આજનું પત્રકારત્વ અને આપણું પત્રકારત્વ

23 Apr, 2016
12:02 AM

mamta ashok

PC:

આજકાલ છાપાં વાંચીએ પછી ખરેખર ઉદાસીન થઈ જવાય છે. ઉદાસીન થવાનું કારણ છાપાંમાં છપાતી ઘટનાઓ નથી. ઉદાસીનતાનું કારણ છે પત્રકારોની ખુદની ઉદાસીનતા. હવે આ બધું આશયપૂર્વક થઈ રહ્યું કે, આપોઆપ થઈ રહ્યું છે એની તો ઝાઝી ખબર નથી પણ અખબારોમાં આપણે જે ઘટના વાંચીએ છીએ એ ઘટનાનું ચિત્રણ સાવ જુદી રીતે જ કરવામાં આવે છે.

ઉદાહરણ તરીકે થોડા દિવસો પહેલાં દેશમાં ક્યાંક આગ લાગી અને એમાં ત્રણેક લોકો બળીને મૃત્યુ પામ્યાં. તો સમાચારનું મથાળું કંઈક એ મુજબનું જ હોવું જોઈતું હતું પરંતુ મથાળું એવું ન હતું અને એમાં એવું વાંચવા મળ્યું કે, ‘ફલાણી જગ્યાએ આગઃ ત્રણ દલિતો બળીને ભડથું.’ અખબારના સામાન્ય વાચકનું કદાચ આ બાબતે ધ્યાન નહીં જાય પણ જાગૃત નાગરિક તરીકે આપણને એમ સવાલ થવો જ જોઈએ કે, જે મૃત્યુ પામ્યા એ લોકો સૌથી પહેલા માણસ હતા કે દલિત? જો તેઓ માણસ હોય તો ત્રણ લોકો મૃત્યુ પામ્યા એમ જ લખી શકાયને? પણ કોણ જાણે કેમ કયા આશયથી આ રીતે કમોતે મરનારા લોકોનું વિભાજન કરી નંખાય છે અને એમના મૃત્યુના સમાચાર સનસનાટીભર્યા છપાય છે. આવું જ એક બીજું ઉદાહરણ લઈએ તો ધારો કે કોઈ શહેરમાં કાર અને સાયકલ સવારનો અકસ્માત થયો હોય તો આપણે એ વાત ત્યારથી ધારી લેવાની કે, કાલે છાપામાં આ ઘટનાના સમાચાર કંઈક આ રીતે પ્રકાશિત થશે. ‘ધનવાન ઘરના નબીરાએ સાયકલ સવારને કચડી માર્યો.’ અરે મારા ભાઈ, શું પેલો માણસ કારવાળો હતો એટલે એનો ગુનો વધી જાય? અને કોણે કહ્યું કે, એ ગુનેગાર છે? કોઈ જાણીજોઈને અકસ્માત કરતું હોય? કોઈને મારવાનો એ કારવાળાનો ઇરાદો જ ન હોય તો પછી ‘કચડી માર્યો’ શબ્દ શું કામ વાપર્યો? અને મજાની વાત એ છે કે, કોઈ પણ કાર અને સાયકલ કે કાર અને મોપેડ કે બાઈકવાળાનો અકસ્માત થાય તો મોટા ભાગના પત્રકારો ‘ધનવાન ઘરના નબીરા…’ શબ્દનો પ્રયોગ કરતા હોય છે. ઘણેભાગે એમની પાસે નવા શબ્દો હોતા જ નથી. 

શબ્દોની બાબતે એક બીજો શબ્દ છે ‘કસબ અજમાવી ગયા!’ ક્યાંક પણ ચોરી થાય ત્યારે છાપાંમાં આપણને આ હેડલાઈન ખાસ વાંચવા મળે કે, ‘દુકાનનાં તાળાં તોડીને ચોર કસબ અજમાવી ગયા.’ અરે, આવું જ કંઈક બોર્ડની પરીક્ષાઓ દરમિયાન પણ વાંચવા મળે! ધારોકે દસમાં ધોરણનું ગણિતનું પેપર થોડું ભારે આવ્યું હોય તો બીજા દિવસે છાપાંમાં મોટા ભાગે એક સરખું ટાઇટલ જોવા મળશે કે, ‘દસમાના ગણિતના પેપરે વિદ્યાર્થીઓને રીતસરના રડાવ્યાં.’ ભલા, રડવાની પણ કોઈ રીત હોય છે? નાટકના નવ રસો વિશે સાંભળેલું કે વાર્તાઓના રસો વિશે પણ જાણેલું, માણસ ભેંકડો તાણવા બેસે ત્યારે પણ કોઈ ચોક્કસ પેટર્નથી રડતો હોય?
ગુજરાતી અખબારોમાં બીજી મજાની અને જોવા જેવી વાત એ હોય છે કે, અખબારમાં કોઈ રિપોર્ટ છપાયો હોય તો એ એક જ રિપોર્ટમાં કોઈ એક શબ્દની જોડણી જુદી જુદી રીતે લખાયેલી હોય છે અને એનાથીય મજા આવે એવી વાત એ હોય છે કે ઘણી વખત જુદી જુદી રીતે લખાયેલી ત્રણ જોડણીઓમાંની એક પણ જોડણી સાચી નથી હોતી!

