તપે ગુજરાત તો કંઈક શીખે ગુજરાત
આમ તો તડકાને અને પૂરને કોઇ સંબંધ નથી. વળી આ બંને બાબતો તો એક બીજાની સાવ વિરુદ્ધ કહેવાય કારણ કે, પૂર ત્યારે જ આવે જ્યારે ખૂબ વરસાદ પડ્યો હોય અને ખૂબ વરસાદ હોય તો સ્વાભાવિક છે કે, ત્યારે તડકો નહીં પડી શકે. પણ આ અઠવાડિયે ગરમીનો પારો 50 ડિગ્રી સુધી પહોંચ્યો અને ગુજરાતમાં ઠેરઠેર પૂર આવી ગયા. અરે ઘોડાપૂર જ કહોને! પૂરની સૌથી પહેલી અસર ઉપરવાસમાં થઈ. ઉપરવાસમાં એટલે કે, ફેસબુક પર! બુધવારે બપોર પછી જેવું તાપમાન 47-48 ડિગ્રીએ પહોંચ્યું એટલે ફેસબુક પર પાણીની જેમ સ્ટેટસ ઊભરાવાના શરૂ થયાં. શરૂઆતમાં બધાએ 'ઓઈ મા... હાઈલા કેટલો બધો તાઆઆઆઆપ...' લખીને પોતાની હૈયાવરાળ કાઢી તો કોઇક એમ વાત લાવ્યું કે, આ ગરમીમાં સેવાભાવી સંસ્થાઓએ ચિલ્ડ બિયરનું વિતરણ કરવું જોઈએ!
વળી, કલાકેક થયો ત્યાં તાપમાન 49 ડિગ્રીએ પહોંચ્યું એટલે પૂરના પાણી( સ્ટેટસ જ વળી!) હજુ ઊંચે ચઢ્યાં અને લોકોએ પોતાના મોબાઈલના સ્ક્રીનશૉટ લઈને ફેસબુક અપલોડ કરવાના શરૂ કર્યાં. સ્ક્રીન શૉટની સાથે પાછા પોતાના લૉકેશન પણ બતાવે અને સરાજાહેર કરે કે, પોતે બીચારો ફલાણી જગ્યાએ આટલા તાપમાં શેકાઈ રહ્યો છે. અને પછી તો થોડા જ સમયમાં તાપમાન 50 ડિગ્રીએ પહોંચ્યું એટલે પછી તો હાહાકાર મચી ગયો. તાપનો તાપ એટલો બધો હતો હતો કે, કંઈ કેટલાય લોકોની અંદર ક્યારનોય ટૂંટિયું વાળીને સૂતેલો કવિ અચાનક આળસ મરડીને ઊભો થઈ ગયો અને અનેક લોકોએ એકસાથે પાંચ-છ કવિતાઓ લખી નાંખી.
કેટલાક લોકોને વળી કવિતા સાથે ધરાર લેવાદેવા ન હતી, પણ કવિતામાં ટપ્પો નહીં પડે તો શું થયું? એમ કંઈ અભિવ્યક્ત થયાં વિના થોડું રહી શકાય? અભિવ્યક્ત તો થવું પડે ને યાર? આખરે કેટલાય વર્ષે ગરમીનો પારો પચાસ સુધી પહોંચ્યો છે. ફરી પાછો ક્યારે આ પારો પચાસ સુધી પહોંચશે એની શું ખબર? સુવર્ણ તક કહેવાય આ તો! એટલે પછી આવા લોકોએ એટલે કે, જેમને કવિતામાં રસ નથી એવા લોકોએ લલિત સ્ટેટસ હા, લલિત સ્ટેટસ લખ્યાં. કારણ કે, એમને એવો ધ્રાસ્કો હતો કે, લલિત નિબંધ લખવાની પળોજણમાં પડવા ગયા અને ક્યાંક નિબંધ લાંબો લખાઈ ગયો તો વખત ઘણો જશે અને એટલામાં સાંજ પણ થઈ જશે અને જો પારો ફટાક દઈને નીચે ઉતરી પડશે તો પોતાની અભિવ્યક્તિ સાંપ્રત નહીં રહે!
આ સાથે જ ફેસબુકના ઘોડાપૂરે પોતાના વહેણ બદલ્યાં અને વ્હોટ્સ એપ પર હલ્લાબોલ થયો. કેટલાય ક્રિએટિવ લોકોએ તડકા અને ગરમી લગતી પોતાની સ્વરચિત રચનાઓ ફોરવર્ડ કરી. તો કેટલાક લોકો એક કદમ ઓર આગે વધ્યાં અને ખ્યાતનામ કવિઓની રચનાઓમાં તાપ અને ગરમીને ફીટ કરીને ખ્યાતનામ રચનાઓની પેરોડી બનાવી. વળી, રજનીકાંત, સીઆઈડી અને આલિયા ભટ્ટ વર્ઝનના તાપ સંદર્ભના મેસેજ આવ્યા એ વધારાના!
આપણને લોકોની સર્જકતા સામે કોઇ વાંધો નથી. કે નથી એમની અભિવ્યક્તિ સામે કોઇ વિરોધ. અભિવ્યક્ત તો થવું જ જોઈએ અને અભિવ્યક્તિ એ આપણા સૌનો અધિકાર પણ છે. પરંતુ નાગરિક તરીકે આપણે અધિકારો ભોગવતી વખતે ઘણી વાર આપણી ફરજો અદા કરવાનું ચૂકી જઈએ છીએ. અને અમને વાંધો જ ત્યાં છે કે, આપણે આપણી ફરજો કેમ અદા નથી કરતા? કોઇને થશે એક તરફ આ ગરમી અટલી બધી પડી રહી છે ત્યાં આ બેન ફરજોની ક્યાં વાત લઈને બેઠા? અને આટલી બધી ગરમી પડી એ તો કુદરતનો વાંક એમાં ફરજો શાની ભ'ઈ?
