કળાને ભલે સીમા ન હોય પણ...
ઉરી હુમલો થયો પછી સૌથી મોટી પસ્તાળ ભારતમાં કામ કરતા પાકિસ્તાની કલાકારો પર પડી. બાપડાઓ કોઈ પણ લેવાદેવા વિના ટ્વિટર-ફેસબુકના ટ્રેન્ડિંગ ટોપિક બની ગયા અને ફવાદ ખાન જેવાઓના તો અલાયદા હેઝટેગ થયા! મુંબઈમાં મનસેવાળાઓએ તો પાકિસ્તાની કળાકારોને ભગાવવા માટે રીતસરનું અભિયાન છેડી દીધું અને બગડેલી પરિસ્થિતીનો તાગ મેળવીને ફવાદ ખાન તો પહેલી ફ્લાઈટ પકડીને પાકિસ્તાન ભેગો પણ થઈ ગયો.
ઘણા લોકો એવું કહેતા હોય છે કે, કળાને કોઈ સીમા નથી હોતી એને કંઈ આવા રાજકીય બંધનોમાં બાંધી ન શકાય. કળાકારોએ શું બગાડ્યું છે? આ તો ખોટું કહેવાય! અને આવું તો કંઈ કેટલુંય ઉદારમતવાદીઓ કહેતા હોય. અમે ઉદારમત વાતના ટેકેદાર છીએ અને એવું માનીએ છીએ કે, અન્ય કોઇ પણ વાદ કરતા ઉદારમતવાદનું વર્ચસ્વ હોવું જોઈએ.
વળી, અમે પણ એમ માનીએ છીએ કે, કળા કે કળાકારને સીમાઓમાં ન બાંધવા જોઈએ, પણ આ સાથે એ વાત પણ સ્પષ્ટપણે માનીએ છીએ કે, કળા અને કળાકારોની સામાજિક જવાબદારી પણ હોય છે. કળાનો તો ઉપયોગ જ માધ્યમ તરીકે થાય છે કે, જે-તે સર્જકો કે કળાકારો એમના રિસ્પેક્ટિવ માધ્યમોમાં જે-તે સામાજિક-રાજકીય સમસ્યાઓનો પઘડો પાડે અને સમસ્યાઓનો ઉકેલ ભલે ન આણી શકે, પરંતુ સમસ્યાને સપાટી પર લઈ આવી એના પર પ્રકાશ જરૂર પાડી શકે. જો કળાકારનો આશય માત્ર પૈસા જ કમાવાનો હોય અને એની કોઈ સામાજિક નિસ્બત જ ન હોય તો એને કળાકાર શેનો કહેવો? એ કળાકાર હોઈ જ ન શકે. અને એવાઓને તો તગેડવા જ સારા! આફ્ટરઑલ આ કંઈ બોડી બામણીનું ખેતર તો નથી જ ને? આ તો આપણા જ ગાલે તમાચા મારીને ગાલ લાલ કરવા જેવી વાત છે.
પાકિસ્તાની કળાકારો બાબતે જે એક બાબત સૌના ધ્યાનમાં આવી તે એ કે, ઉરી કે પઠાણકોટ જેવી કોઈ ઘટના ઘટે ત્યારે તેઓ પાકિસ્તાનના કૃત્યની ટીકા તો નથી જ કરતા, પરંતુ આતંકવાદી કૃત્યને વખોડતા પણ નથી. આમેય ખુદ પાકિસ્તાન હંમેશાં એવું કહેતું રહ્યું છે કે, ભારતમાં ઘટતી આતંકવાદી ઘટનાઓ સાથે અમારે કોઇ નિસ્બત નથી. અમે કંઈ ત્યાં આતંકવાદીઓ મોકલતા નથી. એટલે પાકિસ્તાનની હુકુમતને પડકારવાની તો વાત જ નથી. અને કલાકારોએ તો હુકુમતોને પડકારી છે એના વિશ્વમાં એકથી વધુ ઉદાહરણો છે, પણ શું તેઓ આતંકવાદીઓને પણ વખોડી નહીં શકે? આ તો ઠીક આવી ઘટનાઓ દરમિયાન શહિદોને શ્રદ્ધાંજલિ આપતા બે બોલ પણ ન લખી શકે?
