ક્યું કી મૈં ભી કભી શિક્ષા મંત્રીથી…

09 Jul, 2016
12:05 AM

મમતા અશોક

PC:

આ સપ્તાહે થયેલા કેન્દ્ર સરકારના મંત્રીમંડળના વિસ્તરણ દરમિયાન જો કોઇ વ્યક્તિ સૌથી વધુ ચર્ચામાં રહી હોય તો એ સ્મૃતિ ઈરાની છે. જોકે સ્મૃતિ ઈરાનીને સામાન્યતઃ કારણ વિના પણ ચર્ચામાં રહેવાની આદત છે એટલે એમના માટે ચર્ચાનો વિષય બનવું એ કંઈ નવી વાત નથી. અને આવું બધું એમને ગમે પણ ખરું, પણ આ વખતે ચર્ચાનો જે વિષય છે એ એમનો પ્રિય વિષય નથી એટલે એમને ગમ્યું નહીં હોય. વળી, આ વિષય પર તેઓ સંસદમાં કે મીડિયા સામે ‘યે સજા દી આપને મુજે અમેઠી લડને કી?’ જેવું મસાલેદાર ભાષણ આપી શકે એમ પણ નથી. જો તેઓ એવું કંઈક કરવા ગયા તો કાપડ મંત્રાલય પણ હાથમાંથી જશે અને કોઇ પણ ખાતા વિના રાજ્યસભામાં પાછલી સીટોએ બેસવાનો વારો આવશે એની એમને પણ જાણ હશે જ!

વિસ્તરણ પહેલા માધ્યમોમાં એવી ચર્ચા થઈ રહી હતી કે, અરુણ જેટલીના હાથમાંથી નાણામંત્રાલય લઈ લેવામાં આવશે અને જેટલીને અન્ય કોઇ મહત્ત્વનું ખાતું સોંપવામાં આવશે. સ્મૃતિ પાસે માનવસંસાધન મંત્રાલય છીનવી લેવાશે અને એમને કાપડ મંત્રાલય જેવું ક્યારેય ચર્ચામાં નહીં આવતું મંત્રાલય એમને સોંપાશે એવું લોકો કે માધ્યમોએ તો શું સ્મૃતિએ પણ નહીં વિચાર્યું હોય. પણ આખરે ધાર્યું ધણીનું થયું અને સ્મૃતિ ઈરાની પાસે એમનું માનવ સંશાધન મંત્રાલય છીનવી લેવાયું.

જોકે વિસ્તરણમાં જે થયું હોય એ પણ હવે અંગત રીતે મને મોદી સરકાર પર અત્યંત ભરોસો આવી ગયો છે કે, આ સરકાર લોકોનું યોગ્ય ધ્યાન રાખે છે અને લોકોની માગને યોગ્ય સમયે પૂરી પણ કરે છે. લોકસભાની ચૂંટણી વખતે દરેક નાગરિકના બેન્ક અકાઉન્ટમાં પંદર લાખ રૂપિયા જમા કરવાનો વાયદો એમણે ભલે પૂરો નહીં કર્યો હોય. પણ આ વખતે સરકારે  લોકોની લાગણીનું પૂરું ધ્યાન રાખ્યું છે. રોહિત વેમુલાની આત્મહત્યા પ્રકરણ અને દિલ્હીની જેએનયુમાં થયેલા વિવાદ બાદ વિવિધ યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ, સ્કોલર્સથી લઈને વિરોધી દળોના નેતા સુધીના લોકો એવી માગ કરી રહ્યા હતા કે, સ્મૃતી ઈરાનીનું રાજીનામું આપે. માનવસંશાધન મંત્રી તરીકે તેઓ સ્મૃતિને ઈચ્છતા નથી! જોકે લોકોના કહેવાથી રાજીનામું ધરી દે એવી નૈતિકતા હવે આપણા દેશના મોટાભાગના લોકો ખોઈ બેઠા છે, એટલે સ્મૃતિ પણ રાજીનામું તો શેનું આપે? પરંતુ સરકારે લોકોની માગનું યોગ્ય ધ્યાન રાખ્યું અને સ્મૃતિને માનવસંશાધન વિકાસ મંત્રાલયમાંથી વેળાસર રૂખસદ આપી દીધી. ગુજરાતી અખબારોની ભાષામાં લખવું હોય તો, ‘પાણીચું પકડાવી દીધું’ એમ પણ કહી શકાય!

સ્મૃતિને પાણીચું અપાયા બાદ તુરંત જ ભક્તો અને સરકાર વિરોધીઓ સોશિયલ મીડિયામાં એક્ટિવ થઈ ગયા અને એક પક્ષ સ્મૃતિના બચાવમાં તો એક પક્ષ સ્મૃતિની ઠેકડી ઉડાવવામાં વ્યસ્ત થઈ ગયો. ભક્તોની દલીલ એવી છે કે, મંત્રાલય બદલાય એટલે કંઈ પાણીચું પકડાવાયું એમ નહીં કહેવાય. આ તો શું કે, સ્મૃતિબેનને ઉત્તરપ્રદેશની ચૂંટણીમાં મહત્ત્વની જવાબદારી આપવાની છે અને બને તો એમને જ યુપીના મુખ્યમંત્રી પદના દાવેદાર બનાવવાના છે એટલે એમને જવાબદારીમાંથી મુક્ત કરાયા!

