ડાન્સ બારમાં જવું છે? સાવધાન…
ઘરબાર જેવો શબ્દ ગુજરાતી ભાષા સિવાય બીજી કોઈ ભાષામાં નહીં હોય. જેણે આ શબ્દની શોધ કરી હશે એ વ્યક્તિ નક્કી શોખીન હશે અને સાથે જ એને એ પણ ખબર હશે કે, આ પ્રાંતના જે ફરજંદો છે એમને ભવિષ્યમાં ઘર અને બાર એમ બંને સાથે ઘણો લગાવ રહેશે એટલે એણે નાનું-મોટું, સાચું-ખોટું, ઉપર-નીચે, આગે-પીછે જેવા વિરોધાભાષી જોડકણામાં આ ઘરબાર જેવો શબ્દ શોધી કાઢ્યો. જોકે શબ્દકોશ તો ઘરબાર શબ્દનાં કંઈક જુદા અર્થ આપે છે, પરંતુ હાલના સંદર્ભમાં ઘર‘બાર’ શબ્દને કયા અર્થમાં લેવામાં આવે છે તે આપણે સૌ જાણીએ જ છીએ ને?
આમ અચાનક ‘બાર’ અને એની સાથે ઘર એટલે યાદ આવી ગયું કે, મહારાષ્ટ્ર સરકારે ત્યાંની વિધાનસભામાં એક ભયંકર બીલ પસાર કર્યું છે, જેનાં પગલે સ્થિતિ એ સર્જાઈ છે કે, બાર પણ ઘર જેવા બની ગયા છે. અને ઢીંચીને ધમાલ-મસ્તી કરવા ગયેલા માણસે ઘર કરતાંય કડક કાયદાનું પાલન કરવું પડે એમ છે. મહારાષ્ટ્ર સરકારનું એ બીલ એવું તે કડક છે કે, જો એ બીલનું પાલન થયું તો ગામ આખામાં વાઘ થઈને ફરતો ભલભલો ચમરબંધી પણ કૂતરાંના ગલૂડિયાં જેવો કાંઉ… કાંઉ.. કરતો થઈ જાય અને જો વધારે લવારી કરવા ગયો તો બમ્બઈ પોલીસ એવી કલમો લાગુ પાડી દેશે કે, પાંચ-પંદર હજાર રૂપિયા ખર્ચીને પણ એને કોઈ જામીન નહીં અપાવી શકે.
ગુજરાત જેવા ડ્રાય સ્ટેટમાં દારૂ અને ડાન્સ બાર વિશેનો આવો લેખ એટલે ઢસડવા પડી રહ્યો છે કે, અમને અમારા સાગરીતો દ્વારા જાણ થઈ છે કે, થોડા મહિનાઓ પહેલા મુંબઈમાં ડાન્સ બાર ચાલુ થવાના પહેલવહેલા સમાચાર આવેલા ત્યારે બીજા કોઈ પણ કરતા ગુજરાતમાં રહેતા પુરુષો અને મુંબઈમાં વસતા ગુજરાતીઓ ખુશખુશાલ થઈ ગયેલા. દેશની સર્વોચ્ચ અદાલતે મુંબઈના ડાન્સ બાર શરૂ કરવાના આદેશ આપેલા એટલે કંઈ કેટલાય લોકોની તો આંખો ભીની થઈ ગયેલી કે, ‘ભાઈ, ગમે એ કહો પણ આ દેશમાં ન્યાય જેવું કંઈક છે તો ખરું!’ જોકે આ સમાચાર આવેલા ત્યારે કેટલાય લોકોને વિશ્વાસ નહીં થયેલો એટલે અખબારમાં છપાયેલા સમાચારના કાપલાં કાપી કાપીને ગુજરાતીઓએ એના ફોટા પાડેલા અને વ્હોટ્સ એપ પર ફોરવર્ડ કરીને કરીને પોતાના અચ્છે દીનના સપનાં જોયેલાં.
