એક મદિરા પ્રેમીની વ્યથા

03 Sep, 2016
12:00 AM

મમતા અશોક

PC: detoxmenow.org

અમારા એક મિત્ર મદિરાના ખૂબ શોખીન. ગુજરાતમાં રહેવા છતાં પણ! અને મજાની વાત એ છે કે, મદિરાના તમામ પ્રકાર એમને ખૂબ પ્રિય છે. બીજાઓની એમ એમને અમને તો વ્હિસ્કી જ જોઈએ…. કે વાઈન સિવાય અમે બીજું અડકયેય નહીં… જેવી એમને કોઈ વરણાગી નહીં. એમને જે મળે એ ચલાવી લે અને એમાં ભરપૂર આનંદ મેળવી લે. સામાન્ય રીતે તો એ મિત્ર દમણ અથવા મુંબઈ જઈને પીતા હોય છે, પરંતુ ક્યારેક ગુજરાતમાં પણ એમને પીવાનું મન થઈ જાય છે. અમે એમને સમજાવીએ કે, આપણે ત્યાં દારૂબંદી છે, તો આ રીતે પીવું અયોગ્ય છે. સારા નાગરિકને આવું નહીં શોભે. પરંતુ એમની દર વખતે એક જ દલિલ હોય છે કે, માત્ર કાગળ પર નિયમો લખી દેવાથી એનું પાલન થતું નથી. જો સરકાર અને પોલીસતંત્ર જ દારૂબંદી પ્રત્યે પ્રતિબદ્ધ નથી અને ગુજરાતમાં ઠેરઠેર દારૂના અડ્ડા બેરોકટોક ચાલે છે ત્યારે પ્રજા તરીકે આપણે જ શું કામ વેઠવાનું? જોકે અમે એ મિત્ર સાથે ઝાઝી દલીલમાં ઉતરવાનું ટાળીએ છીએ, કારણ કે, નહીં તેવી વાતોએ લાંબી દલીલો કરવી એમની હૉબી છે અને એ હોબી હેઠળ તેઓ સામેવાળા પાસે પણ એવી અપેક્ષા રાખે કે, આપણે એમની સાથે દલીલ કરીએ અને એ માટે તેઓ આપણને પૂરતા પ્રમાણમાં ઉશ્કેરે છે, જેથી આપણે ઉશ્કેરાઈને એમની સામે દલીલ કરીએ, પરંતુ અમને એમની આ કળાની ખબર છે એટલે અમે ઉશ્કેરાતા નથી! વાક્ય પૂરું!

હા, તો આપણે ક્યાં હતા? પેલા મદિરા ચાહક મિત્ર પર. એ મિત્રએ અમને એક જોરદાર વાત કરેલી, જે સાંભળીને અમે વિચારે ચઢી ગયેલા અને એમની વાત સાંભળીને અમે ખૂબ ચિંતન પણ કરેલું! એ મિત્રને એકવાર ગુજરાતમાં દારૂ પીવાની ઈચ્છા થઈ ગઈ એટલે ભાઈસાહેબ તો પહોંચ્યા સીધા દારૂના અડ્ડે અને ત્યાં બેસીને જ મદિરાને માણવા માંડ્યા.

હજુ તો ભાઈએ થોડી મદિરા માણી હશે ત્યાં કોણ જાણે શું થયું, પણ અચાનક ભાગદોડ મચી ગઈ અને બધા મદિરાપ્રેમીઓ આમથી તેમ દોડાદોડ કરવા માંડ્યા. ભાઈએ આપેલા અહેવાલ મુજબ કેટલાક હાથમાંની બોટલ મોઢે માંડી, પીતા પીતા ભાગતા હતા તો કેટલાકને પીતા પીતા ભાગતા ફાવતું નહીં હોય એટલે હાથમાં લઈને કે એમના થેલામાં બોટલ નાંખીને ભાગતા હતા. પણ ભાગનારામાંનો કોઈ માઈનો લાલ એવો નહોતો, જેણે બોટલ પીવા વિનાની અધૂરી છોડી હોય!

ભાગદોડ જોઈને કશુક અનર્થ થઈ ગયું છે એમ માની પેલા મિત્ર પણ હરણની ચાલે ત્યાંથી સરકી ગયા અને જીવ બચાવી પેલા અડ્ડાથી દૂર થઈ ગયા. પરંતુ એમણે બીજા દિવસે અખબારમાં વાંચ્યું ત્યારે એમને ખબર પડી કે, આગલી સાંજે તેઓ જે અડ્ડે મદિરા માણવા ગયેલા એ અડ્ડે પોલીસની રેડ પડેલી, જેમાં કેટલાક મદિરા પ્રેમીને પકડીને એમની ધોલધપાટ કરાઈ હોવાના પણ સમાચાર વાંચવા મળ્યાં! મદિરા પ્રેમીઓની ધોલધપાટના સમાચાર વાંચીને પેલા ભાઈનું હ્રદય અત્યંત ગદગદ થઈ ગયું અને એમના દિલમાં કરૂણા ઊભરાઈ.

