બાબા અને બકવાસ
દેશમાં એક તરફ દુકાળનાં ડાકલાં વાગી રહ્યાં છે અને મહારાષ્ટ્ર જેવાં રાજ્યોમાં માણસો પાણી માટે રીતસરનાં વલખાં મારી રહ્યાં છે ત્યારે આપણા દેશના સાધુઓને લોકોનું મનોરંજન કરવાનું સૂઝી રહ્યું છે. આ વાંચીને રીડર્સને ખ્યાલ તો આવી ગયો હશે કે, અહીં દ્વારકાપીઠના શંકરાચાર્યની વાત થઈ રહી છે. આવા સંતો- બાબાઓ અને એમના પાયા વિનાના વિવાદાસ્પદ અને હાસ્યાસ્પદ વિધાનોની ખૂલીને ચર્ચા થવી જોઈએ અને એમના વણલ અને વર્તનનો વિરોધ પણ થવો જોઈએ. આખરે જેઓ સ્ત્રીઓને માણસ તરીકે સ્વીકારવામાં આનાકાની કરતા હોય અથવા બહુજનના હિતની પરવા નહીં કરતા હોય એવા લોકોને સંત કહી શકાય નહીં. આવા લોકોને વ્યાસપીઠ પર બેસવાનો કોઈ અધિકાર નથી. આવા દ્વેષી સાધુઓ પોતાનો દ્વેષ ઓકીને એમના સાધુત્વ પર તો સવાલ ઊભો કરે જ છે, પરંતુ એમની વ્યાસપીઠને પણ લજ્જિત કરે છે.
દ્વારકાપીઠના શંકરાચાર્યા સ્વામી સ્વરૂપાનંદ સરસ્વતી સંત હોવા કરતા એમના બોલબચ્ચન માટે ઘણા પ્રખ્યાત છે. મહારાષ્ટ્રના ફકીર અને હવે તો આખા દેશના કરોડો લોકોની આસ્થાનું કેન્દ્ર બનેલા શીરડીના સાંઈબાબા સાથે એમને અંગત અદાવત હોય એવું લાગે છે. આ પહેલા 2014માં પણ એમણે શીરડી સાંઈબાબા બાબતે જાહેર કરેલું કે, સાંઈબાબા ભગવાન નથી, જેથી એમની ભક્તિ કરવાનું બંધ થવું જોઈએ. જોકે, તેઓ શંકરાચાર્ય હોવા છતાં દેશના હિન્દુઓ પર એમના વિધાનની કોઈ અસર નહીં થઈ અને લોકો પહેલાં જેટલી જ આસ્થાથી સાંઈબાબાની ભક્તિ કરતા રહ્યા.
કદાચ આ જ બાબતનો એમને ચચરાટ થયો હશે એટલે મહારાષ્ટ્રના દુકાળને એમણે સોનેરી તક તરીકે ઝડપી લીધો અને દુકાળ સંદર્ભે એમણે બયાન ફટકાર્યું કે, મહારાષ્ટ્રના લોકો મૂળ ભગવાનને ભજવાની જગ્યાએ ફકીર સાંઈબાબાની ભક્તિ કરે છે એનું પરિણામ તેઓ દુકાળના રૂપમાં ભોગવી રહ્યા છે. બાબાની જગ્યાએ આવું વિધાન રાખી સાવંતે કર્યું હોત સામાન્ય લોકોએ એની બહુ પરવા ન કરી હોત. પણ હિન્દુ ધર્મના એક મહત્ત્વના સાધુ જ્યારે આવો લવારો કરે ત્યારે મામલો ગંભીર બની જાય છે. આવાં વિધાનો સાંભળીને જેઓ દુકાળનો માર ઝીલી રહ્યા છે કે પાણીના એક એક ટીપા માટે તરસી રહ્યા છે એમની હાલાકી બેવડાઈ જાય છે. મુશ્કેલીના સમયમાં ઈશ્વરમાંની એમની શ્રદ્ધા ડગમગી જાય છે તેઓ વધુ માનસિક ત્રાસ વેઠવા પર મજબૂર થાય છે.
બાબાને શું? બાબા તો પાણી માગે ત્યાં એમને દૂધ મળેની સ્થિતિમાં જીવી રહ્યા છે પણ હાલમાં જેમના નસીબમાં પાણી પણ નથી એવા દેશના સામાન્ય લોકોની ઉશ્કેરણી કરીને એમની શ્રદ્ધા સાથે ચેડાં કરવાની જરૂર ન હતી.
વળી, એ દિવસે બાબાને જાણે વિવાદાસ્પદ વિધાનો કરવાનું મોકળું મેદાન મળી ગયું હતું એટલે એમણે મહિલાઓને પણ અડફેટે લીધી અને શનિદેવની પૂજા કરવા બાબતે સ્ત્રીઓ પ્રત્યે દ્વેષ દાખવ્યો. બાબાનું કહેવું એમ છે કે, સ્ત્રીઓએ શિંગણાપુર શનિદેવની પૂજા કરવાનું શરૂ કર્યું છે એની એમણે ઉજવણી નહીં પણ માતમ મનાવવો જોઈએ. કારણ કે, મહિલાઓ દ્વારા શનિદેવની પૂજા કરવાથી શનિદેવ કોપાયમાન થશે અને મહિલાઓ પર દુષ્કર્મો વધી જશે!
