તૂ કોઈ ઔર હૈ...
ફિલ્મી ગીતોમાં ઉંડાણ નથી હોતું અથવા આ બધા ગીતો પ્રભાવક નથી હોતા એવું કહેનારાઓએ કદાચ ગુલઝાર કે ઈર્શાદ કામિલ જેવા ગીતકારોના ગીત નહીં વાંચ્યાં, સાંભળ્યાં હોય. તો જ તેઓ ફિલ્મી ગીતોમાં ઉંડાણ નથી એવું ધરાર કહી દે છે. એમની વાત સાચી કે, આ ક્ષેત્રમાં ઉતાવળે માત્ર મનોરંજન ખાતર, ક્યારેક પહેલાથી તૈયાર થઈ ગયેલી ટ્યુનમાં પઝલની જેમ ગોઠવણ કરીને કે ક્યારેક માત્ર વેચાણ અને બજારને કેન્દ્રમાં રાખીને લિરિક્સ લખાય છે. પણ સત્ત્વની બાબતે છેક કંગાળિયત પણ નથી. ગુલઝાર, કામિલ ઉપરાંત પણ અન્ય કેટલાક ગીતકારો છે, જેમણે લખેલા ગીતો ડાઉનલોડ કરીને મોબાઈલમાં ફીડ કરવાનું મન થાય છે અને રૂહને શકુન આપતા એ ગીતોને વારંવાર સાંભળવાનું મન થાય છે. એ મજાના ગીતો, એનું સંગીત આપણને આનંદ આપે છે. અદમ્ય આનંદ! પરંતુ ગયા શુક્રવારે એક ગીત સાંભળ્યા પછી બેચેની થઈ આવી. ઉત્પાત મચી ગયેલો છે અંતરમાં અને જાતજાતની ફિલસૂફી સૂઝી રહી છે. શુક્રવાર પછી શનિ-રવિ અને સોમમાં આ ગીત કેટલી વખત સાંભળ્યું છે એનો કોઈ હિસાબ નથી. આમેય હિસાબ રાખવાની આપણને આદત નથી. એ શું ગણતરીઓ કરી કરીને જીવતા રહેવાનું? ગણતરીઓ કરવા જઈએ તો જીવાય નહીં. એમાં તો ઘુટન હોય ઘુટન.
જે ગીત સાંભળ્યાં પછી જાતજાતના વિચારોના વાયરા ફૂંફાયેલા એ ગીત એટલે મારા, તમારા ઓલ ટાઈમ ફેવરિટ ઈમ્તિયાઝ અલીની ગયા શુક્રવારે રિલીઝ થયેલી 'તમાશા' ફિલ્મનું 'તુ કોઈ ઓર હૈ...' ગીત. ઈર્શાદ કામિલે એ લખ્યું છે અને રહેમાન સા'બે એ કમ્પોઝ કર્યું છે, ગાયુ છે એ વાતનો ઉલ્લેખ અહીં કરવાની ઝાઝી જરૂર ન હતી. 'તમાશા' ફિલ્મ વિશે બેમત છે. જોકે ફિલ્મને પસંદ નહીં કરનારો વર્ગ બહુમતીમાં છે. જેમને આ ફિલ્મ ગમી છે, કે આ ફિલ્મ જોયા પછી જેઓ ટ્રાન્સમાં ચાયલા ગયેલા છે એમને બહુમતી વર્ગ સાઈકિયાટ્રીસ્ટની સલાહ લેવાનું જણાવી રહ્યો છે. આપણને તો પણ આ ફિલ્મ ગમી. ખૂબ ગમી. જોકે હજુ મેં કોઈ સાઈકિયાટ્રીસ્ટની અપૉઈન્ટમેન્ટ નથી લીધી. બે વખત ફિલ્મ જોયા બાદ ફેસબુક પર આ ફિલ્મ વિશેની મારી ફીલિંગ્સ (રિપિટ, 'ફીલિંગ્સ' કારણ કે રિવ્યુપ્રથામાં મને ઝાઝો વિશ્વાસ કે રસ નથી) પેશ કરી ત્યારેય મિશ્રપ્રતિભાવો સાંપડ્યાં. રિઝર્વ બેન્કમાં મેનેજર પદે જવાબદારી નિભાવતા એફબી ફ્રેન્ડ માધવ જોષીએ એ સ્ટેટ્સમાં એક મજાની કમેન્ટ કરી જેનો હાર્દ એટલો જ કે, બહુમતી વર્ગ ફિલ્મને વખોડી નાંખે એનો મતલબ એ નથી કે, ફિલ્મ બોગસ છે. માધવે અતિમહત્ત્વની વાત પછી કરી કે, 'આજના સમયમાં ક્વોલિટી પર ક્વોન્ટિટીની જીત થાય એ આપણું ડેમોક્રેટીક સત્ય છે.' વાતમાં દમ છે. 'તમાશા'ની બાબતમાં જ નહીં દેશ-દુનિયાને લગતા અન્ય મુદ્દા, અન્ય વિવાદો અથવા કોઈ કળા સર્જનોના સંદર્ભમાં પણ આ વાત સાચી સાબિત થાય છે.
