જેને રામ તરછોડે એને કોણ તારે?

11 Oct, 2016
12:00 AM

અંકિત દેસાઈ

PC: hindi-web.com

મહર્ષિ વાલ્મિકીએ રચેલા રામાયણના મૂળ ગ્રંથ ઉપરાંત તુલસીદાસજીથી લઈને દુલા ભાયા કાગ સુધીના સંતો-સર્જકોએ પોતાના ઈન્ટરપિટેશન સાથે રામાયણ જેવા મહાન ભારતીય ગ્રંથને આપણી સમક્ષ રજૂ કર્યો છે.  ઈન્ટરપિટેશન શબ્દ એટલે લખવો પડ્યો કે, આપણે ત્યાં જેને સૌથી ઑથેન્ટિક માનવામાં આવે છે એવા વાલ્મિકી રામાયણ અને તુલસીદાસજી રચિત 'રામ ચરિત માનસ'ની સરખામણી કરીએ તો રામાયણની કેટલીક ઘટના કે પ્રસંગો કંઈક જુદી રીતે, જુદા ભાવ કે અર્થો સાથે વર્ણવાયા છે.  જોકે આજે દશેરાના સપરમે દિવસે આપણે તુલનાત્મક વાતો નથી કરવી. આજે તો માત્ર રામને યાદ કરવાના હોય, આપણા  પ્રિય રામના જીવન અને રામાયણના કેટલાક પ્રસંગોની વાતો કરવાની હોય, જે પ્રસંગોમાંથી આપણને પ્રેરણા મળે કે ન મળે એ બે નંબરની વાત છે, પણ એ પ્રસંગો વાંચવાનું ગમશે તો ખરું જ, એ વાંચતી વખતે આનંદ તો થશે જ થશે! કારણ કે 'રામ' શબ્દના અનેક અર્થોનો એક અર્થ 'આનંદાયક' પણ થાય છે! 

સૌરાષ્ટ્રમાં જન્મેલા અને ગુજરાતભરમાં પંકાયેલા સંતકવિ દુલા ભાયા કાગે રામાયણને સુંદર રીતે તળપદી બોલીમાં વર્ણવ્યું છે. સામાન્ય લોકને પણ સમજાય એવું દુલા ભાયા કાગનું લોક રામાયણ યુટ્યુબ પર પણ પ્રાપ્ય છે, જેમાં ખૂદ કાગ બાપુના અવાજમાં રામાયણ સાંભળવાનો લહાવો મળે છે. આપણે આજે કવિ કાગના રામાયણના કેટલાક પ્રસંગોનું જ રસપાન કરીશું, જે પ્રસંગોને મૂળ રામાયણમાં ઘણું મહત્ત્વ ન અપાતા એમને અપ્રત્યક્ષ રીતે વર્ણવાયા છે. હિન્દુ સંસ્કૃતિના મૂળ ગ્રંથો ઉપરાંત ભાસ્યો મને અંગત રીતે એટલે જ ગમે છે, કારણ કે, મૂળ ગ્રંથમાં જે બાબતો શ્લોક રૂપે કે અપ્રત્યક્ષ રીતે કહેવાઈ હોય એને ભાસ્યકારો અત્યંત સુંદર રીતે સપાટી પર લઈ આવે અને એટલી જ ઉમદા રીતે આપણી સમક્ષ એ બાબતોને રજૂ કરે, જે જાણીને આપણને આનંદ થાય છે.

********

લંકા સુધી પહોંચવા માટે વાનરસેના રામ સેતુની તૈયાર કરે છે અને એ રામસેતુની જગત આખામાં ચર્ચા થાય છે કારણ કે, એ સેતુના પથ્થરો પાણી પર તરતા હતા અને એ વિશાળ સેતુ પરથી ભગવાન રામ પોતાની સેનાને લઈ સામે પાર રાવણ સાથે યુદ્ધ કરવા જવાના હતા. રામને નામે પથ્થર તરતા થયા એ જાણીને રાવણને પણ ખૂબ આશ્ચર્ય થાય છે એના અહમને ઠેસ પહોંચે છે કે, રામને નામે પથ્થરા તરી શકતા હોય તો મારા જેવા શક્તિશાળીને નામે કેમ નહીં? 

