કેજરીવાલ આવે છે....
અરવિંદ કેજરીવાલ ફરી ગુજરાત આવી રહ્યા છે અને આ માણસ જ્યારે પણ ગુજરાત આવે છે ત્યારે ઉહાપોહ મચે જ છે. કેજરીવાલ ગુજરાત આવે ત્યારે આપણને શાંતિ એટલી જ કે, આપણે 'તલનું તાડ' કરવાની જરૂર નથી, કારણ કે, તેઓ ખૂદ-બ-ખૂદ જ તલનું તાડ કરે છે, એટલે આપણે માત્ર અમુક વાતનો ચિતાર જ આપવાનો રહે!
ખૈર, ગયા વખતે એમને ઉનાના પીડિતોની ચિંતા હતી એટલે તેઓ ઉના અને સૌરાષ્ટ્રની મુલાકાતે આવેલા તો હવે તેઓ સુરત આવી રહ્યા છે. સુરતમાં તેઓ આવી તો રહ્યા છે, પરંતુ સુરતમાં એમણે વિશેષરૂપે પાટીદારોની બહુમતી ધરાવતા વિસ્તારમાં એમની સભા યોજવાનું પસંદ કર્યું છે. આવે ટાણે કોઈ પણ માણસને એટલી સમજણ જરૂર પડી જાય કે, પાટીદારોના વિસ્તારમાં સભા રાખીને કેજરીવાલ માત્ર ને માત્ર રાજકીય લાભ લેવા આવી રહ્યા છે અને પાટીદારોને પોતાના ખૈમામાં સામેલ કરવાના પ્રયત્નો કરી રહ્યા છે.
વળી, પાટીદાર વિસ્તારમાં સભા રાખીને તેઓ એમ પણ સાબિત કરવા માગતા હશે કે, અમિત શાહ કે વિજય રૂપાણી જેવા ભાજપના ધુરંધરોને જ્યાંથી જાકારો મળે છે ત્યાં અમે સભા કરી શકીએ છીએ! પણ જે કહો એ કેજરીવાલ સુરત આવે છે એ વાતની જાહેરાત થઈ છે ત્યારથી ગુજરાતનું રાજકારણ ગરમાયું છે અને સોશિયલ મીડિયામાં એમના સંદર્ભમાં તરેહ તરેહની વાતો થઈ રહી છે. અરે, સોશિયલ મીડિયામાં જ શું કામ સુરત શહેરમાં પણ રાજકીય ગલિયારામાં ઉશ્કેરાટ ફેલાઈ ગયો છે, જેને પગલે શહેરભરમાં કેજરીવાલની તરફેણ કે એમની વિરુદ્ધમાં પોસ્ટર્સ લાગી રહ્યા છે.
કેજરીવાલની તરફેણમાં જે પોસ્ટર્સ લાગ્યા છે એ બાબતે તો સમજ્યાં કે, આમ આદમી પાર્ટીના ગુજરાત વિભાગે સત્તાવાર રીતે એ પોસ્ટર્સ મૂક્યાં છે, પરંતુ કેજરીવાલની વિરુદ્ધમાં જે પોસ્ટર્સ લાગ્યા છે એના પર કોઈ પણ રાજકીય પક્ષ કે સંગઠનનું નામ કે એમનું ચિહ્ન જોવા નથી મળી રહ્યું. આ પોસ્ટર્સ કોણે લગાવ્યા અને કોણ સુરતના લોકોને કેજરીવાલની વિરુદ્ધ ઉશ્કેરી રહ્યું છે એ વિશે જાણવાની સૌને ઉત્સુક્તા છે, પરંતુ હજુ સુધી કોઇ ચોક્કસ નામો કે સંગઠન વિશે જાણી શકાયું નથી.
સુરતમાં ચોરે ને ચૌટે આમ આદમીની ટોપી પહેરીને ફરતા અને સોળમી તારીખની સભાનો પ્રચાર કરી રહેલા કાર્યકર્તાઓને અમે આ બાબતે પૂછ્યું કે, અરવિંદ કેજરીવાલની વિરુદ્ધમાં કોણે આ પોસ્ટર્સ લગાવ્યા હશે? તો એમણે જણાવ્યું કે, આ કામ માત્ર બાર કે તેર જણાનું છે, જેઓ અમારી વિરુદ્ધ આવું લખીને લોકોને ભડકાવવાનો પ્રયત્ન કરી રહ્યા છે.'
