તારી જો હાંક સૂણી કોઈ ના આવે તો…
એકાંત અને એકલતા વચ્ચે જમીન-આસમાનનો તફાવત છે એવું આપણે વર્ષોથી વાંચતા આવ્યા છીએ. સેંકડોની ભીડની વચ્ચે થોડાં એકલા પડી, પોતાની જાત સાથેનો સમય માણસ ઝંખે એ એકાંત. એકાંતની હંમેશાં ઝંખના રખાતી હોય છે, પણ ભીડ જેને અવગણી કાઢે, ધુત્કારી કાઢે અથવા જેને ટાળે એને કહેવાય એકલતા અથવા માણસને એકલા પાડવું. કોઈને પણ પોતાની અવગણના સ્વીકાર્ય નથી એટલે જ માણસને એકલા પડવું ગમતું નથી. સામન્ય રીતે માણસ એવું કહેતો હોય છે કે, ‘હું એકલો પડી ગયો’ પરંતુ વાસ્તવિકતા એ છે કે, માણસ પોતે ક્યારેય એકલો નથી પડતો, પણ એને એકલો પાડી દેવામાં આવે છે. એકલા પાડી દેવાના દુષ્કૃત્યમાં કુદરત અને માણસના સંજોગો પણ ઘણીવાર જવાબદાર હોય છે!
એકલા પાડી દેવાના દુષ્કર્મનો જ્યારે માણસ ભોગ બને ત્યારે સૌથી પહેલો પ્રશ્ન આત્મચિંતનનો ઊભો થાય છે. દરેક કિસ્સામાં એવું નથી બનતું કે, ભોગ બનેલો માણસ દૂધે ધોયેલો હોય. કોઈક ચંડાળ અવળચંડાઈએ ચડીને અન્યોને સતત પરેશાન કરતો રહે ત્યારેય લોકો એને કૌંસમાંથી બહાર કાઢી દેતા હોય છે. આવા ઉત્પાતિયાઓ પાસે જરા સરખી અક્કલ હોય તો એમણે આત્મચિંતન કરી એમના સ્વભાવ કે વર્તનમાં સુધારો આણી પ્રવાહમાં ભળી જવાના પ્રયત્નો આદરવા જોઈએ. નહીંતર છો અવગણનાનો ભોગ બનતા!
પણ ક્યારેક માણસ સાવ નિર્દોષ હોય, કોઈની આડે આવવાની વાત તો દૂર પણ સતત સૌને મદદરૂપ થતો હોય, સૌને સાથે લઈને ચાલવામાં માનતો હોય કે કોઈના સુખ માટે કાર્યરત રહેતો હોય અને એને એકલો પાડી દેવાય ત્યારે? એનો કોઈ વાંકગુનો ન હોય એની અવગણના થાય ત્યારે? આવે ટાણે જેના દિલમાં સારપ હોય એવા માણસો મૂંઝાઈ જતાં હોય છે અને તેઓ પોતાની જાતને કોસતા રહે છે અથવા પોતાની જાતને અંડર-એસ્ટિમેટ કરી દેતાં હોય છે. આસપાસનો મોટો વર્ગ એમની અવહેલના શરૂ કરે ત્યારે પોતાની જાતમાં જ કોઈ કમી છે એમ સમજી ઝૂરતા રહે છે અને ટોળાંના સત્યને સાચું માની, ટોળાંના ડરે, ટોળાંને ફાવે એવું જીવતા રહેતા હોય છે.
આગળ કહ્યું એમ માણસને એકલા પડી જવું ગમતું નથી. સમૂહ બધાને વહાલો હોય છે એટલે જ માણસ સમૂહની પસંદ- નાપસંદની સતત પરવા કરતો રહે છે. પણ આ રીતે કોઇના તાબે થઈને જિંદગી જીવી શકાય નહીં. કોઈ શું કહેશે કે કોઈને ખરાબ લાગશે તો આપણી સાથે નહીં બોલે અથવા સંબંધ નહીં રાખે એવી ચિંતાઓ કરવા જઈશું તો લાઈફમાં કરવાજોગું ક્યારેય નહીં કરી શકીશું.
એના કરતા જો કોઈ આપણને અવગણવાનો કે એકલા પાડવાનો પ્રયત્ન કરે અને આપણે આપણી રીતે સો ટકા સાચા હોઈએ તો છો કોઈ આપણને અવગણતું. થોડો સમય માનસિક પરિતાપ જરૂર રહે, પરંતુ કેટલીક બાબતોની કાયમી શાંતિ થઈ જતી હોય છે. અને જો આપણે સાચા હોઈએ અથવા કોઈને કનડગત નહીં કરતા હોઈએ ત્યારે પ્રત્યક્ષ રીતે ભલે કોઈ આપણને એકલા પાડવાનો પ્રયત્ન કરે, પરંતુ એવા ટાઈમે એ લોકો પોતે જ એક સારી વ્યક્તિની સોબત ગુમાવતા હોય છે. એટલે જ એમની ચિંતા કરીને આપણે બળી મરવાની જરૂર નથી. પણ આપણા મનનું કરી લેવું જોઈએ.