ફિલ્મની વાત આટલી જ. આપણે તો ઈર્શાદ કામિલે સર્જેલા અને રહેમાન સા'બે બહેલાવેલા પેલા 'તુ કોઈ ઔર હૈ...' ગીતની વાત કરવાની છે. અત્યાર સુધીમાં તમે એ ગીત સાંભળ્યું જ હશે, નહીં સાંભળ્યું હોય તો નીચે 'ફીલ ઈટ'માં ગીતના લિરિક્સ અને લિંક બંને મૂકેલા છે. ત્યાં જાઓ અને એને ફીલ કરો, હિન્દી-ઉર્દૂમાં જ છે ગીત. ગ્રીક-લેટિનમાં નથી. નહીં સમજાય તો ફરી બે વખત પ્લે કરીને એને ફીલ કરો. ખરેખર મજા આવશે. પછી ફરી પાછા અહીં નહીં આવો તોય કોઈ દબાણ નથી. એન્જોય. આવજો.
... આવી ગયા? આગળ વધીએ? ગીતના પહેલા થોડા શબ્દો જ ઉંઘમાં આપણા પર કોઈ ડોલ ભરીને પાણી રેડી દે ત્યારે આપણે જેમ ઝાટકાભેર ઊઠી પડીએ એવા ધારદાર છે. ભાવાનુવાદ કંઈક આમ છે. 'તું જે છે એ તું ખરેખર નથી. તું કોઈક બીજો જ છે. દુનિયાની સામે તે એક નકાબ પહેરેલો છે. તું અલગ છે, કંઈક નોખો છે. તું એ કેમ નથી? જે તું છે...'
વાત વિચારતા કરી મૂકે એવી છે. વાતમાં તથ્ય તો છે જ. બીજાઓને કેવું લાગશે? લોકો શું કહેશે? કે સોસાયટીમાં આ નહીં શોભે, એની પળોજણમાં આપણે એ નથી રહેતા, જે આપણે હોઈએ છીએ. ઘારી પરના ઘીની જેમ એક ચીકણું, નહીં ગમે એવું પળ ચઢી જાય છે આપણા પર. એક નકાબ પહેરી લઈએ છીએ આપણે. અધૂરામાં પૂરું એ નકાબ પર પ્લાસ્ટિકનું માપસરનું સ્મિત મૂકી દઈએ છીએ. અરે, કુદરતી રીતે ખડખડાટ હસું આવી જાય તો આપણે હસી પણ નથી શકતા. મૉલની બહાર બેસીને કોઈ બાળકની સાથે બાળક બનીને, એની જેમ ચાટીને આઈસક્રિમ ખાવાનું મન થાય તો આપણે અનસિવિલાઈસ્ડ થઈ જઈએ છીએ. ગોવા તો ઠીક છે પરંતુ તીથલ, દિવ કે દમણના દરિયે મિનિ સ્કર્ટ પહેરવું હોય તો એ નથી પહેરી શકાતું. કોઈને કેવું લાગશેની ચિંતામાં આપણે આપણી લાગણીઓને દૂધ પીતી કરી દઈએ છીએ. ટૂંપો દઈ દઈએ છીએ, આપણે આપણી ઈચ્છાઓને. જેના કારણે આપણે, આપણે નથી રહી શકતા. બીજાઓને જે જોઈએ છે એવી વેલ પેકેજ્ડ પ્રોડક્ટ બની જઈએ છીએ આપણે. આ તો ઈચ્છાઓ કે લાગણીઓની વાત થઈ, પણ કરિયર અને સંબંધો જેવી બાબતોએ પણ આપણે એ જ હોઈએ છીએ, જે આપણે નથી હોતા.
