મેરે પ્યારે પ્રધાનમંત્રીજી…

28 May, 2016
12:05 AM

મમતા અશોક

PC:

આદરણીય વડાપ્રધાનશ્રી,

તમારી સરકારને બે વર્ષ પૂરા થયાં છે તો સૌથી પહેલા તો તમને અને તમારી સરકારને અભિનંદન. છેલ્લા બે-ત્રણ દિવસથી ટેલિવિઝન, અખબારો અને રેડિયો પર આવતી જાહેરખબરો જોઈને એમ લાગી રહ્યું છે કે, દેશના અન્ય પક્ષો અને તમારા વિરોધીઓની જેમ તમારી સરકારને પણ આ બાબતે ઘણું આશ્ચર્ય થયું હોવું જોઈએ કે, સાલું, વિદેશ પ્રવાસો અને વિવિધ રાજ્યોની ચૂંટણીઓમાં ભાજપનો પ્રચાર કરતા કરતા બે વર્ષનો સમય ક્યાં પસાર થઈ ગયો એનો કોઈ ખ્યાલ જ નહીં રહ્યો! અને કદાચ એટલે જ તમે સફાળા જાગ્યા હોવા જોઈએ અને લોકો આ સરકાર પાસે બે વર્ષનો હિસાબ માગે એ પહેલા તમે જ ગાઈવગાડીને બે વર્ષની તમારી ઉપલબ્ધીઓની જાહેરાતો કરી દીધી!

કેજરીવાલની જેમ અમે તમને એમ તો નહીં પૂછીએ કે, દેશના મોટાભાગના અખબારો, ટેલિવિઝન ચેનલો અને રેડિયોની જાહેરાતો કે રોજનું હજારોનું ભાડું વસૂલતા મોટા શહેરોના હોર્ડિંગ્સ પાછળ તમે કેટલા કરોડ રૂપિયાનો ધૂમાડો કર્યો? પણ એટલું જરૂર કહી શકીએ કે, આપણે કંઈ અમેરિકા જેવા દેશોની જેમ સદ્ધર તો નથી જ! એટલે આટલો પૈસો ખરેખર ક્યાંક કોઇ વિકાસના કામમાં કે દેશના ગરીબો કે ખેડૂતો માટે વપરાયો હોત તો તમારી કામગીરી અમસ્તી જ ઊડીને આંખે વળગી હોત. પણ તમારી તો ગુજરાતના સમયથી એવી આદત રહી છે કે, તમે કોઈ પણ યોજના અમલમાં મૂકો (સોરી, યોજનાની જાહેરાત કરો! અલમની વાત તો પછી આવે.) ત્યારે યોજના પાછળ ખર્ચાયેલા રૂપિયા કરતા વિકાસ પુરુષ તરીકેની તમારી છાપ ઊભી કરવા પાછળ વધારે ખર્ચો કરી નાંખો છો!

અરે વડાપ્રધાનશ્રી, તમે તો ચ્હા વેચીને (ખરેખર?) ઉપર આવેલા માણસ છો તો તમને તો દેશના આ પૈસાની કદર હોવી જોઈએ. રોજબરોજના જીવનમાં સામાન્ય માણસ કેટલા વીસે સો કરતો હોય છે એનો પણ તમને ખ્યાલ હશે એવું અમે માનીએ છીએ. ત્યારે સરકારની સિદ્ધિઓના પ્રચાર દ્વારા તમારા પક્ષ ભાજપનો પ્રચાર કરવા સરકારી ખર્ચે કરોડો રૂપિયાની જાહેરાતો કરવાનો શો અર્થ?

લાગે છે તમને તમારા કામમાં અને તમારી સરકારની કામગીરીમાં ઝાઝી શ્રદ્ધા નહીં હોવી જોઈએ. તો જ તમે આટલી બધી જાહેરાતો કરી રહ્યા છો ને? તમે જો ખરેખર સારું કામ કર્યું જ હશે તો દેશના મહત્ત્વના અખબારો કે ન્યૂઝ ચેનલો આમ પણ તમારી કામગીરીના લેખાં-જોખાં રજૂ કરતે જ અને એ રીતે પરોક્ષ રીતે તમારી સરકારની કુશળતા પણ પુરવાર થઈ જતે. પણ નહીં, તમારે તો દેશના તમામ મહત્ત્વના અખબારોના ફ્રન્ટપેજ પર ઝળકવું હતું અને તમારે પોતે જ તમારી સિદ્ધિઓની જાહેરાતો કરવી હતી. છો ને સો-બસો કરોડ આમતેમ થઈ જતાં! આમેય, અચ્છે દિનની રાહ જોઈને બેઠેલા દેશના નાગરિકો ટેક્સ તો ભરવાના જ છે ને? તમારે ક્યાં તમારા ખીસામાંથી કાઢવા છે? કેમ?