આખરે, મહારાણી મંદોદરી અને લંકાની પ્રજાને પોતાની શક્તિઓનો પરચો આપવા રાવણ પણ રામનું કરતબ કરવાનું નક્કી કરે છે. આ તો ઠીક પોતાને ધુરંધર સાબિત કરવા રાવણ નાના-મોટા પથ્થરો નહીં પણ વિશાળ શિલાઓ પર પોતાનું નામ 'રાવણ' લખાવે છે અને એ શિલાઓ સમુદ્રમાં ફેંકે છે. જોકે મંદોદરીના આશ્ચર્ય વચ્ચે એ તોતિંગ શિલાઓ સમુદ્રમાં તરવા માંડે છે અને લંકાનું સૈન્ય પોતાના રાજાનું આ પરાક્રમ જોઈને ઉત્સાહમાં આવી જાય છે. પણ,  હજુય મંદોદરીને આ બાબતે શંકા થયા કરે છે, કારણ કે એ રાવણના પાપ અને રામના પ્રતાપ વિશે સુપેરે માહિતગાર હતી. એટલે એ રાવણને ભગવાન શિવની આણ આપીને પૂછે છે કે, 'સાચું કહો આ શિલાઓ તરી કઈ રીતે?'

ત્યારે રાવણ મંદોદરીને કહે છે કે, જેમ તેં મને ભગવાન શિવની આણ આપી એમ મેં આ શિલાઓને રામની આણ દીધેલી, કે 'જો રામને નામે પથ્થરા તરતા હોય તો હે શિલાઓ આજે જો તમે ના તરી તો તમને રામના સોગંદ છે.' રાવણ છેલ્લે કહે છે, 'જેને રામના નામની આણ હોય એ તરે નહીં તો બીજું શું કરે?'

********

બીજી તરફ પોતાને નામે પથ્થર તરવા માંડ્યા છે એવું જાણીને રામ પોતે ગહન ચિંતનમાં પડે છે કે, 'આ તો ગજબ કહેવાય! આમ કંઈ મારે નામે તે વળી પથ્થર તરતા હશે?' આ ચમત્કારનું પારખુ કરવા લંકા પહોંચ્યા પછી એક સાંજે રામ સમુદ્ર કિનારે પહોંચે છે અને એક નાનકડી કાંકરી હાથમાં લઈને એના પર 'રામ' લખી એ કાંકરી સમુદ્રમાં ફેંકે છે. કાંકરી પળનોય વિલંબ કર્યા વિના ડૂબી જાય છે અને સમુદ્રને તળિયે જઈને બેસે છે.

કાંકરીને ડૂબી ગયેલી જોઈને રામ તો શરમથી પાણી પાણી થઈ જાય છે અને સાથે જ એમને એ ચિંતા કોરી ખાય છે કે, 'જો આ કાંકરી મારા નામે તરી નથી શકતી હોય તો સેતુના અસંખ્ય પથ્થરો તો શેના મારે નામે તર્યા હોય? રામસેતુના પથ્થરો તરવાનું કારણ જરૂર કંઈ બીજુ છે. રામને નામે તો એ પથ્થરા નહીં જ તર્યા હોય!'

એક વૃક્ષની ઉપર બેઠેલા હનુમાન ચોરીછૂપીથી રામનો એ આખો ખેલ જોઈ રહ્યા હતા અને મનમાં ને મનમાં દુભાઈ રહ્યા હતા કે, રામ શું કામ આ ખોટો અખતરો કરી રહ્યા છે? આવા તે પારખા કરતા હશે? રામને ભોંઠા પડલા જોઈને હનુમાન એમની પાસે જાય છે અને રામને કહે છે, 'પ્રભુ માફ કરજો, પણ તમે એક ભારે ભૂલ કરી છે. હાથમાંની કાંકરી ફેંકતા તમારો જીવ કેમ ચાલ્યો?' 

