રોગમાં હું શરદી છું....
શરદી દુશ્મનને પણ નહીં થાય એવી પ્રાર્થના સાથે આ લેખની શરૂઆત કરીએ. કારણ કે, સર્વરોગોમાં આપણને સૌથી પ્રતાડિત કરતો જો કોઇ રોગ હોય તો આ શરદી છે. વિ૦ધિની વક્રતા એ છે કે, આ શરદી એવી બીમારી છે કે, એમાં આપણે નથી તો નિરાંતે આરામ કરી શકતા કે નથી આરામથી કામ થઈ શકતું. 'મને શરદી થઈ છે.' એવું કારણ આપીને ઓફિસમાં પણ ગુલ્લી મારીએ તો બોસ આપણને તતડાવી નાંખે કે, આ શરદી જેવી સાવ સામાન્ય વાતમાં તમે રજા લ્યો છો? નકામો ડોળ નહીં કરો અને આવી જાવ સીધા સીધા ઑફિસ!'
બધાને એમ જ લાગે કે, શરદી જેવી બીમારી એટલે તો ચાય કમ પાની. એમાં કંઈ એટલું બધુ મગજ ઘસવાનું હોય? પણ સાહેબ, એ તો જેને શરદી થાય એને જ ખબર હોય કે, શરદી થાય ત્યારે શું થાય અને શરદી માણસને કેવા કેવા રંગ બતાવે. અમારા જેવાઓને તો શરદી થઈ હોય અને ક્યાંક બહાર જવાનું કહેવામાં આવે કે ઑફિસમાં પાંચ માણસની વચ્ચે પ્રેઝન્ટેશન આપવાનું કહેવામાં આવે તો કુરુક્ષેત્રના મેદાનમાં કૌરવભાઈઓ અને સંબંધીઓને જોઈને અર્જુનના ગાત્રો થીજી થયેલા એમ અમારા ગાત્રો થીજી જાય. એક બાજુ આપણી જાણ બહાર શરરરરરર... શરરરરરર...નો અવાજ આવતો રહે અને બીજી બાજું શરદીને અટકાવવા રૂમાલ નાક સાથે રગડતા રહીએ એટલે નાકની પત્તર રગડાઈ જાય એ વધારાની! આપણે ગમે એટલું ઢાંકીએ પણ, મૂઉં છોલાયેલું નાક છાપરે ચઢીને બાંગ પોકારતું રહે કે, 'અરે, જરા આ તરફ જુઓ, આ નાકમાં શરદીનું સામ્રાજ્ય છે.'
શરદી થાય ત્યારે બીજો સૌથી મોટો ત્રાસ એ કે, આપણે કેટલાક શબ્દોનું ઉચ્ચારણ ધરાર ખોટું કરીએ. નાના છોકરાને જેમ બોલવામાં તકલીફ પડે અને એની કાલીઘેલી ભાષામાં અસ્પષ્ટ ઉચ્ચારણો કરે એમ શરદીનો દર્દી બોલતી વખતે જાપાનની જગ્યાએ ચીન પહોંચી જતો હોય છે. બોલવામાં થતાં છબરડાંને કારણે બાપડો દર્દી અનેક લોકોની હાંસીનું પાત્ર બને એ વધારાનો!
