શીલાને ઉમેદવાર બનાવ્યા બાદ કોંગ્રેસના પૈસા વસૂલ

16 Jul, 2016
12:05 AM

mamta ashok

PC:

ઉત્તરપ્રદેશ વિધાનસભાની ચૂંટણી માટે કોંગ્રેસે પ્રશાંત કિશોર જેવા મોંઘાદાટ રણનીતિકારને રોકવા પડે એટલે કોંગ્રેસનું કેટલી હદે ધોવાણ થયું હશે એ વિશે વિચારી શકાય છે. દેશમાં કોંગ્રેસની આ સ્થિતિ જોઈને સંજય ગાંધી, ઈન્દિરા ગાંધી અને રાજીવ ગાંધી ઉપર બેઠાંબેઠાં માથે હાથ દઈને રડતા હશે કે, ક્યાં અમે આખા દેશના તમામ રાજ્યોમાં શાસન કરતા અને ક્યાં આ મા-દીકરા એક પછી એક રાજ્યોમાંથી ડાયરા સમેટી રહ્યા છે! અને આટલું ઓછું હોય એમણે ચૂંટણી જીતવા માટે ભાડાના માણસો રાખવા પડે છે!

જોકે ઉત્તરપ્રદેશ વિધાનસભા માટે પ્રશાંત કિશોરને રોક્યા પછી કોંગ્રેસના પૈસા પાણીમાં નહીં જ જાય એ વાત નક્કી છે. કોંગ્રેસે પ્રશાંત કિશોર પાછળ ખર્ચેલો એક એક રૂપિયો કોંગ્રેસના ખપમાં આવવાનો છે. બોલો કેવી રીતે? તો ભાઈ, આપણે બધા એ જાણીએ જ છીએ કે, ઉત્તરપ્રદેશમાં કોંગ્રેસ છેલ્લા અઢી દાયકા ઉપરના સમયથી સત્તાથી બહાર છે. ચાલો ભાઈ સત્તાથી બહાર હોવું એ કંઈ મોટી વાત નથી, રાજકારણમાં તો સત્તા ને વિપક્ષ ને એવું બધું ચાલ્યા કરે. પણ મહત્ત્વનું એ છે કે, ઉત્તરપ્રદેશમાં કોંગ્રેસ ચોથા સ્થાને છે. પહેલા ત્રણ સ્થાન સપા, બસપા અને ભાજપે કબજે કર્યા છે અને ત્યાર પછી કોંગ્રેસનો ક્રમ આવે છે.

વળી, પાછલા વર્ષોમાં કોંગ્રેસે ઉત્તરપ્રદેશમાં એવું કોઇ મહત્ત્વનું કામ પણ નથી કર્યું કે નથી ત્યાં કોંગ્રેસને નામે કોઇ વિવાદ થયાં કે આપણે કોંગ્રેસ પર થોડોઘણો પણ મદાર રાખી શકીએ. લોકસભાની ચૂંટણીઓમાં ભાજપ બાજી મારી ગયું અને રાહુલ ગાંધી જ્યાંથી જીતીને આવે છે એ અમેઠીમાં પણ સ્મૃતિ ઈરાનીને કારણે ટેન્શન સર્જાયેલું.

રાજ્યના નાના પક્ષોની પણ કોંગ્રેસ કરતા વધુ ચર્ચા થતી રહેતી હોય એવી સ્થિતિ સર્જાયેલી હોય ત્યારે કોંગ્રેસ યુપીની સત્તા પર આવે તો પરીકથા જેવું જ લાગે. અલબત્ત, રાજકારણમાં કોઇ ચોક્કસ આગાહી કરી શકાય નહીં. કહેવાતી મોદી લહેર વચ્ચે દિલ્હીમાં અરવિંદ કેજરીવાલ અને બિહારમાં નીતિશ કુમારે પોતપોતાના રાજ્યોમાં સત્તા મેળવી હતી અને લહેરોને ફૂંક મારીને દૂર કરી દીધી. જોકે એ વાત સ્વીકારવી જ રહી કે, મોદી લહેર વચ્ચે પણ કેજરીવાલ કે નીતિશ કુમારના અસ્તિત્વને નકારી શકાતું નહીં, પરંતુ અહીં તો એવી સ્થિતિ છે કે, કોંગ્રેસ કોઇની ગણતરીમાં સુદ્ધાં નથી.

સત્તા તો ઠીક વિરોધપક્ષ બનવાના ઠેકાણા નહીં હોય ત્યારે સત્તાના સપનાં જોવા એ પોતાની જાતને મુંગેરીલાલ સાબિત કરવા જેવી જ વાત છે. અને આ વાત કોંગ્રેસ પણ સુપેરે જાણે છે. પણ ઉત્તરપ્રદેશની ચૂંટણીના પડધમ વાગે એ પહેલાથી કોંગ્રેસમાં શોરબકોર શરૂ થઈ ગયેલો કે, આ વખતે પ્રિયંકા ગાંધીને મુખ્યમંત્રીપદના ચહેરા તરીકે મેદાનમાં ઉતારો. કોંગ્રેસના નેતાઓ જ નહીં, કોંગ્રેસના ગણ્યાંગાંઠ્યાં સમર્થકો પણ આ જ માગણી કરી રહ્યા હતા, જેને કારણે ગાંધી પરિવાર પર ઘણું પ્રેશર થઈ રહ્યું હતું.

