો ભયંકર ઉત્સાહ અને અમારા પૂર્વસૂરિઓ કઈ રીતે કામ કરે છે અને લેખ લખતા પહેલા તેઓ કયા પ્રકારની તૈયારીઓ કરે છે એ બધું જાણવામાં ભારે રસ. એટલે કાન્તિ ભટ્ટનો ઈન્ટરવ્યૂ કરેલો ત્યારે એમાં પત્રકારત્વ ઓછું અને અમારો અંગત રસ ઝાઝો હતો. જોકે એ ઈન્ટરવ્યૂમાં એમણે જે વાતો કરેલી એ જોરદાર હતી અને આજેય કોઇને રસ પડે એવી છે. હજુય એ ઈન્ટરવ્યૂની રેકોર્ડ મારી પાસે પડી છે અને ક્યારેક મન થાય તો એને સાંભળી લઉં છું. એમનો જન્મ દિવસ નજીક છે તો એ મુલાકાતમાંની જ કેટલીક વાતો માણીએ અને આ રીતે આપણી ભાષાના પીઢ પત્રકારનો જન્મ દિવસ ઉજવીએ.

કાન્તિ ભટ્ટને અમે પૂછેલું, 'કરિયર તરીકે તમે પત્રકારત્વ જ કેમ પસંદ કરેલું?' એમણે કહેલું કે, 'નાનો હતો ત્યારથી હું ગામની પંચયાતમાં પત્રકાર તરીકે કામ કરતો અને પછી તો પંદરેક વર્ષની ઉંમરે એક સામયિકનો તંત્રી પણ બનેલો. એ જ કાચી વયમાં ભાવનગરથી પ્રકાશિત થતાં 'ભાવનગર સમાચાર'માં રિપોર્ટિંગ પણ કરેલું. અને એ બધું કોઈ પણ જાત આર્થિક લાભ વિના કરેલું. મારે કરવું હતું એટલે કરેલું. પણ આ પરથી હું એટલું જરૂર કહી શકું કે, પત્રકારત્વ મારે શીખવા નથી પડ્યું, એ મારા લોહીમાં જ હતું.'

કાન્તિ ભટ્ટના પિતા શિક્ષક હતા, એટલે એમના ઘરની સ્થિતિ ઘણી સામાન્ય, પણ એમના કાકાએ વેપારમાં કાઠું કાઢેલું. કાકાએ જ કાન્તિ ભટ્ટને ભણાવેલા અને બી.કોમ કરાવીને એમને પોતાની પેઢીએ મલેશિયા બોલાવી લીધેલા. આઠેક વર્ષ તેઓ ત્યાં રહેલા અને એકલે હાથે કાકાની પેઢીનો વહીવટ સંભાળેલો. વર્ષો સુધી તેઓ કાકાને ત્યાં એમના દીકરા તરીકે રહ્યા અને પોતાની નજીવી જરૂરિયાતો વચ્ચે પોતાની મહેનતે કાકાને લાખોનો ફાયદો કરાવી આપેલો. મલેશિયાની પેઢીમાં એમની સાથે અન્ય એક ગુજરાતી વડીલ પણ કામ કરતા. તેઓ કાન્તિ ભટ્ટને આખો દિવસ કમ્મરતોડ કામ કરતા જોતાં, જે કામના વળતરના ભાગરૂપે એમને અત્યંત નજીવી રકમ ચૂકવાતી હતી. પેલા ભાઈએ કાન્તિ ભટ્ટને સમજાવ્યા કે, 'ભાઈ તું આમ તનતોડ મહેનત કરે છે, જેને કારણે કાકાનો વેપાર દિવસે ને દિવસે વધી રહ્યો છે, પણ પેઢીને જે કંઈ નફો છે એમાં તારો ભાગ કેટલો? તું આમ કોઈના માટે ક્યાં સુધી મહેનત કરતો રહીશ?'