આ બાબતે કેટલાક શૂરાઓ એમ દલીલ કરે છે કે આપણે ક્યાં ‘પરબ’ કે ‘નવનીત સમર્પણ’ પ્રકાશિત કરીએ છીએ? અમે તો અખબાર કાઢીએ છીએ અખબાર... અમારું મુખ્ય કામ છે માહિતી પીરસવાનું.’ અરે વાહ! શું વાત છે યાર તમે લોકો તો કેટલા પ્રતિબદ્ધ છો. વેરી ઇમ્પ્રેસિવ! ચાલો તમે ‘પરબ’ નથી કાઢતા એ વાત સાચી છે પણ તમે માહિતી જ આપો છો એ વાતમાં કેટલો દમ? તમને એ વાતનો પણ ખ્યાલ નથી હોતો કે તમે જે અહેવાલ લખો છો એમાં માત્ર શુદ્ધ માહિતી જ નથી હોતી પણ કોઈ જાણે કોર્ટના જજ હોય એમ તમે એ અહેવાલમાં ચુકાદા પણ સંભળાવી દો છો અને જેમાં ચુકાદો નથી સંભળાવતા એમાં તમે કારણ વગરની સનસનાટી કે ઉશ્કેરણી ફેલાવો છો. તો જ તો જ્યારે આગમાં કોઈ માણસ મૃત્યુ પામે તો એમાં ‘દલિત’ શબ્દનો ઉલ્લેખ કરીને સનસનાટી મચાવો છો. અથવા અકસ્માતથી કોઈનો અકસ્માત થઈ જાય તો તમે એ ઘટનામાં ‘ધનવાન ઘરના નબીરાએ ગરીબને કચડી માર્યો’નો ચુકાદો આપી દો છો.

આ તો ન્યૂઝની વાત થઈ. આમાં હજુ ઘણા મુદ્દા પર મુદ્દાસર લખી શકાય છે, પણ એ બધું ફરી ક્યારેક. એની ચર્ચા આજે કરીશું તો ન્યૂઝની સાથે વ્યૂઝની ચર્ચા કરવાની રહી જશે. થોડા દિવસોથી હું ટીવી અને અખબારોના પત્રકારો દ્વારા રજૂ થતાં વ્યૂઝ અને એમની અંગત વિચારધારાઓનો અભ્યાસ કરી રહી છું. ટેલિવિઝન અખબાર કરતાં વધુ ખાડે ગયું છે એટલે એ વિશે એક સ્વતંત્ર લેખ કરીશું. આજે માત્ર અખબારની વાત.

આજકાલ અનેક ગુજરાતી અખબારોની કૉલમો અને અખબારોના તંત્રી લેખો વાંચીએ તો આપણને ખ્યાલ આવે કે, અંગ્રેજીમાંથી સીધું ટ્રાન્સલેશન કરીને પોતાના નામ સાથે વાચકોને માથે લેખ પછાડતા કૉલમનિસ્ટોને બાદ કરતા જે મૌલિક લખે છે અને ખરેખર સારું લખે છે, એમાંના કેટલાક લેખકો કે પત્રકારો ભાજપ અને કોંગ્રેસ એમ બે જૂથોમાં વહેંચાઈ ગયેલા હોય એવું લાગે છે. કોઈ પણ ઘટના કે દેશ-સમાજને લગતા કોઈ પણ મુદ્દા પરના લેખોમાં પત્રકારના વિચારની તટસ્થતા અથવા જનસામાન્યને એ મુદ્દો કઈ રીતે સ્પર્શે છે અને એના ફાયદા-ગેરફાયદા શું છે એ વિશેની વાતો જૂજ લેખોમાં વાંચવા મળે છે. મોટા ભાગે તો મૂળ મુદ્દાની વાત એકાદ ફકરામાં ન્યૂઝની જેમ છાપી મારે અને પછીના ફકરાઓમાં જ્યાં વ્યૂઝ આપવાના હોય ત્યાં પોતાનો અંગત પ્રેમ કે અંગત દ્વેષ ઠાલવે છે. પેલો જમણેરી વિચારધારા ધરાવતો લેખક એના લેખોમાં સત્તાપક્ષની ભક્તિ અને કોંગ્રેસ પ્રત્યેનો પોતાનો દ્વેષ સિવાય એમાં બીજું કશું જ નથી લખતો. તો કોંગ્રેસતરફી લેખક બાબરી કે 2002ને યાદ કરીને સેક્યુલરવાદની વાત કરશે.