ભક્તગણોની વાતમાં ઝાઝો દમ નથી. હજુ ભેંસ ભાગોળે હોય અને છાશ છાગોળે હોય ત્યાં ઘરમાં ઘમાઘમ કરવાની અત્યારથી જરૂર ન જ હોવી જોઈએ અને પ્રાદેશિક પક્ષો મજબૂત હોય એવા રાજ્યોમાં ચહેરા અને એમાંય વિવાદાસ્પદ ચહેરાઓને મુખ્યમંત્રી તરીકે લોન્ચ કરવા એ નકરું મુર્ખામીભર્યું કામ કહેવાશે. એટલે સ્મૃતિને માનવસંશાધન વિકાસ મંત્રાલયમાંથી બરતફ કરાય ત્યારે દિલ કો બહેલાને કે લીએ યે ખ્યાલ અચ્છા હૈ, બાકી ભક્તોની વાતમાં બહુ દમ નથી.

અને એવું કંઈક હોત તો સ્મૃતિ ઈરાની હોંશેહોંશે આ આખા ખેલમાં ભાગ લેતે અને પોતાના હાથમાંથી માનવસંશાધન વિકાસમંત્રાલય છીનવાઈ ગયા બાદ મીડિયા સામે જાતજાતની વાતો કરતે. પણ એમણે એવું કશું કર્યું નહીં અને સ્વભાવથી વિરુદ્ધ સચીન તેન્દુલકરની જેમ મૌન રહેવાનું પસંદ કર્યું. સમાચાર તો એમ પણ વાંચવા મળ્યાં કે, મહત્ત્વનું મંત્રાલય હાથમાંથી ગયા બાદ એમણે એમના અનુગામી પ્રકાશ જાવડેકરના ફોન પણ નથી રિસીવ કર્યા.

એવું કહેવાઈ રહ્યું છે કે, મંગળવારે રાત્રે પ્રકાશ જાવડેકરને માનવસંશાધન વિકાસ મંત્રાલયની જવાબદારી સોંપાયા બાદ જાવડેકર બુધવારે સવારથી જ મંત્રાલયનો ચાર્જ લેવાના હતા, જે માટે એમણે સ્મૃતિ ઈરાનીને ફોન પણ કર્યો, પરંતુ સ્મૃતિએ ફોન રિસીવ નહીં કરતા જાવડેકરે ગુરુવારથી મંત્રાલયનો ચાર્જ લેવાનું નક્કી કર્યું. વળી, ગુરુવારે પણ જાવડેકરે ચાર્જ લીધો ત્યારે સ્મૃતિ એમને ચાર્જ આપવાની ઔપચારિકતા કરવા મંત્રાલય નહીં આવ્યા અને જાવડેકર આગલા મંત્રી પાસે ચાર્જ સંભાળ્યા વિના જ કામે વળગી ગયા!

સ્મૃતિએ જાવડેકરના ફોન રિસીવ કર્યા કે નહીં એ સમાચાર સાચા છે કે ખોટા એ તો જાવડેકર જ જાણે, પણ સ્મૃતિ જાવડેકરને મંત્રાલયનો ચાર્જ આપવા નહીં આવ્યા એ વાત એ બાબત તરફ સ્પષ્ટ ઈશારો કરે છે કે, એમના હાથમાંથી ખાતું ગયું એનો એમને ભારોભાર અફસોસ છે અને કંઈક અંશે એનો એમને ગુસ્સો પણ હોવો જોઈએ!

પણ ખૈર, ‘જો હોતા હૈ અચ્છા હોતા હૈ’ના દિલાસા સાથે સ્મૃતિએ કાપડ મંત્રી તરીકે કામે લાગી જવું જઈએ. ઉત્તરપ્રદેશને તો હજુ વાર છે અને ઉત્તરપ્રદેશમાં એમને મહત્ત્વની ભૂમિકાઓ સોંપાશે કે, નહીં એ અલગ વાત છે. પણ હવે સ્મૃતિને ઝાઝા વિવાદો કરવા નહીં મળે એ વાત નક્કી છે. વિપક્ષના સવાલોના જવાબને બહાને સંસદમાં ડ્રામેટિક ભાષણો નહીં ઠપકારી શકાય એ વાત પણ નક્કી છે. આ વખતે મોદી સરકારે એવો જમ્પ માર્યો છે કે, બીજા બધા ત્યાંના ત્યા રહ્યા અને માત્ર સ્મૃતિ લીડ કેરેક્ટરમાંથી સાઈડ રોલમાં આવી ગયા. આ વખતે તો એમના માટે ‘ક્યૂં કી સાસ ભી કભી બહુ થી’નું જ ટાઈટલ સોંગ લાગુ પડી શકે એમ છેઃ ‘નયે ખિલાડી ખેલ યે ખેલેગેં, ખેલને વાલે બેઠ કે દેખેંગે…

પ્રિય વાચકો,

હાલ પૂરતું મેગેઝીન સેક્શનમાં નવી એન્ટ્રી કરવાનું બંધ છે, દરેક વાચકોને જૂનાં લેખો વાચવા મળે તેથી આ સેક્શન એક્ટિવ રાખવામાં આવ્યું છે.

આભાર

દેશ અને દુનિયાના સમાચારથી માહિતગાર થવા તેમજ દરેક અપડેટ સમયસર મેળવવા ડાઉનલોડ કરો Khabarchhe.com એપ અને ફોલો કરો Khabarchhe.com ને સોશિયલ મીડિયા પર.