પેલાની વાત માનીને પ્રયોગના ભાગરૂપે કાન્તિ ભટ્ટે એમના કાકાને એક દિવસ કહ્યું, 'હવેથી પેઢીના એક રૂપિયાના નફામાં એક પૈસાનો ભાગ મારો!' જોકે કાકાને ભત્રીજા પાસે કામ કઢાવવામાં જેટલો રસ હતો એટલો રસ એને મહેનતાણું આપવામાં નહોતો, એટલે કાકાએ એમને દરવાજો દેખાડી દીધો અને અચાનક બધો સામાન સમેટીને કાન્તિ ભટ્ટ ભારત આવી ગયા. અમારી મુલાકાતમાં આ કિસ્સા વિશે તેઓ કહે છે, 'આ ઘટના પછી હું ભાંગી પડેલો અને સમાજ પ્રત્યે મને તિરસ્કાર થઈ ગયેલો.'

વળી, એ જ ગાળામાં કાકાએ જે કન્યા સાથે એમના લગ્ન કરાવી આપેલા એની સાથે કાન્તિ ભટ્ટનું લગ્નજીવન સુખરૂપ પસાર થતું નહોતું અને એ કન્યા કાન્તિ ભટ્ટને ડિવોર્સ આપતી નહોતી. ચારેતરફ નિરાશા વ્યાપેલી હોય ત્યારે સામાન્ય માણસ ભાંગી પડે એ સ્વાભાવિક છે. એ સમયગાળામાં એમને પણ જિંદગીમાંથી રસ ઊડી ગયેલો અને એમણે ઋષિકેશ જઈને સાધુ થવાનું નક્કી કરી લીધું. ઋષિકેશના સાધુ શિવાનંદજી એમને દિક્ષા આપવા પણ તૈયાર હતા, પરંતુ એમની બહેને કાકલૂદી કરીને એમને મુંબઈ રોકી લીધા અને તેઓ સંન્યાસ નહીં લેશે અને મુંબઈમાં એમની સાથે જ જીવન વીતાવશે એવું વચન લીધું.

બહેનની લાગણીને માન આપીને એમણે સંન્યાસ તો નહીં લીધો, પણ મુંબઈ જેવા શહેરમાં હવે કરવું શું એ પ્રશ્ન ઊભો થયો. ઘરે બેસીને મફતના રોટલા તોડવામાં આ જીવને મૂળે રસ નહીં અને પ્રવૃત્તિ વિના એમનાથી જીવી પણ નહીં શકાય એટલે એમણે યોગ્ય કામની શોધ આદરી. એ વર્ષોમાં લોકોમાં ભણતર ઓછું હતું અને કાન્તિ ભટ્ટ વડોદરાની યુનિવર્સિટીમાંથી બી.કોમ થયેલા એટલે ત્યારના જમાનામાં એમના ભણતરની કિંમત ઘણી હતી. એમના એક ઓળખીતા જીવરાજાણીકાકા એ સમયે મુંબઈમાં ઘણી ઓળખાણ ધરાવતા હતા એટલે એમણે જીવરાજાણીકાકાને નોકરી બાબતની વાત કરી.