તર્કબદ્ધ દલીલો અને સમાજોપયોગી વાતો ખરેખર બહુ જૂજ વાંચવા મળે છે. કારણ કે સારું લખી જાણતા કેટલાક લેખકો મોદીજીએ શું કર્યું? અને મોદીએ સત્તામાં આવ્યા પછી શું નહીં કર્યું એની બાયસ્ડ ચર્ચાના કળણમાં જ ડૂબેલા રહે છે. અરે, એક કટાર લેખકે તો થોડા દિવસો પહેલાં એક હોલિવુડ ફિલ્મ વિશેના પોતાના લેખમાં પોતાની મોદી ભક્તિ ઠાલવી દીધેલી અને વડાપ્રધાનને સાષ્ટાંગ દંડવત્ કરેલા! અરે, બાપા આવું જ ચલાવીને તમે કોઈ રાજકીય પક્ષનો પ્રચાર કરવાના હો તો તમારે જેતે પાર્ટીના મુખપત્રોના તંત્રી થઈ જવું જોઈએ અને હું તો ત્યાં સુધીની સલાહ આપું છું કે, આવા બૌદ્ધિક પ્રચારકોની જેતે પક્ષને જ ખૂબ જરૂર હોય છે એટલે તમારે પક્ષના સત્તાવાર પ્રચારક બની જવું જોઈએ, જેથી ચૂંટણી નહીં જીતી શકાય તોય વાયા રાજ્યસભા તમને રાજકારણમાં એન્ટ્રી મળે.

કદાચ આ બધાં કારણોને લીધે જ આજકાલ દેશમાં લોકો મીડિયાને સરેઆમ ગાળો દે છે. કારણ કે, મીડિયાએ ખરા અર્થમાં મીડિયા બનવાની જગ્યાએ મીડિયાના લોકો વિવિધ રાજકીય પક્ષોના પીઆરઓ બની ગયા છે તો કેટલાક ચંદ લાખો માટે પોતાનું ઇમાન વેચીને બેઠા છે. એમાં એક જમાત તો એવી છે કે, એમને માત્ર સરકારી એવોર્ડની જ ખેવના છે, જેને પામવા માટે કોઈ પણ સત્તાપક્ષની તેઓ ભક્તિ કરતા રહેતા હોય છે. આ બધાંને કારણે બીજું તો કંઈ નહીં, પણ સામાન્ય લોકોનો માધ્યમો પરથી વિશ્વાસ ઊઠી રહ્યો છે અને મીડિયા એની ક્રેડિબિલિટી ગુમાવી રહ્યું છે. ઘણા લોકો એ વાત ભૂલી જાય છે કે, અમે જે કરીએ છીએ એની વાચકોને કે દર્શકોને કંઈ ખબર જ નથી પડતી પણ આજના માહિતી યુગમાં દરેક માણસ ચાણક્ય છે. ઘણા કિસ્સામાં તો વાચકો લેખકો કરતાં વધુ જાણતા હોય છે ત્યારે વાચકો એટલું તો સમજી જ શકે કે આ લેખક કેટલું જાણે છે અને કયા પક્ષનો પ્રચારક છે કે આ લખાણ દ્વારા એની મનસા શું છે? તમને શું લાગે છે વાચકોને આ બધી સમજણ નહીં પડતી હોય? આ સમાજ નર્મદ યુગનો સમાજ નથી, આ સમાજ ટેક્નોલોજી યુગનો છે! એટલે આ બાબતે વિચાર તો કરવો જ પડશે.

પ્રિય વાચકો,

હાલ પૂરતું મેગેઝીન સેક્શનમાં નવી એન્ટ્રી કરવાનું બંધ છે, દરેક વાચકોને જૂનાં લેખો વાચવા મળે તેથી આ સેક્શન એક્ટિવ રાખવામાં આવ્યું છે.

આભાર

દેશ અને દુનિયાના સમાચારથી માહિતગાર થવા તેમજ દરેક અપડેટ સમયસર મેળવવા ડાઉનલોડ કરો Khabarchhe.com એપ અને ફોલો કરો Khabarchhe.com ને સોશિયલ મીડિયા પર.