હવે યુદ્ધ એ જ કલ્યાણ?
રવિવારે કાશ્મીરના ઉરીમાં પકિસ્તાન પ્રેરીત આતંકવાદીઓએ હમલો કર્યો અને આપણા સૈન્યના લગભગ અઢાર જેટલા સૈનિકોએ એમના જીવ ગુમાવવા પડ્યાં. આટલી મોટી સંખ્યામાં સૈનિકોના જીવ ગયા અને છેક ઘરમાં આવીને સૂતેલા સૈનિકો પર હુમલો થયો એટલે ભારતભરના સામાન્ય લોકોએ આ બાબતે ઉગ્ર પ્રતિક્રિયા આપી. આવું થવું સ્વાભાવિક છે કારણ કે, ભારતીય તરીકે આપણે સૌ આપણી ભારતમાતા અને એ ભારતમાતાની સલામતી માટે દિવસરાત ખડેપગ રહેતા સૈનિકોને ખૂબ ચાહતા હોવાના અને એમના પર જ હમલો થાય ત્યારે આપણને દુઃખ પણ થાય અને એ દુઃખનો બદલો લેવાનું પણ મન થાય.
વળી, રાષ્ટ્રના હિતની વાત આવે ત્યારે બદલો પણ લેવો જ ઘટે, નહીંતર દોઢ બદામના છછુંદરો ફાટીને ધૂમાડે જાય. પરંતુ આવી સ્થિતિમાં સૌથી મોટો પ્રશ્ન એ જ ઊભો થાય છે કે, શું યુદ્ધ દ્વારા બદલો લઈ શકાય ખરો? અને ધારોકે યુદ્ધ થઈ પણ જાય તો શું આપણે જે સમસ્યા સામે આપણે ઝઝૂમી રહ્યા છે એ સમસ્યાનો યુદ્ધ દ્વારા ઉકેલ આવી જશે? અને જો ઉકેલ આવશે જ કે કેમ એ બાબત આપણે શ્યોર નહીં હોઈએ તો યુદ્ધ કરવાનો અર્થ શું? કારણ કે, યુદ્ધ થાય તો પાકિસ્તાન જેવા દેશની સરકાર કે એથિક્સ નેવે મૂકીને હંમેશાં કામ કરતા એમના લશ્કરની અક્કલ જરૂર ઠેકાણે લાવી શકાય, પરંતુ એની સાથે એ વાત પણ એટલી જ સાચી કે, એવા યુદ્ધોમાં હજારો સામાન્ય નાગરિકોની જાન જોખમમાં મૂકાઈ શકે છે અને લાખો લોકો બેઘર બની શકે છે કે, અબજો રૂપિયાની ખૂવારી ભોગવવાનો વારો આવી શકે છે. આ ઉપરાંત શું યુદ્ધ થાય તો એક જ પક્ષ તરફથી જવાબ મળે? સામેનો પક્ષ હાથ પર હાથ ધરીને બેઠો રહે? એના વળતા જવાબમાં આપણા પણ કરોડો લોકોના જીવ જોખમમાં મૂકાય અને આપણે પક્ષે પણ મોટી નુકસાની આવે?
ઉરીના હમલા પછી સોશિયલ મીડિયામાં જે થનગન ભૂષણો યુદ્ધની તરફેણ કરી રહ્યા હતા એ લોકોએ નહીં તો વિશ્વમાં થયેલા યુદ્ધોના ઈતિહાસ વાંચ્યા હશે કે નહીં એમણે ક્યારેય જીવનમાં નાની અમસ્તી કોઈ યાતના ભોગવી હશે. બાકી, જેઓ સાવ નિર્દોષ હશે ને એમણે યાતના ભોગવી હશે એ ક્યારેય યુદ્ધની તરફેણ નહીં કરે. વિશ્વનો કોઈ પણ દેશ હંમેશાં પોતાના નાગરિકોની તરફેણમાં કાર્ય કરતો હોય છે હાલના તબક્કે અથવા આવનારા ભવિષ્યમાં ભારત જેવા દેશ માટે યુદ્ધ એ કોઇ પણ સમસ્યાનો ઉકેલ હોઈ શકે નહીં. કારણ કે, યુદ્ધ દ્વારા કદાચ તાત્કાલિક શાંતિ મેળવી શકાય, પરંતુ એ શાંતિ હંગામી જ હોવાની. આતંકવાદ અને નફરત એ ઉઘઈની જેમ પ્રસરેલી બાબત છે, જેની સામે લડવા માટે લશ્કરને કંઈક અલગ મોર્ચે લડાવવું રહ્યું.