આ તો રોજિંદા જીવનમાં આપણે ફેસ કરીએ એવા સાવ નાના મુદ્દાની વાત થઈ. પણ આ ઉપરાંત ઘણી વખત આપણે આપણા મનગમતા ક્ષેત્રમાં કે કરિયર દરમિયાન આપણી આવડતથી કે ખંતથી ઘણું સારું પરફોર્મ કરી રહ્યા હોઈએ અથવા આપણે કોઈ પોઝિશન પર બેઠા હોઈએ ત્યારેય કેટલાક કાવતરાખોરો આપણી અવગણનાનો ખેલ ખેલતા હોય છે. કોઈ પણ રિસ્પેક્ટિવ ઑર્ગેનાઈઝેશન અથવા ઈન્સ્ટીટ્યુટમાં અમુક-તમુક મોટી જવાબદારીઓ સંભાળતા કે બે-ત્રણ-પાંચ કે પચાસ-સો કર્મચારીઓને સંભાળતા માણસે આવી કેટલીક બાબતોનો સામનો કરવો પડી શકે કે એમના સમકક્ષ કે એમનાથી થોડા સિનિયર લોકો સતત એમના કામની કે એમના યોગદાનની અવગણના કર્યા કરતા હોય અને એ રીતે એમને એકલા પાડીને એમનું મોરલ તોડ્યા કરતા હોય છે. આવી ઘટના વખતે ઉપર જણાવેલું એમ સાચા અને સંવેદનશીલ માણસો મેન્ટલી ડિસ્ટર્બ થઈ જાય છે અને પેલા કાવતરાખોરોની ચાલનો શિકાર બનીને પોતાના યોગદાનને કે કામને નાનું સમજવા માંડે છે. જેની અસર એમના કામની ગુણવત્તા પર પડે અને એમનું કામ સતત બગડતું રહે છે અથવા પહેલાની સરખામણીએ એમનું પરફોર્મન્સ ઘટતું જાય છે.
વાસ્તવમાં જે-તે માણસ એની જગ્યાએ સાચો જ હોય છે, પરંતુ એને ડિસ્ટર્બ કરી એની પ્રગતિમાં રોડા નાંખવા માટે અથવા એની પ્રગતિથી ઈર્ષા કરીને એની અવહેલના થતી હોય છે. પરંતુ પેલો માણસ એ સમજી શકતો નથી અને જે સમયે એણે સ્થિતપ્રજ્ઞ રહી સામેવાળાની ચાલને ધરાર અવગણી કાઢી આગળ વધી જવાનું હોય છે એ સમયે એ પીડાતો રહે છે અને કાવતરાખોરોને સફળ થવા માટે માર્ગ મોકળો કરી આપતો હોય છે.
સમાજ જીવન હોય કે કરિયર હોય કે પછી અન્ય કોઈક પણ ક્ષેત્ર હોય ત્યાં આવા અવળચંડાળો હોય હોય અને હોય જ. સમાજમાં કે આપણી રિસ્પેક્ટિવ ઑર્ગેનાઈઝેશનમાં એવા ઉપદ્રવીઓને અટકાવી શકાતા નથી. પણ દર વખતે આપણા લેવલે એક કામ જરૂર કરી શકાય કે, એવાઓ જો આપણને કે આપણા કામને અવગણવાનો પ્રયત્ન કરે અથવા આપણને એકલા પાડવાના કાવતરા કરે તો સૌથી પહેલા આપણી જાતને એક સવાલ પૂછી લેવાનો કે આપણી જે વર્તાવ થઈ રહ્યો છે અથવા આપણા કામ બાબતે જે પ્રશ્નો ઊઠી રહ્યા છે એમાં ક્યાંક આપણે કાચું તો નથી કાપ્યુંને? જો દિલમાંથી અવાજ આવે કે, આપણે સાચા છીએ અને આપણો આમાં કોઈ વાંક નથી. તો સામે ભલભલો ચમરબંદી હોય કે ગમે એટલા લોકો હોય એમની પરવા કરવી નહીં અને પહેલા જેટલી જ શ્રદ્ધાથી આપણું કામ ચાલું રાખવું. આપણી હાંક સૂણી કોઈ આપણી સાથે નહીં આવે તો એમાં ડરી જવાની કે, આપણો જ કોઈક વાંક હશે એમ માની આપણી જાતને કોસવાની જરૂર નથી. બસ ચાલતા રહેવાનું છે.... આમેય આપણે અહીં એકલા જ આવ્યા છીએ અને આપણો પ્રવાસ પણ આપણે એકલા જ કરવાનો છે. જો આપણું કામ સો ટચનું હશે અથવા આપણી દાનત શુદ્ધ હશે તો કોઈના બાપની તાકાત નથી કે કોઈ પણ આપણને અવગણી કે એકલા પાડી શકે, કારણ કે, સમય આવ્યે આપણું કામ છાપરે ચઢીને આપણી દાનત સ્પષ્ટ કરવાનું છે.
પ્રિય વાચકો,
હાલ પૂરતું મેગેઝીન સેક્શનમાં નવી એન્ટ્રી કરવાનું બંધ છે, દરેક વાચકોને જૂનાં લેખો વાચવા મળે તેથી આ સેક્શન એક્ટિવ રાખવામાં આવ્યું છે.
આભાર