બિઈંગ હ્યુમન જરા હ્યુમન તો બનો
ગયા સપ્તાહે અભિનેતા સલમાન ખાન ફરી એક વાર વિવાદમાં સપડાયો અને ટ્વિટર-ફેસબુક પર એ ટ્રેન્ડિંગ ટોપિક બની રહ્યો. વિવાદો સાથે આ માણસને ઘણો ઘરોબો છે, જેના કારણે એ ચાહીને પણ વિવાદોથી દૂર નથી રહી શકતો. એમાંય બાન્દ્રાના હીટ એન્ડ રન કેસે એને ગયા વર્ષે ખૂબ પજવ્યો. હજુ તો એ કેસમંથી બહાર આવીને સલ્લુ થોડો ઠરીઠામ થયો ત્યાં ગયા અઠવાડિયે નવા વિવાદે એનું પૂછડું પકડ્યું અને ભાઈજાન ફરી વિવાદોમાં ભેરવાઈ પડ્યા. અલબત્ત, આ વિવાદોમાં એ કોર્ટકચેરીની કાર્યવાહીથી દૂર રહેવાનો, પણ મીડિયા અને સોશિયલ મીડિયામાં તો એના નામના માછલાં ધોવાયા જ.
જોકે આ આખા વિવાદમાં સલમાનનો કશો વાંક જ નથી. ગામ આખાને બિઈંગ હ્યુમનની સલાહ આપતા આ ભાઈજાનની જીભ ઘણી વખત એમના કહ્યામાં નથી રહેતી. એમનો આત્મા તો બિઈંગ હ્યુમનવાળો જ ઋજુ અને કરુણાથી હર્યોભર્યો છે જ, પરંતુ બિચારાની જીભ અને હાથ કોણજાણે કેમ ન કરવાનું જ કરી બેસે છે. ક્યારેક એના હાથોથી કાળિયાર પણ ગોળી છૂટી જાય છે તો ક્યારેક એ હાથ કારના સ્ટિયરિંગ પરથી કાબૂ ગુમાવી બેસે છે. જોકે સ્ટિયરિંગ પરથી કાબૂ ગુમાવી ચૂકેલા હાથ વિશે તો ન્યાયતંત્રએ ન્યાય તોળ્યો છે એટલે આપણાથી કંઈ કમેન્ટ નહીં કરી શકાય. પણ કાળિયાર વાળા હાથ અને બળાત્કારની કમેન્ટ કરનારી જીભ વિશે તો આપણે બોલી જ શકીએ. ધ્યાન રહે કે, અમે અહીં બોલિવુડના શ્રેષ્ઠ અભિનેતા અને ગરીબોની મદદ માટે હંમેશાં તત્પર રહેતા બિઈંગ સલમાન વિશે કશું નથી કહેતા. એ બચાડો બહુ ડહાયો છે. એને બાપડાને નાહકનો શું કામ વગોવવો? પણ દર વખતે એના હાથ અને જીભ કંઈ ને કંઈ ન કરવાનું કરી બેસે છે અને લોકો એને અડફટે ચઢાવી દે છે.
આ વખતે એવું થયું છે દર વખતે હ્યુમાનિટીની વાત કરતા દબંગભાઈ એમની ફિલ્મ 'સુલતાન' વિશે એક પ્રેસકોન્ફરન્સ કરતા હતા ત્યાં એમની જીભ નવું કારસ્તાન કરી બેઠી. ઋજુ હ્રદયી અભિનેતા પ્રેસ કોન્ફરન્સમાં પત્રકારો આગળ એમની વ્યથાનું બયાન કરી રહ્યા હતા કે, સુલતાન ફિલ્મ દરમિયાન મારે આટલી મહેનત કરવી પડી અને આટલું વજન ઉઠાવીને મારે શૉટ આપવા પડતા હતા! એટલામાં તો સલમાનને પૂછ્યાં વિના પેલી અવળચંડી જીભ મેદાનમાં કૂદી પડી અને બોલી બેઠી કે, 'શૂટિંગ પછી હું રિંગમાંથી બહાર નીકળું ત્યારે બળાત્કાર થયેલી સ્ત્રીની જેમ હું બહાર નીકળતો.' અને બસ પછી તો રમખાણ જેવું ફાટી નીકળ્યું અને સલમાન ખાનને લોકોએ સોશિયલ મીડિયામાં બરાબરનો ધોઈ નાંખ્યો.
અખબારોમાં પણ કટાર લેખકોએ સલમાનના એ બયાનની ઝાટકણી કાઢી અને બયાનની સાથોસાથ બિઈંગ હ્યુમનને પણ ધક્કે ચઢાવ્યો. જેમને સલમાનના આ વિધાન સામે વાંધો હતો તેઓ છાપરે ચઢીને પોકારી રહ્યા છે કે, સલમાન આ બાબતે માફી માગે. તો
સલમાનના ચાહકો વળી એવી દલીલ કરી રહ્યા છે કે, સલમાન ભાઈએ બળાત્કારવાળું વિધાન ફટકાર્યું પછી તરત જ એમ કહ્યું હતું કે, 'મારે આવું નહોતું કહેવું જોઈતું...'
