વહાલા દીકરા રાહુલ
મેરે રાહુલબાબા,
આમ તો હું આ બધી વાતો તમને ફોન પર પણ કહી શકી હોત, પરંતુ કોણ જાણે કેમ આજે ઘણા દિવસે તમને લેટર લખવાનું મન થયું. મને થયું ચાલો બાબાને થોડી શિખામણ આપી દઉં અને પત્રના માધ્યમથી તમારા પ્રત્યેની મારી લાગણીઓ અને અપેક્ષાઓ વ્યક્ત કરું. બાબા, આ મહિને તમારો જન્મ દિવસ છે અને તમે 46 વર્ષના થશો. હવે તમારે માથે જવાબદારીઓ વધી જશે અને મીડિયાવાળાઓ તો અત્યારથી જ એ વાતને ધૂમાડો આપી રહ્યા છે કે, ‘તમને કોંગ્રેસ પ્રમુખ બનાવવાની તજવીજ હાથ ધરવામાં આવી છે!’
આમ તો મને અને તમને બંનેને ખબર છે કે, આજે નહીં તો આવતીકાલે ગમે ત્યારે તમે કોંગ્રેસના પ્રમુખ તો બનવાના જ છો. એ કંઈ એવી મોટી વાત નથી! વળી, મજાની વાત એ છે કે, તમે જ્યારે કોંગ્રેસના પ્રમુખ બનશો ત્યારે ન તો ચિદંબરમ અંકલ વિરોધ કરશે કે ન તો કપિલ સિબલ કે દિગ્વિજય અંકલ જેવા નેતાઓ કંઈ વાંધાવચકા કાઢશે. સિનિયોરિટી અને વર્ષોની લોયલ્ટીને હિસાબે કાયદેસર તો કોંગ્રેસના આ બધા નેતાઓએ ઉહાપોહ મચાવવો જોઈએ કે, ‘પક્ષને આટલા વર્ષો આપી દીધા હોવા છતાં અને પક્ષને આટલા બધા વફાદાર રહેવા છતાં અમને કોંગ્રેસનું કોઇ મહત્ત્વનું પદ કેમ નહીં?’ પણ આપણે ત્યાં અવળીગંગા વહે છે એટલે, કોંગ્રેસ કરતા ભાજપના નેતાઓ વધુ હોહા મચાવશે કે, ‘પક્ષમાં આટલા બધા અનુભવી અને હોશિયાર નેતાઓ હોવા છતાં રાહુલ ગાંધીને જ કેમ કોંગ્રેસના પ્રમુખ બનાવાયા?’ અથવા કેટલાક ભાજપી નેતાઓ એવી ટ્વિટ કરશે કે, ‘કોંગ્રેસમાં વંશવાદ પૂરબહારમાં…’
વાત તો એમની પણ સાચી છે દીકરા. આપણી પાસે પ્રણવ મુખર્જી, એન્ટની અંકલ, અહેમદ અંકલ, નટવર અંકલ, શશી ભૈયા, અંબિકા આંટી કે મીરા આંટી જેવા સક્ષમ, બુદ્ધિશાળી અને અનુભવી નેતાઓની ફોજ હોવા છતાં કોંગ્રેસમાં ગાંધી પરિવારના લોકો જ પ્રમુખ સ્થાને રહ્યા છે. અરે, પ્રિયંકા દીદી કે રોબર્ટ જીજુ તો રાજકારણમાં નથી તો પણ પક્ષમાં એમને ખૂબ મહત્ત્વ આપવામાં આવે છે!
