કેવી રહેશે ગુજરાત વિધાનસભાની આગામી ચૂંટણી?

23 Jul, 2016
12:05 AM

mamta ashok

PC:

ગુજરાત વિધાનસભાની આગામી ચૂંટણી અત્યંત રસપ્રદ રહેવાની છે એ વાત અત્યારથી છાતી ઠોકીને કહી શકાય છે. 2017ની ચૂંટણી બાદ ગાંધીનગરની ગાદીએ કોણ બેસસે એ બધી બાબતો વિશે અત્યારથી ભલે આપણે જો અને તોની આગાહીઓ નહીં કરીએ પણ આગામી વિધાનસભાની ચૂંટણીમાં ઉત્તરપ્રદેશ અને બિહાર જેવી હોંશાતોંશી સર્જાશે એટલું જરૂર કહી શકીએ. છેલ્લી બે-ત્રણ ચૂંટણીથી ગુજરાતમાં એવું બનતું કે, ગુજરાતની પ્રજા અને રાજકીય વિશ્લેષકો એક બાબતે સ્પષ્ટ રહેતા કે, ગુજરાતમાં સરકાર તો ભાજપની જ આવશે. આ કારણે રાજકીય વિશ્લેષકો બાપડા એવી ચર્ચા કરતા કે, વિધાનસભામાં કોંગ્રેસને પચાસેક બેઠકો મળશે કે નહીં? અથવા ફલાણી જગ્યાએ વરસોથી કોંગ્રેસને સફળતા મળે છે ત્યાં ભાજપ જીતી શકશે કે નહીં? આવી ચર્ચાઓને કારણે કેટલાય પંચાતિયાઓનો રાજકારણમાંથી રસ પણ ઉડી ગયેલો!

એમાંય ગુજરાતના રાજકારણમાં નરેન્દ્ર મોદીની એન્ટ્રી થયાં પછી તો ચૂંટણીઓ દરમિયાન જો અને તોની આગાહીઓ કરનારાઓની દુકાન સાવ બંધ થઈ ગયેલી. કારણ કે મોદીની અસરને કારણે ગુજરાતની કોઇક બેઠક પર માણસની જગ્યાએ પથ્થરને પણ ઊભો રાખવામાં આવે તો એ જીતી જશે અને ભાજપ બહુમતીમાં સરકાર બનાવશે એ બાબતે સૌ કોઇ ક્લિયર રહેતા. પરંતુ મોદી દિલ્હી ગયા પછી ગુજરાતના રાજકારણમાં ધરખમ પરિવર્તનો આવ્યા અને જે કોંગ્રેસને ગુજરાતમાં કોઇ ગણકારતું નહોતું એ કોંગ્રેસની હાજરીની આજકાલ સૌ કોઇ નોંધ લઈ રહ્યા છે. કોંગ્રેસના બીજા નેતાઓ વિશે કશું નહીં કહીએ તો એક વાત સ્વીકારવી જ રહી કે, મોદીના રાજ દરમિયાન સાંસદ બનીને દિલ્હી પહોંચેલા અને પછી હાંસિયામાં ધકેલાઈ ગયેલા શંકરસિંહ બાપુ ફિનિક્સ પક્ષીની જેમ ફરી બેઠા થઈ રહ્યા છે અને ગુજરાતના એક સશક્ત નેતા તરીકેની એમની ઈમેજ ઊભી કરવામાં સફળતા મળેવી રહ્યા છે.

આ જોતા કોંગ્રેસ જો શંકરસિંહ વાઘેલાને મુખ્યમંત્રી પદના ટનાટન ઉમેદવાર તરીકે પ્રોજેક્ટ કરશે તો ભાજપ બ્રિગેડ માટે મથામણ તો ઊભી થશે જ થશે. કારણ કે, ગુજરાતમાં કોંગ્રેસની લોકપ્રિયતા ભલે ઓછી હોય, પરંતુ બાપુની લોકપ્રિયતાનો આલેખ ઘણો ઊંચો છે. વળી, મોદીના ગયા પછી ગુજરાતની પ્રજા એમના જેવા જ કોઈ સક્ષમ અને લોકપ્રિય મુખ્યમંત્રીની શોધમાં છે, અને બાપુની સક્ષમતા વિશે ગુજરાત માહિતગાર છે. વળી, આનંદીબેનની સરકારની સામે એન્ટી ઈન્કમ્બન્સી પણ જોવા મળી રહી છે, જેનો લાભ વાયા શંકરસિંહ બાપુ કોંગ્રેસને મળી શકે છે.