જીવરાજાણી સૌથી પહેલા કાન્તિ ભટ્ટ માટે મહિને ઉંચા પગારની સ્ટેટ બેન્ક ઑફ સૌરાષ્ટ્રની નોકરી લઈને આવ્યા. પણ બેન્કની જૉબ કાન્તિ ભટ્ટને પસંદ નહોતી એટલે એ નોકરી માટે ના પાડી. થોડા દિવસો પછી જીવરાજાણીકાકા એમના માટે કોરાકેન્દ્રમાં મેનેજરની પોસ્ટ માટેની ઓફર લઈ આવ્યા. પગાર મહિને છ હજાર રૂપિયા. એ નોકરી માટે કાન્તિ ભટ્ટ કોરાકેન્દ્ર ગયા પણ ખરા, પરંતુ ત્યાં ભ્રષ્ટાચાર ચાલતો જોઈને એમણે ત્યાંની નોકરી માટે પણ નનૈયો ભણ્યો. આખરે જીવરાજાણી એમના માટે મહિને એક્સો નવ્વાણું રૂપિયાની એક નોકરી લઈ આવ્યા. કાન્તિ ભટ્ટને એમણે કહ્યું કે, 'ખ્યાતનામ 'જન્મભૂમિ' ગ્રુપમાં પત્રકારની નોકરી છે, પણ એમાં પગાર ઘણો ઓછો છે.' કાન્તિ ભટ્ટને તો ભાવતું હતું ને વૈધે કીધું જેવો ઘાટ થયો અને પૈસાનો તો એમને પહેલાથી જ ઝાઝો મોહ નહોતો એટલે પગારની ચિંતા કર્યા વિના એમણે એ નોકરી સ્વીકારી અને 'જન્મભૂમિ'ના 'વ્યાપાર'માં સબ એડિટર તરીકેની પત્રકાર તરીકે કારકિર્દીની શરૂઆત કરી.

એ વર્ષ હતું 1966નું અને ત્યારથી શરૂ થયેલી એ યાત્રા આજ દિન સુધી અવિરત છે. પચાસ વર્ષની દીર્ઘ કારકિર્દીમાં ભાગ્યે જ એવો કોઇ વિષય હશે, જેના પર કાન્તિ ભટ્ટે લેખ નહીં લખ્યો હોય. અને ભાગ્યે જ એવો કોઈ દિવસ હશે, જે દિવસે એમણે લખ્યું નહીં હોય. સુખ-દુખ જેવી સ્થિતિ સાથે એમને ઝાઝી લેવાદેવા નથી, છતાં આપણે એમ કહી શકીએ એમણે સારા-માઠા તમામ દિવસોમાં એમની કલમ અને કૉલમ ચાલું રાખી. એમના એક પુસ્તકની પ્રસ્તાવના એમણે લખ્યું છે એમ છેલ્લા પસાચ વર્ષોથી રોજ સવારે તેઓ ઊઠે ત્યારે એમના મનમાં વિચારોનું વલોણું શરૂ થઈ જાય અને રોજ સવારે એમના વલોણામાંથી 'ચેતનાની ક્ષણે', 'આસપાસ' અને 'પ્રેરણાની પળે'નું માખણ નીકળે. છેલ્લા કેટલાય વર્ષોથી એમને પૅરાલિસિસ છે અને કાંદિવલીના ફ્લેટમાં હજારો પુસ્તકોની સાથે એકલા જીવે છે. આ કલમની જ કમાલ કહેવાય કે, 85 વર્ષની ઉંમરે એમની કૉલમો જ એમને જીવતા રાખે છે અને ભેંકાર એકલતા વચ્ચે એમને ધબકતા રાખે છે. કાન્તિ ભટ્ટની એ મુલાકાતની બીજી પણ અનેક રસપ્રદ વાતો છે. એકાદ લેખમાં એ આટોપી લઈશું.

ફીલ ઈટઃ

પત્રકારત્વ એક મિશન હોવું જોઈએ પરંતુ એ બહુ દુઃખદ વાત છે કે આજે કેટલાક પત્રકારો ઉદ્યોગપતિઓ અને સરકારને ખુશ રાખવામાં તેમજ વગદાર લોકોના હિતોની જાળવણી કરવામાં રચ્યાંપચ્યાં રહે છે.

પ્રિય વાચકો,

હાલ પૂરતું મેગેઝીન સેક્શનમાં નવી એન્ટ્રી કરવાનું બંધ છે, દરેક વાચકોને જૂનાં લેખો વાચવા મળે તેથી આ સેક્શન એક્ટિવ રાખવામાં આવ્યું છે.

આભાર

દેશ અને દુનિયાના સમાચારથી માહિતગાર થવા તેમજ દરેક અપડેટ સમયસર મેળવવા ડાઉનલોડ કરો Khabarchhe.com એપ અને ફોલો કરો Khabarchhe.com ને સોશિયલ મીડિયા પર.