હનુમાનજી આગળ કહે છે કે, 'પ્રભુ,  રામ નામનો તો સૌનો આધાર હોય.  જેના માથે તમારો હાથ હોય એનો ઉદ્ધાર થાય. પણ નાથ, તમે જેને તરછોડો એને આ ત્રણ લોકમાં કોણ તારે? તમે તો આ કાંકરીનો ઘા કર્યો છે. એ કાંકરી ડૂબી નહીં જાય તો બીજું શું થાય?

*******

લંકામાં રામ અને રાવણની સેનાનું ભીષણ યુદ્ધ શરૂ થાય છે અને રાવણના ધુરંધર પુત્ર મેઘનાદ હણાય છે. ભલભલી વિકટ પરિસ્થિતિઓમાં ઝઝૂમેલો રાવણ મેઘનાદના અવસાનથી અત્યંત દુઃખી થઈ જાય છે અને આ સાથે જ એના મોતનો બદલો લેવાનું નક્કી કરે છે. પરંતુ આ પહેલા હણાયેલા મેઘનાદના અંતિમ સંસ્કાર કરવું અત્યંત જરૂરી હતું અને અંતિમ સંસ્કારની વિધિ માટે લંકાની રણભૂમિમાં છેડાયેલા યુદ્ધને વિરામ આપવું અત્યંત જરૂરી હતું.  

આ માટે રાવણ રામને એક પત્ર લખે છે અને જણાવે છે કે, 'મારે શરણાગતિ નથી સ્વીકારવી, પણ એટલી અરજ જરૂર કરું છું કે, મારા દીકરા મેઘનાદના અંતિમ સંસ્કાર થઈ જાય ત્યાં સુધી યુદ્ધ વિરામ રાખો અને મને મારા દીકરાની અંતિમ ક્રિયાઓ કરવાનો પુરતો સમય આપો.'

રાવણનો પત્ર વાંચીને રામ પણ દડદડ આંસુએ રડે છે અને મારતે ઘોડે દૂત મોકલીને રાવણને સમાચાર પહોંચાડે છે કે, 'મેઘનાદની સ્મશાનયાત્રામાં શામેલ થવા હું પણ આવું છું.' આમ, લંકામાં વિજય મેળવે એ પહેલા રામ પહેલી વખત લંકામાં પગ મૂકે છે મેઘનાદના અંતિમ સંસ્કારમાં ભાગ લે છે.

આખરે સુવર્ણ મહેલમાંથી મેઘનાદને સ્મશાનમાં લઈ આવવામાં આવે છે અને ચિતા પર સૂવડાવીને એને અગ્નિદાહ આપવાની તૈયારીઓ કરવામાં આવે છે. અગ્નિદાહ અપાય એ પહેલા રાવણના સ્વજનો મેઘનાદને અંજલિ આપવા આવે છે અને રામ પણ સ્વજન તરીકે મેઘનાદને અંજલિ આપે છે. સાક્ષાત રામ અંજલિ આપવા આવ્યા હોય તો એ અંજલિ કોણ નહીં સ્વીકારે? કહેવાય છે કે, રામ જ્યારે અંજલિ આપે છે ત્યારે મેઘનાદના મડદામાં ચેતનતા આવે છે અને મેઘનાદ હાથ લાંબો કરીને રામની અંજલિ સ્વીકારે છે!