જોકે અંગતપણે અમે એવું માનીએ છીએ કે, ચૂંટણી ટાણે આવા રાજકીય ત્રાટક તો થતાં રહે, પણ આમ આદમી પાર્ટીના પ્રણેતા જે રીતે પવન જોઈને એમનો રાજકીય સઢ ફેરવી રહ્યા છે એ કંઈક ઠીક નથી લાગતું. કેજરીવાલ અને એમના પક્ષનો ઉદય થયેલો ત્યારે તેઓ જે મુલ્યોની વાતો કરી રહ્યા હતા એ મુલ્યોનો સદંતર હ્રાસ થયો હોય એવું લાગે છે. તેઓ જે ભ્રષ્ટાચાર કે વિકાસની વાતો કરીને રાજકારણ રમવાની વાતો કરતા હતા એ કંઈક અંશે પાછળ છૂટી ગયું હોય એવું લાગી રહ્યું છે અને એની જગ્યાએ કેજરીવાલ જાતિવાદના રાજકારણને પ્રોત્સાહન આપી રહ્યા છે. અલબત્ત, તેઓ ભ્રષ્ટાચારની વાતો જરૂર કરી રહ્યા છે, પરંતુ ભ્રષ્ટાચારના નક્કર પુરાવા આપવાની જગ્યાએ તેઓ માત્ર આક્ષેપબાજી કરીને વાતાવરણ તંગ રાખવાનો પ્રયત્ન કરી રહ્યા હોય એવું લાગી રહ્યું છે.
એક નવા ઉભરેલા રાજકીય પક્ષ તરીકે ગુજરાતની પ્રજા સામે એમણે જે મુદ્દા મૂકવા જોઈએ એ મુદ્દાનો સદંતર અભાવ જણાઈ રહ્યો છે, એની સામે તેઓ ક્યાંક ઊનાની ઘટનાનો રાજકીય લાભ લેવા દોડી આવે છે તો હવે એમની નજર પાટીદારો પર ઠરી છે. અલબત્ત, દલિતો અને પાટીદારોની પોતપોતાની સમસ્યા હશે અને એ સમસ્યાઓને ન જ અવગણી શકાય, પરંતુ દલિતો અને પાટીદારોને રાતોરાત સમર્થન આપવા દોડી આવવું એને તો માત્ર ને માત્ર રાજકીય લાભ લીધો કહેવાય. માત્ર એક જ વાક્યમાં આ વાત કહેવી હોય તો એમ કહી શકાય કે, કેજરીવાલ ગુજરાતી પ્રજાની સમસ્યાને માધ્યમ બનાવીને વિઠ્ઠલભાઈ પટેલ ભવનમાં પોતાનું સ્થાન બનાવવાની તજવીજ કરી રહ્યા છે.
ખૈર, હજુ આવતીકાલે એ જોવું રહ્યું કે, સુરતની એમની સભા કેવી રહે છે અને એમાં તેઓ શું બોલે છે? વળી, એ પણ જોવું રહ્યું કે, સભા યોગ્ય રીતે ચાલશે કે એમાં પણ કોઈક અસામાજિક તત્ત્વો ઉહાપોહ મચાવશે? કારણ કે, એમના વિરોધીઓ ઉપરાંત સામાન્ય લોકો એમનાથી સર્જિકલ સ્ટ્રાઈકના એમણે માગેલા પુરાવાને ધ્યાનમાં રાખીને એમના પર ખફા છે. આપણે તો માત્ર એટલી જ કામના કરવાની કે, કેજરીવાલ હોય કે અન્ય કોઈ પણ પક્ષના નેતા હોય, એમને એમની વાત કે એમનો વિચાર યોગ્ય રીતે કહેવાની તક મળવી જોઈએ. આફ્ટરઑલ આ લોકશાહી છે. ટોળાશાહીને નામે કોઇ પણ નેતાને પરેશાન તો ન જ કરી શકાય.
પ્રિય વાચકો,
હાલ પૂરતું મેગેઝીન સેક્શનમાં નવી એન્ટ્રી કરવાનું બંધ છે, દરેક વાચકોને જૂનાં લેખો વાચવા મળે તેથી આ સેક્શન એક્ટિવ રાખવામાં આવ્યું છે.
આભાર