લેખક પાસે વિષય ન હોય ત્યારે…
નિયમિત કૉલમ લખતા લેખક પાસે દર વખતે વિષય હોય જ એવું હોતું નથી. ક્યારેક એનું મગજ ચારધામની જાત્રાએ નીકળી ગયું હોય તો, માથું ખંજવાળી ખંજવાળીને માથાના વાળ ખરી પડે તો પણ એને કૉલમ માટે વિષય જડતો નથી અને બાપડો ભારે મૂંઝવણમાં મૂકાઈ જાય છે. વળી, વિષય નહીં મળે એ પરસ્થિતિને રાઈટર્સ બ્લોક જેવી ભારે સ્થિતિ તરીકે પણ નહીં ઠેરવી શકાય. રાઈટર્સ બ્લોકમાં સામાન્ય રીતે લેખકનું મગજ ગાંધી ચીંધ્યા માર્ગે અસ્થાયી મુદ્દત માટે અસહકારનું આંદોલન પોકારતું હોય છે, જ્યારે આવા લેખકોને તો એકાદ અઠવાડિયા પૂરતો જ પ્રોબ્લેમ રહેતો હોય છે. બીજા અઠવાડિયાથી એને એકસાથે ચાર-પાંચ વિષયો સૂઝતા હોય છે અને આવે વખતે તે ક્યા વિષય પર (હવામાં) ગોળીબાર કરવો અને કયા વિષયને પડતો મૂકવો એ બાબતની અવઢવ અનુભવતો હોય છે. પણ, જેમ હાથની બધી આંગળીઓ સરખી નથી હોતી એમ દરેક અઠવાડિયા પણ સરખા નથી હોતા અને આ કારણે જ અખિલ વિશ્વમાં હજારો ઘટના એકસાથે ઘટી હોવા છતાં લેખકને લખવા માટે કશું સૂઝતું નથી અને જેમ જેમ ડેડલાઈન નજીક આવતી જાય એમ એનું પ્રેશર ઘટવા માંડે છે.
વિષય નહીં મળે ત્યારે લેખકની સ્થિતિ પાંજરામાં પૂરેલા સિંહ જેવી થઈ જાય છે. દેઠોક લખવાની અને વાચકોને ઉલ્લુ બનાવવાની (એવું એ વિચારતો હોય છે, ઉલ્લુ એ પોતે હોય છે!) પોતાની આવડત અને અનુભવ હોવા છતાં એ કશું વિચારી શકતો નથી અને પછી ‘શું લખું… શું લખું…?’ની ચિંતામાં એના સ્ટડીરૂમમાં કે ઘરમાં આમથી તેમ આંટા મારતો થઈ જાય છે.
બિચારો મનોમન ભગવાનને પ્રાર્થના કરી બેસે છે કે, ‘હે ઈશ્વર, કુરુક્ષેત્રના મેદાનમાં અર્જુનને અવઢવ થઈ આવેલી ત્યારે જેમ એની વહારે આવીને તેં એને જ્ઞાન આપેલું, એમ મારી વહારે આવ અને મનેય થોડી અક્કલ આપ. અર્જુને તો સો કૌરવોને ઘરભેગા કરવાના હતા, પરંતુ મારે તો માત્ર એક જ લેખ લખવાનો છે. મને મદદ કર અને મારા દિમાગની બત્તી જલાવ. અરે પ્રભુ, તું માત્ર વિષય સૂઝાડી જશે તોય બહુ, પછી તો હું સાચવી લઈશ. માહિતી નહીં હોય કે વિષય બાબતની કોઈ જાણકારી નહીં હોય તોય હજારેક શબ્દોમાં બેટિંગ કરીને આખો લેખ ઢસડી મારીશ. એમાં એકાદ-બે પેરેગ્રાફમાં ફિલોસોફી લખી નાંખીશ, બેએકમાં વિષયાંતર કરીને વાતને ગુજરાતની અસ્મિતા પર લઈ આવીશ, એકાદ ફકરામાં પદ્મશ્રીની અપેક્ષાએ નરેન્દ્ર મોદી અને એમના શાસન વિશે ભક્તિપદો લખી નાંખીશ અને એકાદ ફકરામાં ઉપરની જ વાતને જૂદા શબ્દોમાં લખીને ઈતિ અસ્તુ કરી નાંખીશ. પણ, પ્લીઝ તું એકાદ વિષય સૂઝાડ…’
જોકે લેખ લખવાની જગ્યાએ લેખ ઢસડી નાંખવાની ખોરી દાનત હોય તો પ્રભુ તો શું લેખકની પ્રેમિકા પણ એની વહારે નહીં આવે, એટલે લેખકે પ્રભુની આશા તો છોડી જ દેવી!
