ભાજપઃ કાશ્મીરમાં મહેબૂબાની મીંદડી
આમ તો આપણે ત્યાં મીયાંની મીંદડી જેવો શબ્દ પ્રયોગ થાય છે પરંતુ જમ્મુ અને કાશ્મીરમાં આજકાલ મીયાં કરતાં મહેબૂબાનું વધુ ચાલે છે એટલે મીયાંની જગ્યાએ મહેબૂબાનો પ્રયોગ કરવો પડ્યો. તાજેતરમાં ઘટેલી એક ઘટનાને કારણે ફરી ભાજપના એજન્ડા અને ચૂંટણી ટાણે કરેલા વાયદા પર સવાલ ઊભા થયા છે. જોકે, દેશનાં દસ રાજ્યોમાં દુકાળની સ્થિતિ છે અને માણસો તેમજ પ્રાણીઓ પાણીના એક એક ટીપા માટે વલખાં મારી રહ્યાં છે ત્યારે ‘અચ્છે દિન’ની લોલીપોપની વાત હાલ પૂરતી ભૂલી જ જઈએ. પરંતુ કાશ્મીરની વાત કરીએ તો 2014માં દેશ આખામાં ચૂંટણી સભાઓ સંબોધતી વખતે મોદીએ કાશ્મીરના બે બંધારણની આકરી ટીકા કરેલી અને એક દેશ એક બંધારણની વાતો કરીને 370 કલમને દૂર કરવાની વાત કરેલી. દુઃખની વાત એ છે કે, આપણા આદરણીય વડાપ્રધાને બહુમતી સાથે સત્તા પર આવ્યા પછી 370ની કલમ બાબતે કોઈ પગલાં તો નહીં જ લીધાં પરંતુ કાશ્મીરનો મુદ્દો કોઈ બીજા દેશની સમસ્યા હોય એમ વર્તી રહ્યા છે.
ચાલો ભાઈ એ પણ ચલાવી લઈએ. રાજકારણીઓનો તો મુખ્ય વ્યવસાય જ ખોટા વાયદાઓ કરીને પ્રજાને પાનો ચઢાવવાનો હોય છે. વળી, પાનો ચઢાવવામાં આપણા વડાપ્રધાનને ગુજરાતનાં તેર વર્ષોનો પણ અનુભવ છે. એટલે સ્વાભાવિક છે તેઓ અન્ય નેતાઓ કરતાં થોડું વધારે બોલી જાય અને લોકોને અને લોકોને થોડા વધુ ચગાવે. પરંતુ જ્યારે દેશની વાત આવતી હોય છે, ત્યારે રાજકીય બોલ બચ્ચન નહીં ચાલે એટલે નહીં જ ચાલે.
જે વડાપ્રધાને કાશ્મીરના બે બંધારણનો વિરોધ કરેલો એ જ વડાપ્રધાન અને એમની સરકાર આજકાલ દેશમાં બે જુદા જુદા પ્રકારની અને વિરોધાભાષી નીતિઓ ચલાવી રહી છે. હજુ થોડા સમય પહેલા જ કેન્દ્રીય માનવસંસાધન મંત્રી સ્મૃતિ ઇરાનીએ પરિપત્ર કાઢેલું કે, દેશની તમામ કેન્દ્રીય યુનિવર્સિટીઓએ કેમ્પ્સમાં રાષ્ટ્રધ્વજ ફેલાવવું ફરજિયાત રહેશે. તો સરકારની સાથે ભાજપે પણ તાનમાં આવીને ‘ભારતમાતા ગૌરવ કૂચ’ કાઢીને દેશના સામાન્ય લોકોને દેશભક્તિના સર્ટિફિકેટ્સ આપવાનું શરૂ કર્યું. જોકે, સરકારના અને ભાજપના આ કાર્યક્રમો માત્ર મેદાની પ્રદેશો પૂરતા જ મર્યાદિત છે. કાશ્મીરની ઘાટીઓમાં ભલે એમની સરકાર હોય, પરંતુ ત્યાં આવો કોઈ પણ નિયમ-કાર્યક્રમ કે પરિપત્ર લાગુ પડતું નથી.