પહેલા એક જમાનો હતો જ્યારે કમ્યુનિસ્ટ વિચારધારાવાળા સર્જકો-કળાકારો અથવા કોઈ પણ ચોક્કસ વિચારધારામાં ન માનતા કળાકારો પોતાનું તમામ સર્જન સમાજને કેન્દ્રમાં રાખીને કરતા. એમની કળાનો આશય માત્ર એટલો હતો કે, યેન કેન પ્રકારેણ સામાજિક જાગૃતિ આણો! 'ઈપ્ટા' જેવી નાટ્ય સંસ્થા સાથે સંકળાયેલા અનેક કળાકારો આઝાદી પહેલાના અને પછીના થોડા સમય દરમિયાન દેશ આખામાં ફરીને, ગાંઠના ગોપીચંદન કરીને દેશની સામાજિક, રાજકીય સમસ્યાનો કેન્દ્રમાં રાખીને નાટકો તૈયાર કરતા અને ભજવતા.
આ ઉપરાંત સાહિત્યમાં વાર્તા-નવલકથા કે કવિતાના ક્ષેત્રોમાં ખેડાણ કરતા સર્જકો પણ એમની રચનાઓમાં સત્તા સામે કે અન્યાય સામે આક્રોશ ઠાલવતા અને છેવાડાના લોકો કે સમસ્યાઓનો ભોગ બનતા લોકોની પડખે ઊભા રહીને લડત ચલાવતા.
પરંતુ પાકિસ્તાની કળાકારોની એક આખી ફોજ એવી છે, જે ફોજ કળાને નામે ભારત આવે છે, અહીં કામ કરીને વિશ્વ સ્તરે નામના મેળવે છે અને પાકિસ્તાનની સરખામણીમાં અઢળક પૈસા કમાય છે. એની સામે ભારતીય કળાકારોની હાલત એવી છે કે, પાકિસ્તાન જઈને પૈસો રળવાનો તો એમના માટે પ્રશ્ન ઊભો જ નથી થતો, પરંતુ ક્યારેક કોઈક નાટક કે કોન્સર્ટ માટે પણ ત્યાં જવાનું થાય તો એમને વિઝાની મગજમારીમાંથી પસાર થવું પડે છે અથવા એમના કોન્સર્ટને પરવાનગી નથી અપાતી. આ વાત ઉપજાવી કાઢેલી નથી, પરંતુ અનુપમ ખેર જેવા દિગ્ગજ અને ઉત્તમ કળાકારે કહી છે.
આ ઉપરાંત આપણી ફિલ્મો પર સમયાંતરે પાકિસ્તાનમાં બેન મૂકાય છે કે, ત્યાં રજૂ કરતા પહેલા એને કેટલીક જટીલ અને ત્રાસદાયક કાયદાકીય પ્રક્રિયામાંથી પસાર કરવામાં આવે છે. અને ત્યાં આપણા કળાકારોની સુરક્ષાને નામે શું? તો કે શૂન્ય. અહીં તો એમને જરૂર પડ્યે પ્રોટેક્શન પણ મળે છે, જે પ્રોટેક્શન એમને ખૂદને પણ ત્યાં મળતું નથી.
એ વાત સમજી શકાય છે કે, પાકિસ્તાનમાં અંતિમવાદી અને ત્રાસવાદી લોકોનું સામ્રાજ્ય છે અને જો કળકારો આવું કશુંક કરે તો પેલા અંતિમવાદી તત્ત્વો એમના બૂરા હાલ કરી શકે છે. પરંતુ એનો અર્થ એ તો નથી જ નથી કે, તેઓ મૂળ સમસ્યાથી આંખ આડા કાન કરી લે. એનો અન્ય કોઈ રીતે પણ મુકાબલો તો કરી જ શકાય. વળી, નકામા તત્ત્વોને ડામવા કે એમને દૂર કરવા માટે પણ આવા કળાકારો જ ઈફેક્ટિવ મીડિયમ સાબિત થઈ શકે છે. પણ જ્યાં નિસ્બતનો જ અભાવ હોય ત્યાં અસરકારક પગલાં પણ ક્યાંથી લેવાય? એવા સમયે એવા સો કોલ્ડ કળાકારોને સાથે કે એમને રક્ષણ આપીને આપણા દેશના પૈસા એમની પાછળ બરબાદ નહીં કરીએ એ જ સારું. અહીં આપણે એમની પાછળ પૈસા બરબાદ કરીએ છીએ, જેની સામે એમના જ દેશના લોકો આપણા સૈનિકોને ઉંઘમાં મારવા આવવાનું કાયરતાપૂર્ણ કૃત્ય આચરે છે. આ તે કેવી વાત?
પ્રિય વાચકો,
હાલ પૂરતું મેગેઝીન સેક્શનમાં નવી એન્ટ્રી કરવાનું બંધ છે, દરેક વાચકોને જૂનાં લેખો વાચવા મળે તેથી આ સેક્શન એક્ટિવ રાખવામાં આવ્યું છે.
આભાર