જોકે, એ તો કોંગ્રેસના નેતાઓના સંસ્કાર જ કહેવાય કે, તેઓ ક્યારેય આપણા પરિવારની સામે બળવો નથી કરતા. જરા કલ્પના તો કરો કે, ધારોકે પક્ષના મોટા નેતાઓ આપણી વિરુદ્ધ બળવો કરે તો આપણી શું સ્થિતિ થાય? જોકે આપણા નસીબ સારા છે કે તેઓ એવું કશું નથી કરતા! આપણે એ સંસ્કારનો સુપેરે એડવાન્ટેજ લઈ લેવો જોઈએ. પણ, તમારામાં મને જે વાતની કમી મહેસૂસ થઈ છે તે એ જ વાત છે કે, તમારી આસપાસ આવા કદાવર નેતાઓ અને લોહીમાં હળાહળ રાજકારણ ભળ્યું હોવા છતાં તમે એ બધાનો યોગ્ય લાભ નથી લઈ શક્યા!
તમારી જ પેઢીના સચિન, જ્યોતિરાદિત્ય કે મિલિંદને જુઓ. એ લોકો કેટલા હોશિયાર છે! બોલવામાં કે ભાષણો ઠોકવામાં પણ એટલા જ ચપળ અને આંદોલનો કરીને એક લોકનેતા તરીકેની છાપ ઊભી કરવામાં પણ એટલા સફળ. રાજસ્થાનમાં પણ આપણા હાલ લોકસભા જેવા જ થયાં છે અને આજકાલ તો ત્યાં વસુંધરા રાજેના નામના સિક્કા પડી રહ્યા છે, પણ તોય સચિન પાઈલટને જુઓ. લોકસભાની ચૂંટણી હારી ગયા પછી સચિન તમારી જેમ વેકેશન પર નથી ચાલી ગયા, પરંતુ વસુંધરા રાજેની સરકાર સામે બાંયો ચઢાવીને બેઠા છે. રાજસ્થાનમાં જરા સરખી કાંકરી ખરે કે, તરત તેઓ સરકારને સાણસામાં લે છે અને ખેડૂતો કે નાના વેપારીઓ સાથે આંદોલન કરી નાંખે છે. આ કારણે હવે તો આપણા વિરોધીઓ પણ એવું માનવા માંડ્યા છે કે, કાલ ઊઠીને જો રાજસ્થાનમાં સત્તા પલટો થશે તો સચિન પાઈલટ જ ત્યાંના સીએમ બનશે.
મને વસવસો જ એ વાતનો છે કે, તમારી પાસે આટલી બધી તકો હોવા છતાં તમે એવી ઈમેજ કેમ નહીં બનાવી શક્યા? અરે, પ્રધાનમંત્રી તો ઠીક, થોડા દિવસો પહેલા પેલા પ્રશાંત કિશોરે તમને ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી તરીકે પ્રોજેક્ટ કરવાની અફવા ઊડાડી તોય લોકોએ ખીખિયાટી કાઢી! કેમ એવું થયું? તમે નેતા તરીકેની તમારી ઈમેજ ઊભી કરવામાં કેમ પાછા પડ્યાં?
પેલા જ્યોતિરાદિત્યને જુઓ. સંસદમાં તેઓ તમારી બાજુમાં જ બેસે છે ને? તમે ક્યારેય એ જોયું કે, તેઓ સંસદમાં તમામ ફેક્ટ્સ અને ફિગર્સ સાથે બોલે છે અને પૂરા આત્મવિશ્વાસ સાથે બોલે છે? જો એ લોકો બોલી શકતા હોય કે સક્ષમ લોકનેતા તરીકેની પોતાની ઈમેજ ઘડી શકતા હોય તો તમે કેમ રહી ગયા? આખરે કમી ક્યાં રહી ગઈ અમારી?
