શું કરે છે આજકાલ KBC વિનર્સ?
અમિતાભ બચ્ચનના અત્યંત લોકપ્રિય ટેલિવિઝન શૉ ‘કૌન બનેગા કરોડપતિ’માં જેટલા સ્પર્ધકો કરોડ રૂપિયા જીતેલા એ તમામ સ્પર્ધકો અત્યારે શું કરે છે એ વિશે તાજેતરમાં ‘ધ ક્વિન્ટે’ એક સ્ટોરી કરી. પહેલા તો KBCમાં માત્ર એક કરોડ રૂપિયા જ જીતી શકાતા, પણ પછીથી આ શૉમાં પાંચ અને સાત કરોડ સુધીની રકમ જીતી શકાતી હતી અને કેટલાક સ્પર્ધકો તો એ પણ જીત્યા.
સૌથી પહેલા જે સ્પર્ધક કરોડપતિ બનેલો એ સ્પર્ધક હતો હર્ષવર્ધન નવાઠે. હર્ષવર્ધને જ્યારે KBCના તમામ સવાલના જવાબો આપેલા ત્યારે દેશભરના અખબારોમાં એ વિશે ખૂબ ચર્ચા ચાલેલી. અમને યાદ આવે છે કે, ત્યારે હર્ષવર્ધનનો એપિસોડ તાત્કાલિક પ્રસારિત નહીં કરતા દર્શકોને રીતસરની રાહ જોવડાવવામાં આવેલી અને હર્ષવર્ઘન જીતેલો એના ઘણા દિવસો પછી એ એપિસોડ ટેલિકાસ્ટ કરાયેલો. જોકે ‘ધ ક્વિન્ટે’ હમણા જે સ્ટોરી કરી એમાં એવું જણાવાયું છે કે, 2000ની સાલમાં જ્યારે હર્ષવર્ધન KBC જીતેલો ત્યારે એ સિવિલ સર્વિસિસની તૈયારી કરતો હતો. પરંતુ KBCમાં એક કરોડ રૂપિયા જીત્યા બાદ હર્ષવર્ધને સિવિલ સર્વિસિસની પરીક્ષાની તૈયારી પડતી મૂકીને વિદેશમાં એમબીએ કરવા જવાનું નક્કી કર્યું અને હવે એ એના પરિવાર સાથે મુંબઈમાં સ્થાયી થયો છે.
કરોડ રૂપિયાની રકમ જીત્યા બાદ એણે સૌથી પહેલા એના માટે મારુતિ એસ્ટિમ કાર ખરીદી હતી. હવે તો હર્ષવર્ધનના બે સંતાનો પણ છે! તો બીજા જ વર્ષે એટલે કે, વર્ષ 2001માં કૌન બનેગા કરોડપતિના તમામ સવાલોના સાચા જવાબો આપ્યા હતા રવિ મોહન સૈનીએ. અલબત્ત, રવિ મોહન સૈનીએ ‘કૌન બનેગા કરોડપતિ જુનિયર’માં ભાગ લીધેલો. જુનિયર KBCમાં એક કરોડ રૂપિયા જીતેલો ત્યારે રવિ દસમાં ધોરણમાં ભણતો હતો. પરંતુ હવે રવિની પ્રોફાઈલ જાણીએ તો આપણને આશ્ચર્ય પણ થશે અને રવિને એક સલામ કરવાનું પણ મન થશે. કારણ કે, ત્યાર બાદ રવિએ મેડિકલમાં અભ્યાસ શરૂ કરેલો અને મેડિકલના અભ્યાસ દરમિયાન જ એમણે સિવિલ સર્વિસિસની પરીક્ષા આપેલી. આજે રવિ આઈપીએસ ઑફિસર છે અને મૂળ રાજસ્થાનના રવિ આપણા ગુજરાતમાં આઈપીએસ ઑફિસર તરીકે ફરજ બજાવે છે. રવિએ પણ એક કરોડની રકમમાંથી એક કારની ખરીદી કરી હતી અને બાકીના પૈસા એમણે મ્યુચ્યુઅલ ફંડમાં ઈન્વેસ્ટ કર્યા હતા.