બીજી તરફ ગાંધી પરિવાર એ વાતે પૂરી તરહ વાકેફ હતો કે, હવે કૂવામાં જ પાણી નથી તો હવાડામાં ક્યાંથી આવવાનું? આ પહેલા પણ અન્ય રાજ્યોમાં રાહુલ ગાંધીના નેતૃત્વમાં કોંગ્રેસ હારનો સામનો કરી ચૂકી છે, જેને કારણે રાહુલ ગાંધી અને સમગ્ર ગાંધી પરિવાર ઘણો વગોવાયો હતો. આ તો જે રાજ્યોમાં જીતી શકાય એવી સ્થિતિ હતી ત્યાંની વાત છે તો ઉત્તરપ્રદેશમાં તો કોઇ પાણીનુંય પૂછવા રાજી નહીં હોય ત્યાં પ્રિયંકા ગાંધીને ક્યાં મેદાનમાં ઉતારવાના? આ તો હાથે કરીને મુશ્કેલી વહોરવાનું થાય અને પ્રિયંકા ગાંધીએ કરારી હાર સાથે પોતાની રાજકીય કારકિર્દીની શરૂઆત કરવી પડે એ નફામાં.

જોકે આ બધી ચિંતા ચાલતી જ હતી ત્યાં પ્રશાંત કિશોર કોંગ્રેસની મદદે આવ્યા અને ચુનાવી રણનીતિને બહાને શીલા દિક્ષિતને હોળીનું નાળિયેર જાહેર કરી દીધા, જેથી કોંગ્રેસ જીતશે તો ઘોડો વિનમાં જ રહેશે, પણ હારશે તો ગાંધી પરિવારનું નાક બચી જશે! ઈનશોર્ટ કોંગ્રેસે આ વખતે ઉત્તરપ્રદેશને જીતવા નહીં, પણ ગાંધી પરિવારની શાખ બચાવવા પ્રશાંત કિશોરને રોક્યા છે!

શીલા દિક્ષિતને ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી પદના ઉમેદવાર જાહેર કરીને પણ પ્રશાંત કિશોરે સ્માર્ટનેસ દાખવી છે. એક તો શીલા દિક્ષિત બ્રાહ્મણ છે અને ઉત્તરપ્રદેશમાં જાતિવાદનું રાજકારણ રમાય છે એ બહાને જો મેળ પડે તો બ્રાહ્મણોના મત ઝબ્બે કરી શકાય અને થોડી ઘણી બેઠકો પર કબજો કરી શકાય અને ધારો કે શીલા દિક્ષિત નામનું તીર તુક્કો સાબિત થયું તો શીલા દિક્ષિત હવે રાજકારણમાં રહે કે ન રહે એનાથી ઝાઝો ફરક પડવાનો નથી. એટલે બગાસા ખાઈને મોંમા પતાસા પાડવાની જ આ રમત છે.

આ બધામાં શીલા દિક્ષિતની ગાંધી પરિવારની ભક્તિને દાદ દેવી રહી કે, રાજકારણનો આટલો લાંબો અનુભવ હોવા છતાં અને રાજકારણનું ગણિત જાણતા હોવા છતાં તેઓ આ ખેલમાં કૂદી પડ્યા અને ગાંધી પરિવાર પ્રત્યેની પોતાની ભક્તિ પુરવાર કરી. ખૈર, આગળ કહ્યું એમ કોંગ્રેસના પ્રશાંત કિશોર પાછળના પૈસા પાણીમાં નથી જવાના. પ્રશાંત કિશોર કોંગ્રેસને ઉત્તરપ્રદેશમાં સત્તા અપાવે કે નહીં અપાવે પણ ગાંધી પરિવારનું નાક જરૂર બચાવી લેશે. આ વખતે યુપીમાં કોંગ્રેસ હારશે તો પણ હારના માછલા ગાંધી પરિવાર પર અને એમાંય ખાસ કરીને રાહુલ ગાંધી પર નહીં ધોવાય.

પ્રિય વાચકો,

હાલ પૂરતું મેગેઝીન સેક્શનમાં નવી એન્ટ્રી કરવાનું બંધ છે, દરેક વાચકોને જૂનાં લેખો વાચવા મળે તેથી આ સેક્શન એક્ટિવ રાખવામાં આવ્યું છે.

આભાર

દેશ અને દુનિયાના સમાચારથી માહિતગાર થવા તેમજ દરેક અપડેટ સમયસર મેળવવા ડાઉનલોડ કરો Khabarchhe.com એપ અને ફોલો કરો Khabarchhe.com ને સોશિયલ મીડિયા પર.