અમારા વહાલા બાબાજી તમારે એમ કહેવું જોઈતું હતું કે, સ્ત્રીઓએ શનિદેવની પૂજા કરવાની શરૂઆત કરી છે એટલે શનિદેવ વિશેષ પ્રસન્ન થશે, આ કારણે સ્ત્રીઓ પર દુષ્કર્મ કે કોઈ પણ પ્રકારનો અત્યાચાર કરનારની હવે ખેર નથી. પણ બાબાને એમના ધર્મની અને એમના ધર્મમાં સદીઓથી ચાલતી રૂઢિઓની પરવા હતી એટલે એમણે આવું વિધાન કર્યું. બાબાને સાથે એ પણ જણાવી દેવાની ઇચ્છા થાય કે, બાબાજી તમારા કે બીજા કોઈ પણ ધર્મ પાસે સ્ત્રીઓએ ક્યારેય એમની સુરક્ષા અને સ્વમાનની અપેક્ષા રાખી જ નથી. કારણ કે ધર્મને નામે સ્ત્રીઓના થયેલા શોષણ વિશેના એક શોધતા સો ઉદાહરણો મળી આવે એમ છે. પણ જો ઈશ્વર પણ સ્ત્રીઓ પર કોપાયમાન થાય અને એ કારણે સ્ત્રીઓના શિયળ લૂંટાવાના હોય કે એમના પર દુષ્કર્મ થવાના હોય તો તમારા એ ઈશ્વર પણ અમને સ્વીકાર્ય નથી. પોતાની રક્ષા કરવા માટે આજની આદ્યશક્તિ પોતે જ શક્તિમાન છે એટલે ઈશ્વરને નામે ચરી ખાવાનું અને તમારી મંશા છતી કરવાનું બંધ કરો.
સ્વામી સ્વરૂપાનંદ સરસ્વતી આટલે જ નહીં અટક્યા. એમણે નવો મમરો એમ મૂક્યો કે, ઉત્તરાખંડના કેદારનાથની 2013ની ગોઝારી કુદરતી આફતની પાછળ ઉત્તરાખંડમાં હનીમૂન માટે આવતા કપલ્સ અને પિકનિક પર આવતા લોકો છે. એ વાત સાચી કે, પ્રવાસનમાંથી થતી કમાણીના લોભને કારણે ઉત્તરાખંડમાં પર્યાવરણ સાથે આડેધડ ચેડાં થયેલાં. સ્વામીજીએ એ અર્થમાં કહ્યું હોત આપણે એમની સાથે સહમત પણ થયાં હોત પરંતુ સ્વામીજીએ તો હનીમૂન પર આવતા નવદંપતીઓ વિશે જ બકવાસ કરી નાંખ્યો. તેમણે હનીમૂનને અપવિત્ર બાબત ગણાવી દીધી અને આ કારણે જ કેદારનાથે પ્રકોપ પાથર્યો હતો એવું કહ્યું.
બાબા, સ્ત્રી અને પુરુષના સમભોગને જો તમે અપવિત્ર બાબત ગણાવતા હોય તો બાબા સહિત આપણે સૌએ આ વાત અંકે કરી લેવી જોઈએ કે આપણી આ આખી સૃષ્ટિનું સર્જનનું કારણ જ સ્ત્રી પુરુષનો સમભોગ છે. એને અપવિત્ર કઈ રીતે ઠેરવી શકાય?
આવા અનેક વિધાનો બાદ આ સ્વામી સ્વરૂપાનંદ સરસ્વતીની વિદ્વત્તા પર અનેક સવાલો ઊભા થાય છે. આ સાથે જ તેઓ કેટલા રૂઢિચુસ્ત છે એ પણ છતું થાય છે. આમ તો દેશમાં રોજ આવાં અનેક પાયા વિનાનાં વિધાનો સાંભળવા મળતાં હોય છે, જેમાંના મોટા ભાગનાં વિધાનોને એક કાનેથી સાંભળીને બીજા કાનેથી બહાર કાઢવાના હોય છે પરંતુ સ્વામીજી હિન્દુ ધર્મના એક મહત્ત્વના સ્થાને બેઠાં છે એટલે એમણે કરેલાં વિધાનોને નજરઅંદાજ કરી શકાય નહીં. સ્વામીજી ધર્મના સર્વોચ્ચ સ્થાને બેઠાં છે એટલે એ તેઓ જે કંઈ કહે એ સાચુ જ હોય એ પણ માની લેવાની જરૂર નથી. એટલે જ જરૂર પડ્યે એ વિચારોને પડકારવાનું પણ મહત્ત્વનું બની જાય છે. આવા લોકોના વિધાનો શાંત પાણીમાં વમળો સર્જી જાય છે અને આના કારણે સામાન્ય માણસના મનમાં ખળભળાટ પેદા કરી શકે છે એને પરેશાન કરી શકે છે. આ કારણે પણ એ વિચારો સાથે સહમત થયાં વિના સાધુઓનાં શિંગડાંમાં શિંગડું ભેરવવું જ રહ્યું.
આવા મોટાં મોટાં ધર્મસ્થાનોના સાધુઓ ધારે તો કોઈ પણ સરકારી મદદ વિના આખા મહારાષ્ટ્રને પાણીથી છલોછલ કરી શકાય એવું છે, પણ અબજોની સંપત્તિના માલિક બની બેઠેલા સાધુ-સંતોએ લોકોની મુશ્કેલીઓમાં એમને મદદ નથી કરવી અને એમની મુશ્કેલીઓને તક તરીકે લઈને એમને દાઝ્યા પર ડામ દેવા છે, જે આપણા સૌની કમનસીબી છે.
પ્રિય વાચકો,
હાલ પૂરતું મેગેઝીન સેક્શનમાં નવી એન્ટ્રી કરવાનું બંધ છે, દરેક વાચકોને જૂનાં લેખો વાચવા મળે તેથી આ સેક્શન એક્ટિવ રાખવામાં આવ્યું છે.
આભાર