બિહારના સુશિલ કુમાર વિશે તો સૌ જાણે છે. ‘ધ ક્વિન્ટ’નો તાજો રિપોર્ટ જણાવે છે કે સુશિલ કુમારે એની જીતેલી રકમમાંથી એના ભાઈઓને બિઝનેસ શરૂ કરવામાં મદદ કરેલી અને સો મહા દલિત બાળકોએ દત્તક લઈને ‘ગાંધી બચપન કેન્દ્ર’ની શરૂઆત કરી છે. જોકે એની સામે હિન્દુસ્તાન ટાઈમ્સનો બે વર્ષ જૂનો રિપોર્ટ વાંચીએ - જેમાં સુશિલ કુમારે એનું વર્ઝન પણ આપ્યું છે- તો ખ્યાલ આવશે કે સુશિલ કુમારની આર્થિક સ્થિતિ અત્યંત નબળી છે. હિન્દુસ્તાન ટાઈમ્સના જણાવ્યા મુજબ KBCમાં સૌથી પહેલી વખત પાંચ કરોડ રૂપિયાની રકમ જીતનારા સુશિલના હાથમાં ટેક્સ કપાયા બાદ સાડા ત્રણ કરોડ રૂપિયા જ આવ્યા હતા, જેમાંનો મોટો હિસ્સો એણે એના બહોળા પરિવાર માટે ઘર બનાવવામાં અને ભાઈઓને વેપાર શરૂ કરી આપવા માટે ખર્ચી નાખ્યો. આ ઉપરાંત એણે ખેતી માટે થોડી જમીન પણ ખરીદી હતી. પરંતુ તે ખેતીમાં પણ સફળ રહ્યો હોય એવું લાગતું નથી કારણ કે, હિન્દુસ્તાન ટાઈમ્સ આગળ કરગરતો હોય એમ એણે કહ્યું હતું કે, જીતેલી રકમના થોડા પૈસા એણે બેંકમાં વ્યાજે મૂક્યા હતા, જેના વ્યાજમાંથી એનું ગુજરાન ચાલે છે. જોકે એ રકમમાંથી એનું ગુજરાન યોગ્ય રીતે ચાલતું નથી.
આ ઉપરાંત પણ સુશિલ કુમાર વિશે તો એવા રિપોર્ટ્સ વાંચવા મળેલા કે, સુશિલ કુમાર બિહારના રાજકારણમાં પણ સક્રિય થવાના છે. જોકે એ બાબતે હજુ નક્કર સમાચાર આવ્યા નથી. જો રાજકારણમાં સક્રિય થાય તો સુશિલ કુમારની બાર સાંધે ત્યાં તેર તૂટેની પરિસ્થિતિ જરૂર સુધરશે એ વાત નક્કી છે.
આ ઉપરાંત સનમિત કૌર કરીને ચંદીગઢની એક યુવતી પણ KBCમાં જીતી હતી. સનમિતે ફેશનડિઝાઈનિંગમાં એની કરિયર બનાવવી હતી, પરંતુ એના પરિવારજનોએ ના પાડતા સનમિતે બાળકોને ભણાવવાનું શરૂ કરેલું. જોકે KBCમા જીત્યા બાદ સનમિત મુંબઈ શિફ્ટ થઈ ગયેલી અને એના એક મિત્ર સાથે એક ફેશનડિઝાઈનિંગની કંપની પણ શરૂ કરેલી. પણ પાછળથી કંઈક ડખો થયો અને હવે સનમિત એ કંપની સાથે સંકળાયેલી નથી.
તમને ખ્યાલ હોય તો વર્ષ 2014માં સાર્થક નિરુલ્લા અને અચીન નિરુલ્લા સાત કરોડ રૂપિયાની રકમ જીતેલા. આ બંને ભાઈઓ જ્યારે KBCમાં આવેલા ત્યારે જ એમની માને કેન્સર હતું અને એ બંનેની એવી ઈચ્છા હતી કે, KBCમાંથી જીતેલી રકમ તેઓ એમની માના ઈલાજ પાછળ ખર્ચ કરશે. અને એવું એમણે કર્યું પણ ખરું. જોકે બાકી રકમ એમણે એમના બિઝનેસમાં ઈનવેસ્ટ કરી અને મજાની વાત એ છે કે, તેઓ KBC જીતેલા એ જ દિવસથી એમના પર અનેક છોકરીઓના માગા આવ્યા હતા. આ ઉપરાંત તાજ મહોમ્મદ રંગરેજ નામના ઉદયપુરના એક શિક્ષક પણ એક કરોડ રૂપિયા જીતેલા, જેઓ KBCમા વિનર થયા બાદ માત્ર રંગરેજના નામે જ જાણીતા થયેલા. જોકે કરોડ રૂપિયા જીત્યા બાદ પણ એમણે એમની શિક્ષક તરીકેની નોકરી છોડી નહોતી. અને બે ગરીબ છોકરીઓને લગ્નમાં એમેણે આર્થિક મદદ કરી હતી એવું એમના વિશે વાંચવા મળ્યું. તો ઝારખંડની રાહત તસ્લીમે એની પોતાની ગારમેન્ટ શોપ શરૂ કરી હતી અને એ પગભર થઈ હતી.
પ્રિય વાચકો,
હાલ પૂરતું મેગેઝીન સેક્શનમાં નવી એન્ટ્રી કરવાનું બંધ છે, દરેક વાચકોને જૂનાં લેખો વાચવા મળે તેથી આ સેક્શન એક્ટિવ રાખવામાં આવ્યું છે.
આભાર