આ ઘટના બાદ એમણે સીધો અમને ફોન કર્યો અને એમની હૈયાવરાળ ઠાલવતા કહ્યુઃ ‘યાર બધાને મારો તો ચાલશે, પણ દારૂના પીઠે ગયેલા સામન્ય માણસને નહીં પીટવાનો.’

કેમ?’ અમે પૂછ્યું.

કેમ શું? દારૂના પીઠે માણસ શોખથી જતો હોય છે? જો પીવાનો શોખ જ થાય તો એ દિવ-દમણ કે ગોવા જાય. સાંજ પડ્યે થાક્યોપાક્યો દારૂના પીઠે થોડો જાય?’

હમમમમમ….’ અમે અમસ્તાં જ આવો અવાજ કર્યો, જેથી એમને થોડો આરામ મળે. અમને ખબર હતી કે, આજે તેઓ લાંબું ચલાવવાના છે. તો અમને થયું એમને વચ્ચે આરામ પણ આપતા રહીએ!

યાર, તમને ખ્યાલ છે. આપણા દેશનો સામાન્ય માણસ, એમાંય પુરુષ કેટલો દુઃખી છે? એક તો એના માથે પરિવારનું ગુજરાન ચલાવવાનો ભાર, એમાં પાછી તનતોડ મહેનત કરવાની, જેની સામે વળતર સાવ નજીવું હોય. એક તરફ મહિનાના રાશનનો જેમતેમ મેળ પાડ્યો હોય ત્યાં આ બીલ- તે બીલ અને ફલાણી ફી જેવી દુનિયાભરની બાબતો રાહ જોઈને ઊભી હોય. આ બધી માથાકૂટમાં ઘરે પત્ની અને સંતાનો પાછા કકળાટીયા હોય અને ઓફિસમાં બોસ અથવા ઉપરી કર્મચારી તો એનું લોહી પીતો જ હોય!

બાપડો, એ પુરુષ એની બધી હાડમારીઓ ભૂલી જઈને રાત્રે શાંતિથી ઉંઘી શકાય એની તૈયારીમાં પીવા ગયો હોય ત્યાં હપતો ન મળ્યો હોય એટલે પોલીસ પીઠા પર છાપેમારી કરે અને પેલા દુઃખી જીવને શાંતિથી પીવા નહીં દઈને એની ધોલધપાટ કરે…… આ તે કંઈ રીત છે યાર? સાવ દુઃખી માણસને પણ આ રીતે હેરાન કરવાના? ત્યાં કંઈ સારા ઘરના શોખીન લોકો આવતા હતા?’

હમમમ’ અમે એમને ફરી બ્રેક આપવાનું વિચાર્યું.

 

જોકે આ વખતે તેઓ એટલા બધા દુઃખી હતા કે, એમણે વધુ બોલવાનું જ ટાળ્યું અને ‘ચાલો તો પછી મળીશું…’ એમ કહીને ફોન કટ કર્યો. એમણે ફોન મૂક્યો પછી અમારા મનમાં પણ એ વિચાર આવ્યો કે, આ દેશનો સામાન્ય માણસ કેટલો દુઃખી છે અને પોતાના દુઃખને ભૂલવા માટે એણે કેવી કેવી બાબતોને શરણે જવું પડે છે! જોકે અમે પેલા ભાઈની દારૂના પીઠા કે દુઃખ ભૂલવા માટે દારૂની શરણની હિમાયત નથી કરતા, પરંતુ દેશના સામાન્ય માણસની હાડમારીથી દુઃખી જરૂર છીએ.  

પ્રિય વાચકો,

હાલ પૂરતું મેગેઝીન સેક્શનમાં નવી એન્ટ્રી કરવાનું બંધ છે, દરેક વાચકોને જૂનાં લેખો વાચવા મળે તેથી આ સેક્શન એક્ટિવ રાખવામાં આવ્યું છે.

આભાર

દેશ અને દુનિયાના સમાચારથી માહિતગાર થવા તેમજ દરેક અપડેટ સમયસર મેળવવા ડાઉનલોડ કરો Khabarchhe.com એપ અને ફોલો કરો Khabarchhe.com ને સોશિયલ મીડિયા પર.