જોકે આ મજા હજુ રંગ પકડે એ પહેલા જ મહારાષ્ટ્ર સરકારે યજ્ઞમાં હાડકાં હોમી દીધા અને બધી મજા કીરકીરી કરી નાંખી અને ડાન્સ બારને લગતું એક વિધેયક પસાર કરવાનું આયોજન કરી નાંખ્યું. નવા તૈયાર થઈ રહેલા વિધેયક પ્રમાણે તો હવે દરેક બારમાં સીસીટીવી કેમેરા લગાવવામાં આવશે અને ધર્મ સ્થળોથી ઓછામાં ઓછાં એક કિલોમીટરના અંતરમાં ડાન્સ બાર ખોલી શકાશે નહીં.
આ બધુ તો ઠીક છે, પણ સૌથી મોટી મગજમારી એ છે કે, ડાન્સ બારમાં દારુ પીવાની મૂળ વાત પર જ મનાઈ ફરમાવવામાં આવશે. અને એમાંય જો બારબાળાઓ પર પૈસા ઉડાવતા કે એમને સ્પર્શ કરતા પડકાયા તો તો ગયા કામથી. જો આવું કોઈ પણ કૃત્ય કરતા ઝડપાયા તો 50,000 રૂપિયાનો દંડ અને પૂરા છ માસની જેલ ભોગવવાનો વારો આવશે. એનાથીય મોટું મોકાણ એ છે કે, આ બારબાળા પર પૈસા ઉડાવવાના ગુનામાં તમે અંદર ગયા તો છ મહિના સુધી કોઈ જામીન પણ ન મળે! એટલે ગુજરાતીઓને ખાસ સલાહ આપવી કે, આમેય પાંચસો-હજારથી વધુ ઉડાવવાનો તમારો જીવ ચાલવાનો નથી એટલે પાંચસો રૂપરડી નાંખવા જવામાં ક્યાંક પચાસ હજારનો ચૂનો નહીં લાગે એનું ધ્યાન રાખજો. કારણ કે, ગુજરાતીઓ પાંચસો રૂપિયા ઉડાવવા જશે તોય પાંચ લાખ ઉડાવવા જતાં હોય એવો ડોળ કરશે અને ડોળ કરવા જવામાં પોલીસની નજરે ચઢશે તો ફાજલ લેવાના દેવા થઈ જશે. અધૂરામાં જેલમાં પત્ની ટિફિન લઈને આવશે ત્યારે એની ઘાતક આંખોનો સામનો કરવાનો આવશે એ નફામાં!
બારબાળાઓને સ્પર્શ નહીં કરવા અને એમના પર પૈસા નહીં ઉડાવવાના કાયદાનું ઉલ્લંઘન નહીં થાય અને કોઈ એમાંથી છટકી નહીં શકે એ હેતુસર એક ખાસ કાયદો બનાવવામાં આવ્યો છે, જે હેઠળ ચાલુ ડાન્સે કોઈ પૈસા ઉડાવતું નજરે ચઢ્યું તો એને પોલીસ એને તો સપાટા બોલાવશે જ, પરંતુ બાર માલિકને પણ તમારી ભેગા જેલમાં લઈ જવાશે અને એમનું લાયસન્સ રદ્દ કરીને એમને ત્રણ વર્ષનું બીનજામીનપાત્ર લાયસન્સ આપી દેવાશે. હવે એ વાત તો સ્વાભાવિક છે કે, તમારા હજાર પાંચસોને કારણે બાપડા ડાન્સ બાર માલિકો શું કામ એમના ધીકતા ધંધા પર પાટું મારે?
એટલે જ પૈસા ઉડાવનારાઓ પર કડક નિગરાની રાખવામાં આવશે અને જે આવું કરતા ઝડપાશે એને પહેલા વોર્નિંગ અપાશે અને પછી પણ પોતાનું ડહાપણ ચાલુ રાખે તો બાઉન્સર બોલાવીને એમના કાઠલા ઝાલી સીધા બારની બહાર કરાશે.
બાર શરૂ થવાના સમાચારને લઈને ખુશ થઈ ગયેલા લોકો આ વાંચીને રાતા પાણીએ રડવાના કારણ કે, આ તો કાશી સુધી જઈને ગંગામાં નહાયા વિના આવવા જેવો ઘાટ થવાનો. મહેફિલમાં ડાન્સ તો ઝામશે પણ સર્કસમાં બેઠેલા કોઈ દર્શકની જેમ એ મહેફિલ દૂર બેસીને શાંતિને જોવાની. ન તો બિયર, વોકડા કે વ્હિસ્કી પીવાની કે નહીં ડાન્સમાં સામેલ થવાનું. કોઈ સાધુ-બાવા આ સંસારની મોહમાયાથી અલિપ્ત થઈ જાય એવું જ!