કદાચ એટલે જ હૈદરાબાદ સેન્ટ્રલ યુનિવર્સિટી અને JNUમાં થયેલા તથાકથિત ભારતવિરોધી નારા વખતે કનૈયા જેવા યુવાન પર તૂટી પડેલી સરકાર અને ભાજપને સમર્થન કરતા વકીલો અને ગૌરવ કૂચ કાઢી રહેલા દેશપ્રેમીઓ શ્રીનગર NITની ઘટના વખતે ભર ઉનાળે શીત નિદ્રામાં પોઢી ગયા છે.
અખબારી અહેવાલો જણાવી રહ્યા છે એ મુજબ ઘટના તો શ્રીનગરમાં પણ એ જ પ્રકારની ઘટી જેવી ઘટના હૈદરાબાદમાં અને JNUમાં ઘટેલી. ગયા સપ્તાહે વર્લ્ડ T-20માં વેસ્ટ ઇન્ડિઝે ભારતને હરાવ્યું પછી NITના કેટલાક વિદ્યાર્થીઓએ ભારતની હારનો જશ્ન મનાવેલો અને કેમ્પસમાં મીઠાઈઓ વહેંચીને ફટાકડા ફોડેલા. બિલકુલ JNUની જેમ જ કેટલાક દેશપ્રેમી વિદ્યાર્થીઓએ ભારતની હારનો જશ્ન મનાવી રહેલા વિદ્યાર્થીઓનો વિરોધ કર્યો અને વિરોધ પ્રદર્શનના ભાગરૂપે એમણે ‘ભારત માતા કી જય’નાં સૂત્રો પોકાર્યા. (વિદ્યાર્થીઓનાં સૂત્રો ખરા દિલથી પોકારાયેલાં અને પોતાના દેશના સમર્થનમાં બોલાયેલા. એ વિદ્યાર્થીઓએ અન્ય રાજકીય વિદ્યાર્થી સંઘોની માફક એમનું રાજકીય હિત જોઈને ભારતમાતાનો માધ્યમ તરીકે ઉપયોગ નહોતો કર્યો!)
જોકે, પહેલા દિવસે તો મામલો થાળે પડી ગયેલો પણ બીજા દિવસે ફરી ભારતનો વિરોધ કરી રહેલા ગદ્દારો અને દેશપ્રેમી વિદ્યાર્થીઓ આમનેસામને આવી ગયેલા અને એમની વચ્ચે ઝપાઝપી થઈ. મોટા પાયે મારામારી થવાને કારણે કેમ્પસમાં પોલીસની એન્ટ્રી થઈ અને પોલીસે રાબેતા મુજબની ધોલધપાટ કરી. જોકે, શ્રીનગર NIT વિવાદનું મૂળ જ પોલીસે આચરેલું કૃત્ય હતું કારણ કે, પોલીસે માત્ર ને માત્ર ‘ભારત માતા કી જય’ બોલાવનારા વિદ્યાર્થીઓને જ ફટકારેલા.
આ ઘટના પછી કનૈયાને ફટકારીને એના પર દેશદ્રોહનો કેસ કરનારી સરકારે પણ ઝાઝી પ્રતિક્રિયા નહીં આપી કે ન તો ગલી ગલીએ ફૂટી નીકળેલા પ્લાસ્ટિકિયા દેશપ્રેમીઓના પેટનું પાણી હાલ્યું. પાણી હાલે પણ ક્યાંથી? જો પાણી હલાવવા જાય તો શ્રીનગરમાં થીંગડાં મારીને રચાયેલી સરકારના પાયા પણ હાલવા માંડે અને બધી રાજકીય સાંઠગાંઠ ડામાડોળ થઈ જાય.