પણ જરા જુદી રીતે વિચારીશું તો ખ્યાલ આવશે કે, નાગરિક તરીકે તો ઠીક પણ માણસ તરીકે આ ધરતી પ્રત્યે આપણી કેટલીક ફરજો છે. આપણે આ ધરતી પાસે ઘણી બધી વસ્તુઓ અધિકારપૂર્વક લીધી છે. તો કેટલીક બાબતો આ ધરતીની કે આપણા પર્યાવરણની પરવાનગી વિના આપણે એમની પાસે છીનવી લીધી છે. પ્રકૃતિના કેટલાક તત્ત્વોનો અધિકારપૂર્વક ઉપયોગ કરતી વખતે આપણે એ વિચાર નથી કરતા કે, આપણે આના બદલામાં પ્રકૃતિને કંઈક આપવું જોઈએ. આપણે એવોય વિચાર નથી કરતા કે, આવું કરવામાં ધરતીને કે પ્રકૃતિને કોઇ નુકશાન તો નથી થતું ને? શહેરો વિકસાવવાની લહાયમાં કે, શહેરોની રોનક વધે અને લોકોને ટ્રાફિકની સમસ્યાઓનો સામનો નહીં કરવો એની સગવડમાં રસ્તા પહોળા કરતી વખતે આપણે ધડાધડ વૃક્ષો કાપી નાંખીએ છીએ. પણ પછી એ જ રસ્તાની બંને બાજુ કે નગરમાં અન્ય જગ્યાએ ભવિષ્યમાં કદાવર થઈ શકે એવી જાતના વૃક્ષોની વાવણી કરતા નથી.
કોઇ વળી એમ કહેશે કે, વૃક્ષો રોપવાનું કામ તો ગ્રામપંચાયત કે કોર્પોરેશનનું છે. અમારું થોડું? આ ફરજ તો અમારી છે જ નહીં. તો એવાઓને મારે એમ કહેવું છે કે, જો કોર્પોરેશનના રસ્તાઓ પર તમે ટેસથી ગાડીઓ ફેરવતા હો તો પછી જ્યારે વૃક્ષોની રોપણીની વાત આવે ત્યારે આંખ આડા કાન નહીં કરવાના. શહેરના રસ્તાઓ પર જો માથે પગ મૂકીને ચાલતા હો તો વાત અલગ છે!
આમ તો આપણી પ્રકૃતિ પ્રત્યે કે ધરતી પ્રત્યે ઘણી ફરજો છે, પરંતુ હાલમાં ગરમીની વાત ચારેકોર છે તો આપણે ગરમી અને વૃક્ષો સંદર્ભની જ વાત કરીએ. અલબત્ત, અહીં અમારે એમ પણ નથી કહેવું કે, આ ઉનાળે જે આકરી ગરમી પડી એની પાછળનું કારણ માત્ર ને માત્ર વૃક્ષ છેદન છે. વાયુપ્રદુષણ પણ આ માટે ઘણું જવાબદાર છે. પણ આપણે સૌએ એ વાત તો સ્વીકારવી જ રહી કે, ગરમીના વધતા જતાં પ્રમાણના અનેક કારણોમાંનુ એક કારણ વૃક્ષોનો નાશ પણ છે. અને મજાની વાત એ છે કે, આપણે સૌ જો વૃક્ષો બચાવવાનો કે વૃક્ષો રોપવાનો નિર્ધાર કરી લઈએ તો આપણે પ્રકૃતિને અનેક રીતે મદદ કરી શકીએ છીએ. ખરું જોતાં આપણે આ મદદ પ્રકૃતિને નથી કરતા, પણ પરોક્ષ રીતે આપણને ખૂદને જ કરીએ છીએ, જેનાથી આપણી જમીનો ધોવાણથી અટકે છે, આપણને સારી માત્રામાં ઓક્સિજન મળે છે, વરસાદ સારો થવાની સંભાવનાઓ વધી જાય છે અને કંઈ નહીં તો આવા આકરા ઉનાળામાં એકાદું વિશાળ વૃક્ષ આપણને શીતળ છાંયડો તો આપે જ આપે.
આવા સમયે જો દરેક માણસ વર્ષમાં એક છોડ વાવે અને એની દેખરેખ રાખીને એને વૃક્ષની જેમ ઉછેરે તો અપણા નગરો કે ગામડા ખરા અર્થમાં નંદનવન થઈ જાય અને આપણને અને આપણી ધરતીને ઘણોબધો લાભ થઈ જાય. આમ તો વિશ્વ પર્યાવરણ દિવસ નજીક જ છે એટલે એ દિવસે તકનો લાભ લઈને આપણે સૌ એક વૃક્ષ વાવીવે અને આ બાબતે તો હરખપદૂડા થઈને આજકાલમાં જ એક છોડનું વાવેતર કરી દો તોય વાંધો નહીં. આખરે આપણો અલ્ટીમેટ ગોલ આપણી ધરતીને લીલી કરવાનો છે અને ધન્ય કરવાનો જ છે. શું કહો છો?
પ્રિય વાચકો,
હાલ પૂરતું મેગેઝીન સેક્શનમાં નવી એન્ટ્રી કરવાનું બંધ છે, દરેક વાચકોને જૂનાં લેખો વાચવા મળે તેથી આ સેક્શન એક્ટિવ રાખવામાં આવ્યું છે.
આભાર