આ ઉપરાંત નવા નિયમ મુજબ ડાન્સ બારમાં બારબાળાઓ સહિત ત્યાંના કર્મચારીઓએ બાયોમેટ્રિક પદ્ધતિથી પોતાની હાજરી નોંધાવવી પડશે. આપણને આ વાત પસંદ પડી કે, રાની, સબ્બો કે ચંદા જ્યારે બાયોમેટ્રિક મશીન પર પોતાની આંગળી ચાંપીને એમની પ્રેઝન્ટ પૂરાવશે અને મશીન પીઈઈઈઈપના અવાજ સાથે એની હાજરી નોંધાવશે ત્યારે એમને કેટલો ગર્વ થશે! એમને પણ એવી ફીલિંગ થશે કે તેઓ પણ સમાજની અન્ય સ્ત્રીઓની જેમ બેન્ક, સ્કૂલ-કૉલેજ કે કોઈ આઈટી ફર્મમાં નોકરીએ આવ્યા છે.
અધૂરામાં સરકારે એક નિયમ એ પણ બનાવ્યો છે કે, ડાન્સ બારના માલિકોએ બારબાળાઓને એમના પગાર વેતન અને અન્ય કેટલીક સિક્યોરિટી માટેના પણ કરાર લખી આપવા પડશે. જો કોઈ બારબાળાને નાનું સંતાન હશે તો એના માટે ઘોડિયાઘર પણ બનાવવા પડશે અને રિટાયર્ડમેન્ટ પછી એમના પેન્શનને લગતી પણ કોઈ જોગવાઈ કરવી પડશે.
બીજું બધુ તો ઠીક છે, પરંતુ મહારાષ્ટ્ર સરકારના નવા બીલની આ જોગવાઈઓ મને અંગત રીતે ખૂબ ગમી. આ બહાને બારબાળાઓને સમાજમાં પૂરતું સ્થાન- સન્માન નહીં મળે તોય એમણે આર્થિક સંકટોનો બહુ સામનો નહીં કરવો પડે.
આખરે મહેનત તો તેઓ પણ કરે જ છે ને? ફરક માત્ર એટલો જ છે કે, અન્ય સ્ત્રીઓના કામમાં કરિયર પ્રત્યેની પેશન અને સમાજને કંઈક કરી બતાવવાની ચેલેન્જ રહેલી હોય છે અને આ સ્ત્રીઓના કામમાં મજબૂરી રહેલી હોય છે. પણ આપણી કઠણાઈ એ છે કે, આપણે કોઈની પેશનને જેટલું માન આપીએ છીએ એટલું માન કોઈની મજબૂરીને આપતા નથી. મજબૂરીના કારણોના તળિયાં તપાસીશું તો બીજો એક સવાલ ઊભો થશે કે એ મજબૂરી માટે એમને મજબૂર કરનાર કોણ છે? જવાબ છે કોઈની પાસે? જવાબ જડી જાય તોય ઠીક અને જવાબ જડે તો એને નહીં સ્વીકારીએ તોય ઠીક. પણ એક વાત હંમેશાં યાદ રાખવી પડશે કે, જ્યાં સુધી કોઈ પણ ડાન્સ બારમાં કે વેશ્યાગૃહોમાં ઘરાકો જતાં રહેશે ત્યાં સુધી બારબાળાઓને ને ગણિકાઓને ધૂતકારવાનો કે એમને અસામાજિક કહેવાનો અધિકાર કોઈની પાસે નથી. આખરે કહેવાતો સભ્ય સમાજ જ ત્યાં ઘરાક બનીને પહોંચે છે. તો એમને અસામાજિક કહેવાનો કોઈને અધિકાર છે ખરો?
પ્રિય વાચકો,
હાલ પૂરતું મેગેઝીન સેક્શનમાં નવી એન્ટ્રી કરવાનું બંધ છે, દરેક વાચકોને જૂનાં લેખો વાચવા મળે તેથી આ સેક્શન એક્ટિવ રાખવામાં આવ્યું છે.
આભાર