હવે શું? એક યક્ષપ્રશ્ન

17 Sep, 2016
12:00 AM

મમતા અશોક

PC: intoday.in

ગઈકાલે સવારથી ગુજરાતભરના કેટલાક યુવાનોને માત્ર એક જ પ્રશ્ન સતાવી રહ્યો છે અને એ પ્રશ્ન એટલેઃહવે શું?’ કારણ કે પરમ દિવસે ગણેશજીના વિસર્જનની સાથે ગલી મહોલ્લાના નાકે ઊભા રહીને સમય પસાર કરતા અનેક નફકરાંઓની વ્યસ્તતાનું પણ વિસર્જન થઈ ગયું અને હવે બાપડા ફરી તેઓ પહેલાના જેવા નવરાં થઈ ગયાં. અહીં જે વાત કરી એ વાત નહીં સમજાય હોય તો ચિંતા નહીં કરો. પેલા નફકરાંઓની જેમ આપણે ય તે કાંઈ કામધંધા નથી એટલે નિરાંતે માંડીને વાત કરીએ એટલે તમને ખ્યાલ આવશે કે, આ બાઈ કહેવા શું માગે છે?

જુઓ ભાઈ, દરેક શહેરના દરેક મહોલ્લા અને એ મહોલ્લાઓની ગલીમાં બે-ત્રણ યુવાનો કે આધેડો એવા હોય જ છે, જેમને એક યા અન્ય કારણસર કોઈ કામધંધા નથી હોતા. બીજી ભાષામાં કહીએ તો ગલીએ ગલીએ કેટલાક નવરાં પડેલા હોય છે. દેશને તો શું ઘરમાં પોતાના મા-બાપનેય કામમાં નહીં આવતા યુવાનો કે કુંવારા (સોરી વાંઢા) રહી ગયેલા આધેડો માટે રાતનો સમય પસાર કરવો અત્યંત સહેલો હોય છે કારણ કે, રાતના સમયે ટેલિવિઝન પર કંઈક સારા પ્રોગ્રામ્સ પણ આવતા હોય અને ટીવી જોવાનું નહીં ગમતું હોય તો શહેરભરમાં રખડપટ્ટી કરવા અથવા નોકરીએથી પરવારીને આવેલા ગલીના અન્ય યુવાનો-પુરુષો સાથે ગપ્પાં લડાવવાની સોનેરી તક મળી જતી હોય છે એટલે એમનો સાંજ પછીનો સમય તો આસાનીથી પસાર થઈ જતો હોય છે. પરંતુ મોકાણ જ દિવસના સમયે થતી હોય, જ્યાં ઘરે આખો દિવસ ટેલિવિઝનની સામે ચોંટી રહેવાનું એમને પસંદ નહીં હોય અને બહાર ભટકવા નીકળે તો એમને કંપની નથી મળતી એટલે આખો દિવસ પસાર કરવા માટે એમણે જાતજાતના ત્રાગા કરવા પડતા હોય છે, જ્યાં થોડો સમય ઘરે ટીવી જોઈને કે મા સાથે શાક બાબતે કચકચ કરીને અને થોડો સમય બહાર ગલ્લે કે કોઈક દુકાનના ઓટલે બેસીને માંડમાંડ દિવસ પસાર કરતા હોય છે.

આવા યુવાનોને સૌથી વધુ મજા ત્યારે આવે, જ્યારે ગલીમાં કોક અચાનક માંદુ પડે અને એને હોસ્પિટલ ભેગું કરવાનું હોય અથવા કોઈકના ઘરે શોર્ટશર્કિટ થઈ હોય કે કોઈનો વિજળીનો બલ્બ બદલવાનો હોય કે કોઈકના ઘર માટે કોઈ ભારે વસ્તુની ખરીદી કરવા દૂર ક્યાંક જવાનું હોય અથવા તો કોઈકને ઘરે લગ્ન-પ્રસંગ કે પૂજા-કથા હોય! આવા ટાણે તેઓ સ્વૈચ્છિક રીતે કેટલીક જવાબદારીઓ સ્વીકારી લેતા હોય છે અને અત્યંત કુશળતાથી મહેનત માગી લે એવા કામો પતાવી દેતા હોય છે. અલબત્ત, એમાંના કોઈકની પાછી દાનત સારી ન હોય તો આવા કામોમાં પાંચ-પચાસ રૂપિયા આમતેમ થવાની સંભાવનાઓ પણ વધી જતી હોય છે. પરંતુ પેલા મહત્ત્વના કામોની સામે પાંચ-પચાસ રૂપિયા પાણી ભરતા હોય છે એટલે ઘણા લોકો એવી નાનીમોટી હેરાફેરીને ગણકારતા નથી અને લેટ-ગો કરીને પેલા યુવાનો પર ભરોસો મૂકતા હોય છે.

જોકે આવી ઘટનાઓ વર્ષમાં કેટલી વાર બનતી હોય? રોજ કંઈ થોડું કોઈ માંદુ પડે કે કોઈને ત્યાં પૂજા-કથા હોય? આ તો ખગ્રાસ ચંદ્રગ્રહણની જેમ જવલ્લે જ બનતી ઘટનાઓ હોય એટલે પેલા નફકરાંઓની આંખ સામે સમય પસાર કરવાનો યક્ષપ્રશ્ન હંમેશાં ઊભો જ હોય!