આનંદીબેન સરકાર પ્રત્યેની એન્ટી ઈન્કમ્બન્સી અને બાપુના વધી રહેલા કદ ઉપરાંત અરવિંદ કેજરીવાલનો પક્ષ 'આમ આદમી પાર્ટી' પણ ગુજરાતમાં માથુ ઉંચકી રહ્યો છે. મગને પગ ઊગી રહ્યા છે વાળી કહેવત હાલમાં 'આપ' વિશે વાપરી શકાય છે. એ વાત સાચી કે, હજુ આ પક્ષે ગુજરાતમાં જોઈએ એટલા મૂળિયાં મજબૂત નથી કર્યાં, પરંતુ કેજરીવાલ અને એમની ક્ષમતાઓને અવગણીને ચૂંટણીની રણનીતિ તૈયાર કરવી અન્ય પક્ષો માટે મોટી ભૂલ સાબિત થઈ શકે છે. કારણ કે, આ જ કેજરીવાલે દિલ્હીમાં બે વખત સરકાર બનાવી છે, જ્યાં બીજી વખત તો દેશભરમાં મોદી લહેર વ્યાપેલી હતી અને સર્વત્ર 'મોદી... મોદી...' થઈ રહ્યું હતું ત્યારે એમણે દિલ્હી વિધાનસભામાં ભાજપને માત્ર ત્રણ ધારાસભ્યો સુધી સીમિત કરી નાંખ્યું હતું.

ગુજરાતમાં આપ પાસે કનુભાઈ કલસરિયાને બાદ કરતા કોઇ જાણીતો ચહેરો નથી અને કનુભાઈ કંઈ શંકરસિંહ બાપુ, આનંદીબેન કદના નેતા નથી કે તેઓ ગુજરાતમાં આપને દિલ્હી જેવી સફળતા અપાવી શકે. પરંતુ અત્યારથી જે રીતે અરવિંદ કેજરીવાલના ગુજરાતમાં આંટાફેરા વધી ગયા છે તે એ બાબત તરફ સ્પષ્ટ ઈશારો કરે છે કે, આમ આદમી પાર્ટી યોગ્ય રીતે રેકી કરીને ગુજરાતની ચૂંટણીમાં કૂદવાની છે, જેના કારણે ચૂંટણી દરમિયાન રસાકસી અને ત્રણેય પક્ષો વચ્ચે તડાતડી તો થવાની જ થવાની.

વળી, અમારી છઠ્ઠી ઈન્દ્રિય તો અમને એમ કહી રહી છે કે, ગુજરાતમાં ભાજપને સત્તાથી દૂર કરવા માટે આપ અને કોંગ્રેસ ચૂંટણી પહેલા એમનું ગઠબંધન જાહેર કરશે અથવા પોતપોતાની રીતે ચૂંટણી લડીને પરિણામો બાદ સત્તા મેળવવા ગઠબંધન કરશે. જો ચૂંટણી પહેલા આવું કોઈક ગઠબંધન જાહેર કર્યું તો ચૂંટણીની રસપ્રદતા એની ચરમસીમાએ પહોંચશે અને નરેન્દ્ર મોદી એમના તમામ વિદેશપ્રવાસો કેન્સલ કરીને પ્રચાર માટે ગુજરાત ભેગા થઈ જશે.

ખૈર, સરકાર જેની બને એની પણ જે સરકાર બને એ કોઇ પણ ટેકા વિના બહુમતીની સરકાર હોવી જરૂરી છે. જ્યારે જ્યારે ટેકા લેવાયા છે ત્યારે ભ્રષ્ટાચાર અને સિસ્ટમ ખાડે ગઈ છે. એના ઉદાહરણ પણ આપણને યુપીએ સરકારના ઉદાહરણ દ્વારા મળ્યા જ છે. ટેકાની સરકાર બને છે ત્યારે મુખ્યમંત્રીએ કે સત્તાપક્ષના ઘણા સારા નેતાઓએ ગાંધારીની જેમ આંખે પાટા બાંધી દેવા પડતા હોય છે. એટલે ગઠબંધનની સરકાર ન બને એ જ ગુજરાતની પ્રજા માટે લાભદાયી છે. બીજી તરફ એ બાબત પણ સ્વીકારવી રહી છે, 2017ની ચૂંટણી બાદ મજબૂત સરકાર મળે કે ન મળે, પણ મજબૂત વિરોધપક્ષ, સોરી વિરોધપક્ષો જરૂર મળશે.

પ્રિય વાચકો,

હાલ પૂરતું મેગેઝીન સેક્શનમાં નવી એન્ટ્રી કરવાનું બંધ છે, દરેક વાચકોને જૂનાં લેખો વાચવા મળે તેથી આ સેક્શન એક્ટિવ રાખવામાં આવ્યું છે.

આભાર

દેશ અને દુનિયાના સમાચારથી માહિતગાર થવા તેમજ દરેક અપડેટ સમયસર મેળવવા ડાઉનલોડ કરો Khabarchhe.com એપ અને ફોલો કરો Khabarchhe.com ને સોશિયલ મીડિયા પર.