કંઈક સૂઝી આવે એની આશામાં એ લેખક કાન્તિ ભટ્ટ કે મન્ટો જેવા કલમવીરોનું પણ સ્મરણ કરીને ધરપત મેળવી લે છે. કારણ કે, કાન્તિ ભટ્ટને રાઈટર્સ બ્લોક થયો હોય કે કોઈક અઠવાડિયે વિષય નહીં જડતો હોય તો કયા કયા વિદેશી લેખકો રાઈટર્સ બ્લોકનો ભોગ બનેલા એના પર પણ એક માહિતીસભર લેખ લખી નાંખે એવા ધૂરંધર. તો મન્ટો વિશે એવી માન્યતા કે, એ જ્યારે લખવા બેસે ત્યારે એને વાર્તાનો પ્લોટ તો શું વાર્તાની પહેલી લાઈન વિશે પણ ખબર નહીં હોય. પણ કોરા કાગળ પર 786 લખીને લખવાનું શરૂ કરે એટલે અમસ્તીય એકાદી વાર્તા લખી નાંખે, જે વાર્તા પાછળથી શ્રેષ્ઠતમ કૃતિ સાબિત થઈ હોય અને યુનિવર્સિટીઓના અભ્યાસક્રમમાં મૂકાઈ હોઈ.
જોકે એ તો મન્ટો અને કાન્તિ ભટ્ટ છે. વિષય નહીં સૂઝતો હોય ત્યારે પણ એકાદ લેખ લખી શકાય એ માટે આંખે મોતિયો બાઝે એટલું વાંચવાની દાનત કે મન્ટોના જેવી સામાજિક નિસ્બત અને સંવેદનશીલતા જોઈએ. જે નથ્થુચંદોને સમાજ સાથે કોઈ લેવાદેવા નથી કે લોકોના ફેસબુકના સ્ટેટ્સ સિવાય બીજું કશું વાંચવાની દાનત નહીં હોય, એવા નથ્થુચંદો શું લેખ લખવાના?
આખરે વિષય મળી જાય એની આશામાં લેખક દિવસો પછી અખબાર ખોલે છે અને અખબારના કેટલાક અહેવાલો પર નજર મારીને વિષય મેળવવાનો પ્રયત્ન કરે છે. નસિબજોગે અખબારમાં એને બે-ચાર વિષયો મળી પણ રહે, પરંતુ આવે વખતે કઠણાઈ એવી થઈ પડે કે, જે બે-ચાર વિષયો મળે એ વિષય ફુલટુ માહિતીપ્રદ હોય અને એમાં રિપિટેશન કે ફિલોસોફી ઠોકવાનો જરા સરખો પણ સ્કોપ નહીં હોય.
દાખલા તરીકે તાજેતરમાં જ વિજ્ઞાન જગતમાં ગ્રેવિટેશનલ વેવ્ઝની શોધ થઈ. વિજ્ઞાન જગતની આ મહત્ત્વની ઘટના પર એક તો શું, સાત દિવસ સુધી ફુલ લેન્થના માહિતીપ્રદ લેખો લખી શકાય. પરંતુ આવા લેખોની પહેલી માગ હોય છે સચોટ માહિતી! એમાં ગુજરાતની અસ્મિતાની વાતો કરી શકાય નહીં. અહીં તો ગુરુત્વાકર્ષણની અસ્મિતાની જ વાત કરવી પડે.