જુઓ, બાબા. એક વાત તો તમારે ગાંઠે બાંધી જ લેવાની છે કે, કોંગ્રેસમાં દબદબો હોવો અને દેશમાં દબદબો હોવો એ બંને જુદી વાત કહેવાય. કોંગ્રેસમાં ભલે આપણે વંશવાદને પ્રોત્સાહન આપતા હોઈશું, પણ દેશમાં જો વંશવાદનો કૈફ રાખવા જઈશું તો આવતી લોકસભામાં 44 સીટ પણ નહીં મળે! જો સફળ થવું હોય અને કોંગ્રેસને સત્તામાં લાવવી હોય તો હવે જૂની પ્રચાર પદ્ધતિઓના નામનું નાહી મૂકવું પડશે. નવા જમાના સાથે હવે કંઈક નવી પદ્ધતિ અપનાવો અને કંઈક નવી રીતે તમારી ઈમેજ ઘડો. કોઇ પણ ઘટના કે આંદોલનમાં કૂદી પડો એ પહેલા જે-તે ઘટના કે આંદોલનનો પૂરતો અભ્યાસ કરો અને સત્તાપક્ષને કઈ કઈ રીતે સાણસામાં લઈ શકાય એ માટેની રણનીતિ બનાવો. ગુસ્સામાં આવીને આપણી જ યોજનાઓના કાગળો ફાડી નાંખો એ સારું નહીં લાગે. અને ઈમેજ મેકિંગનું બધુ કામ જાતે કરો. એજેન્સીઓ પરનો આધાર ઓછો રાખો. નહીંતર ક્યારેય વડાપ્રધાન નહીં થઈ શકો.
આમ તો દીકરા, દસ જનપથથી સેવન રેસકોર્સ વચ્ચેનો રસ્તો ટૂંકો જ છે અને ગાડીમાં બેસીને ત્યાં ગણતરીની મિનિટોમાં પહોંચી શકાય છે. પરંતુ જો જંગી લોકમત સાથે ત્યાં પહોંચવું હોય તો એના માટે વર્ષોના વર્ષો નીકળી જાય છે! કારમાં બેસીને તો તમે ત્યાં બહુવાર પહોંચ્યા છો, પણ હવે જંગી લોકમત સાથે પહોંચો એવી મારી આશા છે.
બાકી, મીડિયામાં ભલે કાગારોળ મચતી. મીડિયાવાળાઓને પણ ખબર જ છે કે, આજે નહીં તો કાલે, ગમેત્યારે, કોંગ્રેસનો તાજ તો તમારે માથે જ છે. તો ચાલોને અત્યારથી જ બૂમરાણ મચાવી દઈએ કે, જૂનમાં રાહુલ ગાંધીને કોંગ્રેસના પ્રમુખ બનાવાશે! એ બહાને આપણને જે ટીઆરપી મળી એ! પણ દીકરા તમારે મારી કેટલીક સલાહ માનવી પડશે. નહીંતર તમે ક્યારેય વડાપ્રધાન નહીં બની શકો. આમ તો સામાન્ય રીતે દરેક માને એવી ઈચ્છા હોય છે કે, એ પોતાના દીકરાના સંતાનોને રમાડીને જાય. પણ મારી ઈચ્છા એવી છે કે, તમારા સંતાનો ભલે રમાડવા મળે કે ન મળે, પણ મારે તમને ભારતના વડાપ્રધાન તરીકે જોવા છે. આ માટે તમારે માત્ર થોડી જ મહેનત કરવાની છે. બાકીનું કામ તો કોંગ્રેસના અન્ય બૌદ્ધિક નેતાઓ કરી જ રહ્યા છે. તો બસ, એ મહેનત દિલથી કરો અને પપ્પુ તરીકે ઓળખાતા તમે ભવિષ્યના વડાપ્રધાન તરીકેની તમારી ઈમેજ ઊભી કરો.
એ જ તમારી,
મમ્મા.
પ્રિય વાચકો,
હાલ પૂરતું મેગેઝીન સેક્શનમાં નવી એન્ટ્રી કરવાનું બંધ છે, દરેક વાચકોને જૂનાં લેખો વાચવા મળે તેથી આ સેક્શન એક્ટિવ રાખવામાં આવ્યું છે.
આભાર