સ્મૃતિ ઈરાનીએ હજુ થોડા દિવસો પહેલા જ સંસદમાં નાટ્યાત્મક ભાષણ કરેલું અને પોતાની દેશભક્તિના સ્વમુખે ગુણગાન ગાયેલા. તો ઓનરેબલ મેડમ, કાશ્મીરની શૈક્ષણિક સંસ્થા તમારા તાબામાં નથી આવતી? કે પછી તમારા દેશપ્રેમની વ્યાખ્યામાં કાશ્મીર નથી બંધબેસતું? JNU વખતે જેવો શોરબકોર મચાવેલો એવો શોર મચાવવા તો અમે પણ નથી કહેતા પરંતુ શ્રીનગરની NITમાં જેમણે દેશવિરોધી નારા બોલાવ્યા છે અને દેશની ક્રિકેટ ટીમની હાર પર મીઠાઈ વહેંચીને જેઓ નાચ્યા છે, એમની ધરપકડ તો કરો અને વિદ્યાર્થીઓની જ શું કામ ભારતનું ખાઈને અને ભારતના કરોડોનાં પેકેજ ખાઈને ભારતને જ ભાંડતા અને કાશ્મીરની વાદીઓમાં ઉઘાડેછોગ ફરતા અલગતાવાદીઓ અને પાકિસ્તાનતરફીઓને પણ સીધાદોર કરો.
સ્મૃતિ ઇરાની અને કેન્દ્રીય ગૃહમંત્રી રાજનાથ સિંઘ તો ઠીક પણ યોગી આદિત્યનાથ, સાક્ષી મહારાજ અને સંઘ સંચાલક મોહન ભાગવત ક્યાં ગયા? તમારો દેશપ્રેમ પણ માત્ર કાશ્મીર ઉપરાંતનાં રાજ્યો પૂરતો જ મર્યાદિત છે? દેશ એટલો બધો વહાલો હોય તો ભાજપે કાશ્મીરમાં બીજે ક્યાંય નહીં પણ માત્ર શ્રીનગરમાં જ ભારતમાતા ગૌરવકૂચ કાઢવી જોઈએ. આખરે ‘વ્યક્તિ સે બડા દલ, દલ સે બડા દેશ’ની વિચારધારા માત્ર ગુજરાત પૂરતી જ શું કામ સીમિત રાખવી? ગુજરાતમાં જેમ તમારી સત્તા છે એમ કાશ્મીરમાં પણ તમે સત્તામાં ભાગીદાર છો જ ને? તો કાશ્મીરની પ્રજાને તમારી વિચારધારાની ભાગીદારીથી કેમ બાકાત રાખવાની?
પણ ભાજપ આમાંનું કશું નહીં કરે અને ન તો કેન્દ્રની સરકાર આ બાબતે કોઈ નક્કર પગલાં લે. પગલાં લેવાનાં હોત તો ક્યારનાંય લેવાઈ ગયા હોત. એના માટે મૂરત તો થોડાં કઢાવવાના હોય? પણ સત્ય એ છે કે, જેમ કોંગ્રેસ સોનિયા ગાંધીને પૂછ્યા વિના પાણી નથી પી શકતી, એમ કાશ્મીરમાં ભાજપ મહેબૂબાને પૂછ્યા વિના કશું કરી નથી શકતી. કશું કરવાની વાત તો ઠીક ભાજપથી મહેબૂબાની ઇચ્છા વિરુદ્ધનું કશું વિચારી પણ નથી શકાતું. એટલે જ કેન્દ્ર સરકારની દેશપ્રેમની વ્યાખ્યા જુદાં જુદાં સ્થળે જુદી જુદી છે.
પ્રિય વાચકો,
હાલ પૂરતું મેગેઝીન સેક્શનમાં નવી એન્ટ્રી કરવાનું બંધ છે, દરેક વાચકોને જૂનાં લેખો વાચવા મળે તેથી આ સેક્શન એક્ટિવ રાખવામાં આવ્યું છે.
આભાર