તમારી સરકારને બે વર્ષ થયાં એની ઉજવણી દરમિયાન તમે એક વાત એમ કરી કે, બે વર્ષમાં દેશમાં એક પણ ભ્રષ્ટાચાર બહાર નહીં આવ્યો. સાચી વાત છે. ભ્રષ્ટાચાર બહાર નહીં લાવવામાં તમારી અને તમારી સરકારની હથોટી છે એ વાત સ્વીકારવી રહી. કોણ જાણે આ એક વ્યાપમ ક્યાંથી બહાર આવી ગયું? જોકે વ્યાપમ સંદર્ભે વ્યાપેલા ઉહાપોહને પણ તમે યોગ્ય સમયે દાબી તો દીધો જ. અને રસ્તે ચાલતા કે સરકારી ઓફિસોમાં ચાલતા બસો-પાંચસોનો વહેવાર તો તમારી ભ્રષ્ટ્રાચારની વ્યાખ્યામાં ક્યાંય આવતો જ નથી!

વડાપ્રધાનશ્રી, છેલ્લા બે વર્ષમાં તમે સ્વચ્છતા મિશન, ડિજિટલ ઈન્ડિયા, સ્ટાર્ટ-અપ અને મેક ઈન ઈન્ડિયા જેવી યોજનાઓ લઈ આવ્યા. એ યોજનાઓને ગતકડું તો નહીં જ કહી શકાય. કારણ કે, આ યોજનાઓની પાછળનો વિચાર અને એ યોજનાઓ સફળ ગઈ તો એના લાભ ઘણા નેક કહી શકાય એવા છે. તમે પોતે આવી યોજનાઓમાં અંગત રસ લીધો છે અને એ યોજનાઓને પ્રોત્સાહન આપ્યું છે એટલે તમારા ઘણા વિરોધીઓ આ બધી યોજનાઓને અયોગ્ય ગણાવતા હશે કે, એ યોજનાઓને તમારા ગતકડાં તરીકે ઓળખાવતા હશે. પરંતુ હજુ આ યોજનાઓ એમના પ્રારંભિક તબક્કામાં છે અને પ્રારંભિક તબક્કામાં જ આ યોજનાઓનું લેખું-જોખું કરવું સર્વથા અયોગ્ય છે. એ યોજનાઓ કેટલી સફળ થઈ કે, એમાં કેટલો ભ્રષ્ટાચાર થયો કે સામાન્ય માણસોને એનાથી શું લાભો થયાં એ બધી વાતોની ચર્ચા આપણે 2017માં કરીશું.

પણ હા, આપણે અન્ય કેટલાક મુદ્દાની ચર્ચા તો કરી જ શકીએ. જેમાંનો એક મુદ્દો છે કાશ્મીરનો મુદ્દો. વડાપ્રધાન બન્યાં પહેલા તમે 'એક દેશ એક બંધારણ'ની વાતો કરતા હતા અને બંધારણની 370મી કલમનો ડટકર વિરોધ કરતા હતા. વિરોધ તો ઠીક તમે ગામ ગજવીને કહેતા હતા કે, તમે વડાપ્રધાન બનશો એટલે તુરંત 370ની કલમને નાબૂદ કરશો. પરંતુ તમને વડાપ્રધાન બન્યાં છે બે વર્ષ થયાં હોવા છતાં તમે આ દિશામાં કશું નક્કર કામ નથી કરી શક્યા. અરે, આ તો ઠીક, 370ની બાબતે તમે અત્યાર સુધીમાં એક શબ્દ સુદ્ધાં નથી ઉચ્ચાર્યો. અને આટલું ઓછું હોય એમ, કાશ્મીરની ભાગલાવાદી પાર્ટી PDP સાથે તમારું ભાજપ લગ્નગ્રંથીથી જોડાઈ ગયું! અરે, વડાપ્રધાનશ્રી, કાશ્મીરના ચૂંટણી પ્રચાર વખતે તમે પોતે જ એ 'બાપ-બેટી કી સરકાર' વિશે ફાવે એમ બોલતા એ તો તમને યાદ જ હશે ને?

