ભાઈ તો ભાઈ હૈ...
કાળિયાર હત્યા કેસમાં સુલતાન ખાનનો છૂટકારો થઈ ગયો એટલે અમારા દિલને રાહત થઈ ગઈ અને દેશ આખામાં હાહાકાર મચી ગયો. અમારો ભઈલું બિચારો કેટલાય વર્ષોથી આ કોર્ટથી પેલી કોર્ટના આંટાફેરા કરતો રહ્યો અને જાલીમ મીડિયાવાળાઓના જાતજાતાના આક્ષેપનો ભોગ બનતો રહ્યો. પણ વર્ષોની મહેનત બાદ ચુકાદા પર ચુકાદા આવતા ગયા અને અને ભઈલું એક પછી એક કેસોમાં નિર્દોષ છૂટતો ગયો. પણ કરમની કઠણાઈ જુઓ કે, ભઈલું નિર્દોષ છૂટયો એમાં પણ લોકો હાહાકાર મચાવવા માંડ્યા. પણ ભાઈ એમાં હાહાકાર મચાવવા જેવું હતું શું? કેટલાક લોકો કહી રહ્યા હતા હતા કે, દેશમાં અમીર અને ગરીબો માટેના કાયદા અલગ છે તો કોઈ કહેતું હતું અમે ચુકાદા સાથે સહમત નથી. અલા, જે લોકો ચુકાદા સાથે સહમત નથી એમને મારે એક જ સવાલ પૂછવો છે કે, રાજસ્થાનમાં જ્યારે કાળિયારનું મૃત્યુ થયેલું ત્યારે તમે ત્યાં હાજર હતા? તમે તમારી નરી આંખોએ એ જોયેલું કે, સલમાન ખાને જ કાળિયાર પર ગોળી મારી હતી? જો તમે ત્યાં હાજર નહીં હો તો પછી તમને એ કહેવાનો અધિકાર જ કોણે આપ્યો કે, કોર્ટના ચુકાદા સાથે અમે સહમત નથી? કોર્ટને તો પુરાવા જોઈતા હતા અને સોળ-સોળ વર્ષની લાંબી પ્રક્રિયા બાદ પણ કોઇ પુરાવા રજૂ નહીં કરી શકાયા તો પછી કોર્ટ પણ શું કરે? તમને એટલો બધો અસંતોષ હોય તો શોધી લાવો નક્કર પુરાવા અને પહોંચો સુપ્રિમ કોર્ટમાં, તમને પણ ન્યાય તો મળી જ રહેશે.
હા, એ વાત સાચી કે, 'હમ સાથ સાથ હૈ' ફિલ્મના શૂટિંગ વખતે ફિલ્મના કલાકારો જંગલમાં ફરવા જરૂર ગયા હતા અને જોગાનુજોગ એ દરમિયાન જ કાળિયારના મૃત્યુ થયાં હતા. પણ આ તો કાગનું બેસવું અને કાગનું પડવું જેવી સ્થિતિ થઈ. એમાં કંઈ સલમાન ખાન પર એવો આક્ષેપ કરી દેવાનો કે, એણે કાળિયારના શિકાર કર્યા? બની શકે એ કાળિયારને કોઇ ફેમિલી પ્રોબ્લેમ હોય અને એણે જિંદગીથી થાકીને આત્મહત્યાનો નિર્ણય લીધો હોય. કદાચ એમ પણ બને છે કે, સલમાન ખાન જેવા અભિનેતાને જંગલમાં આવેલા જોઈએને કોઈ ફેનની જેમ એ કાળિયાર પણ હરખપદુડું થઈ ગયું હશે અને સલમાનને જોઈને એ એટલું ઉત્સાહમાં આવી ગયું હશે કે, એનું હ્રદય ધબકતું બંધ થઈ ગયું હશે અને બાપડું અકાળે અવસાન પામ્યું હશે. અથવા એમ પણ બને કે કોઇ માદાને રિઝવવા માટે બે નરો વહ્ચે ધમસાણ મચી હોય અને એમાં કાળિયારનું મૃત્યુ થયું હોય. ભાઈ, એ કાળિયાર જંગલમાં રહેતું હતું, આપણી જેમ શહેરમાં નોતું રહેતું. જંગલમાં લાઈફ કેટલી હાર્ડ હોય છે એની તમને શું ખબર? ત્યાં એક એક શ્વાસ લેવાની કિંમત ચૂકવવી પડતી હોય છે અને ત્યાંના જીવનના કાયદા-કાનુન આપણા અત્યંત કડક હોય છે. બની શકે કે, બિચારું એ કાળિયાર જંગલનો કોઇ નિયમ નહીં પાળી શક્યું હોય અને એમાં એનું અવસાન થયું હોય. એમાં આટલી બધી હોહા તે કરાતી હશે?