ગીત આગળ વધે છે. 'કોઈના કારણે, કોઈને માટે, પોતાની જાતને ઓગાળી દઈ, એને દફનાવી દઈ, પોતાની સાથે તું આવો અન્યાય ન કર. તું છોડી દે એ બધી ગાંઠ, જે તારા પર પરાણે લાદી દેવાયેલી છે. ઉતારી દે એ બધા ચહેરા, જે તે ઓઢેલા છે. કહી દે, કે તું કંઈક અલગ છે.' બીજા અંતરામાં ફરી એક ઝટકો મળે છે. જાણે કોઈ અદૃશ્ય અવાજ ઢંઢોળી રહ્યો છે. ગામ આખું એન્જિનિયરીંગ, મેડિકલ કે મેનેજમેન્ટમાં જાય તો છો જતું. બધા એમાં જાય છે એટલે આપણે પણ જવાનું? ઘેંટાની પાછળ ઘેંટા બનીને ચાલવાનું? લાઈન તોડીને કૂદકો મારીને ત્યાંથી નીકળીને કોઈ ગમતી દિશામાં આળોટવાનું મન થાય તો? જો કોઈ પોતાની મરજીથી, પોતાના રસથી આકર્ષાઈને એન્જિનિયર બને તો વેલ એન્ડ ગુડ. પણ જો મેઈન સ્ટ્રીમમાં નહીં ભણશે તો કાલ ઊઠીને કોઈ છોકરી નહીં આપે કે બીજા કોઈ ક્ષેત્રોમાં આર્થિક અનિશ્ચિતતાઓ હોય એના ડરે અથવા બધા કરે છે એટલે આપણે પણ કરવાનું એ સિદ્ધાંતે ધક્કો મારીને કોઈ નિર્દોષને ધકેલી દેવાય તો એને ઘેંટાશાહી નહીં કહેવાય? ફરી પેલી જ વાત. બધા આવું નથી કરતા એટલે આપણે પણ આવું નહીં કરવાનું. હમણા તો ફલાણા ભણતરનો, ફલાણી ફિલ્ડનો ટ્રેન્ડ છે, એટલે મન ન હોવા છતાં માળવે જવાનું. ભલા, ટ્રેન્ડનો કપડાંમાં હોય, મોબાઈલમાં હોય. કરિયર કે લાઈફમાં થોડો હોય? અને હોય તો એને કંઈ ફૉલો થોડો કરવાનો હોય?
'ડર્યા વિના સામે આવ. ગર્વભેર ઊભો રહે બધાની સામે, લોકોની આંખોમાં આંખ પરોવ અને કહી દે જે તારા દિલમાં છે.' બળવો પોકારવાની વાત છે આ શબ્દોમાં. પણ બળવો કોની સામે પોકારવાનો? ઘણી વખત એવું પણ બનતું હોય છે કે, આપણને બીજી કોઈ વ્યક્તિ કોઈ પણ પ્રકારની ફરજ નથી પાડતી. કોઈ દબાણ નથી હોતું આપણા પર. અત્યંત કૉઓપરેટિવ લાઈફ પાર્ટનર કે પેરેન્ટ્સ હોય છે, જેઓ આપણી ઈચ્છાઓથી, આપણા શોખથી માહિતગાર હોય છે. આપણે આપણું ગમતું કરીએ એ માટે તેઓ આપણને સતત પ્રોત્સાહિત કરે છે. પરંતુ એમના લાખ સમજાવ્યા પછી પણ આપણે આપણી ઈચ્છા મુજબનું નથી કરી શકતા. કેમ? કારણ કે આપણી અંદર પેલો ફીઅર ઑફ અધર રહી રહીને ઉછાળા મારતો હોય છે. કોઈના કારણે આપણે સેક્સી વેસ્ટર્ન આઉટફિટ્સ નથી પહેરી શકતા, ખભે એક ટેટુ પડાવવાનું મન થયું હોય તો એ નથી કરી શકતા. અરે આંખે નંબર ન હોય અને તોય આપણને ચશ્મા પહેરવાનું મન થાય તો એય નથી પહેરી શકતા.