રામ બાદ મેઘનાદના કાકા વિભિષણ એને અંજલિ આપવા આવે છે. વિભિષણે અંજલિ આપવાનું શરૂ કર્યું એટલે મેઘનાદનો બહાર નીકળેલો હાથ ચિતામાં સંકોરાઇ જાય છે. કારણ કે, વિભિષણ ભલે રામનો ભક્ત હોય અને એને રામનો સાથ મળ્યો હોય. પરંતુ તે સાથે એ વાત પણ એટલી જ સાચી કે, વિભિષણ કૂળદ્રોહી હતો અને એણે માજણ્યા ભાઈને સાથ આપવાની જગ્યાએ દુશ્મનની છાવણીમાં આધાર લીધો હતો!

********

દુલા ભાયા કાગના રામાયણમાં આ ઉપરાંત પણ આવા અનેક કિસ્સા છે, જે સાંભળીએ કે એ વિશે જાણીએ તો આપણને બે ઘડી આનંદ થાય. આ રામાયણમાં રાવણની વાતો થતી હોય ત્યારે એક તબક્કે તો એમ લાગે કે, કવિ ક્યાંક અતિરેક કરીને રાવણને સારો ચીતરવાનો પ્રયત્ન તો નથી કરતા ને? જોકે પછી આપણને ખ્યાલ આવશે કે, રાવણ ભલે અહમી જરૂર હતો, પણ એ જ્ઞાની તો હતો જ. વળી, એ કંઈક અંશે સિદ્ધાંતવાદી પણ હતો! તો જ એણે સીતાનું હરણ કરવા છતાં સીતાના શીલને આંચ નહોતી આવવા દીધી, એ કંઈ નાનીસૂની વાત નથી! 

 

ફીલ ઈટઃ

લંકામાં રામ અને રાવણનું યુદ્ધ શરૂ થાય એ પહેલા રાવણ મહાબલી કુંભકર્ણને ઉંઘમાંથી ઉઠાડવા જાય છે. લાખ પ્રયત્નો કર્યા પછી જેમતેમ કરીને કુંભકર્ણ ઊઠે છે અને રાવણ એને સીતા હરણની આખી ઘટના જણાવે છે. ભાઈની વાત સાંભળીને કુંભકર્ણ એને કહે છે, 'ભાઈ, તે બીજા કોઈનું નહીં અને ખૂદ જાનકી માતાનું હરણ કર્યું? આ યુદ્ધનું પરિણામ શું આવશે એની મને પણ ખબર છે અને તું પણ એ જાણે છે. પરંતુ તું મારો મા જણ્યો ભાઈ છે એટલે હું મારા અંતિમ શ્વાસ સુધી તારી સાથે રહીશ. પણ હે રાવણ તું મારા એક સવાલનો જવાબ આપીશ?

તેં આખી જિંદગી ખૂબ તપ કર્યા અને ખૂબ ધન અને શક્તિ મેળવી. બીજી તરફ મેં મારી અડધી જિંદગી ઉંઘવામાં વીતાવી અને અડધી જિંદગી ખાવામાં પૂરી કરી. હવે જ્યારે આપણા બંનેનો વધ એક જ રણમાં થવાનો છે અને આપણો અંત નજીક છે ત્યારે મને એક જ પ્રશ્ન થાય છે કે, તેં જાગીને મેળવ્યું શું અને મેં ઉંઘીને ગુમાવ્યું શું?'

... અને રાવણ નિરુત્તર હતો.

પ્રિય વાચકો,

હાલ પૂરતું મેગેઝીન સેક્શનમાં નવી એન્ટ્રી કરવાનું બંધ છે, દરેક વાચકોને જૂનાં લેખો વાચવા મળે તેથી આ સેક્શન એક્ટિવ રાખવામાં આવ્યું છે.

આભાર

દેશ અને દુનિયાના સમાચારથી માહિતગાર થવા તેમજ દરેક અપડેટ સમયસર મેળવવા ડાઉનલોડ કરો Khabarchhe.com એપ અને ફોલો કરો Khabarchhe.com ને સોશિયલ મીડિયા પર.