પણ આપણે ત્યાં તો લોકોની દાનત જ એવી કે ન પૂછો વાત. લોકોથી સલમાન જેવા સજ્જન માણસની સફળતા અને એની સારપ સહન નથી થતી એટલે એને પાડવા માટે એની વિરુદ્ધમાં જાતજાતના કાવતરા કર્યા રાખે. અને ભઈલુને પરેશાન કર્યા રાખે. પણ એ કાવતરા કરનારાઓને શું ખબર કે, તેઓ ચાહે લાખ પ્રયત્ન કરી લે, પણ બિઈંગ હ્યુમન જેવું માનવતાવાદી અભિયાન ચલાવતા સજ્જન ખાનને તમારા કાવતરાથી ઊની આંચ પણ આવવાની નથી.
ચાલો કહો જોઈએ કે, બાન્દ્રાના હીટ એન્ડ રન કેસમાં પણ શું થયું? આખરે ચુકાદો તો સજ્જન ખાનની તરફેણમાં જ આવ્યો ને? ફુટપાથ પર સૂતેલા ગરીબ લોકો પર જે કાર ફરી વળેલી એ કાર ભલે સલમાન ખાનની હતી. પણ એ રાત્રે કાર કોઇ નહોતું ચલાવતું એ વાત પણ એટલી જ સાચી છે. ભાઈ તો એ કાર નહોતા જ ચલાવતા, પરંતુ એમાં કોઈ ડ્રાઈવર પણ નહોતો. એ રાત્રે ફૂટપાથ પર સૂતેલાં લોકો કચડાઈ મરેલા વાત સાચી, પરંતુ એમને કોઇએ કચડી નહોતા માર્યા એ વાત પણ એટલી જ સાચી છે. શું કહ્યું? તમે સ્વીકારો કે ન સ્વીકારો એનાથી ભાઈને કંઈ ફરક નથી પડતો. મોટા આવ્યા સલમાન ખાનને સજા કરાવવાવાળા!
અને પછી ગામ આખામાં જાતજાતની વાતો કરતા ફરે કે, અમને ચુકાદાથી અસંતોષ છે અને અમને ચુકાદો માન્ય નથી. ભાઈ, અમીરો માટે જુદો ન્યાય અને ગરીબોનો જુદો એવું કશું હોતું જ નથી. તમે ખોટી ફાંકાફોજદારી કરો છો. ભઈલુને ખોટી રીતે ફસાવવામાં આવ્યો છે અને એટલે જ દૂધ પાણીથી છલોછલ હતું તોય દૂધનું દૂધ અને પાણીનું પાણી થઈ ગયું છે. આનાથી વિશેષ અમારે કશું જ નથી કહેવું. બાકીનું સાનમાં સમજી જવું.
પ્રિય વાચકો,
હાલ પૂરતું મેગેઝીન સેક્શનમાં નવી એન્ટ્રી કરવાનું બંધ છે, દરેક વાચકોને જૂનાં લેખો વાચવા મળે તેથી આ સેક્શન એક્ટિવ રાખવામાં આવ્યું છે.
આભાર