શરદી બાબતનું ચિંતન કરીએ ત્યારે આપણને વિચાર આવે કે, સામાન્ય માણસ તરીકે આપણે તો આ શરદી નામની બલાથી તોબા પોકારી જ જઈએ છીએ, પણ મોટી હસ્તીઓને શરદી થાય ત્યારે તેઓને ત્રાસ નહીં થતો હોય? આઈન્સ્ટાઈનને એમના જીવનમાં શરદી થઈ હશે ખરી? અને થઈ હશે તો શરદીએ આઈન્સ્ટાઈનને કઈ રીતે પજવ્યા હશે? એક તો એમના કામમાં ભયંકર એકાગ્રતાની જરૂર પડતી હોય છે, અને શરદી એવી બાબત છે કે, કોઇ અપ્સરાની જેમ એ સતત આપણું ધ્યાનભંગ કરતી રહે અને આપણી એકાગ્રતા તોડતી રહે. ત્યાં કોઈક પ્રયોગ કરતી વખતે કે, થિયરી વિશે મગજ ઘસતી વખતે આઈન્સ્ટાઈનને શરદી થઈ હોય તો એમનું ધ્યાન ભંગ નહીં થયું હોય? જોકે આઈન્સ્ટાઈન મહાન જ એટલે છે કે, એમણે આવા શરદી-તાવની ક્યારેય પરવા નથી કરી અને શરદીના અસહ્ય ત્રાસ વચ્ચે પણ એમનું કામ ચાલું રાખ્યું. આપણા જેવા હોય તો વિક્સ ઘસી ઘસીને થાકી જઈએ અને એકસાથે દસ ઉપચાર કરી નાંખીએ. બધા કામો કોરે મૂકીને આપણું બધું ધ્યાન શરદીમાં એ રીતે કેન્દ્રિત કરી દઈએ કે, ઘણી વખત તો એમ જ લાગે કે, આપણો જન્મ જ શરદી મટાડવા થયો છે! એવું લાગે આ શરદીને મટાડવું એ જ આપણા અસ્તિત્વનો અર્થ છે! જો સમયસર શરદી નહીં મટાડી શક્તા તો આ ફેરો નિષ્ફળ ગણાય!
જો કે લાખ પ્રયત્ન કર્યા બાદ અને સમગ્ર અસ્તિત્વ એમાં ઓગાળી દીધા બાદ પણ શરદી સાલી મટતી જ નથી અને આપણે દરેક પ્રયત્ને અસફળ રહીએ છીએ. એક શરદીની પાછળ આટલું બધું કરવામાં આપણે આપણા કામ-ધંધામાં પણ ધ્યાન આપી શકતા નથી અને અંતે બાવાના બેઉ બગડે છે! ન તો આપણે શરદી મટાડી શકીએ કે, ન આપણે આપણું કામ યોગ્ય રીતે કરી શકીએ, જેને કારણે ઓફિસથી લઈને ઘર સુધી તમામ જગ્યાએ આપણું નીચાજોણું થાય અને બૉસ અને સાસુ જેવા વિચિત્ર પાત્રોના બે શબ્દો સાંભળવા પડે એ વધારાના!
શરદીનું એક બીજું લક્ષણ એ છે કે, શરદી વધુ પ્રમાણમાં થઈ હોય અને મગજનું દહીં થયું હોય તો માણસ અનાસક્ત બની જાય છે. ભલભલો લોભીયો એનો લોભ મટાડવાનો ચાહે લાખ પ્રયત્ન કરે તોય એ એના મિશનમાં સફળ થતો નથી. પણ જો એક સદનસીબે એને એકાદવાર શરદી થઈ જાય તો જીવનમાંથી એને અચાનક રસકસ ઊડી જાય અને એ લોભીયો રાતોરાત 'રામ રાખે એમ રહીએ ઓધવજી...' ગાતો થઈ જાય. કંઈ ગમે જ નહીં ને શરદી થઈ હોય ત્યારે! જોકે ઈશ્વરો જરૂર શરદીથી પર રહ્યા હોવા જોઈએ અને ઈશ્વરને શરદી ન જ થતી હોવી જોઈએ. બાકી, ઈશ્વરને શરદીનો ત્રાસ થતો હોત તો કુરુક્ષેત્રમાં ભગવાને અર્જુનને ગીતા સંભળાવતી વખતે જે યાદી આપી હતી એમાં ભગવાને જરૂર કહ્યું હોત કે, 'રોગમાં હું શરદી છું...' પણ ભગવાને એવું કશું નહીં કહ્યું એટલે આપણે એમ સમજી જવાનું કે આ શરદીના રોગને માત્ર ને માત્ર મૃત્યુલોકનું જ લાયસન્સ આપ્યું છે અને એ પણ માત્ર આપણા માટે જ!
પ્રિય વાચકો,
હાલ પૂરતું મેગેઝીન સેક્શનમાં નવી એન્ટ્રી કરવાનું બંધ છે, દરેક વાચકોને જૂનાં લેખો વાચવા મળે તેથી આ સેક્શન એક્ટિવ રાખવામાં આવ્યું છે.
આભાર