વળી, આ માટે સૌથી પહેલા એ અટપટો વિષય સમજવો પડે અને વિષય સમજવા બાકાયદા વાંચવું પડે અને વાંચવાની કે મહેનત કરવાની તો પાછી એ લેખકની દાનત હોય નહીં, એટલે પરાણે એણે વિષય પડતો મૂકવો પડે. જોકે આવા વિષય પડતા મૂકાય ત્યારે વાચકો વિશેષ અભિનંદનને પાત્ર ઠરે છે. કારણ કે, ભૂલેચૂકેય પેલા લેખકે આવો કોઈ વિષય હાથમાં લીધો હોત, તો વિષયનું ભરી સભામાં ચીરહરણ કર્યું હોત અને એ લેખ વાંચતા વાચકોનો નાહકનો સમય અને મગજ બગાડ્યાં હોત.
તો હવે કરવું શું? એક તરફ મગજમાં છપ્પનિયો દુકાળ પડ્યો હોય અને બીજી તરફ ડેડલાઈન નાગની જેમ ફૂંફાડો મારી રહી હોય ત્યારે લેખક દયનિય સ્થિતિમાં મૂકાઈ જાય છે. એ મનમાં ને મનમાં એની જાતને કોસી બેસે છે કે, ‘શું કામ મને લેખક બનવાના ધખારા ઉપડ્યા હશે? કંઈક બીજું કામ કરી લીધું હોત તો પૈસા પણ સારા મળતે અને દર અઠવાડિયે વિષયો શોધવા માટેની આ માથાફોડી પણ નહીં કરવી પડતે…’
ખૈર, હવે કરવું શું? લેખ તો મોકલવાનો જ છે, નહીંતર તંત્રી રાતા-પીળા થઈને ફોન પર તતડાવશે અને મનમાં આવ્યું તો એમ પણ કહી દેશે કે, 'હવેથી તમારી કૉલમ બંધ કરવામાં આવે છે.'
'જો કૉલમ બંધ થઈ ગઈ તો મારી બાયલાઈન (લેખ સાથે છપાતું લેખકના નામ!)નું શું? બાયલાઈન નહીં હોય તો મારી ફેઈમનું શું? લોકોને મારી બૌદ્ધિકતા વિશે ખબર કઈ રીતે પડશે? શહેરના સમારંભો, ક્રિકેટ ટુર્નામેન્ટ કે કવિ સંમેલનોમાં મને આમંત્રણ નહીં મળશે. કોઈક મોલમાં કે નાટ્યગૃહમાં કોઈ મારી સાથે સેલ્ફી નહીં પડાવે અને મને કોઈ ચીરકુટ માણસ સમજીને મારા સ્ટેટ્સ કે ફોટોગ્રાફ્સને કોઈ લાઈક નહીં કરે….'
વિષય ન મળવાની મૂંઝવણની સાથે બિચરા લેખકને આ બધી ચિંતાઓ પણ સતાવતી જાય છે. વાચકો- બાચકો તો ઠીક છે, પણ ઉપર વર્ણવેલી ચિંતાઓ સાચી ન ઠરે એ માટે લેખક યા હોમ કરીને લખવા કૂદી પડે છે. વિષય તો મનમાં છે નહીં અને શું લખવું એ વિશે કોઈ ગતાગમ નથી, પણ તોય એ કાગળ પર પહેલો શબ્દ માંડે છે અને લેખનું ટાઈટલ આપે છે,
'લેખક પાસે વિષય ન હોય ત્યારે…'
પ્રિય વાચકો,
હાલ પૂરતું મેગેઝીન સેક્શનમાં નવી એન્ટ્રી કરવાનું બંધ છે, દરેક વાચકોને જૂનાં લેખો વાચવા મળે તેથી આ સેક્શન એક્ટિવ રાખવામાં આવ્યું છે.
આભાર