એમાંય પાકિસ્તાન જેવો દેશ, જે ભારત સામે આજ સુધીમાં એક પણ યુદ્ધ જીતી શક્યું નથી એ દેશને આટલૉ બધી હાર પછી અક્કલ ન આવી હોય એ આ યુદ્ધ પછી સુધરશે ખરો? પણ યુદ્ધ કરીને અનેક નિર્દોષોના જીવન દાવ પર લગાડવા કરતા એમની સાથેના આર્થિક-વ્યાપારિક સંબંધો પર પૂર્ણવિરામ મૂકાઈ જવું અથવા અસરકારક ડિપ્લેમેસીનો ઉપયોગ થવો જોઈએ, જેથી કમઅક્કલોની શાન ઠેકાણે રહે.
આ બધાની સાથોસાથ આપણે આપણી સુરક્ષા વ્યવસ્થા બાબતે પણ પુનઃ પુનઃ વિચાર કરવો રહ્યો. જ્યારે આપણી આસપાસ પાકિસ્તાન, ચીન કે બાંગ્લાદેશ જેવા ડંખીલા દેશો હોય ત્યારે આપણો દેશ બોડી બામણીનું ખેતર બની રહે એ કેટલું યોગ્ય? કેટલાક લોકો એમ કહી રહ્યા છે કે, સરહદના કેટલાક વિસ્તારોની ભૌગોલિક પરિસ્થિતિ જ એટલી ખરાબ છે કે, ત્યાં સુરક્ષા વ્યવસ્થા ગોઠવી શકાય એમ જ નથી. પણ આવાઓને એમ પૂછવાનું મન થાય કે, જે વિસ્તારોમાંથી સૈન્યથી ઓછી આવડતવાળા લોકો પૂરા શસ્ત્રો સાથે ઘૂસી શકતા હોય તો પછી આપણે ત્યાં સજ્જડ સુરક્ષા કેમ નહીં ગોઠવી શકીએ. વળી, આવા બધા કિસ્સામાં આપણી ગુપ્તચર સંસ્થાઓની ભૂમિકા પણ મહત્ત્વની બની જાય છે, જેઓ ધારે તો પાકિસ્તાનનું ચકલું પણ આપણ ધરતી પણ ફરકી ન શકે.
ખૈર, આપણે અહીં તલનું તાડ કરીએ છીએ, અને સરકારની કામગીરી બાબતે ચર્ચા કરીએ છીએ, બીજી તરફ ધિક્કાર વરસાવનારાઓ સતત અને સખત ધિક્કાર વર્ષાવી રહ્યા છે. જોકે જગતનું એ સત્ય છે કે, અંધારી રાત પછી તરત અજવાળું થતું હોય છે, આપણે ધરપત એ જ વાતની લેવાની છે કે, હવે અજવાળું નજીક છે.
પ્રિય વાચકો,
હાલ પૂરતું મેગેઝીન સેક્શનમાં નવી એન્ટ્રી કરવાનું બંધ છે, દરેક વાચકોને જૂનાં લેખો વાચવા મળે તેથી આ સેક્શન એક્ટિવ રાખવામાં આવ્યું છે.
આભાર