કેમ? કારણ કે પેલા ચોતરે બેસેલા ચાર લોકો આપણને તાકી તાકીને જોવાના છે, ઉપરથી નીચે સુધી આપણું નિરીક્ષણ કરવાના છે અને આપણે ત્યાંથી પસાર થઈ ગયા પછી આપણી પાછળ, કે આપણી સામે છીછરી કમેન્ટ્સ કરવાના છે, હસવાના છે. પણ એમની ચિંતા કરવાની ખરેખર કોઈ જરૂર છે ખરી? એવાઓને તો અવગણવાના. ધરાર અવગણવાના. કારણ કે એમની હેસિયત જ ચોતરે બેસવા જેટલી છે. એમની શું તમા કરવાની? એટલે જ ઉપર કહ્યું એમ સતત ફફડતી રહેતી આપણી જાત સામે બળવો કરવાનો છે. બીજાઓ માટે આપણામાં રહેલા ભયને પરાસ્ત કરવાનો છે અને લાઈફમાં એ જ કરવું, જે આપણને કરવાની ઈચ્છા છે.
'તને વાંકાચૂકા રસ્તે ચાલવાનું ગમે છે, રાધર આદત છે એ તારી. તને જે સમજે છે, જે તારા છે એમને તું ભેટી પડ અને એમને સમજાવ કે, તું આ નથી. તારે જે કરવું હતું એ આ નથી. પણ હવે તારે વધુ ગૂંગળાવાનું નથી. મુક્ત થવાનું છે. દુનિયાની કોઈ સિમા તને નથી નડતી. તું તો આકાશમાં ઉડનારું વિહંગ છે. અરે તું તો એક વિચાર છે. તું બેમિસાલ છે. મારા વહાલા, તું તો દરિયાના મોજા જેવો છે, રોનક છે તું તો. જે તું ઈચ્છે છે, એ છે તું.' આ શબ્દો ગીતના છેલ્લા ફકરાનો આસ્વાદ-ભાવાનુવાદ છે.
આખા ગીતના એક એક શબ્દમાં વ્યક્તિ સ્વાતંત્રતાની હિમાયત છે. સ્વની વાત છે આ ગીતમાં. બીજાએ આપણા પર લાદેલા, કે બીજાઓના ડરને કારણે આપણે જાતે જ આપણા પર ઠોકી બેસાડેલા ડરને કાગળની રદ્દીની જેમ ફાડીને ચકનાચૂર કરી દેવાની વાત છે આમાં. શબ્દે શબ્દે બળવાની વાત છે આ ગીતમાં. બળવો તો રૂક્ષ, ખરબચડો હોય. પરંતુ રહેમાન સા'બનું સંગીત એ બળવાને મુલાયમતા બક્ષે છે, શાલીનતા અર્પે છે.
આ ગીતે મને હચમચાવી મૂક્યો છે. આ મેં મારી આંખે જોયેલું દૃશ્ય છે, મારા અંતરથી અનુભવેલી વાત છે. બની શકે તમારી દૃષ્ટી અને દૃષ્ટિકોણ જુદા હોય. આમાંની કશી જ અનુભૂતિ નહીં થાય તમને. તોય વાંધો નહીં. કૉલમનું નામ જ 'ટેક ઈટ ઓર લીવ ઈટ' છે એટલે સદે તો ઠીક, નહીંતર નહીં સ્વીકારવાનું. તમારા માટે તમારા મતનું, તમારી અનુભૂતિનું જ મહત્ત્વ હોવું જોઈએ. આવજો.
ફીલ ઈટઃ
तू कोई और है
जानता है तू
सामने इस जहां के
इक नक़ाब है
तू और है, कोई और है
क्यों नहीं वो, जो है
तू जहां के वास्ते ख़ुद को भूल कर
अपने ही साथ ना ऐसे ज़ुल्म कर
खोल दे वो गिरह
जो लगाए तुझपे तू
बोल दे तू कोई और है
चेहरे जो ओढ़े तूने वो
तेरे कहाँ हैं
सामने आ, खोल दे सब
जो है दिल में बोल दे अब
सामने आ, खोल दे सब
जो है दिल में बोल दे अब
टेढ़े रास्ते, ख़्वाब हैं तेरे
तेरे साथ जो उम्र भर चले
ओ इन्हें गले लगा
तू कौन है बता
ओ खोल दे ये गिरह
तू कोई और है
तेरी ना हदें
आसमान है
ख्याल है
बेमिसाल है
तू मौज है
तू रौनक़ें
चाहे जो तू, वो है
(આ લેખ ફરી પ્રકટ કરવામાં આવ્યો છે.)
પ્રિય વાચકો,
હાલ પૂરતું મેગેઝીન સેક્શનમાં નવી એન્ટ્રી કરવાનું બંધ છે, દરેક વાચકોને જૂનાં લેખો વાચવા મળે તેથી આ સેક્શન એક્ટિવ રાખવામાં આવ્યું છે.
આભાર