પરંતુ ગણેશ મહોત્સવ એકમાત્ર એવો મહોત્સવ હોય છે, જેમાં એમને વીસેક દિવસ સળંગ કામ મળી રહેતું હોય છે અને આ કારણે જ તેઓ ભાદરવી પુનમથી ગણેશ ચતુર્થીની કાગડોળે રાહ જોતા હોય છે. કારણ કે, આ દિવસોમાં એમની વ્યસ્તતાનો ગ્રાફ એટલો બધો ઊંચો જતો હોય છે કે, ગણેશ મહોત્સવના દિવસોમાં એમને મળવું હોય તો રીતસર એમની અપોઈન્મેન્ટ લેવી પડે અને ખૂદ એમના ઘરના લોકો પણ એમને એ દિવસોમાં નહીં મળી શકે!

ગણેશ ચતુર્થી આવવાની હોય એના દસ દિવસ પહેલાથી તેઓ મ્યુઝિક અને ડીજે કે વાજા વાળાને બુક કરાવવાથી લઈને, મૂર્તિઓની પસંદગી, મૂર્તિઓ લાવવા-લઈ જવાની વ્યવસ્થા, ડેકોરેશન માટેનો સામાન- ગુલાલવિસર્જનના દિવસ માટેની ટિશર્ટ્સ જેવી વસ્તુઓની ખરીદી, મંડપની વ્યવસ્થા, પ્રસાદ, ફૂલ-હાર અને આ ઉપરાંત અનેક નાનાંમોટા એવા કામોમાં વ્યસ્ત થઈ જતાં હોય છે. તો ગણેશજીની સ્થાપના થઈ જાય પછી વિસર્જન થાય ત્યાં સુધી મંડપ- મૂર્તિની સાફ-સફાઈ અને ઉજાગરા જેવા કામોની જવાબદારીઓ પણ એમન શિરે હોય છે. વળી, આ બધા કામ અગત્યના કામોની યાદીમાં પણ આવે એટલે ગણેશ મહોત્સવના દિવસો દરમિયાન આ પ્રજાને ભલે કોડીની કમાણી નહીં હોય પણ એમને ઘડીનીય ફુરસદ નથી હોતી.

આ દિવસો દરમિયાન એમને કોઈ વાતે ટોકી કે છંછેડી શકાય નહીં. અથવા એમના ઘરના સભ્યોથી કોઈ નાનકડું કામ પણ સોંપી શકાય નહીં. નહીંતર એમનો સામે એક જ જવાબ હોવાનો કે, ‘ભાઈ, તમને ખબર નથી પડતી ગણપતિના બધા કામ મારે જ આટોપવાના છે? એ બધામાંથી હું ઉંચો આવું તો તમારા કામ કરું ને? તમને પણ આવા ટાઈમે જ કામ સૂઝે…’

વળી, અન્ય લોકોને દિવસના સમયે કામકાજ હોય એટલે ગણેશ મહોત્સવના દિવસોમાં આવા લોકોની માગ અને કિંમત પણ વધી જતી હોય છે. આખરે આ બધા કામોમાં મહેનત અને સમય બંનેની જરૂર હોય છે એ માટે આ નવરાંઓથી ઉત્તમ બાબત અન્ય કોઈ હોતી નથી! એટલે સોસાયટી કે ગલીના અન્ય લોકો અમસ્તાય પેલા નફકરાંઓના કામને વખાણતા રહેતા હોય છે, જેથી એમની સ્પીરિટ જળવાયેલી રહે અને ગણપતિ મહોત્સવનું કામ સમુંસૂથરું પાર પડે.

 

જોકે ગણપતિ મહોત્સવ પણ ગણીને દસ જ દિવસ ચાલતો હોય છે અને દસમે દિવસે ગણેશજીનું વિસર્જન કરવું જ પડતું હોય છે. અને ગણેશજીના વિસર્જનની સાથોસાથ એ પેલા નફકરાંઓની વ્યસ્તતાનું પણ વિસર્જન થઈ જતું હોય છે, જેને પગલે આનંદ ચૌદસના બીજા દિવસની સવારથી એમને એક જ પ્રશ્ન મૂંઝવતો હોય છે કેઃ હવે શું? જેની સાથે જ તેઓ બીજા વર્ષના ગણપતિની રાહ જોવા માંડતા હોય છે

પ્રિય વાચકો,

હાલ પૂરતું મેગેઝીન સેક્શનમાં નવી એન્ટ્રી કરવાનું બંધ છે, દરેક વાચકોને જૂનાં લેખો વાચવા મળે તેથી આ સેક્શન એક્ટિવ રાખવામાં આવ્યું છે.

આભાર

દેશ અને દુનિયાના સમાચારથી માહિતગાર થવા તેમજ દરેક અપડેટ સમયસર મેળવવા ડાઉનલોડ કરો Khabarchhe.com એપ અને ફોલો કરો Khabarchhe.com ને સોશિયલ મીડિયા પર.