ચાલો એ પણ ભૂલી જઈએ. ચૂંટણીઓ વખતે વિદેશમાં પડેલા દેશના કાળાનાણાં વિશે તમે બહુ ખોંખારા ખાધેલા. તમે કહેલું કે, સરકાર બન્યાંના સો દિવસમાં કાળું દેશમાં લઈ આવીશું અને દેશના લોકોના અકાઉન્ટમાં 15 લાખ રૂપિયા જમા કરાવી આપીશું. અરે, આ વાતે તો અમે ત્યારે જ નાહી નાંખેલું કે, દેશના લોકોના અકાઉન્ટમાં પંદર લાખ તો ઠીક પંદર રૂપિયા પણ આવી શકે એમ નથી. પરંતુ અમને એવી આશા જરૂર બંધાયેલી કે, વિદેશોમાં પડેલું કાળું નાણું જરૂર દેશમાં પરત આવશે, જે પૈસો લોકો માટેની વિવિધ યોજનાઓ પાછળ ખર્ચાશે. પણ આશા પણ પાણી ત્યારે ફેરવાઈ ગયું, જ્યારે તમારા હનુમાન અમિત શાહે આ આખી વાતને ‘ચુનાવી જુમલા’ તરીકે ગણાવી દીધી.

અધૂરામાં બે-ત્રણ દિવસ પહેલા તમે પોતે પણ એક ઈન્ટરવ્યુમાં જણાવ્યું કે, વિવિધ રાજકીય પક્ષો દ્વારા ચૂંટણી દરમિયાન થતાં વયદા પર દેશે બહુ ધ્યાન નહીં આપવું! અલબત્ત, આ વિધાન તમે અમેરિકાના ચૂંટણી પ્રચારના સંદર્ભમાં કહેલી, પણ શું આ વાત આપણા દેશની ચૂંટણીઓ અને સરકારો માટે લાગું નહીં પડતી હોય? જે વડાપ્રધાન આવું બોલતા હોય એ વડાપ્રધાનને લાગું નહીં પડતી હોય? તમે આવું બધુ કહો છો તો અમને એવું લાગે છે કે, કોઇ અમને છેતરી રહ્યું છે. કારણ કે, ચૂંટણીઓ દરમિયાન થયેલા વાયદાને ધ્યાનમાં રાખીને જ સામાન્ય મતદાર કંઈક આશા બાંધતો હોય છે અને એ આશાને હિસાબે જ એ મતદાર મતદાન પણ કરતો હોય છે. તો પછી ચૂંટણી ટાણે થયેલા વાયદા પર ધ્યાન નહીં આપવું એમ તમે કહો ત્યારે અમારા દિલને ઠેસ નહીં પહોંચે? એનો અર્થ તો એ જ થયો ને મતદારને છેતરવા માટે જ ચૂંટણીઓ દરમિયાન વાયદા થતાં હોય છે?

ખૈર, આમ તો છેતરાતા રહેવું એ ભારતના નાગરિકની હૉબી થઈ ગઈ છે. કારણ કે, છેલ્લા સિત્તેર વર્ષોથી અમે વારંવાર વિવિધ નેતાઓ પર વિશ્વાસ મૂકતા આવ્યા છીએ અને મોટેભાગે અમે છેતરાતા પણ આવ્યા છીએ. પણ તમારી પાસે અમને થોડી ઉમ્મીદ જરૂર છે. તો એ ઉમ્મીદને બરકરાર રાખશો એવી તમારી પાસે આશા રાખીએ છીએ…

લિ.
અચ્છે દિનની રાહમાં તરસતો દેશનો આમ આદમી

પ્રિય વાચકો,

હાલ પૂરતું મેગેઝીન સેક્શનમાં નવી એન્ટ્રી કરવાનું બંધ છે, દરેક વાચકોને જૂનાં લેખો વાચવા મળે તેથી આ સેક્શન એક્ટિવ રાખવામાં આવ્યું છે.

આભાર

દેશ અને દુનિયાના સમાચારથી માહિતગાર થવા તેમજ દરેક અપડેટ સમયસર મેળવવા ડાઉનલોડ કરો Khabarchhe.com એપ અને ફોલો કરો Khabarchhe.com ને સોશિયલ મીડિયા પર.