જોકે, સલમાનના બયાનનો વિરોધ કરનારાઓમાંના અડધા ઉપરના એવા હશે, જેમને એ ઘટના વિશે તસુભાર જાણકારી નહીં હોય તોય તેઓ થોડીઘણી લાઈક્સ ઉઘરાવવા માટે અને પોતે મોટા ચિંતક છે અને સ્ત્રીઓના સન્માન માટે લડનારા છે એવું બતાવવા વિરોધ કરવા કૂદી પડ્યા હશે. ચોરીછૂપીથી એવા લોકોના ફેસબુક મેસેન્જર ચેક કરીએ તો આપણને ખયાલ આવે કે, મહિલાઓના અધિકાર માટે અવાજ ઉઠાવનાર આ ક્રાંતિકારીઓ પોતે પાછા ગામ આખાની સ્ત્રીઓને ગમે એવા મેસેજ કરીને પરેશાન કરતા હોય છે! હા, જોકે આ બાબતે જેન્યુઈન વિરોધકો નહીં હોય એવુંય નથી. જેન્યુઈન વિરોધ કરનારાય છે ખરા, પણ એ વર્ગ નાનો જરૂર હોવાનો અને એ વર્ગમાં મોટાભાગે સ્ત્રીઓ હોવાની.
હવે આપણે સલમાનનો બચાવ કરનારા લોકો પર આવીએ. સલમાનનો બચાવ કરનારા તમામ લોકો માત્ર ને માત્ર સલમાનના ફેન હોવાને કારણે જ એનો બચાવ કરી રહ્યા છે. એમની જે દલીલ છે કે, એ પ્રેસ કોન્ફરન્સમાં સલમાને તરત જ એનું બયાન સુધારી લીધેલું. પણ આવા બચાવકોને એમ સવાલ પૂછવાનું મન થાય કે, સલમાનની જીભને એવી તે શું મતિ સૂઝી કે, એ જીભને બીજું કંઈ નહીં ને સલમાનની મહેનતને સ્ત્રીના બળાત્કાર સાથે સરખાવવાની જરૂર પડેલી? ઉદારણો પણ છેક આવા આપવાના? સમાજમાં જે બાબત સ્વીકાર્ય નથી અને જે કૃત્ય માણસના પછાતપણાનું પ્રતીક છે એ કૃત્યને ઉદાહરણરૂપે ટાંકવાનું? બીજું કોઇ ઉદાહરણ જ નહીં જડ્યું ભાઇજાનને?
અને ભાઈ, સલમાને ભલે એનું વાક્ય સુધારી લીધું હોય પણ, એક વાર કૃત્ય થઈ ગયા પછી તો ભલભલો માણસ માફી માગી લે છે. એટલે માફીને હિસાબે કૃત્યનો ગુનો ઓછો થઈ જાય? હજુ થોડા દિવસો પહેલા જ વડોદરાની પારુલ યુનિવર્સિટીવાળા જયેશ પટેલ પર બળાત્કારના જાતજાતના આરોપો લાગેલા છે. શું એ જયેશ પટેલ આઈ એમ સોરી કહી દે એટલે એ બધા બળાત્કારો માફ કરી દેવાના? મજાની વાત એ છે કે, જયેશ પટેલે તો એક વીડિયોમાં પોલીસથી ગભરાઈને સોરી પણ કહ્યું છે, પરંતુ સલમાને હજુ સુધી ક્યારેય સ્પષ્ટ શબ્દોમાં સોરીય નથી કહ્યું! ભાઈજાનને તો એટલીય કર્ટસી દર્શાવવામાંય શરમ નડે છે! પણ, એમ કંઈ માફી થોડી મંગાય? આવો મોટો સુપર સ્ટાર કંઈ માફી માગે? જોકે આવો સુપર સ્ટાર માફી નહીં માગે તોય બહુ ખાટુંમોળું નહીં થાય, પણ એક વાત એ પણ સાચી કે, આવી લોકપ્રિય વ્યક્તિથી જાહેરમાં આવા બયાન પણ નહીં કરાય. લોકપ્રિય વ્યક્તિ જ્યારે આવા લવારા કરે છે ત્યારે એની માસ ઈફેક્ટ થતી હોય છે એટલે આવા સમયે એમણે બોલતી વખતે એકએક શબ્દ જોખીતોળીને બોલવો જોઈએ.
પ્રિય વાચકો,
હાલ પૂરતું મેગેઝીન સેક્શનમાં નવી એન્ટ્રી કરવાનું બંધ છે, દરેક વાચકોને જૂનાં લેખો વાચવા મળે તેથી આ સેક્શન એક્ટિવ રાખવામાં આવ્યું છે.
આભાર